નાલગોંડા : દક્ષિણ ભારતના તેલંગણા રાજ્યનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને મહત્વનું નગર. નગરનું ભૌગોલિક સ્થાન : 17° 03´ ઉ. અ. અને 79° 16´ પૂ. રે.. આ જિલ્લો રાજ્યના પાટનગર હૈદરાબાદથી પૂર્વમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં આવેલો છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 14,240 ચોકિમી. છે.

તેની દક્ષિણ સરહદે કૃષ્ણા નદી અને મધ્યભાગમાંથી મુસી નદી પસાર થાય છે. કૃષ્ણા નદી પરનો નાગાર્જુન સાગર બંધ અને જળાશય દક્ષિણ સરહદ પર આવેલાં છે. જિલ્લાની મોટા ભાગની જમીન લાલ રંગની પરંતુ કાંપવાળી, રેતાળ અને ફળદ્રૂપ છે. નદીમાંથી સિંચાઈનો લાભ મળે છે. બાજરી, ચોખા અને તેલીબિયાં તેના મુખ્ય પાક છે. નાલગોંડા, ભોંગીર અને સૂર્યાપેઠ જિલ્લાનાં મુખ્ય નગરો છે. 1991માં જિલ્લાની વસ્તી 34,83,648 (2011) જેટલી હતી.

આંધ્રપ્રદેશમાં નાલગોંડાનું ભૌગોલિક સ્થાન

જિલ્લાના મુખ્ય મથક નાલગોંડા નગરની કુલ વસ્તી 2011માં 34,83,648 જેટલી હતી. તે હૈદરાબાદથી લગભગ 86 કિમી.ને અંતરે અગ્નિકોણમાં આવેલું છે. અહીંથી 65 કિમી. દૂર યાદગિરિગુટ્ટા નામનું પ્રવાસધામ આવેલું છે. આ નગર રાજ્યના ધોરી માર્ગોથી જોડાયેલું છે. તે ડાંગર છડવાની અને તેલીબિયાં પીલવાની મિલોનું મથક છે.

ગિરીશ ભટ્ટ