પાંડવોનો દિગ્વિજય

January, 1999

પાંડવોનો દિગ્વિજય : પાંડવોએ રાજસૂય યજ્ઞ પહેલાં કરેલા વિજયો. ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય કરતા પાંડવો માટે મયદાનવે અદ્ભુત સભાગૃહ બાંધ્યું. પછી પાંડવોને દિગ્વિજય કરી રાજસૂય યજ્ઞ કરવાની ઇચ્છા થઈ. એ પહેલાં શ્રીકૃષ્ણની સલાહ મુજબ પ્રબલ પ્રતિસ્પર્ધી જરાસંધનો વધ કરવામાં આવ્યો. પછી વડીલ બંધુ યુધિષ્ઠિરને સમ્રાટપદ અપાવવા ચાર ભાઈઓ ચાર દિશાઓ પર વિજય પ્રાપ્ત કરવા નીકળ્યા. ‘મહાભારત’માં પાંડવોના આ દિગ્વિજયનું નિરૂપણ સભાપર્વની અંદર દિગ્વિજય પર્વ(અ. 23થી 29)માં કરાયું છે; અર્જુને ઉત્તર દિશાના વિજય માટે પ્રયાણ કર્યું. પહેલાં કુણિન્દ, સાલ્વ, શાકલ અને પ્રાગ્જ્યોતિષના રાજાઓને વશ કર્યા; પછી હિમાલયના અન્તર્ગિરિ, બહિર્ગિરિ અને ઉપગિરિ પર જય મેળવી કુલૂત, દેવપ્રસ્થ, કાશ્મીર, લોહિત, બાહ્લિક, કાંબોજ વગેરે પ્રદેશ જીત્યા; છેવટે કિંપુરુષ, હાટક, ઉત્તરકુરુ પર આણ વર્તાવી કર લીધો. ભીમસેને પૂર્વ દિશાના વિજય માટે પ્રયાણ કર્યું. પાંચાલ, વિદેહ, દશાર્ણ, પુલિન્દ, મલ્લ, કાશી, મત્સ્ય, નિષાદ, વિદેહ, કિરાત, સુહ્મ, મગધ, અંગ, પૌણ્ડ્ર, વંગ, તામ્રલિપ્તિ વગેરે પ્રદેશોમાં  વિજયકૂચ કરી છેક લૌહિત્ય નદી સુધી દિગ્વિજય કર્યો. સહદેવે દક્ષિણમાં શૂરસેન, મત્સ્ય, નિષાદ, નવરાષ્ટ્ર, અવંતિ, માહિષ્મતી, ત્રિપુર, સુરાષ્ટ્ર, શૂર્પારક, તામ્રદ્વીપ, કરહાટક, પાંડ્ય, ચોલ, કેરલ, આન્ધ્ર, કલિંગ વગેરે પ્રદેશોમાં વિજયકૂચ કરી અન્તાખી તથા રોમા નગરીને તેમજ યવનોને કર આપતા કર્યા. નકુલે  પશ્ચિમમાં રોહીતક, મરુભૂમિ, દશાર્ણ, ત્રિગર્ત, માલવ, માધ્યમિકા, સિંધુ, સરસ્વતી, પંચનદ, ઉત્તરજ્યોતિષ, મદ્ર વગેરે દેશો સર કરી મ્લેચ્છો, પહલવો, બર્બરો, કિરાતો, યવનો અને શકોને વશ કર્યા. ચાર અનુજોના આ દિગ્વિજયે મહારાજા યુધિષ્ઠિર માટે રાજસૂય યજ્ઞ કરવાનો માર્ગ મોકળો કર્યો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી