થાઇલૅન્ડ : મલય દ્વીપકલ્પના ઉત્તર છેડે આવેલો થાઇ લોકોનો દેશ. ‘થાઇલૅન્ડ’ શબ્દનો અર્થ ‘સ્વતંત્ર દેશ’ થાય છે. તેનું જૂનું નામ ‘સિયામ’ છે. તેની વધુમાં વધુ ઉત્તર દક્ષિણ-લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ અનુક્રમે 1700 કિમી. અને 800 કિમી. છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ કમ્બોડિયા, લાઓસ અને અગ્નિ તથા દક્ષિણે મલેશિયા અને થાઇલૅન્ડનો અખાત, ઉત્તરે ચીન તથા પશ્ચિમે મ્યાનમાર અને આંદામાનનો સમુદ્ર છે. તેનું ક્ષેત્રફળ 5,13,115 ચોકિમી. છે.

થાઇલૅન્ડના ચાર કુદરતી વિભાગો છે : ઉત્તરનો પહાડી પ્રદેશ ગીચ જંગલવાળો છે. ડોઈ ઇન્થેનન પર્વતનું સૌથી ઊંચું શિખર 2,595 મી. છે. સૌથી ફળદ્રૂપ મધ્યસ્થ મેદાન ચાઉ પ્રાયા નદીના નિક્ષેપનું બનેલું છે. પહાડી પ્રદેશના ઈશાને આવેલો ખોરાતનો ઉચ્ચપ્રદેશ સરેરાશ 185 મી. ઊંચો છે. તેની કંકરવાળી જમીન હલકી અને ઓછી ઉપજાઉ છે. મલેશિયાથી ઉત્તરે આવેલો તેનો દક્ષિણ ભાગ ખનિજો અને રબરની સમૃદ્ધિ ધરાવે છે. તેની મુખ્ય નદી મેકાગ લાઓસ અને થાઇલૅન્ડની સરહદે વહે છે. ચાઉ પ્રાયા મધ્યસ્થ મેદાનમાં થઈને અને મુન નદી ઈશાન થાઇલૅન્ડમાંથી વહે છે.

આખા વરસ દરમિયાન 24° સે. થી 29° સે. સરેરાશ તાપમાન રહે છે. ઉત્તરના પહાડી પ્રદેશમાં શિયાળામાં 16° સે. તાપમાન રહે છે. દેશના ઉત્તર અને ઈશાન ભાગમાં 1000–1100 મિમી., અગ્નિખૂણે તથા દ્વીપકલ્પમાં 2300 –2500 મિમી. અને  મ્યાનમારની  સરહદે 6590 મિમી. વરસાદ મેથી ઑક્ટોબર દરમિયાન પડે છે.

જંગલનો વિસ્તાર 30 – 33% છે. સાગ, યાંગ જેવાં વૃક્ષો પર્ણપાતી અને મિશ્ર પર્ણપાતી પ્રકારનાં છે. આ ઉપરાંત વાંસ પુષ્કળ થાય છે. દરિયાકિનારે મૅન્ગ્રોવ પ્રકારની વનસ્પતિ હોય છે. વન્ય પ્રાણીઓમાં હાથી, ગેંડો, હરણ, દીપડો, મગર, સાપ વગેરે તથા લીલા કાચબા છે. થાઇલૅન્ડના અખાતમાંથી તથા ખેતરો, નદીઓ અને જળાશયોમાંથી પુષ્કળ માછલીઓ મળે છે.

ખનિજોમાં કલાઈના ઉત્પાદનમાં દુનિયાના દેશોમાં તેનું બીજું સ્થાન છે. જસત, ઍન્ટિમની, ટંગ્સ્ટન, મૅંગેનીઝ, લોખંડ, ટેન્ટેલાઇટ, ચિરોડી, લિગ્નાઇટ, કુદરતી વાયુ, પેટ્રોલિયમ, માણેક અને નીલમ અન્ય ખનિજો છે.

દેશની 25% જેટલી જમીનમાં ડાંગર વવાય છે. આ ઉપરાંત સોયાબીન, મકાઈ, કસાવા, શેરડી, તમાકુ, ભીંડી, પાઇનૅપલ, કેળાં અને રબરનું ઉત્પાદન થાય છે. ઉત્તર થાઇલૅન્ડમાં અફીણનું વાવેતર થાય છે. 66% લોકો ખેતીમાં રોકાયેલા છે. ખેતીનો તેનો રાષ્ટ્રીય આવકમાં 26% હિસ્સો છે.

થાઇલૅન્ડ

કુલ કામદારો પૈકી ઉદ્યોગોમાં દેશના 14% લોકો રોકાયેલા છે. રાષ્ટ્રીય આવકમાં તેનો 39% હિસ્સો છે. પાટનગર બૅંગકૉક અને તેની નજીકના વિસ્તારમાં કાપડ, બિયર, પીણાં, સિગારેટ, સિમેન્ટ, પ્લાયવૂડ, કાગળ, શણના કોથળા અને કંતાન, પ્લાસ્ટિક, ટાયર અને ટ્યૂબ, ખાંડ અને કલાઈ વગેરેનાં નાનાંમોટાં કારખાનાં આવેલાં છે. વળી હાથીદાંત તથા લાકડા ઉપરનું કોતરકામ અને લાખયુક્ત ફર્નિચર બનાવવાના ગૃહઉદ્યોગો અહીં ચાલે છે. 1982 પછી પ્રવાસનઉદ્યોગ પણ વિકસ્યો છે.

થાઇલૅન્ડમાં 57,403 કિમી.ના માર્ગો છે. બૅંગકૉકથી શરૂ થતી રેલવે 3500 કિમી. લાંબી છે. નદીઓ અને નહેરોનો આંતરિક જળમાર્ગ છે. કેટલાક લોકો હોડીમાં કાયમી વસવાટ કરે છે. થાઇલૅન્ડનો અખાત 500–560 કિમી. પહોળો અને 720 કિમી. લાંબો છે. તેનું ક્ષેત્રફળ 2,38,000 ચોકિમી. છે. થાઇલૅન્ડનું મુખ્ય બંદર બૅંગકૉક ચાઉ પ્રાયા નદી ઉપર અખાતના મુખથી અંદરના ભાગમાં 50 કિમી. દૂર છે. આ સિવાય અન્ય 20 બંદરો છે. બૅંગકૉક સહિત ચાર આંતરરાષ્ટ્રીય વિમાની મથકો છે.

થાઇલૅન્ડ યંત્રો, વીજળીનાં સાધનો, રસાયણો, મોટરો, લોખંડ અને પોલાદ-ઉદ્યોગો માટેનો કાચો માલ, પેટ્રોલિયમ અને તેની પેદાશો આયાત કરે છે, જ્યારે ઇમારતી લાકડું, ચોખા, રબર, કસાવા, કલાઈ વગેરેની નિકાસ કરે છે. થાઇલૅન્ડમાં ‘ગ્રીન એનર્જી’ના લક્ષ્યને પહોંચી વળવા માટે હાઇડ્રોફ્લોટીંગ સાલાર હાઇબ્રીડ પાવર પ્લાન્ટ ઉભો કરાયો છે. જે દુનિયાનો દ્વીતિય ક્રમે આવતો સૌથી મોટો  પ્લાન્ટ છે.

થાઇલૅન્ડની 2022માં વસ્તી આશરે 7,01,93,923 હતી. બૅંગકૉકની વસ્તી દેશની કુલ વસ્તીના 63% ગ્રામવિસ્તારમાં વસે છે. થાઇલૅન્ડમાં થાઇ, લાઓ, ચીના, મોન, મલય, કરેન વગેરે વિવિધ જાતિઓ વસે છે. થાઇ લોકોની 52% અને લાઓ લોકોની 29.4% વસ્તી છે. ચીનાઓ શહેરમાં જ વસે છે. 94% લોકો બૌદ્ધધર્મી છે.

દેશમાં 9 વર્ષની વયનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. અને મ્યુનિસિપાલિટીની શાળાઓમાં શિક્ષણ મફત છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ 11 કે 12 વરસ સુધી છે. ત્યારબાદ ઉચ્ચશિક્ષણનો પ્રારંભ થાય છે. કુલ 20 વિશ્વવિદ્યાલયો પૈકી પાંચ વિશ્વવિદ્યાલયો બગકૉકમાં છે. બે ઉચ્ચ કક્ષાની ટૅક્નૉલૉજિકલ સંસ્થાઓ છે. આ ઉપરાંત અધ્યાપનમંદિરો, ટૅકનિકલ શાળાઓ, ખેતીવાડીની શાળાઓ વગેરે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ છે.

શાકભાજી અને બાગાયતી પાકને કપડાથી ઢાંકીને સૂર્યના ઉગ્ર તાપ સામે
તેનું રક્ષણ કરવાની થાઇલૅન્ડની વિશિષ્ટ પ્રણાલી

ઇતિહાસ : થાઇલૅન્ડમાં માનવવસવાટ 20,000 વરસ જેટલો પ્રાચીન છે. દસમી સદી દરમિયાન થાઈ લોકોએ ચીનમાંથી સ્થળાંતર કર્યું હતું. તેરમી સદીમાં મધ્યસ્થ મેદાનની ઉત્તરે 1220માં સુબો થાઈ અને 1296માં ચિઆંગહાઈ રાજ્યો સ્થપાયાં હતાં. ઈ. સ. 1350માં સ્થપાયેલ અયુત્થય વંશના રાજાએ પંદરમી સદીના પ્રારંભ સુધીમાં બંને રાજ્યોને હરાવીને તેનું શાસન દૃઢ કર્યું હતું. 1569માં બ્રહ્મદેશે આક્રમણ કરીને થાઇલૅન્ડમાં 15 વરસ રાજ્ય કર્યું હતું. 1767માં બ્રહ્મદેશે ફરી આક્રમણ કરી અયુત્થય વંશનો અંત આણ્યો હતો. થોડાં વરસો પછી ચાઉ પ્રાયાએ બર્મી શાસકોને હરાવીને ચક્રી વંશનું શાસન 1782માં સ્થાપ્યું હતું.

આ વંશના રામ ત્રીજાએ (1824–51) રાજ્યનો વિસ્તાર કરી લાઓસ, કંબોડિયા અને દક્ષિણ મલાયાનો થોડો ભાગ કબજે કર્યો હતો. વિદ્વાન રાજા મોંગકૂટ  રામ ચોથા (1851–68) અને તેના પુત્ર ચુંગલાગ કોર્ને અને રામ પાંચમાએ (1868–1910) પશ્ચિમની અસર નીચે નવા યુગના સુધારા દાખલ કર્યા હતા. ગુલામીપ્રથા રદ કરાઈ હતી અને રેલવે અને ટેલિગ્રાફનો પ્રારંભ થયો હતો. પરદેશમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને ઉત્તેજન અપાયું હતું. પશ્ચિમના દેશો ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સે દક્ષિણ મલાયા, લાઓસ અને કંબોડિયાનાં રાજ્યો કબજે કર્યાં બાદ તેમની સાથે થાઇલૅન્ડે સંધિ કરી હતી. 1932માં આપખુદ રાજાશાહીનો રક્તવિહીન ક્રાંતિ દ્વારા અંત આવ્યો હતો અને બંધારણીય રાજાશાહીનો પ્રારંભ થયો હતો. રાજા રાજ્ય અને લશ્કરનો વડો હોવા છતાં બંધારણની મર્યાદામાં રહીને રાજ્ય કરે છે. 1932થી 1980 દરમિયાન 26 વખત બળવા થયેલા અને 13 વખત નવાં બંધારણો ઘડાયાં હતાં.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થાઇલૅન્ડ પર જાપાને આક્રમણ કર્યું તેથી જાપાનને પક્ષે રહેવાની તેને ફરજ પડી. 1945–46 દરમિયાન થોડો વખત બિનલશ્કરી શાસન રહ્યું હતું. થાઇલૅન્ડનું વલણ હંમેશાં યુ.એસ.તરફી રહ્યું છે.

1991માં લશ્કરે સરકાર પર કબજો જમાવ્યો હતો અને જનરલ સુચિંદ કપ્રયુન એપ્રિલ, 1992માં વડાપ્રધાન થયા હતા પણ બીજા મહિને જ તેમને રાજીનામું આપવું પડ્યું હતું. લશ્કરની દખલગીરી ચાલુ રહી છે.

ઇતિહાસ : 1990ના દાયદામાં, 1992થી 1995 અને 1997થી 2001નાં વર્ષોમાં ચુઆન લીકપાઈએ ત્યાંની સરકારનું સૌથી લાંબા સમય માટે નેતૃત્વ કર્યું. જાન્યુઆરી, 2001ની દેશવ્યાપી ચૂંટણીમાં થાઈ રાક થાઈ પાર્ટીના થાસ્કીન શિનાવાત્રાના નેતૃત્વ હેઠળ પક્ષનો વિજય થયો. થાસ્કીન 1997માં નાયબ વડાપ્રધાન હતો. ઈ. સ. 2003માં કેફી પદાર્થોને કારણે દેશમાં 2500 લોકોનો મૃત્યુ થયાં હતાં. તેથી વડાપ્રધાન થાસ્કીને કડક પગલાં ભર્યાં અને કેફી પદાર્થો વેચવામાં ગુનેગાર 50,000 લોકોની ધરપકડ કરવામાં આવી. તેમાં કેટલાક નિર્દોષ લોકોનો પણ ભોગ લેવાયો.

દક્ષિણના ત્રણ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં જાન્યુઆરી, 2004થી શરૂ થયેલ હિંસાના બનાવોમાં આશરે 1,000 માણસો માર્યા ગયા. ફેબ્રુઆરી, 2005માં થયેલ ચૂંટણીમાં થાઈ રાક થાઈ પૉલિટિકલ પાર્ટીનો વિજય થયો. મહિનાઓ સુધી રાજકીય ગરબડ ચાલી ને પછી, 19મી સપ્ટેમ્બર, 2006ના રોજ લશ્કરે સત્તા આંચકી લીધી. વડાપ્રધાન થાસ્કીન પર ભ્રષ્ટાચાર તથા સત્તાના દુરુપયોગના આક્ષેપો થયા હતા. તેથી તેનો પક્ષ વિખેરી નાખવો પડ્યો. તેના અનુયાયીઓએ પીપલ્સ પાવર પાર્ટી સ્થાપી અને ડિસેમ્બર, 2007ની ચૂંટણીમાં વિજય મેળવ્યો અને પાંચ નાના પક્ષો સાથે 28 જાન્યુઆરી, 2008ના રોજ સરકાર રચી અને તે પક્ષનો સમક સુંદરાવેજ દેશનો વડાપ્રધાન બન્યો. થાઇલૅન્ડની બંધારણીય અદાલતે સુંદરાવેજ સામેના આરોપોમાં તેને ગુનેગાર ઠરાવ્યો. તેથી સોંગચઈ વોંગસાવત તેના સ્થાને વડાપ્રધાન બન્યો. ડિસેમ્બર, 2008માં થાઇલૅન્ડની બંધારણીય કોર્ટે ચૂંટણીમાં ગેરરીતિ આચરવા માટે પીપલ્સ પાવર પાર્ટીને દોષિત ઠરાવી. તેથી તે પક્ષને કાયદા મુજબ વિખેરી નાખવામાં આવ્યો. તે પછી ડિસેમ્બર, 2008માં ડેમૉક્રેટ પાર્ટીનો અભિસિત વેનીજીવ વડાપ્રધાન બન્યો અને તેણે પ્રધાનમંડળની રચના કરી.

એપ્રિલ, 2009માં પ્રાદેશિક રાજકીય શિખર પરિષદ રદ કરવામાં આવી.

એપ્રિલ, 2010માં લશ્કરે લાલ ખમીસધારી વિરોધીઓને વિખેરી નાખવા પ્રયાસો કર્યા ત્યારે વિરોધીઓએ તેનો સશસ્ત્ર સામનો કર્યો.

3 જુલાઈ, 2011ના રોજ થયેલ ચૂંટણીમાં શિનાવાત્રાના નેતૃત્વ હેઠળ ફ્યુ થાઇ  પાર્ટીને બહુમતી મળી. યિંગલુક દેશની પ્રથમ મહિલા-વડાપ્રધાન બની. ઈ. સ. 2013માં ફરી વાર વિરોધી દેખાવો શરૂ થયા. વિરોધીઓની આગેવાની સુથેપ થોગસુબને લીધી અને થાસ્કીનના શાસનનો અંત લાવવાની માંગણી કરી.

રાજકીય : 2007થી 2014 સુધી રાજકીય અસ્થિરતા રહી, જે 2014માં ચરમસીમાએ પહોંચી. 2006માં શાસ્કીન શિનાવાત્રાને વડાપ્રધાનપદેથી ખસેડી (તેમની બહેન) યિંગલુક શિનાવાત્રાને સત્તા સોંપાઈ, તે સરકાર કઠપૂતળી સરકાર બની રહી. તે અરસામાં જ થાઇલૅન્ડમાં યુવાનોના ભારે દેખાવો સાથે ઉદ્દામવાદી વલણો યુવાનોએ દાખવ્યાં. 2014ના આરંભે સામંતશાહી સરકારને ઉથલાવવા ભારે દેખાવો ચાલુ રહ્યા. આથી ફેબ્રુઆરી, 2014માં ત્યાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. તેમાં વિરોધીઓની ધમાલને કારણે મતદાનમથકો બંધ કરવાની ફરજ પડી હતી.

થાઇલૅન્ડ દેશમાં એકતંત્રી સરકાર હોવા સાથે તે બંધારણીય રાજાશાહી ધરાવે છે. તે સંસદીય પદ્ધતિથી કામ કરે છે. તેની ધારાસભા નૅશનલ ઍસેમ્બ્લી છે અને તેનું ઉપલું ગૃહ સેનેટ અને નીચલું ગૃહ હાઉસ ઑવ્ રિપ્રેઝન્ટેટિવ્ઝ છે. યિંગલુક શિનાવાત્રા વડાંપ્રધાનપદે છે, જેઓ આ દેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન છે, જ્યારે દેશના પ્રમુખ હોરાસિયો કાર્ટેસ છે.

જયકુમાર ર. શુક્લ

રક્ષા મ. વ્યાસ

શિવપ્રસાદ રાજગોર