બહાદુરશાહ ‘ઝફર’

January, 2000

બહાદુરશાહ ‘ઝફર’ (જ. 1775; અ. 2 નવેમ્બર 1862) : બાબરે ભારતમાં સ્થાપેલ મુઘલ વંશના છેલ્લા બાદશાહ. તેઓ બહાદુરશાહ બીજાના નામે જાણીતા હતા. તેમનું મૂળ નામ અબૂ ઝફર હતું. 1837માં ગાદી પર બેઠા પછી તેમનું નામ અબૂ ઝફર મુહમ્મદ સિરાજુદ્દીન બહાદુરશાહ ગાઝી રાખવામાં આવ્યું.

બહાદુરશાહના જન્મ અને ઉછેર સંબંધી અધિકૃત વિગતો મળતી નથી; પણ ઉર્દૂ, અરબી અને ફારસી પરંપરા મુજબ તેમણે શિક્ષણ લીધું હતું. તેઓ સારા ઘોડેસવાર, તલવારબાજ, તીરંદાજ અને બંદૂક ચલાવવામાં કુશળ હતા. તેઓ સૂફી-દર્શનના ઊંડા અભ્યાસી, ફારસીના વિદ્વાન અને ઉચ્ચ કોટિના શાયર પણ હતા. ‘ઝફર’ તેમનું શાયર તરીકેનું ઉપનામ હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પેન્શન લેતા બાદશાહ તરીકે શાસકીય ક્ષેત્રે તેમણે ખાસ કંઈ કરવાનું હતું નહિ. એટલે તેમના શાસનકાળ અંગે કોઈ નોંધપાત્ર માહિતી મળતી નથી; પરંતુ તેમના સમકાલીન શાયરો ઇબ્રાહિમ ‘જૌક’ અને અસદુલ્લાખાં મુજબ ‘ગાલિબ’થી તેઓ પ્રભાવિત હતા અને તેઓ તેમનું માર્ગદર્શન લેતા હતા.

ભારતના ઇતિહાસમાં બહાદુરશાહ ‘ઝફર’ 1857ના વિપ્લવના વયોવૃદ્ધ નેતા તરીકે સ્મરણીય છે. અંગ્રેજ શાસનની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવાના આ નિષ્ફળ પ્રયાસમાં તેઓ સહભાગી હતા.

11 મે 1857ના રોજ મેરઠથી આવેલ વિદ્રોહી સૈનિકો દિલ્હીના લાલ કિલ્લામાં બહાદુરશાહ પાસે ગયા, મેરઠમાં બનેલી ઘટનાથી બહાદુરશાહને વાકેફ કર્યા અને બહાદુરશાહને નેતાગીરી લેવા વિનંતી કરી. બહાદુરશાહે તેમને પગાર ચૂકવવાની પોતાની અસમર્થતા વ્યક્ત કરી; આમ છતાં વિદ્રોહી સૈનિકોને તેમની નેતાગીરી જોઈતી  હતી તેથી બાદશાહે અનિચ્છાએ વિદ્રોહની નેતાગીરી લીધી અને લાલ કિલ્લો તેમના જયજયકારથી ગાજી ઊઠ્યો.

16 મે 1857ના રોજ વિદ્રોહી સૈનિકોએ દિલ્હીનો કબજો મેળવી લીધો અને ત્યાંના લાલ કિલ્લા પર મુઘલ સમ્રાટ બહાદુરશાહનો ધ્વજ લહરાવ્યો. તેના પ્રત્યાઘાતો સમગ્ર ભારતમાં પડ્યા. બહાદુરશાહે ભારતનાં દેશી રાજ્યોને પત્રો લખી મદદની માંગણી કરી. એ સાથે રાષ્ટ્રીય ભાવનાથી તેમણે પ્રજાજોગ ત્રણ જાહેરનામાંઓ પણ બહાર પાડ્યાં. તેમના છેલ્લા જાહેરનામામાં તેમણે દેશના લોકોને આઝાદી મેળવવા અનુરોધ કર્યો.

દિલ્હીના વિજય પછી ભારતીય સૈનિકોમાં અનેક નબળાઈઓ પ્રવેશી હતી. શિસ્તનો અભાવ અને દેશી રાજાઓની નિષ્ક્રિયતા જેવાં કારણોએ સપ્ટેમ્બર 1857માં ફરી એક વાર દિલ્હી સર કરવામાં અંગ્રેજ લશ્કરને સફળતા અપાવી. બહાદુરશાહ અને તેના પુત્રોની અંગ્રેજ લશ્કરે ધરપકડ કરી. દિલ્હીના લાલ કિલ્લામાં જ પાંચ સભ્યોની લશ્કરી સમિતિએ તેમના પર કેસ ચલાવ્યો (27 જાન્યુઆરી 1858થી 19 માર્ચ 1858 સુધી). 2 એપ્રિલ 1858ના રોજ પંજાબના મુખ્ય કમિશનર સર જૉન લૉરેન્સે બહાદુરશાહને આજીવન કારાવાસની સજા ફરમાવી.

તેમના બે પુત્રો મિરઝા મુઘલ અને મિરઝા અખ્તર સુલતાનની તથા પૌત્ર મિરઝા અબુબકરની કૅપ્ટન હડસને નિર્દય રીતે હત્યા કરી અને તેમનાં માથાં ધડથી જુદાં કરી બહાદુરશાહ સમક્ષ લાવવામાં આવ્યાં; છતાં વૃદ્ધ બાદશાહે તે સમયે ભારે ધૈર્ય દાખવ્યું.

આજીવન કેદની સજા માટે બહાદુરશાહને ઑક્ટોબર 1858માં રંગૂન લઈ જવામાં આવ્યા. એ સમયે તેમની સાથે તેમની પત્ની ઝિન્નત મહલ અને પુત્ર જવાંબખ્ત હતાં. જીવનના એ અંતિમ દિવસો બહાદુરશાહે વ્યથિત દશામાં પસાર કર્યા. છેવટે ત્યાં જ 87 વર્ષની વયે તેમનું અવસાન થયું.

મહેબૂબ દેસાઈ