નિઝારી પંથ : ઇસ્લામના શિયાપંથનો ખોજા નામથી ઓળખાતો અને ભારતમાં વિશેષ કરીને પ્રચલિત થયેલો પંથ. ઇસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચે સમન્વય સાધવામાં શિયાપંથના ઇસ્માઇલિયા ફિરકાનો ફાળો મહત્વનો છે. આ ઇસ્માઇલિયા પંથ 10મી સદીની શરૂઆતમાં ઇજિપ્તમાં ફાતિમી-ખિલાફતની સ્થાપના કરી હતી. ખલીફા મુસ્તન સિર બિલ્લાહ (ઈ. સ. 1035–1094) પછી ખિલાફતના વારસાની તકરારમાં બે પક્ષ પડી ગયા. ખલીફાના જ્યેષ્ઠ પુત્ર નિઝારને સારો ટેકો મળ્યો હતો. આ નિઝારીઓ ભારતમાં ‘ખોજા’ અથવા ‘મૌલા’ને નામે પ્રસિદ્ધ થયા. નિઝારનો નાનો ભાઈ મુસ્તાલી જોરદાર હોવાથી, નિઝારને દૂર કરીને તે ખલીફા બની ગયો. (ઈ. સ. 1094). આ મુસ્તાલીના અનુયાયીઓ પાછળથી ‘વહોરા’ કહેવાયા. ભારતના શિયા વહોરાઓ આ મુસ્તાલીના અનુયાયી છે.

નિઝારનો પંથ શરૂ કરનાર હસન અબ્બાહ નામના ઇસ્માઇલી દાઈ હતા. એમણે પોતાની સત્તાનું કેન્દ્ર ઈરાનના અલમુતના પહાડી કિલ્લામાં રાખ્યું હતું. ઈરાનમાં એમણે પોતાના પંથને સર્વોપરી બનાવ્યો હતો. એમના વારસોમાં ઈ. સ. 1162માં હસન અલા ઝિક્રિમિસ્સલામ નામે પ્રસિદ્ધ ઇમામ થયા. એમણે ઈ. સ. 1164માં ‘ઈદે કયામત’ નામની સઘળા ઇસ્માઇલીઓની પરિષદ ભરી હતી. એ પરિષદમાં એમણે ઇસ્લામી કાનૂનનો અક્ષરસઃ અર્થ નહિ કરતાં એને રૂપકના અર્થમાં સમજવા જણાવ્યું. આથી રૂઢિચુસ્ત મુસ્લિમોને ઘણો આઘાત લાગ્યો. નિઝારીઓએ રાજકીય પ્રભુત્વ પણ જમાવવા માંડ્યું હતું. પણ ચંગીઝખાનના પૌત્ર હલકુખાને ઈ. સ. 1250માં ઈરાનમાં સર્જેલી કત્લેઆમમાં ઇસ્માઇલીઓ પર કારમો ઘા પડ્યો. આ વખતે થોડા ભૂગર્ભમાં ભરાઈ ગયેલા ઇસ્માઇલીઓ, આ વંટોળ સમી ગયા પછી બહાર આવ્યા અને પોતાનું પ્રચારકાર્ય વેગીલું બનાવ્યું. કેટલાક ધર્મગુરુઓ સિંધમાં આવ્યા. તેમના આગમન પહેલાં ઇમામ હસન અલા ઝિક્રી હિસ્સલામે ઉપદેશક તરીકે નૂર સતગર(સતગુરુ)ને મોકલ્યા હતા. નૂરના પ્રભાવથી ભારતમાં ઇસ્માઇલી (ખોજા) સંપ્રદાયનો વ્યાપક ફેલાવો થવા લાગ્યો. સિંધ, ગુજરાત, દિલ્હીની આસપાસનો પ્રદેશ અને ગંગા-જમનાના દોઆબ વગેરે હિંદના ઘણા ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો નૂર સતગર પાસે આવવા લાગ્યા. નૂર સતગરનાં સુન્નીઓ વિરુદ્ધનાં જલદ વ્યાખ્યાનોથી ઉશ્કેરાયેલા એમના પોતાના અનુયાયીઓએ હિ. સ. 634 (માર્ચ, 1237)માં ઢાલ, તલવાર, તીરકામઠાં  વગેરે હથિયારો લઈને દિલ્હીની જુમા મસ્જિદ પર હુમલો કર્યો હતો અને ત્યાં ભેગા થયેલા ઘણા નમાઝીઓની તેમણે કતલ કરી હતી. પણ સુલતાના રઝિયા બેગમ (ઈ. સ. 1237–1240)ના લશ્કરે દરમિયાનગીરી કરીને તેમને નસાડી મૂક્યા હતા.

નૂર સતગર ગુજરાતમાં પાટણ, નવસારી વગેરે સ્થળોએ રહ્યા હતા. એમણે નવસારીના સૂબા સૂરચંદની પુત્રી સાથે શાદી કરી હતી. તેમણે પોતાના મૂળ નામ નૂરુદ્દીન કે નૂરશાહની સાથે સતગુરુની દિંદ પદવી જોડી હતી. વળી એમણે સમાધિની હિંદુ વિધિ અપનાવી હતી. એમના પ્રભાવથી ઘણી હિંદુઓએ ઇસ્માઇલીઆ ખોજા પંથ અપનાવ્યો હતો. ભારતીય ખોજાઓ નૂર સતગરને પોતાના પહેલા પીર તરીકે માન આપે છે. નૂર સતગર પછી ભારતમાં 17મી સદીમાં શમ્સુદ્દીન નામના ઉપદેશક આવ્યા હતા. એમના પ્રભાવથી કાશ્મીરમાં ચાક નામની સૂર્યપૂજક પ્રજાએ ખોજા પંથ અપનાવ્યો. 15મી સદીમાં આવેલા સદરુદ્દીન કાશ્મીર, સિંધ અન પંજાબના ખોજાઓના પીર તરીકે નિમાયા હતા. એમણે સૌપ્રથમ ખોજાઓનું કોમી જમાતખાનું (ખોજાખાનું) સ્થાપ્યું. સદરુદ્દીને સતદેવ અને હરચંદ જેવાં હિંદુ નામ ધારણ કર્યાં. હિંદુઓ સહજ રીતે ખોજા પંથ સ્વીકારી શકે એ માટે પોતાના પંથના સિદ્ધાંતોમાં કેટલાક ફેરફાર કર્યા. સૃષ્ટિના આદિ પુરુષ હજરત આદમને વિષ્ણુના, પેગંબર મુહમ્મદસાહેબને મહેશના અને પોતાને બ્રહ્માના અવતાર તરીકે ઓળખાવ્યા. વળી કયામત પહેલાં અલમુતમાં થનારા છેલ્લા ઇમામ મહેંદીને હિંદુઓમાં મહાપ્રલય પહેલાં થનારા મનાતા કલ્કી અવતાર ઘટાવ્યા.

પીર સદરુદ્દીન પછી કબીરુદ્દીન અને ઇમામુદ્દીન ઉર્ફે ઇમામશાહ ખોજા પંથના પીર તરીકે ભારતમાં આવ્યા. ઇમામશાહે ખોજાપીર મારફતે ઉઘરાવાતો ‘દસોંદ’ (આવકનો દશમો હિસ્સો) વખોડી કાઢ્યો. આથી એ સમયના ખોજાઓના વડા 34મા ઇમામ અબ્દુસ્સલામ બિન ઇસ્લામ શાહે એમને ઇસ્માઇલીઆ સંપ્રદાયમાંથી બહિષ્કૃત કર્યા. ઇમામશાહ સિંધ છોડી ગુજરાતમાં આવી વસ્યા. અહીંના સુલતાન મહમૂદ બેગડાએ તેમનો સત્કાર કર્યો. ઇમામશાહે ઇસ્માઇલી સિદ્ધાંતોમાં થોડો ફેરફાર કરી નવો પંથ સ્થાપ્યો, જે ‘પીરાણા પંથ’ નામે જાણીતો છે. આ પંથમાં આવનાર હિંદુઓને પોતપોતાના રીતરિવાજો પાળવાની છૂટ અપાઈ હોવાથી પીરાણાઓ બીજા હિંદુઓથી ભાગ્યે જ જુદા પડી આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ