ફિલિપ – બીજો (1) (જ. ઈ. પૂ. 382, પેલ્લા, મેસિડોનિયા; અ. ઈ. પૂ. 336) : ગ્રીસની ઉત્તરે આવેલા મેસિડોનિયાના રાજા અને ઍલેક્ઝાંડર(સિકંદર)ના પિતા. એમિન્ટાસ બીજાના સૌથી નાના પુત્ર ફિલિપને તેમની કિશોરવયમાં કેટલાંક વર્ષ થિબ્સમાં બાન (hostage) તરીકે રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તત્કાલીન જાણીતા સેનાપતિઓ પાસે તે લશ્કરી વિજ્ઞાન શીખ્યા. ઈ.પૂ. 359માં તેમને તેમના સગીર ભત્રીજાના વાલી (regent) તરીકે નીમવામાં આવ્યા; પરંતુ તે પોતે રાજા બની ગયા. બે વર્ષમાં તેમણે વિરોધીઓને દબાવી દઈને પોતાનું સ્થાન સલામત બનાવી દીધું. ત્યારબાદ તેમણે તેમના રાજ્યની સરહદે આવેલાં ગ્રીક નગરો જીતી લેવાની યોજના ઘડીને, શિસ્તબદ્ધ પાયદળ અને અશ્વદળની રચના કરી તેમને શસ્ત્રસજ્જ કર્યાં. તેમણે ગ્રીક નગરો પર હુમલા કરીને ગ્રીસનાં મોટાભાગનાં રાજ્યો જીતી લીધાં. ઉત્તરે ડાન્યૂબ નદી સુધી તેમની સત્તાનો વિસ્તાર થયો.
ઍથેન્સના ડેમૉસ્થિનિસે તેમની વિરુદ્ધમાં, ત્યાંના લોકોને ઉશ્કેરવા આપેલાં ભાષણો ‘ફિલિપિક્સ’ નામથી પ્રસિદ્ધ છે. ઈ. પૂ. 338માં ઍથેન્સના લોકો તેમની વિરુદ્ધ થીબ્સના સંરક્ષણ-સંઘમાં જોડાયા; પરંતુ કિરોનીની લડાઈમાં તેમણે સંયુક્ત સૈન્યોને હરાવી ગ્રીસની સ્વતંત્રતાનો અંત આણ્યો. સ્પાર્ટા સિવાય ગ્રીસનાં નગરરાજ્યોનો રાજકીય સંઘ રચ્યો, કારણ કે સ્પાર્ટા જિતાયું નહોતું. આ સંઘે પર્શિયા (ઈરાન) પર હુમલો કરવા ગ્રીક લશ્કરની આગેવાની લેવા તેમને પસંદ કર્યા; પરંતુ તેની તૈયારી દરમિયાન તેમને મારી નાખવામાં આવ્યા.
ફિલિપ બીજો (2) (જ. 1165; અ. 1223) : ફ્રાંસના કેપેશિયન વંશના મહાન રાજા. તે ફિલિપ ઑગસ્ટસ નામથી જાણીતા હતા અને બાહોશ રાજપુરુષ હતા. તેમણે ફ્રાંસના રાજ્યનો વિસ્તાર વધાર્યો અને રાજાની સત્તામાં વધારો કર્યો. તેમના પિતા લુઈ સાતમાના અવસાન બાદ 1180માં તે ગાદીએ બેઠા. ઇંગ્લૅન્ડની સત્તા નબળી પાડવા તેમણે રાજા હેન્રી બીજા સામે તેમના પુત્રોને બળવો કરવા ઉશ્કેર્યા. તેમણે ફ્રાંસમાં આવેલા અંગ્રેજોના કબજા હેઠળના પ્રદેશો જીતી લીધા. તેમણે વહીવટમાં સુધારા કર્યા હતા.
ફિલિપ બીજો (3) (જ. 1527, વલ્લાદોલિદ, સ્પેન; અ. 1598) : સ્પેનના રાજા. તેમના પિતા ચાર્લ્સ પહેલાના અવસાન પછી 1556માં તે ગાદીએ બેઠા. તેમણે 1571માં ભૂમધ્ય સમુદ્રમાં તુર્કોની સત્તાનો નાશ કર્યો. 1580માં તેમણે પોર્ટુગલ જીતી લીધું. 1581માં સ્પેનની સત્તા હેઠળના નેધરલૅન્ડે સ્વતંત્રતા જાહેર કરી. તેમના અમલ દરમિયાન સર ફ્રાંસિસ ડ્રેકે મૅક્સિકો અને દક્ષિણ અમેરિકાનાં સ્પેનનાં સંસ્થાનો પર હુમલા કરીને લૂંટ કરી. તેમણે ઇંગ્લૅન્ડ સામે 1588માં અજેય નૌકાકાફલો મોકલ્યો; પરંતુ અંગ્રેજોએ તેમને પરાજય આપ્યો. તેથી સ્પેનની પ્રતિષ્ઠા ઘટી.
જયકુમાર ર. શુક્લ