બહાદુરખાં (જ. 19 જાન્યુઆરી 1931, શિવપુર, બાંગ્લાદેશ) : ઉચ્ચકોટિના સરોદવાદક. પિતા ઉસ્તાદ આયતઅલીખાં સૂરબહારના સિદ્ધહસ્ત વાદક હતા. સંગીતની પ્રાથમિક તાલીમ બહાદુરખાંએ પાંચ વર્ષની વયે પોતાના પિતા પાસેથી અને ત્યારબાદ સાત વર્ષની વયે પોતાના કાકા અને મહિયર ઘરાનાના અલાઉદ્દીનખાં પાસેથી મેળવવાની શરૂઆત કરી. અને ઉપર્યુક્ત ઘરાનાની સંગીતશૈલી તેમણે ટૂંકસમયમાં જ આત્મસાત્ કરી. વીસ વર્ષની અથાક સાધના બાદ થોડાં વર્ષો તેમણે મુંબઈમાં ગાળ્યાં, અને વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરની નૃત્યનાટિકા ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ અને ‘રિધમ ઍન્ડ મેલડી’માં સરોદવાદન કર્યું હતું. તે ઉપરાંત તેમણે ‘લિટલ બૅલે થિયેટર’ને ઉપક્રમે યોજાયેલી ‘મેઘદૂત’, ‘પંચતંત્ર’ જેવી કેટલીક નૃત્યનાટિકાઓમાં સંગીત-દિગ્દર્શન કર્યું હતું. ત્યારબાદ તેઓ થોડોક સમય જોધપુર રહ્યા અને પછી કાયમી વસવાટ માટે કલકત્તા ગયા.

તેમણે આકાશવાણી, દૂરદર્શન તથા અનેક સંગીતપરિષદોમાં યશસ્વી કાર્યક્રમો આપ્યા છે. તેમણે પોતાના કાર્યક્રમો આપવા માટે યુરોપના કેટલાક દેશો, અમેરિકા, ચીન અને મધ્યપૂર્વના દેશોની મુલાકાત લીધી હતી. તેમણે કેટલીક રાગરચનાઓ પણ કરી છે. સંગીતના શિક્ષક તરીકે પણ તેમણે નામના પ્રાપ્ત કરી છે.

બટુક દીવાનજી