ફિલિકેલ્સ

ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકોફાઇટા વિભાગનું હંસરાજ(fern)ની જાતિઓનું બનેલું એક વિશાળ ગોત્ર. આ ગોત્રમાં અર્વાચીન ત્રિઅંગીઓની 95%થી વધારે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે 234થી 298 જેટલી પ્રજાતિઓ અને લગભગ 9000 જેટલી જાતિઓ ધરાવે છે.

આ ગોત્રની જાતિઓ શાકીયથી માંડી વૃક્ષ સ્વરૂપની અને ભૌમિક હોય છે. તે ભેજવાળાં વનમાં ભૌમ-વનસ્પતિસમૂહ(ground-vegetation)નો એક મહત્વનો ભાગ બનાવે છે. કેટલીક જાતિઓ વૃક્ષના થડ પર પરરોહી (epiphyte) તરીકે થાય છે અને અન્ય કેટલીક જાતિઓ ખડકોની ખુલ્લી તિરાડોમાં અથવા પાણીમાં થાય છે. પ્રકાંડ ગાંઠામૂળી (rhizome) કે પ્રકંદ (root-stock) પ્રકારનું જોવા મળે છે. તેનાં પર્ણો સામાન્યત: એકપીંછાકાર સંયુક્ત હોય છે. તેનાં તરુણ પર્ણો કુંડલિત (circinate) પર્ણવલન ધરાવે છે. બીજાણુધાનીઓ ધારાવર્તી (marginal) કે બહિ:સ્થ (superficial) હોય છે અને સમૂહમાં ઉદભવી બીજાણુધાનીપુંજ (sorus) બનાવે છે. બીજાણુધાનીપુંજમાં બીજાણુધાનીઓનો ઉદભવ સરળ (simple), ક્રમિક (gradate) અથવા મિશ્ર (mixed) હોય છે. પ્રત્યેક બીજાણુધાની તનુબીજાણુધાનીય (leptosporangiate) હોય છે; એટલે કે તે એક જ આરંભિક કોષમાંથી વિકાસ પામે છે. બીજાણુધાનીની દીવાલ એકકોષની જાડાઈ ધરાવે છે. તેનો બીજાણુધાનીદંડ પાતળો હોય છે. તેની દીવાલમાં સ્ફોટીવલય(annulus)ની રચના જોવા મળે છે. તેના કોષોની અંદરની દીવાલો ખૂબ જાડી હોય છે. તે પૂર્ણ કે અપૂર્ણ હોય છે. અપૂર્ણ સ્ફોટીવલયની એક બાજુએ તલમાં આવેલા પાતળી દીવાલ ધરાવતા આડા કોષને સ્ફોટીમુખ (stomium) કહે છે. બીજાણુધાનીમાં ઉત્પન્ન થતા બીજાણુઓ એક જ પ્રકારના હોવાથી આ ગોત્રની વનસ્પતિઓ સમબીજાણુક (homosporous) છે. બીજાણુના અંકુરણથી એકગૃહી (monoecious) જન્યુજનક ઉદભવે છે. તે લીલા રંગના ચપટા સૂકાય (thallus) જેવો હોય છે. તેને પૂર્વદેહ (prothallus) કહે છે. તેની નીચેની સપાટીએથી લિંગી પ્રજનનાંગો ઉત્પન્ન થાય છે. પુંધાનીઓ જન્યુજનકની સપાટીએથી બહારની તરફ લંબાયેલી હોય છે. તેમની દીવાલ થોડાક જ કોષોની બનેલી હોય છે. આમ, અહીં વંધ્ય કોષોની સંખ્યામાં ઘટાડો હોય છે. સ્ત્રીધાનીની ગ્રીવા ટૂંકી હોય છે અને ગ્રીવાકોષોની અસમાન વૃદ્ધિને કારણે પાછળની તરફ વળેલી હોય છે. ચતુષ્કોષીય ભ્રૂણનો પ્રત્યેક કોષ તરુણ બીજાણુજનકના કોઈ એક નિશ્ચિત અંગનો વિકાસ કરે છે.

આકૃતિ 1 : Lygodium palmatum. (અ) સ્વરૂપ; (આ) વંધ્ય પર્ણિકા; (ઇ) ફળાઉ પર્ણિકા; (ઈ) એકાકી પર્ણ-પેશી [આભાસી પુંજછદ (indusium)] વડે આવૃત એકાકી બીજાણુધાનીઓ

ઍંગ્લર અને ડાયલ્સે આ ગોત્રને 8 કુળમાં, ક્રિસ્ટેન્સને (1938) 15 કુળમાં, કૉપલડે (1947) 19 કુળમાં અને હૉલ્ટમૅને (1947) 11 કુળમાં વર્ગીકૃત કર્યું છે. કેટલાંક અગત્યનાં કુળનાં વિશિષ્ટ લક્ષણો અને ઉદાહરણો નીચે પ્રમાણે છે :

(1) સીઝીએસી : આ કુળમાં ઘાસ કે વેલા રૂપે વિકસતી હંસરાજની ઘણી નાની જાતિઓનો સમાવેશ થાય છે. તે લગભગ 4 પ્રજાતિ અને 160 જેટલી જાતિઓ ધરાવે છે. બીજાણુધાનીઓ એકાકી (solitary) હોય છે અને સ્ફોટીવલય અનુપ્રસ્થ જોવા મળે છે. તેમનો વિકાસ ‘સરળ’ પ્રકારનો હોય છે. પ્રત્યેક બીજાણુધાની અદંડી હોય છે અથવા તે ટૂંકો દંડ ધરાવે છે. બીજાણુધાનીનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. જન્યુજનક હૃદયાકાર કે તંતુમય હોય છે. સ્ત્રીધાનીઓ ઘણી ઉત્પન્ન થાય છે. તેમની ગ્રીવા સીધી અથવા આગળની દિશામાં વાંકી વળેલી હોય છે.

Schizaea (30 જાતિ) મુખ્યત્વે વિષુવવૃત્ત અને સમશીતોષ્ણકટિબંધમાં; Lygodium (39 જાતિ), વિષુવવૃત્તમાં; અને Anemia (90 જાતિ) અને Mohria જાતિ (1) ઉષ્ણકટિબંધમાં વિતરણ પામેલી છે.

(2) ગ્લાયકેનીએસી : આ કુળમાં 2 પ્રજાતિ અને લગભગ 80 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વિતરણ ઉષ્ણકટિબંધ અને દક્ષિણ સમશીતોષ્ણકટિબંધમાં થયેલું છે. Gleichenia (10 જાતિ) ઑસ્ટ્રેલિયાથી માંડી અમેરિકા સુધી ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે.

આકૃતિ 2 : Schizaea. (અ) S. dichotoma; (આ) ફળાઉ પર્ણિકા; (ઇ) S. flabellum; (ઈ) S. pusilla

તે લાંબી વિસર્પી (creeping) ગાંઠામૂળી ધરાવે છે. તેનાં પર્ણો કૂટદ્વિશાખી (pseudodichotomous) હોય  છે અને દ્વિશાખિતાનું પુનરાવર્તન અનેક વાર થાય છે. બીજાણુધાનીપુંજ બહિ:સ્થ હોય છે; જે થોડીક જ બીજાણુધાનીઓ ધરાવે છે. તેમનો વિકાસ સરળ પ્રકારનો હોય છે. પુંજછદનો અભાવ હોય છે. પ્રત્યેક બીજાણુધાની મોટી, જમરૂખ આકારની, લગભગ અદંડી કે ટૂંકા દંડવાળી હોય છે. તેની દીવાલમાં આવેલું સ્ફોટીવલય પૂર્ણ હોય છે અને તે ત્રાંસું-અનુપ્રસ્થ (obliquely-transverse) હોય છે. તેનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. જન્યુજનક લાંબો, સઘન અને જટિલ હોય છે. પુંધાનીઓ મોટી, સદંડી અને જટિલ હોય છે. સ્ત્રીધાનીઓ ઘણી ઉત્પન્ન થાય છે. ગ્રીવા લાંબી (6થી 9 સ્તરો), સીધી અથવા આગળની દિશામાં વળેલી હોય છે. ગ્રીવાનાલ(neck canal)માં બે કોષકેન્દ્રો જોવા મળે છે.

આકૃતિ 3 : Gleichenia linearis. (અ) પર્ણનો એક ભાગ; (આ) ફળાઉ પર્ણિકાનો ભાગ; (ઇ) બીજાણુધાનીપુંજ; (ઈ) બીજાણુધાની

(3) મેટોનીએસી : આ કુળમાં બીજાણુધાનીપુંજ ગોળ હોય છે અને તે પર્ણની નીચેની સપાટીએ આવેલ હોય છે. તેની ફરતે છત્રાકાર પુંજછદ આવેલું હોય છે. પ્રત્યેક બીજાણુધાની અદંડી હોય છે, અથવા તે અત્યંત ટૂંકો દંડ ધરાવે છે. સ્ફોટીવલય ત્રાંસું-લંબ (obliquely-vertical) અને અપૂર્ણ હોય છે. સ્ફોટીમુખ વિભેદનરહિત હોય છે. તેનું સ્ફોટન અનુપ્રસ્થ રીતે થાય છે.

આ કુળમાં બે જીવંત પ્રજાતિઓ – Matonia (ઇસ્ટ ઇંડિઝમાં 1 જાતિ) અને Phanerosorus (બૉર્નિયો અને ન્યૂ ગિનિમાં 2 જાતિઓ)  જોવા મળે છે. બે અશ્મીભૂત પ્રજાતિઓ Matonidium (ઉમિયા) અને Phlebopteris (રાજમહાલ) ભારતીય ઉપરિ ગાડવાનાના જ્યુરેસિક ખડકોમાંથી પ્રાપ્ત થઈ છે.

(4) ડિપ્ટરીડેસી : આ કુળમાં ગ્લાયકેનીએસીની જેમ પર્ણની નીચેની સપાટી અનાવૃત બીજાણુધાનીપુંજ જોવા મળે છે. તેમનો વિકાસ સરળ પ્રકારનો હોય છે. પુંજછદનો અભાવ હોય છે; છતાં બીજાણુધાનીઓમાં અસંખ્ય સમુંડ (capitate) રોમ આવેલા હોય છે. પ્રત્યેક બીજાણુધાની ત્રાંસું-લંબ સ્ફોટીવલય ધરાવે છે. તેનું સ્ફોટન અનુપ્રસ્થ રીતે થાય છે. આ કુળ ટ્રાયેસિક ભૂસ્તરીય યુગથી જાણીતું  છે. Hausmanniaની કેટલીક જાતિઓ ભારતીય ઉપરિ ગાડવાનાના જ્યુરેસિક ભૂસ્તરીય યુગનું પ્રતિનિધિત્વ દર્શાવે છે. તે રાજમહાલ અને જબલપુરમાં મળી આવે છે.

ડિપ્ટેરિસ(Dipteris)ની 8 જાતિઓ પૂર્વ એશિયાથી પોલેનેશિયા સુધી વિતરણ પામેલી છે. ખાસિયા ગિરિમાળામાં D. wallichi મળી આવે છે.

(5) હાઇમેનોફાઇલેસી : આ કુળમાં હંસરાજની નાની અને કોમળ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું પ્રકાંડ સામાન્યત: ગાંઠામૂળી પ્રકારનું હોય છે. તેનાં પર્ણો શિરાઓ સિવાયના ભાગમાં એકકોષની જાડાઈ ધરાવે છે. રંધ્રો ગેરહાજર હોય છે. પર્ણો અખંડિત કે યુગ્મશાખી હોય છે અથવા તેઓ 1થી 3 પર્ણિકાઓ ધરાવે છે. બીજાણુધાનીપુંજ ધારવર્તી હોય છે; જે શિરિકાના લાંબા, પાતળા સ્તંભીય પ્રક્ષેપ પર ઊપસી આવેલો અને પ્યાલાકાર પુંજછદ વડે રક્ષાયેલો હોય છે. બીજાણુધાનીની દીવાલ પાતળી હોય છે. તેનું સ્ફોટીવલય અનુપ્રસ્થ હોય છે.

આ કુળ રૂઢિગત રીતે 2 પ્રજાતિઓ (Hymanophyllum અને Trichomanes) અને 300થી 400 જેટલી જાતિઓનું બનેલું છે. કૉપલડે તેનું 33 પ્રજાતિઓમાં વિભાજન કર્યું છે. આ કુળ ઉષ્ણકટિબંધમાં બધે જ, ન્યૂઝીલડ, મધ્ય યુરોપ અને અલાબામાથી કેન્ટકી અને ઇલિનૉઇસ સુધી વિતરણ પામેલું છે. H. exsertum ભારતમાં મળી આવતી જાતિ છે.

આકૃતિ 4 : Hymenophyllum exsertum. (અ) સ્વરૂપ; (આ) ફળાઉ પર્ણિકાઓ; (ઇ) બીજાણુધાનીપુંજનો લંબવર્તી છેદ; (ઈ) બીજાણુધાનીઓ; (ઉ) Trichomanesની ફળાઉ પર્ણિકાઓ અને બીજાણુધાનીપુંજનો લંબવર્તી છેદ

(6) હાઇમેનોફાઇલોપ્સીડીએસી : આ કુળમાં Hymenophyllum જેવું સ્વરૂપ ધરાવતી ભૌમિક હંસરાજની જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની ગાંઠામૂળી નલીરંભીય (solenostelic) હોય છે અને શલ્કો ધરાવે છે. બીજાણુધાનીપુંજ અગ્રસ્થ હોય છે અને શિરાના છેડા પર ઉત્પન્ન થાય છે. તેના તલભાગોથી પર્ણાભ, ખંડીય પુંજછદ ઉત્પન્ન થાય છે. બીજાણુધાનીઓનો વિકાસ ‘ક્રમિક’ હોય છે. તેનું સ્ફોટીવલય પહોળું, સંપૂર્ણ અને ત્રાંસું-લંબ હોય છે. આ કુળ 1 પ્રજાતિ- Hymenophyllopsis અને 2, જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ દક્ષિણ અમેરિકામાં થયેલું છે.

(7) લોક્ષ્સોમેસી : આ કુળમાં વિસર્પી, નલીરંભીય અને રોમિલ ગાંઠામૂળી ધરાવતી હંસરાજની ભૌમિક જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજાણુધાનીપુંજ ધારાવર્તી હોય છે અને શિરાના છેડે ઉત્પન્ન થાય છે. તે પ્યાલાકાર પુંજછદ વડે આવરિત હોય છે. પ્રત્યેક બીજાણુધાની પૂર્ણ, ત્રાંસું-લંબ સ્ફોટીવલય ધરાવે છે. તેમનો વિકાસ ‘ક્રમિક’ પ્રકારનો હોય છે. જન્યુજનક હૃદયાકાર હોય છે અને નીચેની બાજુએ તે કેશ (bristles) ધરાવે છે. આ કુળને પહેલાં હાઇમેનોફાઇલેસીમાં મૂકવામાં આવ્યું હતું.

આ કુળમાં બે પ્રજાતિઓ Loxsoma (ન્યૂઝીલડમાં 1 જાતિ) અને Loxsomopsis (દક્ષિણ અમેરિકામાં 3 જાતિઓ) થાય છે.

(8) પ્લેજિઓગાઇરીએસી : આ કુળમાં સખત, ટટ્ટાર, જાલરંભીય (dictyostelic), શલ્ક કે રોમરહિત ગાંઠામૂળી ધરાવતી, હંસરાજની ભૌમિક જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના ભૂસ્તારી (runner) નલીરંભીય હોય છે. વૃંત પરથી શ્વસનમૂળ(pneumatophores)નો વિકાસ થાય છે. શિરાઓની શાખાઓ પર બીજાણુધાનીપુંજ બહિ:સ્થ હોય છે. પુંજછદ ગેરહાજર હોવા છતાં કોરકુંચિત (revolute) પર્ણકિનારી દ્વારા તે રક્ષાયેલ હોય છે. બીજાણુધાનીદંડ લાંબા અને સ્ફોટીવલય ત્રાંસું-લંબ હોય છે.

આ કુળ 1 પ્રજાતિ (Plagiogyria) અને 40 જેટલી જાતિઓનું બનેલું છે. પૂર્વ એશિયામાં 35 જેટલી જાતિઓ થાય છે. બહુ ઓછી જાતિઓ મૅક્સિકોથી દક્ષિણ અમેરિકામાં થાય છે. બૉવરે આ પ્રજાતિને પૉલિપોડીએસીમાં મૂકી છે. ભારતમાં મુખ્યત્વે હિમાલયમાં તેની ત્રણ જાતિઓ થાય છે.

(9) ડિક્સૉનીએસી : આ કુળ 9 પ્રજાતિ અને લગભગ 155 જાતિઓનું બનેલું છે. તે મોટાભાગે વૃક્ષ-હંસરાજ(tree-fern)ની જાતિઓ ધરાવે છે. તેમનું પ્રકાંડ સીધું, અરીય, જટિલ જાલરંભીય, શલ્કરહિત, રોમિલ અને ઊંચું હોય છે. પર્ણો પીંછાકાર સંયુક્ત અને ખૂબ મોટાં હોય છે. તેઓ ટોચ પર પર્ણમુકુટ બનાવે છે. રોમના પુષ્કળ જથ્થાને કારણે દીર્ઘસ્થાયી પર્ણતલો ઢંકાયેલાં રહે છે. બીજાણુધાનીપુંજ ધારાવર્તી હોય છે અને શિરાની ટોચ પર ઉત્પન્ન થાય છે. પુંજછદ પ્યાલાકાર (થાયર્સોપ્ટેરોઇડી) અથવા દ્વિ-કપાટીય (ડીક્સોનીઓઇડી) હોય છે. બીજાણુધાનીઓનો વિકાસ ‘ક્રમિક’ કે ‘તલાભિસારી’ (basipetal) હોય છે. પ્રત્યેક બીજાણુધાની તનુબીજાણુધાનીય, નાની, ચપટી અને લાંબા દંડવાળી હોય છે. તેનું સ્ફોટીવલય ત્રાંસું-લંબ હોય છે અને સ્ફોટન અનુપ્રસ્થ રીતે થાય છે. જન્યુજનક હૃદયાકાર અને મધ્યરેખાએથી જાડો હોય છે. તેને થાયર્સોપ્ટેરોઇડી અને ડિક્સૉનીઓઇડી નામનાં બે ઉપકુળમાં વિભાજિત કરવામાં આવે છે. થાયર્સોપ્ટેરોઇડી એકલપ્રજાતીય ઉપકુળ છે; દા.ત., Thyrsopteris (1 જાતિ). ડિક્સૉનીઓઇડીમાં Dicksonia (સમશીતોષ્ણ દક્ષિણ ગોળાર્ધમાં 25 જાતિઓ), Cibotium (પૂર્વ એશિયા, હવાઈ અને મધ્ય અમેરિકામાં 13 જાતિઓ; C. barometz ઉચ્ચ આસામમાં થાય છે) અને Culcita (ઉષ્ણ અને અધોષ્ણકટિબંધીય પ્રદેશોમાં 9 જાતિઓ) જાણીતી પ્રજાતિઓ છે.

આકૃતિ 5 : Cibotium. (અ) વૃક્ષ; (આ) ફળાઉ પર્ણિકાઓ; (ઇ) દ્વિકપાટીય બીજાણુધાનીપુંજ

(10) પ્રોટોસાયેથીએસી : આ કુળ ઘણી વાર સાયેથીએસીમાં સમાવવામાં આવે છે. બૉવર આ કુળને અલગ ગણે છે, કારણ કે તેનો ઉદભવ ગ્લાઇકેનીએસી કુળમાંથી થયો છે. તેની જાતિઓ નાનું, ટટ્ટાર, રોમિલ, નલીરંભીય અને શલ્કરહિત પ્રકાંડ ધરાવે છે. બીજાણુધાનીપુંજ પુંજછદરહિત અને બીજાણુધાનીઓનો વિકાસ સરળ પ્રકારનો હોય છે અને પર્ણની નીચેની સપાટીએથી બહિ:સ્થ રીતે  થાય છે. તેઓ રોમ વડે મિશ્ર થયેલી હોય છે. તેનો બીજાણુધાનીદંડ ટૂંકો અને સ્ફોટીવલય લંબવર્તી હોય છે. દા.ત., Lophosoria (1 જાતિ) અને Amphidesmium (Metaxya –  1 જાતિ). આ બંને પ્રજાતિઓ દક્ષિણ અમેરિકામાં થાય છે. ભારતમાં Protocyathea trichonopolionsis નામના  અશ્મિ સ્વરૂપે (તિરુચિરાપલ્લી) ઉપરી ક્રિટેસ્યસ ખડકોમાં મળી આવેલ છે.

આકૃતિ 6 : Cyathea (અ) સ્વરૂપ; (આ) બીજાણુપર્ણની નીચેની સપાટીનો ભાગ;
(ઇ) ક્રમિક બીજાણુધાનીપુંજનો લંબછેદ; (ઈ) બીજાણુધાની

(11) સાયેથીએસી : આ કુળ 3 પ્રજાતિઓ અને લગભગ 700 જેટલી જાતિઓ ધરાવે છે; અને તેનું વિતરણ ઉષ્ણકટિબંધ અને દક્ષિણ સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. આ કુળમાં વૃક્ષ-હંસરાજની 4.5 મી. કે તેથી વધારે ઊંચી અને 5 સેમી.થી 50 સેમી. જાડાઈ ધરાવતી જાતિઓનો સમાવેશ થયેલો છે. તે જાલરંભીય હોય છે અને અગ્રભાગે શલ્ક અથવા રોમ વડે આચ્છાદિત હોય છે. પ્રકાંડનો નીચેનો ભાગ અસ્થાનિક (adventitious) મૂળ વડે ઢંકાયેલો હોય છે. આ ભાગ ઉપર પર્ણડાઘ (leaf scars) જોવા મળે છે. તેનાં પર્ણો ખૂબ મોટાં (કેટલીક જાતિઓમાં 4.5 મી.થી 6 મી. લાંબાં) અને દ્વિપીંછાકાર સંયુક્ત હોય છે અને પ્રકાંડની ટોચ પર કુંતલાકાર પર્ણમુકુટ બનાવે છે. પત્રાક્ષ કંટકમય, ગાઢ રીતે શલ્કી અને કેટલીક વાર વંધ્ય પર્ણિકાઓ ધરાવે છે. શિરાવિન્યાસ સામાન્ય રીતે મુક્ત, સરળ અથવા યુગ્મશાખી હોય છે. બીજાણુધાનીપુંજ શિરાઓ પર નીચેની સપાટીએ બહિ:સ્થ હોય છે. બીજાણુધાનીઓનો વિકાસ ‘ક્રમિક’ પ્રકારનો હોય છે. પુંજછદ પ્યાલાકાર હોય છે અથવા તેનો અભાવ હોય છે. સ્ફોટીવલય પૂર્ણ અને ત્રાંસું-લંબ હોય છે. તેનું સ્ફોટન અનુપ્રસ્થ રીતે થાય છે. બીજાણુધાની તનુબીજાણુધાનીય હોય છે. તેઓ રોમ સાથે મિશ્ર થયેલી હોય છે. જન્યુજનક હૃદયાકાર, પરંતુ પૉલિપોડીએસી કરતાં ટૂંકો અને વધારે પહોળો હોય છે. ખાંચ પાસે તે કેટલાક કોષોની જાડાઈ ધરાવે છે. પૂર્વદેહ પર બહુકોષીય રોમ હોય છે. આ કુળ જ્યુરેસિક ભૂસ્તરીય યુગથી જાણીતું છે.

Cyathea (300 જાતિ) પ્યાલાકાર પુંજછદ ધરાવે છે. તે તરુણ અવસ્થામાં સમગ્ર બીજાણુધાનીપુંજને આવરે છે. દાર્જીલિંગમાં તેનાં વૃક્ષો 5.0 મી.થી પણ ઊંચાં હોય છે. ભારતમાં તેની પાંચ જાતિઓ – C. brunoniana, C. spinulosa, C. hookeri, C. sinuata અને C. walkeri થાય છે. Alsophila(300 જાતિ)માં પુંજછદ હોતું નથી. ભારતમાં તેની 7 જાતિઓ – A latebrosa, A. glauca, A. ornata, A. andersoni, A. oldhamia, A. glabra અને A. crinata થાય છે. Hemitalia (100 જાતિ) તલસ્થ શલ્કી પુંજછદ ધરાવે છે. કૉપલડ જેવા ત્રિઅંગીવિજ્ઞાનીઓ ત્રણ પ્રજાતિઓ ભેગી કરી એક પ્રજાતિ Cyatheaમાં મૂકે છે.

(12) પૉલિપોડીએસી : આ કુળ 170 પ્રજાતિઓ અને લગભગ 7500થી 8000 જેટલી જાતિઓનું બનેલું છે અને ત્રિઅંગી વિભાગનું તે સૌથી મોટું કુળ છે. તેનું વિતરણ વિસ્તૃતપણે થયેલું હોય છે. તેના સૌથી જૂના સભ્યો જ્યુરેસિક ભૂસ્તરીય યુગમાં મળી આવે છે; પરંતુ ઘણીખરી જાતિઓ કાઇનોઝોઇક કલ્પમાં મળી આવતી હોવાથી તે ઉત્ક્રાંતિની ચરમસીમાએ પહોંચેલું અર્વાચીન કુળ છે, તેનો ઉદભવ બહુજાતિ-વિકાસીય (polyphyletic) હોવાથી ઘણા વર્ગીકરણવિજ્ઞાનીઓ તેને જાતિવિકાસીય રેખાઓને આધારે જુદા જુદા કુળમાં વર્ગીકૃત કરે છે. ચિંગે (1940) અર્વાચીન પૉલિપોડીએસીને 33 કુળમાં વિભાજિત કર્યું છે. બૉવર અને ક્રિસ્ટેન્સને આ કુળને ઉપકુળોમાં વર્ગીકૃત કર્યું છે.

આકૃતિ 7 : Dryopteris flix-mas. (અ) સ્વરૂપ; (આ) ફળાઉ પર્ણ; (ઇ) ફળાઉ પર્ણિકા;
(ઈ) બીજાણુધાનીપુંજમાંથી પસાર થતો લંબછેદ; (ઉ) બીજાણુધાની

બીજાણુધાનીપુંજ બહિ:સ્થ હોય છે. પુંજછદ હોય અથવા ન પણ હોય. બીજાણુધાનીઓનો વિકાસ મિશ્ર પ્રકારનો હોય છે. પ્રત્યેક બીજાણુધાની તનુબીજાણુધાનીય, નાની, ચપટી અને લાંબા દંડવાળી હોય છે. સ્ફોટીવલય અપૂર્ણ અને લંબવર્તી હોય છે. તેનું સ્ફોટન અનુપ્રસ્થ રીતે થાય છે. જન્યુજનક હૃદયાકાર અને ખંડરહિત હોય છે. પુંધાનીઓ નાની, સરળ દંડકોષરહિત અને અવિભાજિત ટોપીકોષવાળી હોય છે. સ્ત્રીધાનીઓ ઘણી ઉત્પન્ન થાય છે. તેની ગ્રીવા ટૂંકી હોય છે અને 4 કે 5 સ્તરો ધરાવે છે અને પુષ્કળ પ્રમાણમાં વળેલી હોય છે. ગ્રીવાનાલમાં બે કોષકેન્દ્રો હોય છે. ચતુષ્કોષીય ભ્રૂણમાં ભાવિ અંગોની ઉત્પત્તિ વિશે ધારણા કરી શકાય છે.

આ કુળને ક્રિસ્ટેન્સને (1938) 12 ઉપકુળોમાં વર્ગીકૃત કર્યું છે.

Dryopteris (650 જાતિઓ), Asplenium (650 જાતિઓ), Pteridium (280 જાતિઓ), Pteris (250 જાતિઓ), Polystichum (250 જાતિઓ), Lindsaya (200 જાતિઓ), Adiantum (200 જાતિઓ), Blechnum (180 જાતિઓ), Athyrium (180 જાતિઓ), Cheilanthes (130 જાતિઓ), Phyruatodes (100 જાતિઓ), Pellaea (80 જાતિઓ), Vittaria (80 જાતિઓ), Denstaedtia (70 જાતિઓ), Davallia (40 જાતિઓ), Nephrolepis (30 જાતિઓ) Arthropteris (15 જાતિઓ), Notholaena (10 જાતિઓ), Aspidium Pleopeltis, Drynaria, Actinopteris વગેરે હંસરાજની જાણીતી પ્રજાતિઓ છે.

(13) પાર્કેરીએસી : આ કુળ જલીય, એકવર્ષાયુ, તરતી અથવા આધારતલમાં મૂળ નાખતી હંસરાજની એક જ પ્રજાતિ (Ceratopteris) અને લગભગ 7 જાતિઓનું બનેલું છે. તેનું એશિયા, આફ્રિકા અને નવી દુનિયામાં વિતરણ થયેલું છે. તેની બે જાતિઓ ઉત્તર તરફ ફ્લૉરિડા અને પશ્ચિમ તરફ લૂઇસિયાના સુધી જોવા મળે છે.

આકૃતિ 8 : Ceratopteris thalictroides. (અ) સ્વરૂપ; (આ) બીજાણુધાનીઓ

તેની ગાંઠામૂળી ટૂંકી અને ટટ્ટાર હોય છે. પર્ણો પીંછાકાર–પુનર્વિભાજિત, મોટાભાગે 30થી 60 સેમી. લાંબાં અરોમિલ અને દ્વિસ્વરૂપી હોય છે. વંધ્ય પર્ણો ફળાઉ પર્ણો કરતાં પહોળાં, પટલિત (laminate), ઓછાં વિભાજિત અને પાણીમાં તરતાં હોય છે. પર્ણની કક્ષમાંથી નવી વનસ્પતિઓનું અલિંગી રીતે ક્રમપ્રસરણ (proliferation) થાય છે. ફળાઉ પર્ણો અતિવિભાજિત અને વધારે સાંકડા ખંડો ધરાવે છે. પર્ણકિનારીઓ કોરકુંચિત હોય છે; જે વીખરાયેલી બીજાણુધાનીઓને સંપૂર્ણપણે ઢાંકે છે. બીજાણુધાનીપુંજ કે પુંજછદ હોતાં નથી. શિરાઓ પર અદંડી, મોટી, ગોળ, પાતળી દીવાલવાળી બીજાણુધાનીઓ ઉત્પન્ન થાય છે. સ્ફોટીવલય પહોળું હોય છે અને લગભગ પૂર્ણથી માંડીને તે લગભગ ગેરહાજર હોય ત્યાં સુધીની તેની ભૂમિકા હોય છે. તેનું સ્ફોટન અનુપ્રસ્થ રીતે થાય છે.

બેનેડિક્ટ, વેટસ્ટીઇન, ડાયલ્સ, ચિંગ અને કૉપલડ પાર્કેરીએસીને એક અલગ કુળ ગણે છે. જ્યારે બૉવર, ક્રિસ્ટેન્સન અને હૉલ્ટમ પૉલિપોડીએસીમાં મૂકે છે.

બળદેવભાઈ પટેલ

જૈમિન વિ. જોશી