ડેનમાર્ક : સ્કૅન્ડિનેવિયન દેશો પૈકી ઉત્તર યુરોપનો સૌથી નાનો દેશ. તે 54°થી 58° ઉ. અ. અને 8°થી 13° પૂ. રે. વચ્ચે આવેલો છે. જટલૅન્ડ દ્વીપકલ્પ અને 500 નાનામોટા ટાપુઓ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 43,098 ચોકિમી. છે. સૌથી મોટો ટાપુ ફેરો સ્કૉટલૅન્ડની ઉત્તરે 375 કિમી. દૂર છે. રાજધાની કોપનહેગન ઉપરાંત તેનાં 14 પરગણાં છે. ડેનમાર્કની વસ્તી 57.30 લાખ (2022) હતી. ડેનમાર્કની દક્ષિણે 68 કિમી. લાંબી જર્મન સરહદ છે, જ્યારે ત્રણ બાજુએ ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્ર છે. ઉત્તરે આવેલ સ્કૅગરેક અને પૂર્વ તરફની કૅટિગૅટ ભૂશિરો અનુક્રમે ડેનમાર્કને નૉર્વે અને સ્વીડનથી જુદી પાડે છે. વાંકોચૂકો દરિયાકિનારો 4738 કિમી. લાંબો છે.
ડેનમાર્કની 5% જમીન તદ્દન સપાટ છે, જ્યારે 75%થી વધુ ભાગ 30મી.થી પણ ઓછી ઊંચાઈ ધરાવે છે. જટલૅન્ડની સૌથી ઊંચી ટેકરી 173 મી. ઊંચી છે. પશ્ચિમ કાંઠે સમુદ્રની સપાટીથી પણ નીચી અને કળણવાળી જમીન દરિયાને ખસેડીને તથા બંધ અને પાળા દ્વારા નવસાધ્ય કરી છે. નિમ્ન ઘસારો અને નિક્ષેપને કારણે તથા નાનાં તળાવો કાંપથી પુરાવાથી સપાટ જમીન બની છે. મધ્ય જટલૅન્ડમાં ઘણાં સરોવરો આવેલાં છે. ખારા પાણીનું સૌથી મોટું સરોવર 41 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. ડેનમાર્કની સૌથી મોટી 158 કિમી લાંબી ગુડેના નદી મધ્યપૂર્વ જટલૅન્ડમાંથી નીકળીને પૂર્વકિનારે રેન્ડર્સ ખાડીને મળે છે. સમશીતોષ્ણ કટિબંધમાં આવેલ ડેનમાર્ક સમુદ્રના સામીપ્ય અને ગલ્ફસ્ટ્રીમને કારણે પ્રમાણમાં ઓછી ઠંડી અનુભવે છે. જાન્યુઆરીમાં સરેરાશ લઘુતમ તાપમાન શૂન્ય સે. રહે છે જ્યારે જુલાઈમાં સરેરાશ ગુરુતમ તાપમાન 18° સે. રહે છે. ફેબ્રુઆરીમાં 14° સે. તાપમાન થાય છે. પશ્ચિમ દિશામાંથી સમુદ્ર ઉપરથી બારેમાસ વાતા પવનો સમગ્ર વર્ષ દરમિયાન 400 મિમી.થી 800 મિમી. વરસાદ આપે છે. તેની આબોહવા ઠંડી અને ભેજવાળી હોય છે.
ડેનમાર્કમાં કુલ 10% વિસ્તારમાં આવેલાં શંકુદ્રુમ (કૉનિફરસ) અને પર્ણપાતી (ડેસિડ્યુઅસ) પ્રકારનાં જંગલોમાં સ્પ્રુસ, ફર, પાઇન, બીચ, ઓક, એશ, કૉપ્લર અને ઍપલ જેવાં પોચાં અને કઠણ લાકડાવાળાં વૃક્ષો જોવા મળે છે.
જંગલી જનાવરોમાં હરણ, સસલાં અને શિયાળનો અને પાલતુ પ્રાણીઓમાં ગાય, બળદ, ભૂંડ, ઘોડો અને ઘેટાં છે. પક્ષીઓમાં જંગલી બતકો, મરઘાં, તેતર, તિલોર વગેરેનો સમાવેશ થાય છે.
ખનિજ સંપત્તિમાં ચૂનાના પથ્થરો, મીઠું, પેટ્રોલિયમ, કુદરતી ગૅસ અને કપચી છે. સમુદ્રના પેટાળમાંથી ખનિજતેલ અને કુદરતી વાયુ મોટા જથ્થામાં મળે છે.
કુલ જમીન પૈકી 75% જમીન ખેતીલાયક છે. 50 % જમીનમાં જવ વવાય છે. ટાપુઓમાં ફળો, શાકભાજી વિશેષ થાય છે. આ ઉપરાંત ઘઉં, ઓટ, રાઈ, ટર્નિપ, બટાકા, બીટકંદ અને ઘાસચારાનું વાવેતર થાય છે. દેશની કુલ વસ્તીના 7% લોકો ખેતીમાં રોકાયેલા છે. પશુપાલન, મરઘાંઉછેર અને મત્સ્યઉદ્યોગ આનુષંગિક ઉદ્યોગો છે. હોલસ્ટીન, જર્સી વગેરે ગાયો માંસ, પનીર અને માખણ માટે તથા ભૂંડ બેકન અને પોર્ક માટે ઉછેરાય છે. સહકારી ધોરણે ડેરીઉદ્યોગ વિકસાવાયો છે. ઉત્તર સમુદ્ર, આઇસલૅન્ડ અને ગ્રીનલૅન્ડના સમુદ્રમાંથી કૉડ હેંરિગ વગેરે માછલીઓ મોટા પાયે પકડાય છે. કુલ વસ્તીના અર્ધો ટકા લોકો મત્સ્યઉદ્યોગમાં છે. લેઘોર્ન, રેડમાઇનોર્કા વગેરે પ્રકારનાં મરઘાં ઈંડાં, ચીકન વગેરે માટે મોટા પાયે ઉછેરાય છે.
અહીં ખાદ્ય-ઉદ્યોગ ઉપરાંત સિમેન્ટ, રસાયણ, ઇજનેરી સામાન, યંત્રો, વાહનવ્યવહારનાં તથા ડેરીનાં સાધનો, સાબુ, કાપડ, હોઝિયરી, ફર્નિચર વગેરેના વિવિધ ઉદ્યોગો છે. કોલસા, પેટ્રોલિયમ, અણુ અને સૌરશક્તિ તથા પવનચક્કી દ્વારા ઉદ્યોગો માટેની વીજળી ઉત્પન્ન કરાય છે.
ડેનમાર્કમાં ખાદ્ય પદાર્થો, ઢોર, યંત્રો, જહાજો, ફર્નિચર, ડેરીની પેદાશ, માછલી વગેરે જર્મની, યુ.કે., સ્વીડન વગેરે દેશોમાં નિકાસ કરે છે. તે યંત્રો, રેલવેનાં એંજિનો વગેરે નજીકના જર્મની, ઇંગ્લૅન્ડ વગેરે દેશોમાંથી તથા પેટ્રોલિયમ વગેરે ઈરાની અખાતના દેશોમાંથી આયાત કરે છે.
તે 2744 કિમી.ની રેલવેલાઇન, 64,480 કિમી.ના પાકા રસ્તા અને 4116 કિમી. લાંબો આંતરિક જળમાર્ગ ધરાવે છે. ટાપુઓ પુલો દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. કોપનહેગન નજીક કાસ્ટ્રુપ ખાતે વિમાની મથક છે.
ડેનમાર્કના લોકો સ્કેન્ડિનેવિયન લોકોની માફક નૉર્ડિક કુળના છે. વહાણવટી તરીકે તેમની ખ્યાતિ છે. જટલૅન્ડમાં થોડી જર્મન વસ્તી છે. ડૅનિશ રાજભાષા છે. 95% પ્રૉટેસ્ટન્ટ પંથના (લ્યૂથર્ન ચર્ચ) અને થોડા રોમન કૅથલિક પંથના છે.
ડેનમાર્કમાં 7થી 16 વરસની વયનાં બાળકો માટે શિક્ષણ 1914થી ફરજિયાત છે. ત્યાર પછી યુનિવર્સિટીના અને ધંધાદારી વિષયોનું ત્રણ વરસ માટે શિક્ષણ માધ્યમિક શાળાઓમાં અપાય છે. ત્રણ ટેકનિકલ શાળાઓ ધંધાદારી શિક્ષણ આપે છે. કોપનહેગન સહિત કુલ પાંચ યુનિવર્સિટીઓ છે. તે પૈકી એક ટેક્નિકલ અને બીજી ઇજનેરી છે.
ઇતિહાસ : ડેનમાર્કનો ઇતિહાસ કાંસ્ય અને લોહયુગ જેટલો પ્રાચીન છે. 10,000 વર્ષ પૂર્વે ડેન લોકો જટલૅન્ડમાં સ્થાયી થયા હતા. ઈ. સ. પૂ. 1500-400 દરમિયાન તેઓ કાંસ્યયુગમાં યુરોપ સાથે સંપર્કમાં આવ્યા હતા. રોમન સામ્રાજ્યના સમયમાં ચેતનવાદ (animism) રૂપે ધર્મ પ્રચલિત હતો અને પરંપરાગત પૌરાણિક કથાસ્વરૂપનું સાહિત્ય હતું. ઈ. સ.ની પાંચમી સદીમાં ડેનમાર્કમાં વસતા ઍંગલ અને જ્યૂટ લોકોએ ઇંગ્લૅન્ડ ઉપર ચડાઈ કરી હતી. આ પ્રજાના મિશ્રણને લીધે અંગ્રેજ પ્રજાનો જન્મ થયો હતો.
વાઇકિંગ યુગની (ઈ. સ. 800–1050) કબરોમાંથી મળેલા અવશેષો તેમણે ખેડેલાં સાહસોનો ખ્યાલ આપે છે. ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને સ્પેન ઉપર દરિયામાર્ગે તેમણે ચડાઈ કરી હતી. મહાન આલ્ફ્રેડના પ્રયત્નોથી ડેનિશ લોકોના હુમલાઓ પૂર્વ અને ઉત્તર તરફનો કેટલોક મુલક આપીને મુશ્કેલીથી ખાળી શકાયા હતા. ગ્રીનલૅન્ડ અને ઉત્તર અમેરિકા સુધી તેઓ ખેપ કરતા હતા.
તેરમી સદીમાં વાલ્ડમાર બીજાએ (1202–41) પોમેરેનિયા, મેકલેનબર્ગ, ઇસ્ટોનિયા, હોલેસ્ટીન વગેરે પ્રદેશ જીતી લીધા હતા. ડેનમાર્ક ઉત્તર યુરોપની મહાસત્તા બન્યું હતું. વાલ્ડમાર ચોથાના સબળ શાસન બાદ (1340–75) તેની પુત્રી માર્ગારેટ ડેનમાર્કની ગાદી ઉપર આવી હતી. નૉર્વે, સ્વીડન, ફેરો ટાપુ, ડેનમાર્ક, આઇસલૅન્ડ અને ગ્રીનલૅન્ડ અને ફિનલૅન્ડના થોડા ભાગનો ‘કાલમર સંઘ’ રચાયો હતો. 1520માં સ્વીડન અને ફિનલૅન્ડ બળવો કરીને સંઘમાંથી છૂટાં પડ્યાં હતાં. આ સંઘ 1804 સુધી અસ્તિત્વમાં હતો.
ઓલ્ડનબર્ગ કુળના રાજા ક્રિશ્ચન પહેલાના શાસન (1534–59) દરમિયાન લ્યૂથર્ન પંથનો ઉદય થયો. રાજા ક્રિશ્ચન ચોથો તેનો સમર્થક હતો. 1700થી 1721 દરમિયાન ઉત્તરના મહાન વિગ્રહ દરમિયાન બાલ્ટિક સમુદ્ર ઉપર ડેનમાર્કનું વર્ચસ્ સ્થપાયું. અઢારમી સદી દરમિયાન સુધારાનો યુગ શરૂ થયો.
ડેનમાર્કે ફ્રાન્સના નેપોલિયનને સાથ આપ્યો હતો. તેથી 1801 અને 1807માં ઇંગ્લૅન્ડે કોપનહેગન ઉપર હુમલો કરીને નૉર્વે અને સ્વીડનને જીતી લીધાં. 1864માં પ્રશિયા અને ઑસ્ટ્રિયા સાથે લડાઈ થતાં શ્લેસવિગ અને હોલેસ્ટીનનો પ્રદેશ પ્રશિયા તથા ઑસ્ટ્રિયાને આપવો પડ્યો.
ઓગણીસમી સદી દરમિયાન ડેનમાર્કની સમૃદ્ધિમાં વધારો થયો હતો અને નવા સુધારા દાખલ કરાયા. 1849માં રાજા ફ્રેડરિક સાતમાએ જવાબદાર રાજતંત્રની નવાજેશ કરી અને સામાજિક અને શૈક્ષણિક સુધારાઓ દાખલ કર્યા. પાર્લમેન્ટના નીચલા ગૃહની સર્વોપરિતા સ્થપાઈ હતી. પાછળથી 1915માં ક્રિશ્ચન દસમાએ સ્ત્રીઓને મતાધિકાર આપ્યો હતો.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન (1914થી 18) ડેનમાર્ક તટસ્થ રહ્યું હતું. 1920માં લોકમત લેવાતાં ડેનમાર્કને શ્લેસવિગનો પ્રદેશ પાછો મળ્યો અને જર્મની અને ડેનમાર્ક વચ્ચેની સરહદ નક્કી થઈ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડેનમાર્ક તટસ્થ રહ્યું હોવા છતાં જર્મનીએ તેનો 1940માં કબજો લીધો હતો. જર્મનીના 1945માં પરાજય પછી ડેનમાર્ક આઝાદ થયું. 1944માં આઇસલૅન્ડ તદ્દન સ્વતંત્ર થઈ ગયું અને 1948માં ફેરો ટાપુઓને સ્વશાસન મળ્યું. 1953ના બંધારણ પ્રમાણે ગ્રીનલૅન્ડ ડેનમાર્કનું અવિભાજ્ય અંગ બન્યું અને 1979માં તેને સ્વશાસન પ્રાપ્ત થયું. આ ઉપરાંત ડેનમાર્ક સંયુક્ત રાષ્ટ્રસંઘ અને તેની સાથે સંલગ્ન સંસ્થાઓમાં જોડાયું. 1949માં તે તેની પરંપરાગત તટસ્થતાની નીતિ છોડીને ‘નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન(NATO)’માં અને 1952માં નૉર્વે સ્વીડન વગેરેની નૉર્ડિક કાઉન્સિલમાં જોડાયું. 1972માં તેણે ‘યુરોપિયન ઇકૉનૉમિક યુનિયન’માં જોડાવાનો ઠરાવ કર્યો. 1973ના પ્રજામત દ્વારા ‘યુરોપિયન ઇકૉનૉમિક યુનિયન’માં જોડાવાના પગલાને પ્રજાએ બહાલી આપી. આમ ડેનમાર્ક યુરોપના સહિયારા બજારમાં જોડાતાં ફુગાવો વધી ગયો. બજેટની ખાધ પણ વધી અને પ્રજામાં અસંતોષ પ્રવર્ત્યો. મજૂર યુનિયનોનું જોર અહીં વિશેષ છે. સામાજિક લોકકલ્યાણનાં પગલાંની આ અર્થતંત્ર ઉપર વિપરીત અસર જોવા મળે છે. 1973માં ડેનમાર્ક યુરોપિય ઇકૉનૉમિક કમ્યુનિટીનું સભ્ય બન્યું. 1992માં ડેનમાર્ક માસ્ટ્રીક્ટ સંધિનો અસ્વીકાર કર્યો. પરન્તુ 1933માં લેવાયેલ બીજા લોકમતમાં તે નિર્ણય ઉલટાવી નાખ્યો. 1998માં બીજા એક લોકમતમાં એમ્સ્ટરડેમ સંધિ મંજૂર રાખવામાં આવી. ઈ. સ. 2000માં ત્યાંના લોકોએ લોકમત દ્વારા યુરોમાં જોડાવાનો ઇન્કાર કર્યો. ઇરાક સામેના યુદ્ધમાં ડેન્માર્ક અમેરિકાને સહાય કરવા યુનાઇટેડ કિંઝમના કમાન્ડ હેઠળ 500 સૈનિકોની ટુકડી મોકલી હતી. અમેરિકાએ ઇરાક સામે કરેલા યુદ્ધને તેણે ટેકો આપ્યો. 2004માં ઘણા મતભેદો અને વિવાદો છતાં વડાપ્રધાન રાસમુસેને અમેરિકાના વલણને ટેકો આપ્યો. ફેબ્રુઆરી, 2005માં થયેલ ચૂંટણીમાં વડાપ્રધાન એન્ડર્સ ફૉગ રાસમુસેનના પક્ષને પાર્લમેન્ટમાં સૌથી વધુ બેઠકો મળી. વડાપ્રધાન એન્ડર્સ ફૉગ રાસમુસેને રચેલ સંઘ સરકારના વડાનો હોદ્દો 2006માં જાળવી રાખ્યો. નવેમ્બર, 2007માં થયેલ ચૂંટણીમાં એન્ડર્સ ફૉગ રાસમુસેન ત્રીજી વાર વડાપ્રધાન તરીકે ચૂંટાયો. 2001થી તે સત્તા પર હતો. 2008માં વડા પ્રધાન રાસમુસેનના પક્ષે બીજા પક્ષોના ટેકાથી સત્તા ટકાવી રાખી. 4 એપ્રિલ, 2009ના રોજ વડાપ્રધાન રાસમુસેન નાટો-નોર્થ આટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનિઝેશન- (NATO)નો મહામંત્રી નિમાયો. 5 એપ્રિલ, 2009ના રોજ લાર્સ લૉક રાસમુસેન વડાપ્રધાન બન્યો. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ઑક્ટોબર, 2009માં પાટનગર કોપનહેગનમાં ડેનીશ રાજકીય નેતાઓને મળ્યા.
રાજકીય : કોપન-હેગન ડેનમાર્કનું પાટનગર છે. તેનું નાણું ડેનિશ ક્રોન છે, ત્યાં ડેનિશ ભાષા બોલાય છે. 99 ટકા અક્ષરજ્ઞાન ધરાવતું ડેન્માર્ક બંધારણીય રાજાશાહી ધરાવે છે. 2012 સુધી રાણી મગ્રેથે બીજા રાજ્યના વડા તરીકે હોદ્દા પર છે. લારસ લોઈક્કે રાસમુસેન વડાપ્રધાન છે. તેની સંસદ (પાર્લમેન્ટ) ફોકેટિંગ (Foketing) નામ ધરાવે છે.
જયકુમાર ર. શુક્લ
શિવપ્રસાદ રાજગોર
રક્ષા મ. વ્યાસ