નાલંદા : બિહારનો એક જિલ્લો અને વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 25° 07´ ઉ. અ. અને 85° 25´ પૂ. રે.. તે પટણાથી આશરે 88 કિમી. દૂર ગંગાને કાંઠે અગ્નિખૂણે બડગાંવ ગામની હદમાં આવેલ છે. નાલંદા જિલ્લાનું ક્ષેત્રફળ 2,355 ચોકિમી. છે. તેના અર્થતંત્રનો આધાર ખેતી ઉપર છે અને ત્યાં ગંગાનદીની નહેરોની સુવિધા છે. આ જિલ્લો સમુદ્રથી દૂર હોવાથી શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી વધારે પડે છે. ત્યાં વરસાદનું પ્રમાણ 1,200થી 1,600 મિમી. છે. ડાંગર, ઘઉં, જવ, મકાઈ, કઠોળ, સરસવ આ જિલ્લાના મુખ્ય પાક છે. જમીન ફળદ્રૂપ છે અને સિંચાઈની સગવડને લીધે વરસમાં બે કે વધુ પાક લેવાય છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. ત્યાં સુતરાઉ અને ગરમ કાપડ, તેલની મિલો તથા હાથબનાવટના કાગળનો ઉદ્યોગ છે. જિલ્લાની વસ્તી 2011માં 28,72,523 હતી. મોટા ભાગની વસ્તી ગ્રામવિસ્તારમાં રહે છે.

નાલંદા વિદ્યાપીઠના અવશેષો

ઇતિહાસ : ફાહિયાને ઈ. સ. 410માં આ સ્થળની મુલાકાત લીધી હતી. તેણે નાલંદા વિદ્યાપીઠનો ઉલ્લેખ કર્યો નથી. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ તે નિશ્ચિતપણે જાણવા મળતું નથી. 1902માં નાલંદા પાસે થયેલ ઉત્ખનન પરથી જાણવા મળે છે કે ત્યાં મહાન બૌદ્ધ વિદ્યાપીઠ આવેલી હતી. ગુપ્તવંશના રાજાઓ તથા હર્ષવર્ધન પાસેથી આર્થિક સહાય મેળવીને તેનો વિકાસ થયો હતો. પાંચમી સદીથી તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી અને એશિયાના વિવિધ દેશોમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ત્યાં જતા હતા. ભારતમાં આવેલા બે ચીની પ્રવાસીઓ હ્યુએન સાંગ તથા ઇત્સિંગે નાલંદા વિદ્યાપીઠ વિશે વિગતો આપી છે.

ચીની પ્રવાસી યુઆન શુઆંગના જણાવવા મુજબ રાજા શક્રાદિત્યે (કુમારગુપ્ત પહેલો) એક મઠ બાંધીને નાલંદાનો પાયો નાખ્યો. એના પુત્ર બુદ્ધગુપ્તરાજે (સ્કંદગુપ્ત) એમાં ઉમેરો કર્યો અને પૌત્ર તથા ગુપ્તરાજે (પરાગુપ્તે) તે કાર્ય આગળ વધાર્યું. ગુપ્તરાજના પુત્ર બાલાદિત્યરાજે (નરસિંહગુપ્ત, 468-472) અને તેના પુત્ર વજ્રે (કુમારગુપ્ત બીજો) વિહારનું બાંધકામ વિસ્તારી પૂર્ણ કર્યું.

નાલંદા વિદ્યાપીઠ 1.6 કિમી. લાંબા અને 0.80 કિમી. પહોળા વિસ્તારમાં ફેલાયેલી હતી. તેના મધ્યસ્થ મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો અને ત્રણસો નાના ખંડો હતા. વિહારનાં મકાનો અને સ્તૂપો આયોજનપૂર્વક બંધાયેલાં હતાં. મકાનો ભવ્ય અને બહુમાળી હતાં. આ વિદ્યાપીઠમાં 11 વિહારો, જુદા જુદા સ્તૂપો, મંદિરો તથા વિશાળ માર્ગો મળી આવ્યાં છે. સમગ્ર વિસ્તારમાં ઇમારતો મુખ્યત્વે ઉત્તર-દક્ષિણ પ્રયોજાઈ છે. તેની પૂર્વમાં વિહાર તથા પશ્ચિમે મંદિર તથા સ્તૂપ છે. નાલંદાના વિહારોમાં ખુલ્લા ચોકની ચારેતરફ ઓરડા હતા અને પ્રવેશ માટે નાનો મંડપ હતો. મંડપની સામેની દીવાલે પૂજાસ્થાન હતું. નાલંદામાં 3 નંબરની જગ્યા પરનો સ્તૂપ સૌથી વિશાળ છે. ત્યાં ઊંડાં અને પારદર્શક તળાવો નીલકમલથી શોભાયમાન હતાં. ત્યાંનું શાંત અને પવિત્ર વાતાવરણ વિદ્યાનું પોષક હતું. વિદ્યાપીઠમાં અધ્યાપન માટે વિશાળ ખંડો, ચિંતન માટે યોગગુફાઓ, સરોવરો અને કુંજો હતાં. ‘ધર્મગંજ’ નામે પ્રસિદ્ધ પુસ્તકાલય રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક નામના ત્રણ ભવ્ય પ્રાસાદોનું બનેલું હતું. તેમાં વિવિધ વિષયોની હજારો હસ્તપ્રતો હતી. રત્નોદધિને નવ માળ હતા.

નાલંદા વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ વ્યાકરણ, ગદ્ય-પદ્ય સાહિત્ય, તર્કશાસ્ત્ર, અભિધર્મકોશ અને જાતકોનું અધ્યયન કરવું પડતું. આટલું પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ, વિદ્યાપીઠમાં પ્રવેશ માટે વિદ્યાર્થી લાયક બનતો હતો. આમ નાલંદા એ ઉચ્ચ અભ્યાસ માટેની વિદ્યાપીઠ હતી. પોતાના પ્રાંત કે દેશમાં વિદ્યાભ્યાસ સમાપ્ત કર્યા બાદ વિદ્યાર્થીઓ આ જગપ્રસિદ્ધ વિદ્યાપીઠમાં અભ્યાસાર્થે આવતા હતા. તે વિદ્યાપીઠમાં ભારત ઉપરાંત, ચીન, જાપાન, મૉંગોલિયા, મધ્ય એશિયા, કોરિયા, જાવા, તિબેટ વગેરે દેશોમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાના અભ્યાસાર્થે આવતા હતા. તેમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવતી અને 10 માંથી 2 અથવા 3 ઉમેદવારો ઉત્તીર્ણ થતા. તેમાં ભણાવાતા વિષયોમાં બૌદ્ધ ધર્મની 18 શાખાઓ, વેદો, હેતુવિદ્યા, શબ્દવિદ્યા, વ્યાકરણ, સાંખ્ય, તર્કશાસ્ત્ર, ચિકિત્સાવિદ્યા, ગણિતશાસ્ત્ર, ન્યાય, યોગ, સાહિત્ય, જ્યોતિષ વગેરેનો સમાવેશ થતો હતો. એશિયાનું તે મહાન સાંસ્કૃતિક કેન્દ્ર હતું અને બૌદ્ધ ધર્મનું જ્ઞાન ત્યાંથી અન્ય દેશોમાં ફેલાયું હતું.

આઠસો વર્ષ પર્યંત આ વિદ્યાપીઠે ભારત તથા એશિયાના અનેક દેશોની વિવિધ પ્રજાઓનો માનસિક વિકાસ સાધ્યો હતો. એ માત્ર ભારતની જ નહિ, પરંતુ સમસ્ત એશિયાની તત્કાલીન સુપ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી. ઈસવી સનની સાતમી સદીમાં એ સમસ્ત જગતમાં અદ્વિતીય આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. વિદ્યાર્થીઓને અધ્યાપન, આવાસ, ભોજન, ઔષધ વગેરે સુવિધા વિના મૂલ્યે મળતી. વિદ્યાપીઠને રાજાઓએ દાનમાં આપેલાં અનેક ગામોની આવકમાંથી બધું ખર્ચ મળી જતું. પ્રસિદ્ધ ચીની પ્રવાસી હ્યુએન સાંગ સાતમી સદીમાં ત્યાં 5 વર્ષ હતા ત્યારે ત્યાં 5,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. તેમણે વિદ્યાપીઠનાં મકાનો, પ્રાકૃતિક સૌન્દર્ય વગેરેનું સરસ વર્ણન કર્યું છે. ત્યારબાદ ચીની પ્રવાસી ઇત્સિંગ (ઈ. સ. 673) તે વિદ્યાપીઠમાં રહ્યા હતા. ત્યાંની જલઘટિકાનું તેમણે વિસ્તૃત વર્ણન કર્યું છે.

આ વિદ્યાપીઠમાં ધર્મપાલ, ચક્રપાલ, ગુણમતિ, સ્થિરમતિ, પ્રભામિત્ર, જ્ઞાનમિત્ર, શીલભદ્ર જેવા પ્રસિદ્ધ વિદ્વાનો અધ્યાપન કરતા. વિદ્યાપીઠનું સંચાલન એક મુખ્ય ભિક્ષુ, વિદ્યાવિષયક તથા વ્યવસ્થાવિષયક સમિતિઓની મદદથી કરતા હતા. તિબેટમાં લામાવાદના સ્થાપક પદ્મસંભવ નાલંદા અભ્યાસ કરવા ગયા હતા. નવમી સદીમાં નાલંદાના 12 ભિક્ષુઓ, પ્રથમ 7 તિબેટી ભિક્ષુઓને સ્થાપિત કરવા તિબેટ ગયા હતા. બંગાળના પાલ વંશના રાજાઓ નાલંદા વિદ્યાપીઠને ઘણી મદદ કરતા. બારમી અને તેરમી સદીઓમાં મુસ્લિમ આક્રમકોએ નાલંદા વિદ્યાપીઠની ઇમારતોનો આગ લગાડીને નાશ કર્યો. અનેક વિદ્યાઓની હજારો હસ્તપ્રતોનો તેમાં નાશ થયો. ત્યાંના અધ્યાપકો, વિદ્યાર્થીઓ વગેરેને મારી નાખવામાં આવ્યા. કેટલાક તે દરમિયાન ત્યાંથી નાસી ગયા હતા.

શહેરની વસ્તી 2,97,268 (2011) હતી.

દિનકર મહેતા

શિવપ્રસાદ રાજગોર

જયંતીલાલ ધારશીભાઈ ભાલ

હેમંત વાળા