નાવડા ટોલી : પ્રાચીન વસાહતોના ટિંબા. મધ્યપ્રદેશના ઇંદોર શહેરથી દક્ષિણે આશરે 70 કિમી. દૂર નર્મદા નદીના બંને કાંઠે માહેશ્વર અને નાવડા ટોલી નામની પ્રાચીન વસાહતોના ટિંબા આવેલા છે. નાવડા ટોલી નામ માટે ભિન્ન ભિન્ન ઉચ્ચારો મુજબ અર્થ થાય છે, પણ નદીમાં નાવ ચલાવનાર ટોલીનું ગામ નાવડા ટોલી હોય તે યથાર્થ લાગે છે.

નાવડા ટોલી પરનું ઉત્ખનન પુણેની ડેક્કન કૉલેજ, મુંબઈ યુનિવર્સિટી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તથા તે વખતના મધ્યભારતના પુરાતત્વખાતાના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવેલું. આ ઉત્ખનન 1952–53 દરમિયાન કરવામાં આવ્યું હતું. ડૉ. એચ. ડી. સાંકળિયા, ડૉ. સુબ્બારાવ તથા ડૉ. એસ. બી. દેવે તે ઉત્ખનનનો અહેવાલ સને 1958માં પ્રકાશિત કર્યો હતો.

આ ઉત્ખનનનો હેતુ આ સ્થળ સાથે સંકળાયેલ પ્રાચીન સાહિત્યના ઉલ્લેખો ચકાસવાનો હતો. ઉત્ખનનમાંથી પ્રાપ્ત અવશેષો પરથી એ ફલિત થયું કે આ સ્થળ ખરેખર પ્રાચીન હતું. ઉત્ખનનના ખાડાના થરના અભ્યાસથી જાણવા મળ્યું છે કે અહીં પ્રસ્તરયુગથી શરૂ કરીને અઢારમી સદી સુધી માનવ વસતો હતો. થરના ઉત્ખનન પરથી સંસ્કૃતિના કુલ સાત તબક્કા જોવા મળેલા, જેનું નીચે મુજબ અર્થઘટન કરવામાં આવ્યું છે :

તબક્કો 1 : પ્રાગૈતિહાસિક (પ્રાચીન)

તબક્કો 2 : પ્રાગૈતિહાસિક (મધ્ય)

તબક્કો 3 : આદ્ય ઐતિહાસિક

તબક્કો 4 : પ્રાચીન ઐતિહાસિક પ્રથમ ચરણ

તબક્કો 5 : પ્રાચીન ઐતિહાસિક દ્વિતીય ચરણ

તબક્કો 6 : પ્રાચીન ઐતિહાસિક તૃતીય ચરણ

તબક્કો 7 : મુસ્લિમ-મરાઠા

નાવડા ટોલી પ્રાગૈતિહાસિક સમયથી છેક 200 વર્ષ પહેલાં નાશ પામ્યું ત્યાં સુધી હયાતી ધરાવતું હતું.

નાવડા ટોલીમાં મળી આવેલા અનાજના દાણા ઉપરથી જાણી શકાય છે કે લોકો ઘઉં, જવ, ચોખા ઉપરાંત અડદ, મગ, વટાણા વગેરેની ખેતી કરતા હતા. લોકો શાકાહારી તથા માંસાહારી હતા. તેમનાં માટીનાં વાસણો ઉપર ચિત્રો દોરવામાં આવતાં. તેમાં ભૌમિતિક ચિત્રો, પ્રાણીઓ અને પક્ષીઓનાં ચિત્રો તથા મનુષ્યાકૃતિઓનો સમાવેશ થાય છે. વાસણોમાં વાડકા, થાળી, લોટા, કટોરા, કથરોટો, માટલાં વગેરે મુખ્ય છે. લોકો તાંબા અને પથ્થરનાં હથિયારો તથા ઓજારો વાપરતા હતા. તાંબાની તલવારો, તીરનાં ફળાં, પરશુ વગેરે વપરાતાં. લોકો તાંબું, કાંસું અને શંખની વીંટીઓ તથા બંગડીઓ પહેરતા. નાવડા ટોલીના એક ઘરમાંથી વેદીના પુરાવા મળ્યા છે. તેની નીચેના સ્તરોમાંથી મળેલા મકાનમાંથી મંદિરના અવશેષો મળ્યા છે. તે શિવ કે શાક્ત સંપ્રદાયનું મંદિર હોવાનું મનાય છે. ત્યાંના લોકો માળવાના મૂળ વતનીઓ ન હતા; પરંતુ બહારથી આવીને વસ્યા હતા. સમગ્ર પુરાવા તપાસતાં જણાય છે કે માળવામાં સ્થાનિક લોકો વસતા હશે, જે બહારથી આવેલા લોકોમાં મિશ્ર થઈ ગયા હશે. તેમની સંયુક્ત અસરોના પરિણામે સમન્વય તથા પરિવર્તનશીલ માળવા સંસ્કૃતિ ઉદભવી હોવી જોઈએ.

દિનકર મહેતા