દાહોદ : ગુજરાતની પૂર્વ સીમા પર આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 22° 50’ ઉ. અ. અને 74° 15’ પૂ. રે.. આજુબાજુનો 3,642 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2011 મુજબ જિલ્લાની વસ્તી 21,26,558 જેટલી છે, વસ્તીગીચતા દર ચોકિમી. દીઠ 583 છે.  આ જિલ્લાની રચના 2 ઑક્ટોબર, 1997ના રોજ કરવામાં આવેલી છે. અગાઉ તે પંચમહાલ જિલ્લાનો ભાગ હતો. આ જિલ્લાની ઉત્તરે રાજસ્થાનનો વાંસવાડા જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ મધ્યપ્રદેશની સીમા, દક્ષિણે છોટાઉદેપુર જિલ્લો તથા પશ્ચિમે પંચમહાલ જિલ્લો આવેલા છે. આ જિલ્લામાં દાહોદ, ઝાલોદ, દેવગઢ બારિયા, ગરબાડા, લીમખેડા, ફતેહપુરા અને ધાનપુર તાલુકા આવેલા છે. જિલ્લામાં 9 શહેરો અને 1102 ગામડાં આવેલાં છે. અહીં દર 1000 પુરુષે 986 સ્ત્રીઓનું પ્રમાણ જોવા મળે છે. સાક્ષરતાનું પ્રમાણ 61 % જેટલું છે.

દાહોદનો કિલ્લો

ભૂપૃષ્ઠ : જિલ્લાનો કેટલોક ભાગ ડુંગરાળ અને જંગલોવાળો છે. ડુંગરો વચ્ચેની ખીણો તથા નદીખીણોના ભાગો સમતળ છે. અહીંના ડુંગરોની ઊંચાઈ 500 મીટરની છે. ખીણોના ભાગો વૃક્ષોવાળા અને ફળદ્રૂપ છે.

આબોહવા : આ જિલ્લામાં સૌથી વધુ ગરમી મે માસમાં પડે છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 40° સે. અને શિયાળાનું સરેરાશ તાપમાન 20° સે. જેટલુ રહે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 780 મિમી. જેટલો પડે છે.

વનસ્પતિજીવનપ્રાણીજીવન : જિલ્લામાં ખરાઉ અને સૂકાં જંગલો આવેલાં છે. અહીં જમીનનું ધોવાણ થતું રહે છે, વળી પશુચરાણ થતું હોવાથી અને વૃક્ષો સતત કપાતાં રહેતાં હોવાથી જંગલો પાંખાં થઈ ગયાં છે. જે થોડાંઘણાં જંગલો જોવા મળે છે તે ટેકરીઓના ઢોળાવો પર તથા તળેટીના ભાગોમાં આવેલાં છે. આ જંગલોમાં સાગ, સાદડ, ખેર, બાવળ, રોહણ, ખાખરો, બોરડી વગેરેનો સમાવેશ થાય છે. જંગલોમાં દીપડા, શિયાળ, હરણ, જરખ, નીલગાય, ડુક્કર, શાહુડી, સસલાં, નોળિયા વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

ખનિજો : આ જિલ્લામાં ક્વાર્ટ્ઝ, કાળમીંઢ પથ્થરો, ઈંટો માટેની માટી, બાંધકામખડકો, ચૂનાખડકો રહેલા છે.

ખેતી : અહીંની જમીનોમાં ઘઉં, ડાંગર, મકાઈ, જુવાર, ચણા, મગફળી જેવા ખાદ્યપાકો, કઠોળ અને તેલીબિયાંના પાક લેવાય છે. પશુઓ માટે ઘાસચારો પણ થાય છે. વરસાદ ઉપરાંત ખેતી માટે કૂવા, તળાવો, ચૅકડેમ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે.

આર્થિક પ્રવૃત્તિ : લોકોમાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. દાહોદ ખાતે થોડાક ઔદ્યોગિક એકમો આવેલા છે. અહીં તેલની મિલો, ફર્નિચર, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ તેમજ લઘુ ઇજનેરી એકમો સ્થપાયેલાં છે.

લોકવસ્તી : જિલ્લામાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ વિશેષ છે. આદિવાસીઓ પૈકી ભીલ જાતિના લોકોનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભારતમાં વસવાટ કરતી દાઉદી મુસ્લિમ વોરા કોમ અહીં બીજા ક્રમે આવે છે.

દાહોદ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલું છે. અહીંનાં પશુઓ તેમજ કેટલીક ખેતીપેદાશોની નિકાસ સીમાવર્તી પ્રદેશોમાં થાય છે.

આ જિલ્લામાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એક કૉલેજ તેમજ પૉલિટેકનિક સંસ્થા આવેલી છે. આ ઉપરાંત અહીં ઔદ્યોગિક તાલીમી સંસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે.

જોવાલાયક સ્થળો : આ જિલ્લામાં મુઘલ બાદશાહ શાહજહાંએ પુત્રની યાદમાં કિલ્લો બંધાવેલો છે. બારમી સદીનું શિવમંદિર, છાબ તળાવ, રતનમહાલ, રીંછ અભયારણ્ય જોવાલાયક છે.

નીતિન કોઠારી