નિત્શે, ફ્રેડરિક

January, 1998

નિત્શે, ફ્રેડરિક (. 15 ઑક્ટોબર 1844, જર્મની; . 25 ઑગસ્ટ 1900, જર્મની) : ઓગણીસમી સદીના ક્રાન્તિકારી જર્મન ફિલસૂફ. નિત્શેએ મનોવિશ્લેષક ફ્રૉઇડ તેમજ સમાજલક્ષી તત્વચિંતક કાર્લ માર્કસ ની જેમ જ નિરીશ્વરવાદી અભિગમ રજૂ કરીને પ્રચલિત ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક કે કલાવિષયક માન્યતાઓને પડકારી છે. પોતપોતાનાં ક્ષેત્રોમાં જોકે ફ્રૉઇડ કે માર્કસે વૈજ્ઞાનિક વસ્તુલક્ષી જ્ઞાનની શક્યતા સ્વીકારી છે. પરંતુ નિત્શેએ તો જ્ઞાન, સત્ય, મૂલ્ય, ભાષા સ્વતત્વ (self) વગેરે અંગેની વિભાવનાઓને તેના લૌકિક કે પારલૌકિક તમામ સંદર્ભોમાં પડકારી છે. તેથી જ, આવી બધી વિભાવનાઓ કે માન્યતાઓને ઉથલાવવામાં કે નવેસરથી તેમની મૂળભૂત આધારહીનતા અને અસમર્થિતતા દર્શાવવામાં ફ્રૉઇડ કે માકર્સ કરતાં પણ નિત્શેએ વધુ આત્યંતિક અસ્વીકારાત્મક અભિગમ દર્શાવ્યો છે.

ફ્રેડરિક નિત્શે

‘બિયૉન્ડ ગુડ ઍન્ડ ઈવિલ’, ‘ધ બર્થ ઑવ્ ટ્રૅજેડી’, ‘ધસ સ્પેઇક જરથુસ્ટ્ર’ વગેરે નિત્શેની આગવી શૈલીમાં લખાયેલી કૃતિઓમાં ઘણી વાર વાચ્યાર્થલક્ષી (literal) અને આલંકારિક (figurative) ભાષાના ભેદો લગભગ ભૂંસાઈ જતા જણાય છે. નિત્શેએ પોતે જ ભાષાના આવા ભેદોને ઉથલાવવાના પ્રયત્નો કર્યા છે.

નિત્શે સ્પિનોઝા કે હેગેલ જેવા વિચારકો તત્વવિચારાત્મક તંત્રો સ્થાપવામાં માનતા ન હતા, કારણ કે વસ્તુઓ વચ્ચેનાં જોડાણો અને વિચારો વચ્ચેનાં જોડાણો એક જ પ્રકારનાં છે તેવો સ્પિનોઝાનો મત અને જે સદવસ્તુ (real) છે તે તર્કયુક્ત (rational) છે અને જે તર્કયુક્ત છે તે સદવસ્તુ છે તેવો હેગેલનો અભિગમ નિત્શેને માન્ય ન હતો. જોકે તેમ છતાં નિત્શેએ કેવળ અન્ય મતોનું ખંડન જ કર્યું છે તેમ કહી શકાશે નહિ. તેમણે સત્તા માટેના સંકલ્પનો વિચાર રજૂ કર્યો છે. તેમ જ ઉચ્ચતર માનવ (super man) અને નિત્ય પ્રવર્તતું પુનરાવર્તન (eternal recurrence)  એ બે વિભાવનાઓ તેમના ચિંતનમાં ખૂબ મહત્વની બની રહી છે. પરંતુ નિત્શેએ પોતાની જે વિભાવનાઓ રજૂ કરી છે તેને પણ સર્વને માટે દૃઢતાપૂર્વક તેઓ સ્થાપી શક્યા છે તેવો દાવો તેઓ પોતે જ કરતા નથી. વિધાનો અને તથ્યો (facts) વચ્ચેનો યથાર્થ સંબંધ એટલે સત્ય તેવો અનુરૂપતાવાદી મત (correspondence theory) નિત્શેને સ્વીકાર્ય નથી. જોકે કેટલાકની દલીલ એવી છે કે જો સત્યનું આવું કોઈ ધોરણ જ ન હોય તો પછી જગત મૂળભૂત રીતે અબુદ્ધિગમ્ય છે અને પ્રયોજનહીન છે તેવું નિત્શેનું વિધાન પણ કેવી રીતે સાચું માની શકાય ?

નિત્શે કોઈ પણ પ્રકારના નિરપેક્ષવાદી ચિંતનનો વિરોધ કરે છે. કોઈ સત્ય કે કોઈ મૂલ્ય નિત્શે પ્રમાણે નિત્ય કે નિરપેક્ષ (absolute) નથી. ખરેખર તો સત્ય અંગેનાં કોઈ ધોરણો જ શક્ય નથી, તેવું નિત્શે માને છે. નિત્શે સ્પષ્ટ કહે છે કે જેને આપણે સત્ય તરીકે સમજીએ છીએ તેવી તમામ માન્યતાઓ ભ્રામક (illusory) માન્યતાઓ જ છે, પરંતુ આપણે ભૂલી ગયા હોઈએ છીએ કે તેવી માન્યતાઓ ભ્રામક છે. કેટલીક કહેવાતી સત્ય માન્યતાઓ આપણાં હિતો, સ્વાર્થો, પ્રયોજનો કે ટકી રહેવાના આપણા પ્રયત્નોમાં કામ લાગે છે માટે આપણે તેને સાચી માનીને ચાલીએ છીએ. કેટલીક માન્યતાઓ આપણા અનુભવોને ઉપકારક રીતે સુયોજિત ને સુસંકલિત કરવામાં તેમજ કુદરત અને માણસો ઉપર આપણો અંકુશ વધારવામાં મદદ કરે છે તેથી આપણે તેમને છોડવા તૈયાર થતા નથી. પણ આવી કોઈ માન્યતા વસ્તુસ્થિતિનું સાચું પ્રતિબિંબ પાડે છે એટલા માટે વસ્તુનિષ્ઠ રીતે સત્ય છે તેમ તો કદી કહી શકાય તેમ નથી.

જ્ઞાનના કે સત્યના તમામ દાવાઓ હંમેશાં જ્ઞાતાની પરિસ્થિતિ, તેના સંદર્ભો, તેના દૃષ્ટિકોણ કે પરિપ્રેક્ષ્યથી સીમિત હોય છે. તે અર્થમાં તમામ મતોમાં, સિદ્ધાંતોમાં કે ધારણાઓમાં અર્થઘટનોથી વિશેષ કશું હોતું નથી.

તત્વચિંતકોના જ્ઞાનના દાવાઓ નિત્શે પ્રમાણે પોકળ અને તકલાદી છે. સમગ્રતા(totality)નું કોઈને જ્ઞાન થઈ શકે નહિ, કારણ કે કોઈ પણ જ્ઞાન પરિપ્રેક્ષ્યથી મુક્ત (non-perspectival) હોઈ શકે જ નહિ. નિષ્કામ જ્ઞાન, નિષ્કામ નૈતિકતા કે સૌન્દર્યનો નિષ્કામ અનુભવ નિત્શે પ્રમાણે શક્ય જ નથી. તત્વચિંતકોએ સ્થાપેલાં વિચારતંત્રો પણ કોઈ દૃષ્ટિકોણ કે પરિપ્રેક્ષ્ય ઉપર આધારિત અર્થઘટનો જ છે.

સામાન્ય સમજબુદ્ધિ(common sense)આધારિત માન્યતાઓ પણ લોકોને પોતાનું જીવન ટકાવી રાખવામાં ઉપયોગી નીવડતી હોવાથી સ્વીકાર્ય બનતી હોય છે. તત્વચિંતકની કે સામાન્ય જનની કોઈ માન્યતા નિરપેક્ષ અંતિમ આધારોથી પ્રમાણિત થઈ શકે તેમ નથી; કારણ કે જ્ઞાનના કે મૂલ્યોના આવા કોઈ આધારો જ હોતા નથી. આપણે બાહ્ય જગતની સ્વતંત્ર વસ્તુઓને સ્વીકારીએ છીએ, તેમની વચ્ચેના કાર્યકારણના સંબંધોને માન્ય કરીએ છીએ તે નિત્શે સ્વીકારે છે; પરંતુ આવી ભાષાગત રીતે અનિવાર્ય જણાતી માન્યતાઓ આપણા જટિલ જગતની સાથે સરળતાથી કામ પાડવામાં આપણને મદદરૂપ થાય તેવાં અર્થઘટનો હોય છે. તેની વસ્તુલક્ષી સત્યતાનો તો પ્રશ્ન જ નથી. નિત્શે વ્યવહારવાદી (pragmatist) નથી. તેઓ એમ નથી કહેતા કે જે સફળ નીવડે કે આપણાં હિતોને પોષે તે સત્ય છે. તેઓ તો એમ કહે છે કે જે આપણને મદદરૂપ નીવડે છે તે માન્યતાઓની ભ્રામકતા આપણે ભૂલી જઈએ છીએ.

નિત્શે પોતાના અભિગમને પણ સત્ય તરીકે સ્થાપવા તૈયાર નથી. પોતે જે મૂલ્યો અને હિતોમાં માને છે તેના પરિપ્રેક્ષ્યમાં તેમનો પોતાનો અભિગમ પણ અન્ય તમામ અભિગમોની જેમ જ પરિપ્રેક્ષ્ય-આધારિત છે. નિત્શે જીવનમૂલ્યોનું પુનર્મૂલ્યાંકન કરીને નવાં મૂલ્યો રજૂ કરે છે, પણ તેના કોઈ અંતિમ આધારો દર્શાવવા માગતા નથી. બધાં માટે તે મૂલ્યો બંધનકર્તા પણ નથી.

નિત્શેના પોતાના દૃષ્ટિકોણ પ્રમાણે સત્તા અંગેનો સંકલ્પ (Will to Power) જગતમાં સર્વવ્યાપી છે. જગત સતત પરિવર્તનશીલ અને સતત પરિણામ પામતું (Becoming) રહે છે. કોઈ નિત્ય હસ્તી, સત્તા કે સત્ તત્વ (Being) નથી. જ્ઞાન માટેનો સંકલ્પ પણ આખરે સત્તા માટેનો જ સંકલ્પ છે. કુદરતને વશ કરવાના કે મનુષ્યો ઉપર અંકુશ લાદવાના તમામ પ્રયત્નો સત્તાપ્રેરણાના આવિષ્કારો જ છે. રાજકીય, ધાર્મિક, સામાજિક, કૌટુંબિક એમ તમામ ક્ષેત્રોમાં સત્તા-સંકલ્પ જ પ્રવર્તે છે. સત્તાનો વિનાશક ઉપયોગ પણ શક્ય બને છે તેથી ઘણી વાર સત્તાનો સંકલ્પ સંપૂર્ણ વિસર્જનનો સંકલ્પ (Will to nothingness) બની જાય છે.

નિત્શેના મત મુજબ પરલોકવાદી માન્યતાઓ તરંગી અને બિનઉપયોગી કલ્પનાઓ છે. ઈશ્વર, આત્માની અમરતા વગેરે માન્યતાઓ નબળાઓની નૈતિકતાને પોષે છે. ઇન્દ્રિયગોચર લૌકિક જગતનું આવી પરલોકલક્ષી માન્યતાઓને લીધે અવમૂલ્યાંકન થાય છે. મનુષ્યોએ નિર્ભ્રાન્ત થઈને જીવવાની હિંમત કેળવવી જોઈએ. મનુષ્યો મૂલ્યોનું નવસર્જન કે તેનું પુનર્મૂલ્યાંકન કરી શકે છે. તેના અંતિમ આધારો કે ટેકાઓ શોધવાની બૌદ્ધિક કે વ્યાવહારિક પ્રવૃત્તિઓ નબળાઈ અને કાયરતા સૂચવે છે. નિરપેક્ષ તત્વનું કે ઈશ્વરનું અવલંબન મનુષ્ય માટે આવશ્યક નથી. નિત્શે નિરીશ્વરવાદી છે. ‘ઈશ્વરનું મૃત્યુ થયું છે’ તેવી તેમની વિખ્યાત ઉક્તિનાં ઘણાં અર્થઘટનો થયાં છે, પણ મુખ્ય બાબત એ છે કે ઈશ્વરની સાબિતીઓ કે તેમના ગુણધર્મોની તાર્કિક ચર્ચાને નિત્શે અપ્રસ્તુત ગણે છે. જે દેખાય છે તેની પાછળ કોઈ અચલ સત્ય (essence) રહેલું છે તેવી કોઈ પણ પ્રકારની માન્યતાનો નિત્શે અસ્વીકાર કરે છે.

સ્ત્રીઓ અંગે નિત્શેના વિચારો સમાનતાવાદીઓ, નારીવાદીઓ અને સામાજિક ન્યાયના પક્ષકારોને આઘાતરૂપ નીવડે તેવા છે. જેની સાથે મૈત્રી બાંધી શકાય તેવી લાયક વ્યક્તિઓ તરીકે નિત્શે સ્ત્રીઓને ગણતા નથી. ‘‘પુરુષોને યુદ્ધ માટે તાલીમ આપવાની છે. સ્ત્રીઓને તેમના મનોરંજન માટે તાલીમ આપવાની છે.  બાકી બધી વાતો વાહિયાત છે.’’ આ પ્રકારનાં નિત્શેનાં વિધાનો તેમનાં સ્ત્રીઓ પ્રત્યેનાં પૂર્વગ્રહયુક્ત વલણો સ્પષ્ટ કરે છે.

સ્ત્રીઓ પ્રત્યેના તિરસ્કારયુક્ત વલણની જેમ જ સામાન્ય જન પ્રત્યે, લોકશાહી પ્રત્યે અને સામાજિક ન્યાય પ્રત્યે પણ તેમનાં વલણો ઘણાં જ ચર્ચાસ્પદ રહ્યાં છે. દયા, કરુણા કે મૈત્રીને અથવા તો સામાન્ય જનોનાં દુ:ખો પ્રત્યેની અનુકંપાને નિત્શે નબળાઓ માટેની નૈતિકતા તરીકે ઘટાવે છે. નિત્શે બહુજનસમાજને સાધારણ (mediocre) અને નીચી ગુણવત્તાવાળી વ્યક્તિઓના સમૂહ તરીકે ઘટાવે છે. શક્તિ, તાકાત કે હિંમતવાળા, તેમજ ક્રૂર અને કઠોર શાસન કરીને નબળાને વશમાં રાખનારા લોકોનો વર્ગ બહુ નાનો છે અને નિત્શે આવા લોકોના વર્ગના પ્રશંસક છે. તેઓ સંકલ્પના બળને ઇચ્છનીય ગણે છે. પરિસ્થિતિનો દૃઢ પ્રતિકાર કરવો અને જે કંઈ કષ્ટો સહન કરવાં પડે તે સહન કરીને પણ સંઘર્ષમાં ટકી રહેવું, એ સંકલ્પબળની કસોટી છે. પરંપરાગત સદગુણોમાં નિત્શે કેવળ નબળાઈઓ જ જુએ છે. ઊતરતી કોટિના માણસોને કેન્દ્રમાં મૂકીને સમાજવિચાર થવો ન જોઈએ તેવો અસમાનતાવાદી અભિગમ નિત્શેએ રજૂ કર્યો છે.

નિત્શે પ્રમાણે માનવજાતનું લક્ષ્ય તેના ઉચ્ચતમ નમૂનાઓ(highest specimen)માં રહેલું છે. ઉચ્ચ માનવ કે મહામાનવની કલ્પના રજૂ કરીને નિત્શે એમ દર્શાવે છે કે મહાન હસ્તીઓનાં હિત માટે મોટા ભાગના સાધારણ લોકોની સુખાકારીનો ખ્યાલ છોડી દેવો પડે તો તેમ કરવું જોઈએ. થોડાક ગુણવત્તાવાળા લોકોની ઉત્તમતા સિદ્ધ કરવા કે સ્થાપવા માટે મોટા ભાગના સામાન્ય લોકો માત્ર નિમિત્તરૂપ કે સાધનરૂપ જ હોઈ શકે. સામાન્ય લોકોનું કલ્યાણ એ ઊંચી નૈતિકતા નથી. સામાન્યજનોનું હિત તેમને માટે કદી સ્વતંત્ર રીતે નૈતિક મૂલ્ય ધરાવતું જ ન હતું. પરંપરાગત ધાર્મિક નૈતિકતાનો નિત્શે વિરોધ કરે છે. જૉન સ્ટુઅર્ટ મિલના બહુજનહિતવાદનો તેઓ વિરોધ કરે છે. નિત્શે વ્યક્તિગત તફાવતોનું વિલોપન કરનાર આચાર-સંહિતાના વિરોધી છે. બધા માણસો સરખા નથી; બધાનું મૂલ્ય સરખું નથી; પરાજિત કરતાં વિજેતા બળવાન હોય છે. વિજેતા વર્ગના બળવાન લોકોની લઘુમતીને નિત્શે બહુમતી કરતાં વધુ મૂલ્યવાન ગણે છે.

નિરીશ્વરવાદી હોવા છતાં બર્ટ્રાન્ડ રસેલ નિત્શેનો આ અભિગમ સ્વીકારવા તૈયાર નથી. તેમણે બુદ્ધ અને નિત્શે વચ્ચે એક સંવાદ કલ્પ્યો છે, જેમાં નબળા અને દુ:ખી પ્રત્યેની અપાર કરુણાના બુદ્ધ પક્ષકાર બને છે અને નિત્શે તેના વિરોધી બન્યા હોય છે. રસેલ કહે છે કે આ પ્રશ્નમાં તેઓ નિત્શે સાથે નથી, પણ બુદ્ધના પક્ષમાં જ છે. રસેલ સામાન્ય જનનાં દુ:ખો પ્રત્યેની સંવેદનશીલતાને બાજુએ મૂકનારનાં કોઈ નૈતિક મૂલ્યો સ્વીકારવા તૈયાર નથી.

નિત્શેના સત્તાસંકલ્પના તથા બિનસમાનતાવાદી વિચારોનો પરોક્ષ પ્રભાવ કેટલાકે વીસમી સદીના પૂર્વાર્ધમાં પ્રચલિત થયેલા ફાસીવાદ અને નાઝીવાદમાં જોયો છે. માણસ મૂલ્યોનો આધાર છે અને મનુષ્યનો કોઈ અંતિમ આધાર નથી તેવા સાર્ત્રના ફ્રેન્ચ નિરીશ્વરવાદી અસ્તિત્વવાદ ઉપર પણ કેટલાક વિવેચકોએ નિત્શેનો સીધો પ્રભાવ સ્વીકાર્યો છે.

જોકે છેલ્લાં વીસેક વર્ષમાં ફ્રાંસમાં ડિલ્યૂઝ, ઝાક દેરિદા, ઝાક લાકા, મિશેલ ફ્રૂકો વગેરે અનુસંરચનાવાદી તથા અનુઆધુનિકતાવાદી ચિંતકોનાં જ્ઞાનનાં, અર્થનાં, મૂલ્યનાં, સત્યનાં કે કલાવિષયક ક્રાંતિકારી વિશ્લેષણોમાં નિત્શેના પરિપ્રેક્ષ્યવાદી અભિગમનો પ્રભાવ સ્પષ્ટ જણાય છે તેમ ઘણા વિવેચકો માને છે. અલબત્ત, નિત્શેના અસમાનતાવાદી મતને તેમણે સ્વાભાવિક રીતે જ સ્વીકાર્યો નથી.

મધુસૂદન બક્ષી