ન્યૂયૉર્ક ટાઇમ્સ : અમેરિકાના ન્યૂયૉર્કથી પ્રસિદ્ધ થતું દૈનિક વર્તમાનપત્ર. વિશ્વનાં મહાન વર્તમાનપત્રોમાં તેની ગણના થાય છે. શરૂઆત 1851ના સપ્ટેમ્બરની 18મીએ થઈ. એ વખતે એનું નામ ‘ન્યૂયૉર્ક ડેઇલી ટાઇમ્સ’ હતું. હેન્રી જે. રેમન્ડ અને જ્યૉર્જ જોન્સ તેના પ્રકાશકો હતા. એ વખતે અમેરિકામાં જે અખબારો પ્રગટ થતાં હતાં તે ‘પેની પ્રેસ’ તરીકે ઓળખાતાં હતાં. એની કિંમત ખૂબ ઓછી-પેની (સેન્ટ) હતી અને તે છીછરાં અને સનસનાટીભર્યાં લખાણો ધરાવતાં હતાં. ‘ન્યૂયૉર્ક ડેઇલી ટાઇમ્સ’ની કિંમત પણ એક પેની રખાઈ હતી; પરંતુ તે સનસનાટી ફેલાવવાના લોભથી દૂર રહ્યું. કાળજીપૂર્વકના વૃત્તાંત-નિવેદનના કારણે લોકપ્રિય બન્યું. તે વાજબી શિષ્ટતા પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યું.

સદીના અંત સમયે આ અખબારને નાણાભીડ નડી અને તે નાદારીની અણી પર આવી ગયું ત્યારે 1896માં 75,000 ડૉલરમાં એડૉલ્ફ સાઇમન ઑક્સે તે ખરીદી લીધું. એડૉલ્ફે પોતાના નામ સાથે લખેલા તંત્રીલેખમાં સ્પષ્ટતા કરી કે પોતે કોઈ પણ જાતના ભય કે પક્ષપાત વિના સમાચારો પ્રગટ કરી આ અખબારને ઉચ્ચ ધોરણવાળું બનાવશે. ‘ન્યૂયૉર્ક ટાઇમ્સે’ નવું સૂત્ર પણ 1897થી રોજ પ્રથમ પાને પ્રગટ કરવા માંડ્યું : ‘All the news that’s fit to print’.

એડૉલ્ફના સમયમાં ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’નું કાર્યાલય ટાઇમ્સ સ્ક્વેરની 42મી સ્ટ્રીટમાંથી 43મી સ્ટ્રીટમાં ખસેડાયું.

1935માં એડૉલ્ફનું અવસાન થયું ત્યાં સુધી તેણે આ અખબારનું કુશળતાપૂર્વક સંચાલન કરી તેને વિશ્વનાં મહાન અખબારોની પંક્તિમાં મૂકી દીધું. એડૉલ્ફના અવસાન પછી તેના જમાઈ આર્થર હેય્ઝ સુલ્ઝ બર્ગરે સંચાલન સંભાળી લીધું. અમેરિકાનાં અખબારો અંગે લેવાયેલા ‘ઓપિનિયમ પોલ’ નામના લોકમતમાં ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ સદાય મોખરે રહ્યું છે.

1996માં એડૉલ્ફે ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ ખરીદ્યું તેનું શતાબ્દી વર્ષ હોઈ ન્યૂયૉર્ક શહેરના મેયરે 19મી ઑગસ્ટે સમારંભ યોજી, ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના પ્રકાશનસ્થળ વેસ્ટ 43મી સ્ટ્રીટનું નામ બદલીને ‘એડૉલ્ફ સાઇમન ઑક્સ સ્ટ્રીટ, ટાઇમ્સ સ્ક્વેર’ ઘોષિત કર્યું.

અત્યારે પણ ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ કંપનીના અધ્યક્ષપદે આર્થર હેય્ઝ સુલ્ઝ બર્ગર ચાલુ છે.

મહેશ ઠાકર