પાંડા, રાજેન્દ્ર (. 23 જૂન 1944, બાટાલાગા, જિ. સંબલપુર) : ઊડિયા લેખક. એમણે 1960 પછી 20 વર્ષની વયે કાવ્યલેખન શરૂ કર્યું. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. તેઓ ગ્રૅજ્યુએટ ઉત્કલ યુનિવર્સિટીમાંથી થયા. રાજ્યશાસ્ત્ર મુખ્ય વિષય સાથે ગ્રૅજ્યુએટ થયા અને ડિસ્ટિંગશન માર્કસ મેળવ્યા. એમ.એ. રાજ્યશાસ્ત્ર વિષયમાં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી પાસ થયા. તેમને ડી.લિટ્.ની માનદ પદવી પણ મળી હતી. તેએ 1967થી 2004 સુધી ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટીવ સર્વિસના સભ્ય. તેમની પ્રથમ કવિતા માટે નિકા અપા  મેડલ પ્રાપ્ત થયો. કૉલજના બીજા વર્ષમાં હતા ત્યારે પ્રજારત્ન ઍવૉર્ડ અને અગામી પોએટ્રી પુરસ્કાર એનાયત થયા. 1975 પછી એમના ઘણા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. એમની કવિતાએ ઊડિયા કાવ્યસાહિત્યમાં આધુનિકતાનો પરિચય કરાવ્યો. એમના વિખ્યાત કાવ્યસંગ્રહોમાં ‘ગૌણ દેવતા’, ‘અનભતારા ઓ અન્ય’, ‘નિજાપૈન નાનભયા’, ‘ગુણાક્ષર’, ‘શતદ્રૂ અનેકા’, ‘ચૌકાથારે ચિરકાલા’, ‘શૈલકલ્પ’ વગેરેનો સમાવેશ થાય છે. પ્રત્યેક કાવ્યસંગ્રહમાં કાવ્યની બાની, કાવ્યસ્વરૂપ અને અભિવ્યક્તિની તરેહમાં નાવીન્ય છે.

રાજેન્દ્રની કવિતાને બે વિભાગમાં વહેંચી શકાય : આધ્યાત્મિક અને રાજકીય-સામાજિક. પ્રેમ તથા જીવનનાં હર્ષ-શોક એમના કાવ્યવિષયો છે. એમના શરૂઆતના કાવ્યસંગ્રહોમાં એમણે પૌરાણિક કથાઓને આધુનિક દૃષ્ટિએ રજૂ કરી છે, જ્યારે પછીના કાવ્યસંગ્રહોમાં સાંપ્રત જીવનની વિષમતાઓ તથા સંઘર્ષોનું ચિત્રણ છે. એમનો ઝોક અદ્વૈતદર્શન તરફ છે. એમના ‘ભીમ ભોઈ’ કાવ્યસંગ્રહમાં જીવ અને શિવના સાયુજ્યની વાતો છે.

એમના પછીના કાવ્યસંગ્રહમાં સાંપ્રત સમયના માનવની વિષણ્ણતા, હતાશા તથા ઉદ્દેશહીનતાનું નિરૂપણ છે. એમનાં કાવ્યોના મુખ્ય વિષયો  છે : આશા, નિરાશા, નિષ્ફળતા તથા મૃત્યુનો ભય. રાજેન્દ્રની વિશેષતા એમનાં કાવ્યરૂપોની વિવિધતામાં છે. એમનાં કાવ્યોમાં ઊર્મિતત્વ અને નાટ્યાત્મકતાનું સુભગ મિશ્રણ છે. મધ્યકાલીન ઊડિયાનાં ચર્યાપદો એમનો પ્રેરણાસ્રોત છે. એમણે લોકબોલીનો પણ સફળ પ્રયોગ કર્યો છે.

1985માં તેમના કાવ્યસંગ્રહ ‘શૈલકલ્પ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેઓ 1995માં સરલા ઍવૉર્ડથી સન્માનિત થયા છે.

ચન્દ્રકાન્ત મહેતા