પાંડવપુરાણ : પાંડવોની વાર્તા જૈન પરંપરા મુજબ વર્ણવતો ગ્રંથ. તે સંસ્કૃતમાં રચાયેલી કૃતિ છે. તેના કર્તા ભટ્ટારક શુભચન્દ્ર છે. તેઓ ભટ્ટારક વિજયકીર્તિના શિષ્ય અને જ્ઞાનભૂષણના પ્રશિષ્ય હતા. પોતાના શિષ્ય શ્રીપાલવર્ણીની સહાયથી શુભચન્દ્રે આ કૃતિની રચના વાગડ પ્રાન્તના સાગવાડા નગરના આદિનાથ મંદિરમાં રહીને વિક્રમસંવત 1608(ઈ. સ. 1552)ના ભાદ્રપદ માસની બીજના દિવસે કરી હતી. તેમાં 25 પર્વ અને 6,000 શ્લોક છે.

જૈન સાહિત્યમાં કૌરવ-પાંડવની કથાનું ગૌરવપૂર્ણ સ્થાન છે. આ કથાનક જૈન સાહિત્યમાં જિનસેનકૃત ‘હરિવંશપુરાણ’, જિનસેન-ગુણચંદ્ર-કૃત ‘આદિપુરાણ’, ‘ઉત્તરપુરાણ’, સ્વયંભૂકૃત અપભ્રંશ ભાષામાં રચાયેલ ‘હરિવંશપુરાણ’માં તેમજ હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’માં મળે છે. સ્વતંત્ર રીતે આ કથા દેવપ્રભસૂરિના ‘પાંડવચરિત’માં મળે છે.

શુભચન્દ્રે જિનસેનકૃત હરિવંશપુરાણોક્ત કથા તથા શબ્દરચનાનો  આશ્રય લઈને તેમાં પોતાની રુચિ અને આમ્નાય અનુસાર ક્યાંક ક્યાંક સુધારાવધારા કરીને આ કૃતિની રચના કરી છે. પ્રત્યેક પર્વના પ્રારંભમાં તીર્થંકરોની સ્તુતિ કરવામાં આવી છે. રાજા શ્રેણિક ભગવાન મહાવીર પાસે ધર્મશ્રવણ કરી, ગૌતમ ગણધરની સ્તુતિ કરી કુરુવંશની ઉત્પત્તિ અને તેમાં ઉત્પન્ન થયેલા રાજાઓની પરંપરા જાણવાની ઇચ્છા વ્યક્ત કરે છે તે અનુસાર ગૌતમ ગણધરે આ કથાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આ કૃતિમાં કુરુવંશ, તેની પરંપરા, જયકુમાર અને સુલોચનાનું વૃત્તાંત, ગાંગેયની ભીષ્મપ્રતિજ્ઞા, પાંડુ, માદ્રી અને ધૃતરાષ્ટ્રની દીક્ષા, કૌરવ-પાંડવ વચ્ચેની ઈર્ષ્યા, દ્રોણાચાર્યનું શિષ્યપરીક્ષણ, ભીલની ગુરુભક્તિ, લાક્ષાગૃહદહન, પાંડવોનું દેશાટન, દ્રૌપદીસ્વયંવર, પાંડવોનું હસ્તિનાપુરમાં આગમન, અર્જુન-સુભદ્રાવિવાહ, દ્યૂતક્રીડા, પાંડવોનો વનવાસ, અર્જુનનું વિજયાર્ધપર્વત તરફ ગમન, ચિત્રાંગદ વિદ્યાધરે દુર્યોધનનું કરેલું બંધન અને અર્જુને કરાવેલ મુક્તિ, પાંડવોનું વિરાટનગરીમાં આગમન, ગોધનહરણ અને યુદ્ધ, વિદુરની દીક્ષા, મહાયુદ્ધપ્રારંભ, કૌરવનાશ, પાંડવોનો રાજ્યલાભ, પદ્મનાભ દ્વારા કરાયેલ દ્રૌપદીહરણ, દ્વારિકાદહન, પાંડવોની દીક્ષા, પાંડવોની પૂર્વભવકથા, નેમિજિનનો ઉપદેશ વગેરે પ્રસંગોનું નિરૂપણ જોવા મળે છે. સાથે સાથે આદિનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ અને નેમિનાથ જિનેશ્વરનું ચરિત્ર પણ વર્ણવાયું છે.

અન્ય મતમાં, વિશેષ કરીને મહાભારતમાં અપાયેલ પાંડવકથાઓમાં રહેલી વિસંગતતાની ચર્ચા વિસ્તૃત રીતે બીજા પર્વમાં આપી છે. કેટલાક પ્રસંગોના વર્ણનમાં ‘પાંડવપુરાણ’ અન્ય જૈન પાંડવકથા કરતાં જુદું પડે છે; જેમ કે, પાંડવોની ઉત્પત્તિ, કર્ણની ઉત્પત્તિ વગેરે બાબતોમાં. ‘પાંડવપુરાણ’માં વર્ણવાયેલ પાંડુ રાજાની સંલેખનાનો આધાર આદિપુરાણ અંતર્ગત મહાબલની સંલેખના છે. ત્રીજા પર્વમાં અપાયેલ જયકુમાર-સુલોચનાનું વૃત્તાંત થોડાંઘણાં પરિવર્તનો સાથે આદિપુરાણમાંથી લેવાયું છે. તે જ પ્રમાણે ચોથા પર્વમાં નિરૂપિત શાંતિનાથચરિત્ર સંપૂર્ણતયા ‘ઉત્તરપુરાણ’ અનુસાર જ વર્ણવાયું છે.

અહીં વર્ણનો પરંપરાગત રીતિનાં મળે છે. યથોચિત સ્થળોએ ધર્મોપદેશનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જૈન મહાભારત કથા-વિષયક કૃતિઓમાં આ કૃતિ વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

સલોની નટવરલાલ જોશી