થાઇમ : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thymus valgaris Linn. (અં. કૉમન થાઇમ, ગાર્ડન થાઇમ) છે. તેનાં સૂકાં પર્ણો અને પુષ્પવાળો અગ્રભાગ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે.

થાઇમનો પુષ્પ સહિતનો છોડ

તે નીચો બહુવર્ષાયુ ક્ષુપ (undershrub) છે અને 20-30 સેમી. ઊંચો હોય છે. નીલગિરિમાં તે સફળતાપૂર્વક પ્રવેશ પામેલી વનસ્પતિ છે. તેનું જર્મની, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, ગ્રીસ અને અન્ય દેશોમાં પરિપવ્યંજન (seasoning) અને બાષ્પશીલ તેલ માટે વાવેતર થાય છે. ભારતમાં તેનું વ્યાપારિક ધોરણે કાશ્મીરથી કુમાઉન સુધી 1500–4000 મી. ઊંચાઈએ વાવેતર કરવામાં આવે છે. આ છોડ સામાન્યત: ઉદ્યાનોમાં અને શૈલોદ્યાનો(rockeries)માં ઉછેરવામાં આવે છે. ઉદ્યાનોમાં તેને રસ્તાની બંને ધારો પર શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

આ વનસ્પતિનાં પર્ણો સાદાં, સમ્મુખ, અનુપપર્ણીય (exstipulate), લંબચોરસ-ભાલાકાર (oblong–lanceolate), 10 મિમી. × 3 મિમી. અને  ચર્મિલ (coriaceous) હોય છે. તે નારંગી-બદામી ગ્રંથિમય ટપકાં ધરાવે છે. પુષ્પો નાનાં જાંબલી કે વાદળીથી માંડી સફેદ રંગનાં હોય છે અને રોમમય કૂટચક્રક (verticiliaster) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેની કાષ્ઠફલિકાઓ (nutlets) બદામી રંગની હોય છે.

થાઇમ પર્વતીય પ્રદેશમાં સૌથી સારી રીતે થાય છે. તેનાં પર્ણો અને પુષ્પોનો રસોઈ અને ચિકિત્સીય હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. વાવેતર પછી પાંચેક મહિનાઓમાં પાક લણણી માટે તૈયાર થાય છે. તેમને ચૂંટીને છાંયડામાં સૂકવવામાં આવે છે અને સુગંધ ઊડી જતી અટકાવવા હવાચુસ્ત પાત્રોમાં સંગ્રહ કરવામાં આવે છે. સૂકાં પર્ણો અને પુષ્પો ધરાવતા અગ્રભાગોનું ચૂર્ણ બનાવી તેને સંવેષ્ટિત (packing) કરવામાં આવે છે.

સૂકાં પર્ણો અને પુષ્પીય શાખાઓ વ્યાપારિક થાઇમ બનાવે છે. તેને ઔષધનિર્માણવિજ્ઞાન(pharmacy)માં ‘થાઇમી હર્બા’ તરીકે ઓળખવામાં આવે છે. થાઇમ અનુકૂળ વાસ અને સુગંધિત તથા હૂંફાળો સ્વાદ ધરાવે છે. તેમાં થાયમૉલ હોવાથી તે જંતુનાશક ગુણધર્મો ધરાવે છે અને અનેક રોગજન્ય બૅક્ટેરિયા સામે અસરકારક હોય છે. તેના પ્રરોહ(shoot)નો નિષ્કર્ષ Micrococcus pyogenes ver. aureus અને Escherichia coli સામે જીવાણુરોધી (antibacterial) સક્રિયતા દર્શાવે છે.

પર્ણો અને પુષ્પોનો સામાન્ય રીતે વિવિધ ખોરાક–આહારને સુગંધિત બનાવવા અને સ્વાદિષ્ટ બનાવવા તથા ખાદ્યસજાવટ (garnishing) માટે ઉપયોગ થાય છે. કીટકોને મારવા માટે કપડાં પર શુષ્ક થાઇમ પ્રસારવામાં આવે છે. પર્ણો અને પુષ્પોનો અગરબત્તી તરીકે ઉપયોગ થાય છે.

છોડ સ્વાદે તીખો હોય છે. તે બાષ્પશીલ તેલને કારણે જંતુનાશક, કૃમિનાશક (anthelmintic), કફોત્સારક (expectorant), વાતાનુલોમક (carminative), મૂત્રલ(diauretic), આર્તવજનક (emmenogogue), વાતહર (antispasmodic) અને શામક (sedative) ગુણધર્મો ધરાવે છે. પ્રરોહમાંથી લિનિમેંટ (liniment) બનાવવામાં આવે છે. તેનો આમવાત (rheumatism) અને ત્વચાના રોગો પર લગાડવા માટે ઉપયોગ થાય છે. તેનો આસવ (infusion) કે ક્વાથ (decoction) ઉટાંટિયું, શ્વસનીશોથ (bronchitis) અને શરદીમાં રાહત આપે છે. તેનો કોગળા કરવા અને મોં ધોવા માટે ઉપયોગ થાય છે. તે માનસિક ઉત્તેજક હોવાથી બેશુદ્ધિમાં વપરાય છે. તેનો પશુચિકિત્સામાં ઉપયોગ થાય છે. તે સાબુ કે આહારની નીપજો સુગંધિત બનાવવામાં ઉપયોગી છે. તેનો ઑલિવ તેલ સાથે સંયુક્તપણે રક્તિમાકર (rubefacient) અને વિરોધી-પ્રકોપક (counter-irritant) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

થાયમસ ‘થાઇમ’ તરીકે જાણીતા બાષ્પશીલ તેલનો સ્રોત છે. થાઇમના અન્ય રાસાયણિક ઘટકોમાં ટ્રાઇટર્પેનૉઇડ સેપોનિન, ફ્લેવોન, પૅરાસાયમીન, ઉરસોલિક ઍસિડ, કૅફેઇક ઍસિડ, લ્યુટિયોલિન અને તેના ગ્લાયકોસાઇડ તથા ઓલિયાનૉલિક ઍસિડનો સમાવેશ થાય છે. ઉપરાંત ટૅનિન અને રાળ ધરાવે છે. સોપોનિનોમાં થાયન્યુનિક ઍસિડ અને થાયમ્યુસેથોનિનનો સમાવેશ થાય છે. થાઇમ થાયેમિનનો સારો સ્રોત (502 માઇક્રો ગ્રા./100 ગ્રા. શુષ્કપર્ણ) છે.

સ્પેન આ તેલ ઉત્પન્ન કરનારો મુખ્ય દેશ છે. તેનું ઉત્પાદન ફ્રાન્સ, મોરોક્કો અને અન્ય ભૂમધ્યસમુદ્રીય દેશોમાં થાય છે. સૂકા છોડમાંથી દ્રવ્યની સ્થિતિ, એકત્રીકરણ-સ્થાન અને નિસ્યંદન (distillation)ની પદ્ધતિને આધારે 0.7 –2.6 % જેટલું તેલનું ઉત્પાદન થાય છે.

તેલ રંગહીન, પીળું કે લાલ રંગનું હોય છે. તેની વાસ લાક્ષણિક અને આનંદદાયી તથા સ્વાદ તીખો અને દીર્ઘસ્થાયી (persistent) હોય છે. સામાન્ય રીતે તે પીળાશ પડતા લાલ રંગનું હોય છે. સ્પેનના તેલના ભૌતિક–રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે. વિ. ગુ.25°, 0.916 – 0.934; વિશિષ્ટ પ્રકાશિક ઘૂર્ણન –0.3oથી –1.9°, વક્રીભવનાંક (n20°), 1.4971–1.5040; ફિનોલીય દ્રવ્ય (મુખ્યત્વે થાયમૉલ) 42.5-59.0 % (70 % આલ્કોહૉલના 2.5-3.5 ગણા કદમાં દ્રાવ્ય) તેલનું સૌથી મહત્વનું અને મુખ્ય ઘટક થાયમૉલ છે. કાર્બોકૉલ ઓછા પ્રમાણમાં હોય છે. તેલના અન્ય ઘટકોમાં ઍમાઇલ આલ્કોહૉલ, β, -હૅક્ઝાનૉલ, -પિનીન, કૅમ્ફૅનીન, P-સાયમીન, -ટર્પિનીન, લિનેલૂલ, -બૉનિયૉલ, સીનિયૉલ, જિરાનિયૉલ, કૅર્યોફાયલિનનો સમાવેશ થાય છે.

તેલ સામાન્ય રીતે ટર્પિન કે થાયમીન સાથે અપમિશ્રિત કરવામાં આવે છે. થાયમીન અજમાના તેલમાંથી થાયમૉલનું ઉત્પાદન કરતી વખતે પ્રાપ્ત થતી વધારાની ઊપજ છે.

થાયમૉલ શક્તિશાળી જંતુનાશક છે અને ફૂગ તથા કૃમિઓનો નાશ કરે છે. તેનો ખાસ કરીને અંકુશકૃમિઓની ચિકિત્સામાં આંતરડાના જંતુનાશક તરીકે અને ચામડીમાં થતા ફૂગના ચેપથી રક્ષણ મેળવવા ઉપયોગ થાય છે. તે ગંધનાશક (deodorant), દંતમંજન (dentifrice) અને કોગળા કરવાના ઔષધોના એક ઘટક તરીકે ઉપયોગી છે.

તે મોટી માત્રા(dose)માં ઝેરી હોય છે અને જઠરમાં બળતરાની લાગણી ઉત્પન્ન કરે છે. ઊબકા આવે છે કે ઊલટી થાય છે. તેનાથી અતિસાર (diarrhoea), ધનુર, માથાનો દુખાવો, માથું ચકરાવું, બેશુદ્ધિ અને શ્વસન-નિષ્ફળતા(respiratory–failure)ને લીધે મૃત્યુ થાય છે.

બીજમાંથી 37 % જેટલું શુષ્કન તેલ ઉત્પન્ન થાય છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ