ન્યૂ હૅમ્પશાયર : યુનાઇટેડ સ્ટેટ્સના ઈશાન ખૂણામાં આવેલું રાજ્ય. ન્યૂ ઇંગ્લૅન્ડ પ્રદેશમાં આવેલું છ રાજ્યો પૈકીનું આ રાજ્ય તેના અપ્રતિમ કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. આ પ્રદેશમાં ગ્રૅનાઇટના ખડકો પુષ્કળ પ્રમાણમાં મળતા હોવાથી તે ‘ગ્રૅનાઇટ રાજ્ય’ તરીકે પણ ઓળખાય છે. ઇંગ્લૅન્ડના મૂળ હૅમ્પશાયર પરગણાના કૅપ્ટન જૉન મેસને 1622માં  આ નામ આપેલું હોવાથી તે આ રાજ્યનો સંસ્થાપક ગણાય છે. આ રાજ્યનો વિસ્તાર 42° 40´થી 45° 18´ ઉ. અ. અને 70° 37´થી 72° 37´ પ. રે. વચ્ચે આવેલો છે. આ રાજ્યની ઉત્તરે કૅનેડાનો ક્વિબેક પ્રાંત, પૂર્વમાં યુ.એસ.નું મેઇન રાજ્ય, અગ્નિકોણમાં 29 કિમી. લાંબી સાગરપટ્ટી, દક્ષિણે મૅસેચૂસેટ્સ રાજ્ય અને પશ્ચિમે વરમૉન્ટ રાજ્ય આવેલાં છે. રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ 290 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 145 કિમી. જેટલી છે. તેનું ક્ષેત્રફળ 741 ચોકિમી.ના જળવિસ્તાર ઉપરાંત 24,214 ચોકિમી. જેટલું છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ તે યુ.એસ.નાં સંલગ્ન રાજ્યોમાં ચુમાળીસમા ક્રમે આવે છે. વહીવટી દૃષ્ટિએ આ રાજ્ય કુલ દસ પરગણાંમાં વહેંચાયેલું છે. રાજ્યની કુલ વસ્તી 13,30,608 (2015) છે અને વસ્તીની દૃષ્ટિએ તે દેશમાં બેતાળીસમો ક્રમ ધરાવે છે. કૉનકૉર્ડ તેનું પાટનગર છે અને મૅન્ચેસ્ટર તથા નશુઆ મોટાં શહેરો છે.

ન્યૂ હૅમ્પશાયર

ભૂપૃષ્ઠ : આ રાજ્ય ત્રણ કુદરતી પ્રદેશોમાં વહેંચાયેલું છે : (1) રાજ્યનો ઉત્તર તરફનો વ્હાઇટ પર્વતોનો ભાગ. તે ઍપેલેશિયન પર્વતમાળાનું ઈશાની વિસ્તરણ છે અને રાજ્યનો 1/3 ભાગ આવરી લે છે. આ પ્રદેશમાં કુલ 86 શિખરો આવેલાં છે. કુસ પરગણામાં આવેલી પ્રેસિડેન્શિયલ ગિરિમાળાનાં પાંચ શિખરો 1,600 મી.થી પણ વધુ ઊંચાઈવાળાં છે. અહીંનું સર્વોચ્ચ શિખર માઉન્ટ વૉશિંગ્ટન 1,917 મી. ઊંચાઈ ધરાવે છે. (2) રાજ્યના કુલ વિસ્તારનો આશરે 2/3 ભાગ આવરી લેતો દક્ષિણ ભાગ. તે હિમનદીજન્ય અસર દર્શાવતા નીચા ડુંગરોથી બનેલો છે. (3) આટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલું સાંકડું ફળદ્રૂપ મેદાન. આજથી 10,000 વર્ષ અગાઉ પ્રવર્તેલા હિમયુગ વખતે આખું રાજ્ય હિમપટથી આચ્છાદિત હતું. ત્યારપછી હિમનદીઓના ઓગળવાથી અસંખ્ય સરોવરો રચાયાં છે. રાજ્યના મુખ્ય પર્વતોમાં માઉન્ટ ઍડમ્સ (1,767 મી.), માઉન્ટ ક્લે (1,686 મી.), માઉન્ટ મેડિસોન (1,635 મી,), માઉન્ટ મનરો (1,641 મી.), માઉન્ટ જેફર્સન (1,742 મી.), માઉન્ટ લાફાએટ (1,600 મી.) અને માઉન્ટ ફ્રૅન્કલિન(1,525 મી.)નો સમાવેશ થાય છે.

કનેક્ટિકટ, સાલ્મન ફૉલ્સ, એન્ડ્રોસ્કોજિન, સાકો અને મેરીમૅક આ રાજ્યની મુખ્ય નદીઓ છે. સૌથી મોટા સરોવર વીનીપેસૉકીમાંથી મેરીમૅક નદી નીકળે છે. વરમૉન્ટની સરહદે આવેલ કનેક્ટિકટ નદીની ખીણ ખૂબ ફળદ્રૂપ છે. મુખ્ય સરોવરપટ્ટો રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે. કનેક્ટિકટ, ન્યૂ ફાઉન્ડલૅન્ડ, ઓસીપી, સ્કૉમ, સનાપી, ઉમ્લેગોગ, વેન્ટવર્થ, વિનેપેસૉકી, વિનીસ્કૉમ મુખ્ય સરોવરો છે. એડવર્ડ મૅક્ડોવેલ, ફિફ્ટીન માઈલ ફૉલ્સ, ફ્રાન્સિસ, હૉપક્ધિટન એવરેસ્ટ, મૂરે મુખ્ય જળાશયો છે. નદીઓ, ઝરણાંઓ અને પ્રવાહપથમાં આવેલાં સરોવરોની કુલ લંબાઈ 67,300 કિમી. જેટલી થાય છે.

જમીનો : રાજ્યનો મોટો ભાગ પર્વતો અને ટેકરીઓથી છવાયેલો હોવાથી ખેતીલાયક જમીનોનું પ્રમાણ ઓછું છે. અહીં ગ્રૅનાઇટ, નાઇસ અને સ્લેટના ઘસારા અને ખવાણમાંથી બનેલી જમીનો અગાઉની હિમનદીઓની અસરવાળી ટિલજન્ય હોવાથી કાંકરીયુક્ત, પથરાળ અને ગોરાડુ પ્રકારની છે. તેથી ઓછી ઉપજાઉ છે. કનેક્ટિકટ અને મેરીમૅક નદીના ખીણભાગો ફળદ્રૂપ જમીનોવાળા છે.

આબોહવા : આ પ્રદેશ સમશીતોષ્ણ પ્રકારની આબોહવા ધરાવે છે. અહીં ઉનાળા ટૂંકા તથા શિયાળા લાંબા અને અતિ ઠંડા રહે છે. ઉત્તર તરફના પર્વતીય પ્રદેશનું જુલાઈનું સરેરાશ તાપમાન -17° સે. અને અગ્નિ ખૂણામાં આવેલા કિનારા પાસેના પ્રદેશનું સરેરાશ તાપમાન -21° સે. રહે છે. માઉન્ટ વૉશિંગ્ટન ખાતેનું સરેરાશ તાપમાન 14° સે. જ્યારે ઉત્તર તરફના છેડાનું સરેરાશ તાપમાન -6° સે. રહે છે. અહીંનું મહત્તમ અને લઘુતમ વિક્રમ તાપમાન અનુક્રમે 41° સે. અને 43° સે. નોંધાયેલું છે. ઉનાળા દરમિયાન પવનો અગ્નિકોણમાંથી ફૂંકાય છે. રાજ્યમાં સ્થાનભેદે વરસાદનું પ્રમાણ 990 થી 1,880 મિમી. વચ્ચેનું રહે છે. કિનારા તરફ હિમવર્ષાનું પ્રમાણ 1,300 મિમી. જ્યારે પર્વતોમાં 3,500 મિમી. જેટલું રહે છે. ખેતી માટેનો વરસાદ ઉત્તર તરફ 90 દિવસો અને દક્ષિણમાં 150 દિવસો દરમિયાન પડે છે.

વનસ્પતિપ્રાણીજીવન : રાજ્યનો આશરે 86 % વિસ્તાર જંગલોથી છવાયેલો છે. તેમાં સખત લાકડું આપતાં અને સતત લીલાં રહેતાં વૃક્ષો આવેલાં છે. વ્હાઇટ પર્વતોની દક્ષિણે સફેદ પાઇનનાં વૃક્ષો વિશેષ છે. ઉત્તર તરફ સ્પ્રૂસ, સિડાર, આસ્પેન, બર્ચ, અમેરિકન એલ્ડર અને ફર જોવા મળે છે; રાજ્યમાં અન્યત્ર મેપલ અને બર્ચ જેવાં પહોળા પાનવાળાં વૃક્ષો પણ છે. જંગલી ફૂલો, હંસરાજ અને રહોડોન્ડ્રોન પ્રકારની વનસ્પતિ પણ થાય છે.

રાજ્યભરમાં અને વિશેષે કરીને ઉત્તરમાં હરણ વધુ જોવા મળે છે. તે ઉપરાંત કાળાં રીછ, બૉબકટ, બીવર, મસ્કરેટ, મિંક મૂઝ, લાલ શિયાળ, ઑટર, રેકૂન, સસલાં જેવાં વન્ય પ્રાણીઓ છે. રૉબિન, થ્રશ, લક્કડખોદ, વીરેઓસ, વૉર્બ્લર, સ્વિફ્ટ, સ્વૉલો, લાલ પાંખવાળું બ્લૅક બર્ડ, જંગલી કૂકડા; જળપક્ષીઓમાં લૂન, કૂટ, કૅનેડી ગીઝ વગેરે મુખ્ય છે. નદીઓ, ઝરણાં અને સમુદ્રમાંથી કાળી બાસ, ટ્રાઉટ, પર્ચ, સાલમન, પીકેરેલ, સોનેરી ટ્રાઉટ વગેરે માછલીઓ મળે છે. રૅટલ સાપ અને કૉપરહેડ જેવા ઝેરી સાપો પણ છે.

જળસંપત્તિ : રાજ્યનો જળપુરવઠો નદીઓ, સરોવરો વગેરેમાંથી અને ભૂગર્ભમાંથી મેળવાય છે. નદીઓનાં હેઠવાસનાં જળ પ્રદૂષિત બનેલાં હોય છે. વિદ્યુત-ઊર્જાપ્રાપ્તિ માટે ઘણા સ્રોત હોવા છતાં આર્થિક દૃષ્ટિએ તેમનો વિકાસ પોસાય એવો નથી. અગાઉ ચાલતાં જળવિદ્યુતમથકોનું સ્થાન હવે કોલસા-આધારિત મથકોએ લીધું છે.

પર્યાવરણઆરક્ષણ : રાજ્યમાં જંગલો વિસ્તૃત હોવા છતાં વૃક્ષછેદન ચાલુ રહેતું હોવાથી પર્યાવરણમાં મુશ્કેલી ઊભી થઈ છે. જળ પ્રદૂષિત થતાં રહેતાં હોવાથી સ્વચ્છ-જળપ્રાપ્તિમાં ઘટાડો થતો ગયો છે. સીબ્રુક નજીક અણુશક્તિ એકમ સ્થપાવાથી પણ પર્યાવરણ પ્રદૂષિત થયું છે. નદીઓ પર બંધ અને અવરોધો તૈયાર કરી પ્રદૂષણમાં ઘટાડો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પ્રાણીઓ અને માછલીને આરક્ષણ આપવાનાં પગલાં પણ લેવાઈ રહ્યાં છે.

ખાણપેદાશો : આ રાજ્યમાં ગ્રૅનાઇટ ખડકનું પ્રમાણ સવિશેષ છે. આ ઉપરાંત ફેલ્સ્પાર, અબરખ, રેતી અને કંકર મુખ્ય ખનિજ-પેદાશો છે.

પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ ન્યૂ હૅમ્પશાયરનું રમણીય ઑસિપી સરોવર

આર્થિક પ્રવૃત્તિઓ : આ રાજ્યમાં વાહનવ્યવહારની સુવિધા અને કરવેરાના ઓછા દરોને કારણે મોટાભાગની આર્થિક પ્રવૃત્તિ અગ્નિ છેડાના વિસ્તાર તરફ કેન્દ્રિત થયેલી છે. એક જમાનામાં 83 % લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા રહેતા હતા. તે ટકાવારી હવે ઘટીને માત્ર 3 % જ રહી છે. ખેડૂતો હવે મર્યાદિત પ્રમાણમાં મકાઈ, થોડું ઘણું બીજું ધાન્ય, શાકભાજી, ઘાસચારો, સફરજન, પીચ વગેરેની ખેતી કરે છે. મેપલનો સિરપ તથા તેની અન્ય બનાવટો જંગલ પર આધારિત છે. ભુંડ તથા અન્ય પશુઓનો જરૂરિયાત મુજબ માંસપ્રાપ્તિ માટે ઉછેર કરવામાં આવે છે. ડેરી તથા મરઘા-ઉછેર ગૌણ પ્રવૃત્તિ બની રહી છે. જંગલોમાંથી ઓછા પ્રમાણમાં પોચું અને વધુ પ્રમાણમાં સખત લાકડું મળે છે. 29 કિમી. લાંબી કિનારાપટ્ટી નજીકથી તેમજ ન્યૂ ફાઉન્ડલૅન્ડ સુધીના દરિયામાંથી માછલીઓ પકડવામાં આવે છે.

ગ્રૅનાઇટ (ઇમારતી તેમજ સુશોભન પથ્થર), મચ્છીમારી, કાપડ, ચામડાં, કાષ્ઠકામ, પોશાકો, મેપલની ખાંડ, વીજાણુ-વીજળી-વાહનવ્યવહારનાં સાધનો વગેરેને લગતા ઔદ્યોગિક એકમો વિકસ્યા છે. ખાસ કરીને જંગલ-આધારિત કાગળ અને તેના માવાનો અને  ન્યૂઝપ્રિન્ટનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉપરાંત જહાજ-બાંધકામ તથા લાકડા-આધારિત ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે.

પરિવહન : રાજ્યનો મોટો ભાગ ડુંગરાળ હોવાથી પરિવહન સુવિધાઓ માટેનો વિકાસ મુશ્કેલ બનેલો છે. આ રાજ્યમાં 2015 મુજબ 27,406 કિમી.ના પાકા રસ્તા છે. મુસાફરી માટે રેલમાર્ગ પ્રમાણમાં ઓછો વપરાય છે, તેથી રેલમાર્ગો 2,088 કિમી.માંથી ઘટીને 960 કિમી. થયા છે. પૉર્ટસ્મથ રાજ્યનું મુખ્ય બંદર છે. 25 જેટલાં હવાઈ મથકો છે.

લોકો, શિક્ષણ અને સંસ્કૃતિ : રાજ્યની મોટાભાગની વસ્તી દક્ષિણ ભાગમાં, ખાસ કરીને મેરીમૅક નદીની ખીણમાં કેન્દ્રિત થયેલી છે. રાજ્યમાં 52 % શહેરી વસ્તી છે. માન્ચેસ્ટર (સૌથી મોટું) અને કૉનકૉર્ડ મુખ્ય શહેરો છે. નાશુઆ, પૉર્ટસ્મથ, સેલમ, ડૉવર, રોચેસ્ટર, કીને અને લેકોનિયા અન્ય શહેરો છે. મુખ્ય વસ્તી અંગ્રેજોની, આયરિશ અને સ્કૉટિશ લોકોની છે. 66 % લોકો પ્રૉટેસ્ટંટ અને 33 % લોકો રોમન કૅથલિક છે. અશ્વેત પ્રજાની વસ્તી 1 %થી પણ ઓછી છે.

16 વરસ સુધીનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. પ્રાથમિક શિક્ષણનો વહીવટ સ્થાનિક સ્કૂલ બોર્ડ તથા શહેરોની કાઉન્સિલ કરે છે. શહેરો અને ગામોની માધ્યમિક શાળાઓ ‘ગ્રામર સ્કૂલ’ તરીકે ઓળખાય છે. સર્વપ્રથમ કૉલેજ ડાર્ટમાઉથમાં 1769માં શરૂ થયેલી. ન્યૂ હૅમ્પશાયર યુનિવર્સિટીની શરૂઆત 1866માં લૅન્ડ ગ્રાન્ટ કૉલેજ તરીકે થયેલી; 1893માં ડરહામ ખાતે તેને ખસેડવામાં આવી હતી; ત્યારબાદ 1923માં તેને યુનિવર્સિટી તરીકે માન્યતા આપવામાં આવી હતી. સમયાંતરે કીને, પ્લીમથ, ન્યૂ લંડન, માન્ચેસ્ટર, હેનીકરે, નશુઆ, રીડગે, હૅનોવર વગેરે ખાતે વિવિધ કૉલેજો પણ અસ્તિત્વમાં આવી. રાજ્યમાં જુનિયર, કૉમ્યુનિટી અને વ્યાવસાયિક કૉલેજો પણ છે. કૉનકૉર્ડ ખાતે ટૅક્નિકલ સંસ્થા છે. આ ઉપરાંત, રાજ્યમાં વિવિધ વિષય કે વિદ્યાશાખાને લગતી એકૅડેમીઓ પણ અસ્તિત્વ ધરાવે છે. હૅનોવર ખાતે ખેતીવાડીની કૉલેજ તથા યંત્રશાળા છે.

1792માં ડોવર ખાતે પુસ્તકાલય સ્થપાયા પછી ડબલિન અને પીટરબરો જેવાં શહેરોમાં જાહેર પુસ્તકાલયો સ્થપાયાં છે. 1823માં સ્થપાયેલ સંગ્રહસ્થાન ઉપરાંત રાજ્યનાં જુદાં જુદાં સ્થળોએ નાનાંમોટાં અનેક સંગ્રહસ્થાનો સ્થપાયાં છે. ડાર્ટમાઉથ અને માન્ચેસ્ટર જેવાં શહેરોમાં આર્ટ-ગૅલરીઓ છે. પીટરબરોમાંની મૅકડોવેલ કૉલોની લેખકો, ચિત્રકારો તથા સંગીતકારો માટેનું આશ્રયસ્થાન બની રહી છે. રાજ્યભરમાં ઘણાં ઉદ્યાનો છે. પ્રાચીન કિલ્લાઓના અવશેષોની તથા પ્રાચીન ઇમારતોની જાળવણી થાય છે. અહીંનાં સરોવરો, જંગલો, હિમજન્ય કોતરો, ગુફાઓ અને પર્વતપ્રદેશોના કુદરતી સૌંદર્યથી આકર્ષાઈને દર વર્ષે હજારો પ્રવાસીઓ આ રાજ્યની મુલાકાત લે છે. વ્હાઇટ પર્વતોમાં રાષ્ટ્રીય કક્ષાએ વન્ય પ્રાણીઓ માટે વનવિકાસ કરવામાં આવ્યો છે. અન્યત્ર ઉજાણી-સ્થળો, મનોરંજન-મથકો ઊભાં કરવામાં આવેલાં છે. પ્રવાસન-ઉદ્યોગમાંથી પણ રાજ્યને આવક મળતી રહે છે.

ઇતિહાસ : સત્તરમી સદીના ત્રીજા દાયકામાં ડેવિડ ટૉમસન તથા એડવર્ડ હિલ્ટને અહીં વસાહતો સ્થાપી તે અગાઉ આ પ્રદેશમાં આલ્ગોંકિયન જનજાતિના લોકો વસતા હતા. જૂન 1, 1788માં ન્યૂ હૅમ્પશાયર યુ.એસ.નું નવમું સંલગ્ન રાજ્ય બન્યું. અમેરિકાના આંતરવિગ્રહ(1861-65)માં આ રાજ્ય સંઘીય દળોના પક્ષમાં રહ્યું હતું. 1944માં જે નગરમાં ભરાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) તથા વિશ્વબૅંક(IBRD)ની સ્થાપનાનો નિર્ણય લેવામાં આવેલો તે બ્રેટન વુડ્ઝ આ રાજ્યમાં આવેલું છે.

શિવપ્રસાદ રાજગોર