દાંડેકર, ગોપાલ નીલકંઠ

March, 2016

દાંડેકર, ગોપાલ નીલકંઠ (જ. 8 જુલાઈ 1916, પરતવાડા, જિ. અમરાવતી; અ. 1 જૂન 1998) : મરાઠી લેખક. વાર્તા, નવલકથા, ઇતિહાસ, સંસ્કૃતિના અભ્યાસી તથા કીર્તનકાર. બાળપણમાં જ ઘર અને શાળાનું શિક્ષણ છોડીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવ્યું. આંદોલન પછી એમણે દેશભરમાં ભ્રમણ કર્યું. ત્યાંના સંત ગાડગે મહારાજના સંપર્કમાં આવ્યા. અને એ સંતે જ એમનું ઘડતર કર્યું. સંતસાહિત્યનું અધ્યયન કર્યું. અને કીર્તનકાર તરીકે પણ યશ પ્રાપ્ત કર્યો. એમણે નર્મદાની પ્રદક્ષિણા પણ કરી. એમને કિલ્લાઓમાં ભ્રમણનો ઘણો શોખ હતો અને એ વિશેનું એમનું પુસ્તક ‘દુર્ગ ભ્રમણગાથા’ (1983) મરાઠી પ્રવાસસાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.

એમણે એ ઉપરાંત પુસ્તકો લખ્યાં છે. તેમાં ‘બયા દાર ઉઘડ’, ‘હરહર મહાદેવ’, ‘દર્યાભવાની’, ‘ઝુંજારમાચી’ અને ‘હે તો શ્રીચી ઇચ્છા’ એ શિવાજીકાલીન ઐતિહાસિક નવલકથાઓ; ‘શિતુ’ (1955), ‘પડઘવલી’ (1956) તથા ‘માચી વરલા બુધા’ (1958) એ આંચલિક જાનપદી નવલકથાઓ; ‘મોગરા ફૂલલા’ (1975), ‘મૃણ્મયી’ (1970) એ જ્ઞાનેશ્વરી પર આધારિત કથાઓ; ‘પવનાકાંઠચા ઘોંડી’ (1970) અને ‘વનરાજ સાવધ હોતાત’ (1974) નાટકો; ‘કુણા એકાચી ભ્રમણગાથા’ (1957) તથા ‘સ્મરણગાથા’ (1976) આત્મકથા જેને 1976ના સાહિત્ય અકાદમીના શ્રેષ્ઠ મરાઠી ગ્રંથ તરીકે પારિતોષિક માટે પસંદ કરાયું હતું,  તેમનો સમાવેશ થાય છે. ભાખરા નાંગલ શહેર વિશે ‘આમ્હી ભાગીરથાંચે પુત્ર’ નવલકથા લખી છે, જે બદલાતા સામાજિક રાજકીય મૂલ્યસંઘર્ષો પર આધારિત છે. બાળકો માટે એમણે શ્રીકૃષ્ણ અને રામદાસનાં સરળ ચરિત્રની પુસ્તિકાઓ લખી છે, દ્વારકાના શંકરાચાર્યે એમને ‘સાહિત્યવાચસ્પતિ’ની પદવી (1965) આપીને એમની સંસ્કૃત સેવાને બિરદાવેલી. ઉપરાંત તળેગાવ – દાભાડે નગરપાલિકાએ તેમને ‘નગરભૂષણ’ની પદવી એનાયત કરી હતી. વર્ષ 1976માં વાઈ ગામની નગરપાલિકાએ તેમનો જાહેર સત્કાર કર્યો હતો. સાહિત્ય, સંસ્કૃતિ, ઇતિહાસવિષયક એમણે અનેક અભ્યાસલેખો લખ્યા છે.

અરુંધતી દેવસ્થળે