દાંડીકૂચ

March, 2016

દાંડીકૂચ (12 માર્ચ 1930 – 5 એપ્રિલ 1930; મીઠાનો સત્યાગ્રહ : 6 એપ્રિલ 1930) : પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની કાયદેસરતાને સંપૂર્ણ અહિંસક રીતે પડકારતી ગાંધીજીની ઐતિહાસિક કૂચ. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના ઇતિહાસમાં 1930ના વર્ષમાં બ્રિટિશ શાસનના અસ્તિત્વને પડકારવા ગાંધીજીએ તેમના 79 સાથીઓ સાથે અમદાવાદના હરિજન આશ્રમથી (12 માર્ચ) 241 માઈલ(લગભગ 386 કિમી.)ના અંતરે જૂના સૂરત જિલ્લાના જલાલપુર તાલુકામાં દરિયાકિનારે આવેલા દાંડી ગામ સુધી પગપાળા કૂચ કરીને મીઠું પકવવાના સરકારના કાયદાનો ભંગ કર્યો (6 એપ્રિલ).

સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતેથી
ગાંધીજી અને સ્વાતંત્ર્યસૈનિકોનું દાંડી-પ્રસ્થાન

ચૌરીચોરાના હિંસક બનાવ (5 ફેબ્રુઆરી, 1922) પછી ગાંધીજીએ અસહકારનું આંદોલન બંધ રાખ્યું અને રચનાત્મક પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બીજી બાજુ, મૉન્ટફર્ડ સુધારા હેઠળ ભારતમાં બંધારણીય પ્રગતિની તપાસ કરવા આવેલા (3 ફેબ્રુઆરી, 1928) સાયમન કમિશનમાં એક પણ હિંદી સભ્ય ન હોવાથી બધાં શહેરોની મુલાકાત વખતે તેનો બહિષ્કાર કરવામાં આવ્યો. સાયમન કમિશનના બહિષ્કારથી રાષ્ટ્રીય આંદોલનની ગતિને વેગ મળ્યો.

સાયમન કમિશનના વિરોધમાં મે, 1928માં મુંબઈમાં મળેલી સર્વપક્ષીય પરિષદે બંધારણની રૂપરેખા તૈયાર કરવા પંડિત મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ નીમી. આ સમિતિએ પોતાનો અહેવાલ-‘નહેરુ રિપોર્ટ’ તૈયાર કર્યો (10 ઑગસ્ટ, 1928) અને લખનૌમાં મળેલી (28 ઑગસ્ટથી 31 ઑગસ્ટ, 1928) સર્વપક્ષીય પરિષદે ‘સાંસ્થાનિક દરજ્જાના સ્વરાજ’ની ભલામણ કરતા આ અહેવાલનો સ્વીકાર કર્યો, જે કૉંગ્રેસના ઉદ્દામવાદી જૂથને ન ગમ્યું. કૉલકાતાની કૉંગ્રેસના વાર્ષિક અધિવેશન(28 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 1928)માં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ વગેરેએ સાંસ્થાનિક સ્વરાજની માગણીનો વિરોધ કર્યો.

છેવટે સમાધાન રૂપે પૂર્ણ સ્વરાજ્યનું ધ્યેય કાયમ રાખીને દેશની પ્રગતિના મહત્ત્વના તબક્કા તરીકે સાંસ્થાનિક સ્વરાજનો સ્વીકાર કરી એમ ઠરાવવામાં આવ્યું કે 31 ડિસેમ્બર, 1929 સુધીમાં જો બ્રિટિશ સરકાર ‘નહેરુ રિપોર્ટ’ મુજબના બંધારણનો સ્વીકાર નહિ કરે તો કૉંગ્રેસ પોતાના ધ્યેય તરીકે પૂર્ણ સ્વાતંત્ર્યની માગણી કરી તે પ્રાપ્ત કરવા સવિનય કાનૂનભંગની લડતનો માર્ગ અપનાવશે.

ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કરી લડતનો આરંભ કરતા ગાંધીજી

કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન (27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 1929) જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લાહોરમાં મળ્યું. આ અધિવેશનની 31મી ડિસેમ્બરે મળેલી ખુલ્લી બેઠકમાં ગાંધીજીએ જણાવ્યું કે સરકારે કૉંગ્રેસના કૉલકાતાના અધિવેશનના ઠરાવનો જવાબ 31 ડિસેમ્બર, 1929 સુધીમાં આપ્યો ન હોવાથી હવે કૉંગ્રેસનું ધ્યેય સાંસ્થાનિક દરજ્જાના સ્વરાજને બદલે પૂર્ણ સ્વાતંત્ર્ય રહેશે. પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ પસાર થયો અને તે પ્રાપ્ત કરવા લડત ચલાવવાની સત્તા ગાંધીજીને આપવામાં આવી. 2 જાન્યુઆરી, 1930ની કૉંગ્રેસની કારોબારી સમિતિમાં ઠરાવ કરવામાં આવ્યો કે 26મી જાન્યુઆરી, 1930નો દિવસ સમગ્ર દેશમાં ’પૂર્ણ સ્વરાજ દિવસ’ તરીકે ઊજવાશે. તે દિવસે દેશમાં બધાં ગામડાં, કસબા અને શહેરોમાં ગાંધીજીએ તૈયાર કરેલ જાહેરનામાનું વાચન કરી પ્રતિજ્ઞા લેવામાં આવે કે જે રાજ્યે ભારતની આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તારાજી કરી છે તેને તાબે થવું એ માણસજાત અને ઈશ્વર સામે ગુના સમાન છે. સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીનો દિવસ ‘પૂર્ણ સ્વાતંત્ર્યદિન’ તરીકે ઉત્સાહથી ઊજવવામાં આવ્યો.

ગાંધીજીના જાહેરનામામાં અહિંસક રીતે નાકર સહિત સવિનય કાનૂનભંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વાઇસરૉયે કેન્દ્રીય ધારાસભામાં તેના ભાષણ(25 જાન્યુઆરી, 1930)માં સ્પષ્ટતા કરી કે લંડનમાં મળનાર ગોળમેજી પરિષદના નિર્ણયો સરકારને બંધનરૂપ નથી અને એ પરિષદમાં રાજકીય પક્ષો આવે કે ન આવે તોપણ પરિષદ થશે જ. તે સાથે કૉંગ્રેસની લડત સામે ચેતવણી આપતાં જાહેર કર્યું કે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સરકાર દ્વારા તમામ પગલાં લેવામાં આવશે.

કૉંગ્રેસ કારોબારી સમિતિની એક બેઠક 15મી ફેબ્રુઆરી, 1930ને દિવસે સાબરમતી આશ્રમમાં મળી. તેમાં ગાંધીજીના નેતૃત્વમાં સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરીને ઠરાવ દ્વારા ગાંધીજીને સંપૂર્ણ સત્તા આપવામાં આવી. તે સવિનય કાનૂનભંગની લડત શરૂ કરે તે વખતે કૉંગ્રેસના બધા સભ્યો તેમને સહકાર આપશે અને સંપૂર્ણ શાંતિ જાળવશે એવી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી.

ગાંધીજીએ સવિનય કાનૂનભંગની લડત માટે મીઠાના અગરો ઉપર હલ્લો લઈ જવાની યોજના વિચારી હતી. આ મીઠાવેરો એ મનુષ્યની કુટિલ બુદ્ધિમાંથી નીકળેલો નિર્દય હૈડિયાવેરો હતો. સરકારી પુસ્તકો મુજબ 82 રતલના એક મણ મીઠાની ઓછામાં ઓછી કિંમત 10 પાઈ હતી અને તેની ઉપર કર 20 આના એટલે 240 પાઈ હતો એટલે ઉત્પાદનની કિંમતના 24 ગણા દામે મીઠું બજારમાં મળે. પરવાના વિના મીઠું બનાવવું, ઓસવી લેવું; કુદરતી મીઠું અથવા ખારી માટી ખોદવી વગેરે ગુનો ગણવામાં આવે અને તે માટે સજા થાય. તેથી ઊલટું, ગાંધીજીએ લખ્યું કે “સરકાર લોકોનું મીઠું ચોરે છે અને એ ચોરીની ચીજને માટે લોકોની પાસે ભારે વેરો લે છે.”

ગાંધીજીએ વાઇસરૉય લૉર્ડ ઇર્વિનને પત્ર લખી પ્રજાને પડતી હાડમારીઓનું વર્ણન કર્યું, અને જો વાઇસરૉય એ હાડમારીઓ દૂર ન કરે તો 12મી માર્ચે આશ્રમના પોતે પસંદ કરેલા સાથીઓ સાથે તે મીઠાના કાયદાનો ભંગ કરવા કૂચ કરશે એમ જણાવ્યું. આ પત્રમાં ગાંધીજીએ અહિંસા વિશેની તેમની અતૂટ શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો હતો. ગાંધીજીના પત્રનો જવાબ વાઇસરૉયના ખાનગી મંત્રીએ માત્ર ઔપચારિક રીતે આપ્યો.

સત્યાગ્રહ માટે તીથલ, ધરાસણા, લસુંદ્રા અને બદલપુરનાં નામોની ચર્ચા થઈ. સૂરત જિલ્લાના કાર્યકર કલ્યાણજી મહેતાએ સરદાર પટેલ  સમક્ષ એવું સૂચન કર્યું કે ગાંધીજી આ કૂચ માત્ર બદલપુર સુધી ન લઈ જતાં તેને સૂરત જિલ્લાના દરિયાકિનારા સુધી લંબાવે. જો તેમ થાય તો બદલપુરનું 75 માઈલનું અંતર જે માત્ર 8 દિવસમાં પૂરું થવાનું હતું તેને બદલે જો કૂચનું અંતર 241 માઈલ (લગભગ 386 કિમી.) જેટલું હોય તો તે કાપતાં વધારે દિવસ લાગે, તેથી દક્ષિણ ગુજરાત સુધીના આ કૂચના વિસ્તારના લોકોમાં તેમજ ભારતભરમાં વ્યાપક પ્રમાણમાં જાગૃતિ પેદા થાય. સરદારે કલ્યાણજી મહેતાના સૂચનનો સ્વીકાર કર્યો અને ગાંધીજીએ પણ તેને સંમતિ આપી. સ્થળપસંદગી માટે કલ્યાણજી મહેતા, નરહરિ પરીખ અને લક્ષ્મીદાસ આશરે ઓલપાડ તાલુકાના દિહેણ (મહાદેવભાઈનું જન્મસ્થળ), કરાડી, દાંડી, તીથલ તથા ઉદવાડાની મુલાકાત લીધી અને છેવટે દાંડીની પસંદગી કરી.

12 માર્ચે ગાંધીજી કૂચનો પ્રારંભ કરે તે પહેલાં કૂચના પ્રદેશમાં ફરી, લોકોને તૈયાર કરવાનું સરદારે વિચાર્યું. મહીસાગરને કાંઠે કૂચના રસ્તામાં આવતા કંકાપુરા ગામે 7મી માર્ચે સરદાર લોકોને સંબોધવાના હતા, પરંતુ તે પહેલાં રાસ ગામે 200 સત્યાગ્રહીઓ આપવાની ખાતરી આપી હતી. બહેનોએ પણ જેલમાં જવાની તૈયારી બતાવી હતી એટલે સરદાર પટેલ રાસમાં લોકોને સંબોધવા તૈયાર થયા, પરંતુ સરકારે 7મી માર્ચે તેમને પકડી લીધા અને ત્રણ મહિનાની કેદ અને 2,500નો દંડ કર્યો. જોકે દાંડીયાત્રાના ઘડતરનો પૂરો નકશો સરદારે તૈયાર કર્યો હતો. આથી તેમની ધરપકડ બ્રિટિશ સરકારે કરી. અહીં એક અન્ય બાબત પણ નોંધીએ કે 1928માં બારડોલી સત્યાગ્રહ સરદારે સફળતાથી હલ કર્યો હતો. આથી સૂરત નજીકનું સ્થળ પસંદ કરવાની બાબતની પ્રતીતિ સરદારને હતી.

ગાંધીજી 12મી માર્ચ પહેલાં સાબરમતી આશ્રમની પ્રાર્થનાસભામાં સંબોધન કરતા તે સાંભળવા લોકોની મોટી સંખ્યા ભેગી થતી. ગાંધીજીએ તેમનાં ભાષણોમાં સવિનય કાનૂનભંગના કાર્યક્રમમાં દારૂનાં પીઠાં અને વિદેશી કાપડની ચોકી કરવા, મહેસૂલ આપવાનું બંધ કરવા, વકીલાત છોડવા, સરકારી નોકરી છોડવા જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. આવી એક સભામાં ગાંધીજીએ કહ્યું હતું, “મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે. હું કાગડાને મોતે મરીશ, હું કૂતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.”

દાંડીકૂચનો માર્ગ
(12 માર્ચ 1930થી 5 એપ્રિલ, 1930 : 25 દિવસ–251 માઈલ
[લગભગ 386 કિમી.])

ગાંધીજીએ કૂચ દરમિયાનનો કાર્યક્રમ નક્કી કર્યો. કૂચમાં ભાગ લેનાર દરેક સત્યાગ્રહીએ તેનું ચુસ્ત રીતે પાલન કરવાનું હતું. કૂચના માર્ગમાં આવતાં ગામો અંગે પણ તે ગામના કાર્યકર્તાઓએ અગાઉથી માહિતી તૈયાર રાખવાની હતી, જેમાં ગામની વસ્તી (સ્ત્રી-પુરુષ, ધર્મ મુજબ તેની સંખ્યા), ‘અસ્પૃશ્યો’ની સંખ્યા, નિશાળ અંગેની માહિતી, રેંટિયા, ખાદી અને ખાદીધારીઓની સંખ્યા, વ્યક્તિદીઠ મીઠાનો ઉપયોગ, ગાય-ભેંસની સંખ્યા, વિઘોટીનો દર, ગૌચર જમીન, મદ્યપાન વગેરેને લગતી માહિતીનો સમાવેશ થતો હતો.

ગાંધીજીએ અમદાવાદના લોકોને વિદાયભાષણ આપ્યું, જેમાં તેમણે હિંદુમુસ્લિમ એકતા અને રચનાત્મક કાર્યક્રમ પર ભાર મૂક્યો. કૂચના માર્ગમાં આવતાં જે ગામોમાં તેમણે ભાષણ આપ્યાં તેમાં અસલાલી (12 માર્ચ), બારેજા, નવાગામ (13 માર્ચ), વાસણા (14 માર્ચ), માતર (14–15 માર્ચ), ડભાણ-નડિયાદ (15 માર્ચ), બોરીઆવી (16 માર્ચ), આણંદ (17 માર્ચ), બોરસદ (18 માર્ચ), રાસ, કંકાપુરા (19 માર્ચ), કારેલી (20 માર્ચ), ગજેરા,   અણખી (21 માર્ચ), જંબુસર, આમોદ (22 માર્ચ),  બુવા, સમજી (23 માર્ચ) ત્રાલસા, દેરોલ (25 માર્ચ), ભરૂચ, અંકલેશ્વર (26 માર્ચ), સજોદ, માંગરોળ (27 માર્ચ), રાયમા, ઉમરાછી (28 માર્ચ), એરથાણ, ભટગામ (29 માર્ચ), સાંધિયેર, દેલાડ (30 માર્ચ), છાપરાભાઠા, સૂરત (1 એપ્રિલ), ડીંડોલી (2 એપ્રિલ), વાંઝ, નવસારી, ધામણા (3 એપ્રિલ), વિજલપુર (4 એપ્રિલ), અને દાંડી(5 અને 6 એપ્રિલ)નો સમાવેશ થાય છે.

ગાંધીજી અને તેમની 79 સત્યાગ્રહીઓની ટુકડી અમદાવાદથી નીકળી. તેઓ 5મી એપ્રિલે દાંડી પહોંચ્યા ત્યારે રસ્તામાં બે સત્યાગ્રહીઓ ઉમેરાતાં આ સંખ્યા 81 થઈ હતી. 241 માઈલના અંતરની આ કૂચ તેમણે 24 દિવસમાં પૂરી કરી.

6ઠ્ઠી એપ્રિલે સવારે 6.00 વાગ્યે સમુદ્રસ્નાન કરીને 6.30 વાગ્યે તેમણે મીઠાની ચપટી ભરી અને હજારો લોકોનો ગગનભેદી નાદ ગાજી ઊઠ્યો, “નમકકા કાયદા તોડ દિયા.” એ ચપટી ભરતાં ગાંધીજીએ કહ્યું કે, “બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું”. કૂચ દરમિયાન સરકારે પ્રશંસનીય ધીરજ બતાવી હતી, જેની ગાંધીજીએ જાહેરમાં પ્રશંસા કરી. જોકે કાનૂનભંગના પ્રથમ દિવસે જ સત્યાગ્રહીઓ પાસેથી મીઠું ખૂંચવી લેવામાં પોલીસે બળનો આશરો લીધો. ગાંધીજીએ સ્પષ્ટતા કરી કે સત્યાગ્રહીઓના હાથમાંનું મીઠું દેશની ઇજ્જતનું પ્રતીક છે. હાથના ટુકડા થાય તેવા બળ સિવાય તે ઝૂંટવી ન શકાય. તે જ દિવસે અમદાવાદ, સૂરત, ભરૂચ, ખેડા, મુંબઈ અને દિલ્હીમાં પણ મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવ્યો. સરકારે ગાંધીજીને ન પકડ્યા પરંતુ સૂરત જિલ્લા અને ગુજરાતના તમામ જિલ્લાઓના આગેવાન કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી.

ગાંધીજીએ 6ઠ્ઠી એપ્રિલથી 4 થી મે સુધીમાં આર, ભીમરાડ, ઉબેર, બુડિયા, પીંજરત, કરાડી, પટવાડ, સૂરત, ઊંટડી, બારડોલી, નવસારી, બોડાલી, છારવાડા, વાપી, વલસાડ, ઓલપાડ, રાંદેર, મચ્છદ, સરભોણ, જલાલપોર, ચીખલી વગેરે ગામોની મુલાકાત લીધી અને સામૂહિક કાનૂનભંગના કાર્યક્રમો યોજ્યા. 13મી એપ્રિલે ગાંધીજીએ સ્ત્રી-કાર્યકરોની એક પરિષદ બોલાવી જેમાં પિકેટિંગના કામની વ્યવસ્થા માટે એક સમિતિ નીમવામાં આવી. ગાંધીજીની સૂચનાથી સ્ત્રીઓએ દારૂનાં પીઠાંની અને પરદેશી કાપડની દુકાનોની ચોકીનું કામ શરૂ કર્યું.

સરકારે પણ લડત દાબી દેવા દમનનીતિ શરૂ કરી. મોટાભાગના આગેવાનોને પકડી લેવામાં આવ્યા હતા. મીઠાના કાયદાનો ભંગ કરનારાઓની હજારોની સંખ્યામાં ધરપકડ થઈ. ખાસ કરીને કરાંચી, કૉલકાતા, પેશાવર અને ચિત્તાગૉંગમાં ફાટી નીકળેલી છૂટીછવાઈ હિંસાના બનાવો પછી સરકારે અહિંસક સત્યાગ્રહીઓના મનોબળને તોડવા માટે પશુબળનો વધારે ઉપયોગ કર્યો. આ હિંસક બનાવો વિશે ગાંધીજીએ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે દેશના માર્ગમાં લોકોએ આચરેલી આ હિંસા સરકારની હિંસા જેટલી જ બાધારૂપ છે, પરંતુ તેને કારણે તેમણે લડત બંધ કરવાની તો ના જ પાડી. પરંતુ સરકારનું દમન ખૂબ વધી જતાં તેમણે લોકોને આ ‘સંગઠિત ગુંડાશાહી’નો જવાબ ભારે સહનશીલતાથી આપવાનો અનુરોધ કર્યો અને 4 મેના રોજ વાઇસરૉયને પત્ર લખી ધરાસણાના મીઠાના અગરો ઉપર હુમલો લઈ જવાનો પોતાનો ઇરાદો જણાવ્યો. તેથી સરકારે 5મી મેની વહેલી સવારે ગાંધીજીની ધરપકડ કરી અને તેમને ફ્રન્ટિયર મેલ દ્વારા યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. જે સ્થાનેથી તેમની ધરપકડ થયેલી તે સ્થાને ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન બન્યું છે.

ગાંધીજીની ધરપકડ થયા બાદ સરોજિની નાયડુ અને ઇમામસાહેબની આગેવાની હેઠળ ધરાસણાના મીઠાના અગરો ઉપર હુમલા કરવામાં આવ્યા. તેમાં પોલીસનાં અમાનુષી જુલમ સામે સત્યાગ્રહીઓએ પ્રશંસનીય સંયમ જાળવ્યો હતો.

દાંડીકૂચને પરિણામે દેશમાં નવી ચેતનાનો સંચાર થયો. થોડાક હિંસક બનાવોને બાદ કરતાં લોકોએ શાંતિ, સંયમ અને નીડરતાથી સત્યાગ્રહ કર્યો. ચળવળમાં આખા દેશમાંથી લગભગ 75,000 જેટલા સત્યાગ્રહીઓની સરકારે ધરપકડ કરી. સરકારે લડતને કચડી નાખવા જે પગલાં લીધાં તે વિશે ગાંધીજીના મનમાં વાઇસરૉય સામે જરા પણ કડવાશ ન હતી. તેમણે જેલમાંથી લખેલા પત્ર દ્વારા વાઇસરૉયને યાદ અપાવી કે જ્યારે આખો જનસમુદાય કાયદાભંગનો આશરો લેવા માંડે એની સાથે જ તે કાયદાભંગ મટી જાય છે. મહાદેવભાઈના મંતવ્ય મુજબ આ દિવસો દરમિયાન વાતાવરણમાં જે ભાવના વ્યાપક બની રહી તે રાજકીય કરતાં વિશેષે કરીને આધ્યાત્મિક હતી. વિદેશી શોષણખોર શાસનનો અંત લાવવાના પ્રયાસ છતાં શાસકવર્ગ અને પ્રજા વચ્ચે કડવાશ દૂર કરીને ભારતના લોકોમાં પ્રેમ અને સદભાવ સહિત સ્વતંત્રતા-પ્રાપ્તિ માટેનું યોગ્ય વાતાવરણ સર્જવા માટેની આ કૂચ વિશ્વસંસ્કૃતિના ઇતિહાસમાંનાં જૂજ ર્દષ્ટાંતોમાંની એક છે.

દાંડીકૂચમાં ભાગ લેનારા સત્યાગ્રહીઓની યાદી : (1) ગાંધીજી (ગુજરાત), (2) પ્યારેલાલ (પંજાબ), (3) છગનલાલ નથ્થુભાઈ જોષી (ગુજરાત), (4) પંડિત નારાયણ મોરેશ્વર ખરે (મહારાષ્ટ્ર), (5) ગણપતરાવ ગોડસે (મહારાષ્ટ્ર), પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આશર (કચ્છ), (7) મહાવીર ગિરિ (નેપાળ), (8) બાળ દત્તાત્રેય કાલેલકર (મહારાષ્ટ્ર), (9) જયંતિ નથ્થુભાઈ પારેખ (ગુજરાત), (10) રસિક દેસાઈ (ગુજરાત), (11) વિઠ્ઠલ લીલાધર ઠક્કર (ગુજરાત), (12) હરખજી રામજીભાઈ હરિજન (ગુજરાત), (13) તનસુખ પ્રાણશંકર ભટ્ટ (ગુજરાત), (14) કાંતિલાલ હરિલાલ ગાંધી (ગુજરાત), (15) છોટુભાઈ ખુશાલભાઈ પટેલ (ગુજરાત), (16) વાલજીભાઈ ગોવિંદજી દેસાઈ (ગુજરાત), (17) પન્નાલાલ બાલાભાઈ ઝવેરી (ગુજરાત), (18) અબ્બાસ વરતેજી (ગુજરાત), (19) પૂંજાભાઈ ઉર્ફે વિનુભાઈ શાહ (ગુજરાત), (20) માધવજી ઠક્કર (કચ્છ), (21) નારાણજીભાઈ (કચ્છ), (22) મગનભાઈ વોરા, (કચ્છ), (23) ડુંગરશીભાઈ (કચ્છ), (24) સોમાલાલ પ્રાગજીભાઈ પટેલ (ગુજરાત), (25) હસમુખલાલ જોખાકર (ગુજરાત), (26) દાઉદભાઈ (મુંબઈ), (27) રામજીભાઈ વણકર (ગુજરાત), (28) દિનકરરાય પંડ્યા (ગુજરાત), (29) દ્વારકાનાથ (મહારાષ્ટ્ર), (30) ગજાનન ખરે (મહારાષ્ટ્ર), (31) જેઠાલાલ રૂપારેલ (કચ્છ), (32) ગોવિંદ હરકરે (મહારાષ્ટ્ર), (33) પાંડુરંગ (મહારાષ્ટ્ર), (34) વિનાયકરાવ આપ્ટે (મહારાષ્ટ્ર), (35) રામધીર રાય (સંયુક્ત પ્રાંત  ઉ.પ્ર.), (36) સુલતાનસિંહ (રાજપૂતાના – રાજસ્થાન), (37) ભાનુશંકર દવે (ગુજરાત), (38) મુનશીલાલ (સંયુક્ત પ્રાંત – ઉ.પ્ર.), (39) રાઘવનજી (કેરળ), (40) રાવજીભાઈ નાથાભાઈ પટેલ (ગુજરાત), (41) શિવાભાઈ ગોકળભાઈ પટેલ (ગુજરાત), (42) શંકરભાઈ ભીખાભાઈ પટેલ (ગુજરાત), (43) જશભાઈ ઈશ્વરભાઈ પટેલ (ગુજરાત), (44) સુમંગલ પ્રકાશજી (સંયુક્ત પ્રાંત – ઉ.પ્ર.), (45) ટાઈટસજી (કેરળ), (46) કૃષ્ણ નાયર (કેરળ), (47) તપન નાયર (તમિળનાડુ), (48) હરિદાસ વરજીવનદાસ ગાંધી (ગુજરાત), (49) ચીમનલાલ નરસિંહલાલ શાહ (ગુજરાત), (50) શંકરન્ (કેરળ), (51) સુબ્રમણ્યમ્ (આંધ્રપ્રદેશ), (52) રમણીકલાલ મગનલાલ મોદી (ગુજરાત), (53) મદનમોહન ચતુર્વેદી (રાજપૂતાના – રાજસ્થાન), (54) હરિલાલ માહિમતુરા (મુંબઈ), (55) મોતીબાસ દાસ (ઉત્કલ-ઓરિસા), (56) હરિદાસ મજમુદાર (ગુજરાત), (57) આનંદ હિંગોરાણી (સિંધ), (58) મહાદેવ માર્તંડ (કર્ણાટક), (59) જયંતિપ્રસાદ (સંયુક્ત પ્રાંત – ઉ.પ્ર.), (60) હરિપ્રસાદ (સંયુક્ત પ્રાંત – જન્મ ફિજીમાં), (61) ગિરિવરધારી ચૌધરી (બિહાર), (62) કેશવ ચિત્રે (મહારાષ્ટ્ર), (63) અંબાલાલ શંકરભાઈ પટેલ (ગુજરાત), (64) વિષ્ણુ પંત (મહારાષ્ટ્ર), (65) પ્રેમરાજજી (પંજાબ), (66) દુર્ગેશચંદ્ર દાસ (બંગાળ), (67) માધવલાલ શાહ (ગુજરાત), (68) જ્યોતિરામજી (સંયુક્ત પ્રાંત  ઉ.પ્ર.), (69) સૂરજભાણ (પંજાબ), (70) ભૈરવ દત્ત (સંયુક્ત પ્રાંત – ઉ.પ્ર.), (71) લાલજી પરમાર (ગુજરાત), (72) રત્નજી (ગુજરાત), (73) વિષ્ણુ શર્મા (મહારાષ્ટ્ર), (74) ચિંતામણિ શાસ્ત્રી (મહારાષ્ટ્ર), (75) નારાયણ દત્ત (રાજપૂતાના – રાજસ્થાન), (76) મણિલાલ ગાંધી (ગુજરાત), (77) સુરેન્દ્રજી (સંયુક્ત પ્રાંત – ઉ.પ્ર.), (78) હરિભાઈ મોહની (મહારાષ્ટ્ર), (79) પુરાતન જન્મશંકર બુચ (ગુજરાત), (80) સરદાર ખડ્ગબહાદુર ગિરિ (નેપાળ), રસ્તેથી જોડાયા, (81) શંકર (સતીશ) દત્તાત્રેય કાલેલકર (મહારાષ્ટ્ર), રસ્તેથી જોડાયા.

દાંડીકૂચના દિવસે 61 વર્ષની વયે પરોઢિયે 4 વાગ્યે ગાંધીજી હૃદયકુંજમાં આવીને તેમના ખંડમાં ઘસઘસાટ ઊંઘી ગયા હતા. કૂચનો પ્રસ્થાન સમય 6-30નો હતો. એથી થોડા વહેલા જાગીને તેઓ આશ્રમના એક ગરીબ પરિવારની માંદી દીકરીની ચિંતા કરતા તેની પાસે પહોંચ્યા. ત્યાંથી પાછા આવી તેઓ ચૂપચાપ બેસી ગયા હતા, જેની નોંધ આશ્રમવાસી કેદારનાથજીએ કરી છે. કૂચના આરંભ પૂર્વે ગાંધીજીએ સૌ કૂચવાસીઓને ચેતવેલા. ‘યાદ રાખજો આ જિંદગીભરની ફકીરી છે….. મહાધર્મયુદ્ધ છે ……… મહાવ્યાપક યજ્ઞ છે.’ એ ઉદબોધનમાં તેમણે જણાવેલું કે સંભવિત મારપીટ કે બીજા અત્યાચારોથી બચવાનું વલણ યોગ્ય નથી. આ સાથે એક વિશેષ સ્મરણ જોડાયેલું છે. ગાંધીજીએ ગુજરાતીમાં ઉતારેલી ‘શ્રીમદભગવદગીતા’ને ‘અનાસક્તિયોગ’ નામ આપવામાં આવ્યું હતું. આ અનુવાદ બરાબર દાંડીકૂચને દિવસે એટલે કે 12 માર્ચ, 1930ના દાંડીયાત્રાના પ્રારંભ દિને પ્રકાશિત થયો. આ પુસ્તિકાની પ્રસ્તાવનામાં ‘आ आवृति’માં જણાવ્યા અનુસાર તેઓ તેમના સાથીઓ સાથે આશ્રમમાંથી બહાર પગ મૂકતા હતા તે જ સમયે એ પુસ્તકની પહેલી નકલ ગાંધીજીના હાથમાં મૂકવામાં આવેલી.

આ યાત્રા દરમિયાન ચાલવાની કંઈ મુશ્કેલી ઊભી થાય તેવી પૂર્વધારણાને કારણે શેઠ ચીનુભાઈએ એક પાણીદાર સફેદ અશ્વ અને તેનો સાઇસ (રખેવાળ) મોકલેલો. થોડા દિવસ બાદ તેની કોઈ આવશ્યકતા ન હોવાને કારણે ગાંધીજીએ આભાર સાથે આ અશ્વસહાય નવાગામથી પરત મોકલી દીધી. રથાણ અને ભાટગામ વચ્ચે 29મી માર્ચે ગાંધીજીએ ભીષ્મપ્રતિજ્ઞા કરી કે ‘હું કાગડાને મોતે મરીશ, હું કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ વિના હું આશ્રમમાં પાછો ફરવાનો નથી’. ‘6ઠ્ઠી એપ્રિલે સમુદ્રસ્નાન બાદ દાંડીના દરિયાકિનારેથી મીઠું લઈને તેને શુદ્ધ કર્યું હતું. બાદમાં અમદાવાદ ખાતે તે મીઠાની લિલામી થઈ હતી.

દાંડીકૂચના પરિણામે 5 માર્ચ, 1931ના રોજ ગાંધી-ઇરવીન કરાર થયા. એથી નમક સત્યાગ્રહનો અંત આવ્યો. તેની સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે અંગ્રેજ સરકારે ગાંધીજીને સમસ્ત ભારતના પ્રતિનિધિ ગણી તેમની સાથે કરાર કર્યો. તેનાથી રાષ્ટ્રીય પક્ષ તરીકે કૉંગ્રેસનો મોભો વધ્યો. સવિનય કાનૂનભંગના પકડાયેલા તમામ રાજકીય કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. અલબત્ત, આ કૂચથી બ્રિટિશ સરકાર વિરુદ્ધ પ્રજાકીય જાગૃતિનું પ્રચંડ મોજું ઊભું થયું અને ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં તે પ્રખર લોકજાગૃતિની ઘટના બની રહી.

ગાંધીજી દાંડી ખાતે આવેલી સૈફી વિલામાં રોકાયા હતા. 2011માં 28 લાખના ખર્ચે આ સૈફી વિલાનું નવીનીકરણ થયું હતું. પરંતુ ખારી હવા અને દેખરેખના અભાવે આ સ્મારક જર્જરિત થવા માંડ્યું છે. તેમાં મુકાયેલાં તૈલચિત્રો પણ ભારે માવજત માંગી રહ્યાં છે. સૈફી વિલાના માલિક સૈયદના તાહેર સૈફુદીનસાહેબે તેમની આ મિલકત ભારત સરકારને ભેટ આપી દીધી હતી. અમદાવાદથી દાંડી વચ્ચેનું 241 માઈલ (લગભગ 386 કિમી.)નું અંતર 24 દિવસમાં કાપ્યું હતું. નવસારી રેલવે–સ્ટેશનથી 16 કિમી.ના અંતરે દાંડી આવેલું છે.

ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ સમિતિએ દાંડીયાત્રાને 75 વર્ષ પૂરાં થયાં ત્યારે અનોખી દાંડીયાત્રાનું આયોજન કર્યું હતું.

એકવીસમી સદીમાં દાંડી એ રાષ્ટ્રીય તીર્થ બન્યું છે. દેશના ઇતિહાસમાં તે અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે. એન્વાયરન્મેન્ટ પ્રૉટેક્શન ઍક્ટ – 1986 હેઠળ દાંડીને ઇકૉ–સેન્સેટિવ ઝોન બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. એથી દાંડી અને તેની આસપાસનાં ગામોના વિકાસ અને પર્યાવરણની સુરક્ષા માટે કામ કરતી સંસ્થા સોસાયટી ઑવ્ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મૅનેજમેન્ટ, ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત ઇકૉલૉજી કમિશનના ઉપક્રમે આ પરિયોજનાનો પ્રારંભ કરાયો છે. તેના વ્યવસ્થાપન અને દેખરેખનું કાર્ય ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી કરવાના છે. વધુમાં 1785 કરોડના ખર્ચે દાંડીકૂચનો ‘હૅરિટેજ રૂટ’ વિકસાવવામાં આવનાર છે. જૂન, 2006માં આ માર્ગને રાષ્ટ્રીય ધોરી માર્ગ (નૅશનલ હાઈવે) નં. 228 તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદથી આરંભી દાંડી સુધીનો આ માર્ગ 7.5 મીટરની પહોળાઈ ધરાવતો હશે. આ દિશામાં કામગીરી શરૂ થઈ છે.

2014માં દાંડી-સૈનિકોની પૂરીપાધરી ઓળખ મુશ્કેલ બનતી જાય છે. આથી દાંડી હૅરિટેજ પાર્ક તૈયાર કરાશે. તે સૈનિકોની તસવીરો શોધી તેની પ્રતિકૃતિઓ બનાવવાની એક પરિયોજના આઇ.આઇ.ટી. મુંબઈએ હાથ ધરી છે. આ કામ ઔદ્યોગિક ડિઝાઇન વિભાગના પ્રો. કીર્તિ ત્રિવેદી અને તેમની ટીમ કરનાર છે. દાંડી ખાતે 12 માર્ચ, 2015ના દાંડીદિનથી તે હૅરિટેજ પાર્ક ખુલ્લો મૂકવાની ધારણા છે. આ માટે દેશભરમાંથી શિલ્પકારો, કલાકારો અને ગાંધીવિદો એકઠા થઈને કામ કરવાના છે. આ કામમાં આઠ વિદેશી કલાકારો પણ જોડાનાર છે જેમાં ભુતાન અને બર્માના કલાકારો પણ સામેલ છે.

હૅરિટેજ પાર્કમાં વ્યક્તિઓના પુન:સર્જન સાથે વાતાવરણનું પુન:સર્જન કરીને આબેહૂબ ભીંતશિલ્પો તૈયાર કરવાનાં છે. દાંડી હેરિટેજ પાર્કનો આ ભગીરથ પ્રોજેક્ટ દાંડીયાત્રાના ઇતિહાસને સજીવન કરી આવનારી પેઢીઓને આ રાષ્ટ્રીય તીર્થની સુપેરે પ્રતીતિ કરાવશે.

ર. લ. રાવળ

રક્ષા મ. વ્યાસ