ન્યૂ સાઉથ વેલ્સ : ઑસ્ટ્રેલિયા ખંડનાં છ રાજ્યો પૈકી અગ્નિખૂણે આવેલું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય. તે 28° 10´ દ. અ.થી 37° 30´ દ. અ. અને 141° 0´ પૂ. રે.થી 153° 30´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તરે ક્વીન્સલૅન્ડ, પૂર્વે પૅસિફિક મહાસાગર, દક્ષિણે વિક્ટોરિયા રાજ્ય અને પશ્ચિમે દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્ય આવેલાં છે. તેનું ક્ષેત્રફળ 8,09,444 ચોકિમી. છે. ઑસ્ટ્રેલિયા ખંડના કુલ ક્ષેત્રફળનો લગભગ 10 % ભાગ તે આવરી લે છે. ટસ્માન સમુદ્રથી ઉત્તર તરફ પૉઇન્ટ ડેન્જરથી દક્ષિણમાં હોવેની ભૂશિર સુધીના તેના દરિયાકિનારાની લંબાઈ 1,099 કિમી.ની છે, પરંતુ રાજ્યના દરિયાકિનારાની કુલ લંબાઈ 1,900 કિમી. જેટલી છે. રાજ્યની મહત્તમ પહોળાઈ 1,370 કિમી. છે. સિડની, ન્યૂ કૅસલ અને વુલન્ગોન્ગ એ ત્રણ તેનાં મુખ્ય શહેરો છે. રાજ્યનું પાટનગર સિડની ખાતે આવેલું છે. સમગ્ર રાજ્યની 50 % વસ્તી સિડનીમાં રહે છે.

ભૂપૃષ્ઠ : ન્યૂ સાઉથ વેલ્સનું ભૂપૃષ્ઠ છ કુદરતી વિભાગોમાં વહેંચાયેલું છે : (1) કિનારાનો પટ્ટો : હન્ટર નદીથી જુદો પડતો ઉત્તર કિનારાનો પટ્ટો 80 કિમી. અને દક્ષિણ કિનારાનો પટ્ટો આશરે 32 કિમી.ની પહોળાઈ ધરાવે છે. હન્ટર નદીનો ફળદ્રૂપ ખીણ-પ્રદેશ અને સિડની આ વિભાગમાં આવે છે. ગ્રેટ ડિવાઇડ રેન્જમાંથી નીકળતી ઘણી નાની નદીઓ આ પટ્ટામાં થઈને વહે છે. શેરડી, તેમજ અયનવૃત્તીય ફળોની પેદાશ અહીંથી લેવાય છે. ડેરીની પેદાશો પણ મેળવાય છે, માંસપ્રાપ્તિ માટેનાં ઢોર અને ઊન માટે મરીનો ઘેટાંનો ઉછેર અહીં થાય છે. હન્ટર નદીની ખીણ દ્રાક્ષની ખેતી માટે તેમજ તેમાંથી દારૂ બનાવવા માટે જાણીતી બની છે. આ ઉપરાંત આ ખીણમાંથી કોલસો પણ મેળવાય છે. મેઇટલૅન્ડની આજુબાજુ શાકભાજીનું વાવેતર પણ થાય છે. દક્ષિણ પટ્ટો સિડનીથી વિક્ટોરિયાની સરહદ સુધી વિસ્તરેલો છે. અહીં પશ્ચિમ તરફ બ્લૂ માઉન્ટન્સના ઢોળાવો છે. આ વિભાગમાં દુધાળાં પશુઓના ઉછેરનાં ખેતરો તેમજ લાકડાં મેળવવા માટેનાં જંગલોનો વિકાસ કરવામાં આવેલો છે. (2) પર્વતો અને ઉચ્ચ સપાટ પ્રદેશ : કિનારાના પટ્ટાથી પશ્ચિમ તરફ, ઉત્તરમાં ક્વીન્સલૅન્ડની સરહદ પરની મૅકફર્સન હારમાળાથી દક્ષિણના હિમાચ્છાદિત પર્વતો સુધી આ વિભાગ વિસ્તરેલો છે. મધ્ય ભાગને આવરી લેતી ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ અને ઉત્તરમાં આવેલા ન્યૂ ઇંગ્લૅન્ડ ઉચ્ચસપાટ પ્રદેશનો આ વિભાગમાં સમાવેશ થાય છે. રાજ્યની વિક્ટોરિયન સરહદ નજીક સમગ્ર ઑસ્ટ્રેલિયા ખંડનું સૌથી વધુ 2,228 મીટરની ઊંચાઈ ધરાવતું કૉસ્સીઅસ્કો પર્વતનું શિખર છે. મરે નદી અહીંથી નીકળે છે. અહીં ઊંચાઈભેદે વનસ્પતિના પ્રકારો બદલાય છે. વન્ય પેદાશો આપતી વૃક્ષ-આચ્છાદિત ટેકરીઓ તથા ફળદ્રૂપ જમીનો ધરાવતી ખીણો અહીં આવેલી છે, ત્યાં ઘઉં, ઓટ અને ફળોની ખેતી થાય છે. ઘેટાં-ઢોરઉછેર તથા ખેતીવાડી અહીંના લોકોના મુખ્ય વ્યવસાય છે. કેનબેરા, ‘કૅપિટલ ટેરિટરી’ અને દક્ષિણનો ઉચ્ચપ્રદેશ આ વિભાગમાં આવેલાં છે. (3) પર્વતીય ઢોળાવો અને મેદાની વિસ્તાર : ગ્રેટ ડિવાઇડિંગ રેન્જથી પશ્ચિમ દિશામાં મધ્ય અને ઉત્તર ભાગને આવરી લેતો આ વિભાગ વાયવ્ય તરફ ઢળતો  છે. ક્વીન્સલૅન્ડની સરહદ પરના ગુંડીવિંડીથી દક્ષિણ તરફ તે વિસ્તરેલો છે. પૂર્વ તરફ લિવરપૂલ હારમાળાના પશ્ચિમ ઢોળાવોથી તે ઘેરાયેલો છે, તેમજ વારમ્બંગલના જ્વાળામુખી પ્રદેશને અને નાન્ડેવર હારમાળાને આવરી લે છે. (4) ડાર્લિંગનું હેઠવાસનું થાળું : ઉત્તરમાં વલ્કેનિયા અને દક્ષિણમાં વૅન્ટવર્થ વચ્ચે રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગને આવરી લેતું આ થાળું સૂકી ભૂમિથી બનેલું છે. (5) મરે નદી થાળાના ઢોળાવો : ગ્રેટ ડિવાઇડિંગ રેન્જની પશ્ચિમે, રાજ્યના દક્ષિણ ભાગમાં આ પ્રદેશ આવેલો છે. ઉત્તરમાં મૅકવેરી નદીના મૂળ નજીકથી તથા લાકલાન નદીના ખીણપ્રદેશથી દક્ષિણમાં વિક્ટોરિયન સરહદ પરની મરે નદીના હ્યુમ સરોવર સુધીનો વિસ્તાર તે આવરી લે છે. અહીં ઘેટા-ઉછેર થાય છે તેમજ ઘઉંનો પાક લેવાય છે. (6) રિવેરીના : મરે, મરુમ્બીગી અને લાકલાન નદીઓેએ રાજ્યના દક્ષિણ તથા નૈર્ઋત્ય ભાગમાં સપાટ વિસ્તાર બનાવેલો છે. નદીઓ પરની સિંચાઈ-યોજનાઓ ફળો, પાકો તથા પશુપાલન માટે જળપુરવઠો પૂરો પાડે છે. ગ્રિફિથની આજુબાજુનો ભાગ, ચોખા, શાકભાજી તેમજ દારૂના ઉત્પાદન માટે જાણીતો છે.

ન્યૂ સાઉથ વેલ્સ

મરે અને ડાર્લિંગ આ રાજ્યની મુખ્ય નદીઓ છે. મરુમ્બીગી, લાકલાન અને મૅકવેરી તેની નદીશાખાઓ છે. આ ઉપરાંત ટ્વીડ, રિચમૉન્ડ, ક્લૅરેન્સ, હન્ટર, મેમ્લેથ, મેનિંગ, હૉક્સબરી, મૅક્લે, શોઅલહેવન વગેરે અન્ય નદીઓ છે. મરે અને ડાર્લિંગ નદીઓનો વિદ્યુતઊર્જા તથા સિંચાઈ માટે વિશેષ ઉપયોગ થાય છે. કેટલીક નદીઓ ટૂંકા ગાળા પૂરતી નૌકાવહન માટે પણ ઉપયોગી બની રહે છે. હ્યુમ, બુરાન્ગોરાંગ અને જ્યૉર્જ મુખ્ય સરોવરો છે. આ ઉપરાંત કેટલીક નદીઓના પથમાં જળાશયો પણ તૈયાર થયેલાં છે.

આબોહવા : ન્યૂ સાઉથ વેલ્સ દક્ષિણ ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધમાં આવેલું હોવાથી તેની આબોહવા સમધાત છે. વર્ષનો મોટો-ભાગ તે સૂર્યપ્રકાશિત રહે છે. ક્યારેક ગરમી અને ઠંડીની વિષમતા પણ વરતાય છે. રાજ્યનું વાર્ષિક સરેરાશ તાપમાન 16° સે. રહે છે. સિડનીનું વાર્ષિક સરેરાશ તાપમાન 18° સે., જાન્યુઆરી(ઉનાળા)માં 21° થી 27° સે. તથા જુલાઈ(શિયાળા)માં 7° થી 13° સે.ની વચ્ચે રહે છે. દક્ષિણના પ્રદેશો કરતાં ઉત્તરના પ્રદેશોનું તથા સૂકા પ્રદેશોનું તાપમાન વધારે હોય છે. વ્હાઇટ ક્લિફ્સ, કોબર કે વિલ્કેનિયા જેવા સૂકા પ્રદેશમાં તે ક્યારેક 40° સે. પણ પહોંચે છે. રાજ્યનો વાર્ષિક સરેરાશ વરસાદ 710 મિમી. જેટલો રહે છે. કિનારાના પ્રદેશોમાં તેમજ ઑસ્ટ્રેલિયન આલ્પ્સમાં 2,030 મિમી., રાજ્યના બાકીના વિસ્તારોમાં 500 મિમી.થી ઓછો તેમજ વાયવ્ય ભાગમાં 180 મિમી. જેટલો વરસાદ પડે છે. પશ્ચિમ તરફ 250 મિમી. કે તેથી પણ ઓછો તથા નૈર્ઋત્ય ખૂણાના પ્રદેશમાં શિયાળામાં, જ્યારે મધ્યભાગમાં બંને ઋતુઓમાં વરસાદ પડે છે. સિડનીમાં વાર્ષિક સરેરાશ વરસાદ 1,220 મિમી. જેટલો થાય છે.

કુદરતી સંપત્તિ : રાજ્યની વિવિધ કુદરતી સંપત્તિ આબોહવા, જમીન અને વનસ્પતિ પર આધારિત છે. રાજ્યભરમાં સ્થાનભેદે વધુ ભેજવાળી, ઓછી ભેજવાળી અને અર્ધશુષ્ક એમ ત્રણ પ્રકારની જમીનો જોવા મળે છે.

(1) વન્યસંપત્તિ અને ખેતી : રાજ્યના લગભગ 19 % વિસ્તારમાં જંગલો છે. ભૂમધ્ય સમુદ્રીય આબોહવાવાળા ભાગોમાં દ્રાક્ષ, પીચ, પ્લમ, નેક્ટરાઇન, ચેરી અને ખાટાં ફળો; ઉચ્ચપ્રદેશીય ભાગોમાં સફરજન, જામફળ અને બોર; ઉત્તરકાંઠાના ભાગોમાં કેળાં, પાઇનેપલ અને શેરડી; જ્યારે ‘બ્લૂ માઉન્ટન’ ટેકરીઓ તથા સિડની-ન્યૂ કૅસલ વચ્ચેના પ્રદેશમાં ખાટાં ફળો થાય છે. ‘ડાઉન’ના મેદાનમાં પુષ્કળ પ્રમાણમાં ઘઉં થાય છે. ત્યાં ખેતીની સાથે સાથે ઢોર અને ઘેટાં ઉછેરાય છે. નદીની કાંપવાળી ખીણોમાં ડાંગર અને કપાસની ખેતી થાય છે. ઘઉંના ઉત્પાદનમાં આ પ્રદેશનો 17 % જેટલો હિસ્સો છે. મરીનો ઘેટાંના ઉછેરથી ઑસ્ટ્રેલિયાના કુલ ઊન-ઉત્પાદનમાં આ રાજ્યનો 36 % હિસ્સો છે.

(2) ખાણઉદ્યોગ : હન્ટર નદીની ખીણ, લિથગો અને વોલોન્ગોન્ગમાં કોલસાનાં ક્ષેત્રો આવેલાં છે. ઑસ્ટ્રેલિયાનો લગભગ 50 % કોલસો આ રાજ્યમાંથી મળે છે. લગભગ 20,000 લોકો કોલસા ઉદ્યોગમાં રોકાયેલા છે. બ્રોકનહિલ ખાતેથી સીસું, જસત અને ચાંદીનું ખનન થાય છે, તેમાં 4,000 ખાણિયાઓ કામ કરે છે. કોબરમાંથી તાંબું અને રિવેરીનાના આર્ડ-લેન્થાનમાંથી તથા ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારમાંથી કલાઈના નિક્ષેપો મળે છે.

(3) મત્સ્યઉદ્યોગ : મત્સ્યઉદ્યોગ પણ આ રાજ્યનો મહત્ત્વનો ઉદ્યોગ છે. સમુદ્રકિનારાના ભાગમાંથી વિવિધ પ્રકારની માછલીઓ, કરચલાં, ઑઇસ્ટર વગેરે પકડવામાં આવે છે.

(4) જળસંપત્તિ : રાજ્યમાં સ્થાનભેદે વરસાદનું પ્રમાણ જુદું જુદું રહેતું હોવાથી જળસંપત્તિ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકતી નથી. સરોવરોનું પ્રમાણ પણ ઓછું છે ઑસ્ટ્રેલિયન આલ્પ્સમાં બ્લૂ સરોવર અને મે સરોવર તથા કૅનબેરા નજીક જ્યૉર્જ સરોવર આવેલાં છે. રાજ્યના અંતરિયાળમાં આવેલાં સરોવરો દુકાળ દરમિયાન સુકાઈ જાય છે. વરસાદની ઋતુ દરમિયાન જ તે નદીના પૂરથી ભરાતાં હોય છે. સૂકા પ્રદેશોમાં ખેડૂતો તેમનાં ઢોર અને ઘેટાં માટે પાતાળકૂવા ખોદાવે છે, પરંતુ તેનાં જળ ખારાશવાળાં હોવાથી સિંચાઈના ઉપયોગમાં લઈ શકાતાં નથી. પાતાળકૂવાઓ માટેના ઑસ્ટ્રેલિયાના વિશાળ થાળાનો થોડોક ભાગ આ રાજ્યમાં આવેલો છે. નદીઓનાં જળ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે. રાજ્યના ઘણા ભાગોમાં જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું અને અનિશ્ચિત રહે છે ત્યાં જળઆરક્ષણ જરૂરી બની રહે છે. આથી સ્નોઈ માઉન્ટન યોજના, મરે નદી યોજના, મરુમ્બીગી યોજના, કોલીમ્બેલી યોજના, લાકલાન યોજના જેવી અનેક સિંચાઈ-યોજનાઓનો લાભ લેવાય છે.

ઔદ્યોગિક ઉત્પાદન : આ રાજ્યમાં ખેતીની પેદાશોનું ઉત્પાદન થતું હોવા છતાં ઘણા લોકો ઉદ્યોગોમાં રોકાયેલા છે. સિડની અહીંનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ન્યૂ કૅસલ અને વોલોન્ગોન્ગમાં પણ ઘણાં કારખાનાંઓ છે. ખેતીવાડીનાં ઓજારો, રસાયણો, કાપડ, તૈયાર કપડાં, ખાતર, કાચનો સામાન, યંત્રસામગ્રી, મોટરકાર, કાગળનું ઉત્પાદન અહીં થાય છે. ન્યૂ કૅસલ અને પૉર્ટ કેમ્બલા ખાતે લોખંડ-પોલાદનો ઉદ્યોગ છે. ઑસ્ટ્રેલિયાના ઔદ્યોગિક ઉત્પાદનમાં આ રાજ્યનો આશરે 38 % જેટલો હિસ્સો જણાય છે.

પરિવહનસંદેશાવ્યવહાર : ન્યૂ સાઉથ વેલ્સમાં 10,200 કિમી.ના રેલમાર્ગો અને 1,82,167 કિમી.ના રસ્તાઓ છે. આ પૈકી પાંચ રેલમાર્ગો અને પાંચ મુખ્ય ધોરી-માર્ગો છે. સિડની રેલવે તથા રસ્તાઓ દ્વારા મેલબૉર્ન, બ્રિસ્બેન, બાથર્સ્ટ, વેન્ટવર્થ અને બ્રોકનહિલ સાથે જોડાયેલું છે. વાતાનુકૂલિત સ્ટેનલેસ સ્ટીલના રેલમાર્ગે સિડની મેલબૉર્ન તથા બ્રિસ્બેન સાથે પણ જોડાયેલું છે. સિડની-નોવ્રાનો રેલમાર્ગ કિનારાને સમાંતર જાય છે. સિડની ખાતે બે હવાઈ મથકો છે. તે પૈકીનું મેસ્કૉટ ખાતેનું કિંગ્સફૉર્ડ સ્મિથ હવાઈ મથક આંતરરાષ્ટ્રીય છે. સિડની કૅનબેરા સાથે અને ઑસ્ટ્રેલિયાનાં અન્ય રાજ્યોનાં પાટનગરો તથા 50 જેટલાં શહેરો સાથે હવાઈ માર્ગે જોડાયેલું છે. કિનારા પર બારાં તેમજ બંદરોની સુવિધા છે.  સિડની, ન્યૂ કૅસલ, પૉર્ટ બોટાની અને પૉર્ટ કેમ્બલા ખાતે અન્ય રાજ્યોનાં તથા વિદેશી જહાજોની પણ અવરજવર રહે છે.

ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન અને જુદી જુદી કંપનીઓ રાજ્યભરમાં રેડિયો અને દૂરદર્શન સેવા પૂરી પાડે છે. અહીં રાષ્ટ્રીય અને વ્યાપારી પ્રસારણ-મથકો છે; રાષ્ટ્રીય અને વ્યાપારી દૂરદર્શન-કેન્દ્રો છે. આ ઉપરાંત અન્ય કેટલાંક જાહેર અને કૉમ્યુનિટી રેડિયો-મથકો પણ છે. સિડનીમાંથી દૈનિક પત્રો બહાર પડે છે. તે હવાઈ, રેલ તથા સડકમાર્ગે રાજ્યભરમાં પહોંચાડાય છે.

ન્યૂ સાઉથ વૅલ્સના પાટનગર સિડનીને સ્પર્શતો રમણીય સમુદ્રતટ

પ્રવાસનઐતિહાસિક સ્થળો : સિડની ખાતેથી પ્રવાસનનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સિડનીથી ઉત્તરમાં હૉક્સબરી નદી અને બ્રોકન બે પ્રવાસ માટેનાં લોકપ્રિય મથકો છે. સિડનીથી પશ્ચિમે રિચમૉન્ડ-વિન્ડસર અને કામડેન વિસ્તારમાં તથા પેરામટ્ટાની આજુબાજુ જોવાલાયક ઐતિહાસિક સ્થળો આવેલાં છે. સિડનીમાં હાર્બર બ્રિજ અને ઑપેરા હાઉસ છે. ઘણા પ્રવાસીઓ ફેરી સેવા મારફતે મૅન્લી કે તારોન્ગા પ્રાણીસંગ્રહાલય જોવા જાય છે. કિંગ્ઝ ક્રૉસની આજુબાજુમાં પ્રવાસીઓની સુવિધા માટે ઘણી હોટેલો છે. રાજ્યનો ‘નૅશનલ પાકર્સ ઍન્ડ વાઇલ્ડ લાઇફ સર્વિસ’ વિભાગ ઉદ્યાનો અને અભયારણ્યોનો વહીવટ સંભાળે છે. વારમ્બંગલ રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પશુઓ માટેનું જાણીતું અભયારણ્ય છે. કોસ્સીઅસ્કો નૅશનલ ઉદ્યાનમાં બરફ પર સરકવાની રમતો માટેની વ્યવસ્થા વિકસાવી છે. હિમાચ્છાદિત પર્વતોનાં આરોહણો માટેની યોજનાઓ પણ છે. લોકો રજાઓની મોજ માણવા યુકુમ્બીન સરોવર પર જાય છે, ત્યાં માછીમારી અને નૌકાવિહાર કરે છે. સિડનીથી પશ્ચિમ તરફ 80થી 130 કિમી.ના અંતરે બ્લૂ માઉન્ટન્સ વિસ્તાર પ્રવાસીઓ માટેનું જાણીતું મથક બની રહેલું છે. અહીં જેનોલન ગુફાઓ આવેલી છે. વાર્ષિક તહેવારો ઊજવવા તથા તેની મોજ માણવા રાજ્યમાં ઘણાં મથકોનો વિકાસ કરવામાં આવેલો છે. જિલ્લાઓનાં જાણીતાં ફૂલ તેમજ દંતકથાઓ પરથી ઉત્સવોનાં નામ અપાયેલાં છે. યંગ ખાતે ચેરી બ્લૉસમ તહેવાર, બોવરાલા ખાતે ટ્યૂલિપ ઉત્સવ, કૅમ્પબેલટાઉન ખાતે ફિશર્સ ઘોસ્ટ ઉત્સવ, ગ્રેનફેલમાં કલા માટેનો હેન્રી લૉસન ઉત્સવ જાણીતા છે. અન્ય ઉત્સવોમાં બ્લૅકહીથ રહ્ોડોડેન્ડ્રૉન ઉત્સવ, લિટોન રાઇસ બાઉલ ઉત્સવ, લાઇટનિંગ રિજ ખાતે ઓપલ ઉત્સવ અને ગ્રિફિથ વિન્ટેજ ઉત્સવનો સમાવેશ થાય છે. સિડની ખાતે ‘રૉયલ ઈસ્ટ શો’ અને ‘સિડનીનો તહેવાર’ દર વર્ષે ઊજવાય છે. તેમાં હજારો પ્રેક્ષકો ભાગ લે છે.

વસ્તી અને શિક્ષણ : ન્યૂ સાઉથ વેલ્સની વસ્તી 2014માં આશરે 76 લાખની હતી. તે પૈકી 85 % શહેરી અને 15 % ગ્રામીણ હતી. રાજ્યમાં 6 થી 15 વર્ષની વયનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નિ:શુલ્ક છે. ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ પણ અપાય છે. ઉચ્ચ શિક્ષણ કૉલેજો તથા યુનિવર્સિટીઓ દ્વારા અપાય છે. આ ઉપરાંત પત્રવ્યવહાર અને રેડિયો દ્વારા પણ શિક્ષણ-પ્રસારણની વ્યવસ્થા છે. શારીરિક કે માનસિક ક્ષતિવાળાં બાળકો અને અન્ય ઉંમરના લોકો માટે પણ વિશિષ્ટ શિક્ષણવ્યવસ્થા છે. રાજ્યમાં ટૅક્નિકલ કૉલેજો,  ઉચ્ચશિક્ષણસંસ્થાઓ અને  યુનિવર્સિટીઓ છે. અહીં તાલીમી સંસ્થાઓ તથા ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થાઓ પણ છે.

ઇતિહાસ : ન્યૂ સાઉથ વેલ્સની પ્રથમ મુલાકાત લેનાર બ્રિટિશ વહાણવટી જેમ્સ કુકે બૉટાની બે ખાતે 1770માં ઉતરાણ કર્યું હતું. ઇંગ્લૅન્ડે 1787માં દેશનિકાલ કરેલ ગુનેગારો અને તેમની સાથે રક્ષકો તેમજ અધિકારીઓ તરીકે મોકલેલા રૉયલ મરીનના સૈનિકો અહીંના પ્રથમ વસાહતીઓ બન્યા હતા. તેમણે પ્રથમ સિડની ખાતે 1787માં અને ત્યારબાદ ન્યૂ કૅસલ ખાતે તેમની વસાહતો સ્થાપી હતી. તેમની સાથે મોકલેલ આર્થર ફિલિપ આ પ્રદેશનો પ્રથમ ગવર્નર બન્યો હતો. લશ્કરી અધિકારીઓ અને સૈનિકો અહીં આવ્યા પછી ઘઉંની ખેતીમાં તથા રમ, સિડારના લાકડાના વેપાર વગેરેમાં વધારે રચ્યાપચ્યા રહેતા હતા. સારી ચાલચલગતવાળા કેટલાક કેદીઓને જમીનો અપાતી હતી. 1810માં મૅકક્વેરી ગવર્નર તરીકે આવ્યો. 1813માં બ્લૂ માઉન્ટનની પેલી પારનો પ્રદેશ શોધાયો. અહીંના દરિયામાં વહેલ માછલીઓનું પ્રમાણ વધુ હોવાથી 1804માં 42 બ્રિટિશ વહાણો અને 1,200 માણસો આ ધંધામાં રોકાયેલાં રહેલાં. સૂકા પ્રદેશમાં મરીનો ઘેટાંનો ઉછેર કરવાની અને તેમનું ઊન નિકાસ કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. સિડારનાં વૃક્ષો કાપીને તેના પાટડા નદી મારફતે લાટીઓના સ્થળે મોકલાતા હતા. આ કારણે 1890 સુધીમાં સિડારનાં વૃક્ષો લગભગ નામશેષ થઈ ગયાં.

વિલિયમ ચાર્લ્સ વેન્ટવર્થની આગેવાની હેઠળ અહીંના લોકોની રાજશાસનમાં ભાગ લેવા માટેની ચળવળ શરૂ થઈ. 1823માં નાના પાયા પર ગવર્નરને સલાહ આપવા માટે લેજિસ્લેટિવ કાઉન્સિલ નીમવામાં આવી. 1842માં તેનું વિસ્તરણ થયું અને 1856માં ન્યૂ સાઉથ વેલ્સની સંસદ રચાઈ. 1851માં અહીં બાથર્સ્ટ ખાતે સોનાની ખાણો મળી આવતાં દુનિયાભરમાંથી ધસારો શરૂ થયો. વસ્તીનું પ્રમાણ વધતું ગયું. 1899માં ન્યૂ સાઉથ વેલ્સને સમવાયતંત્ર માટે સંમતિ અપાઈ. 1-1-1901માં બધી સંસ્થાઓનું સમવાયી તંત્ર રચાયું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સમૃદ્ધિમાં વધારો થયો. 1930માં વિશ્વવ્યાપી મંદીની અસર વરતાતાં ગરીબ લોકો માટે રાહતકાર્યો શરૂ કરાયાં. મુખ્ય પ્રધાન આઈ. ટી. લૅન્ગના શાસન દરમિયાન (1925-27 તથા 1930-32) કેટલાક સુધારા દાખલ કરાતાં લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા. 1932માં ગવર્નરે તેને રુખસદ આપી. 1939 સુધીમાં મંદીની અસર ઘટતી ગઈ. 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. 1942માં જાપાને સિડની ઉપર સબમરીનો દ્વારા હુમલો કર્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઔદ્યોગિક વિકાસ થતો ગયો. 1945માં યુદ્ધસમાપ્તિ પછી પણ પ્રગતિ ચાલુ રહી. ઑસ્ટ્રેલિયા અમેરિકા સાથે કરારથી જોડાયું, યુદ્ધનો ભય દૂર થવાથી તેની આબાદી પછી વધતી ગઈ.

ઈ. સ. 1949માં ઑસ્ટ્રેલિયાના એક રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં કોલસાની ખાણોના મજૂરોએ ત્યાંના સામ્યવાદી પક્ષની ઉશ્કેરણીથી હડતાળ પાડી. ઇટાલી, ગ્રીસ, માલ્ટા અને પૂર્વ યુરોપના દેશોમાંથી યહૂદીઓ સહિત ત્યાંના લોકો કાયમી વસવાટ વાસ્તે આવ્યા. આ રાજ્યની દક્ષિણમાં હાઇડ્રોઇલેક્ટ્રિસિટી  તથા નહેરો માટે 1949થી 1974 સુધી મોટા બંધ બાંધવામાં આવ્યા. તેમાં 30 દેશોમાંથી આવેલા એક લાખ લોકોને રોજી મળી. એશિયા, લૅટિન અમેરિકા તથા મધ્ય પૂર્વના દેશોમાંથી મોટી સંખ્યામાં લોકોએ સિડની શહેરમાં આવીને વસવાટ કર્યો. ઈ. સ. 1989માં ન્યૂ કૅસલ ભૂકંપથી ધ્રૂજ્યું. તેમાં 13 લોકો મરણ પામ્યા અને 160 ઘવાયા. 1990માં રાજ્યની પશ્ચિમના વિસ્તારમાં પૂર આવવાથી નુકસાન થયું. તે પછીનાં વર્ષોમાં દુકાળ પડ્યો અને તેની અસર ઘણાં વર્ષ સુધી રહી. ઈ. સ. 2000માં સિડની શહેરમાં ઑલિમ્પિકની રમતો રમવામાં આવી.

ઈ. સ. 1991થી 1996 સુધી સિડનીના પાઉલ કીટિંગ તથા 1996થી 2007 સુધી સિડનીના જૉન હાડવર્ડ ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન હતા. સિડનીમાં કૅથલિક વર્લ્ડયૂથ ડે  2008, પોપ બેનિડિક્ટ  16ની આગેવાની હેઠળ ઊજવાયો ત્યારે શહેરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. હાલમાં ન્યૂસાઉથ વેલ્સના ગવર્નર મૂળ લૅબેનોનનાં એક મહિલા મેરી બશીર છે. 2011માં બેરી ઓ ફેરેલની આગેવાની હેઠળ પક્ષોના જોડાણવાળી સરકાર સત્તા પર છે.

શિવપ્રસાદ રાજગોર

જયકુમાર ર. શુક્લ