ડેનમાર્કની સામુદ્રધુની

January, 2014

ડેનમાર્કની સામુદ્રધુની : અંશત: આર્ક્ટિક સર્કલની અંદર આવેલી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 67o ઉ. અ. અને 25o પૂ. રે.. તે પશ્ચિમ ગ્રીનલૅન્ડ અને પૂર્વ આઇસલૅન્ડની વચ્ચે આવેલી છે. તેના સૌથી સાંકડા ગાળેથી 290 કિમી. પહોળી છે. ગ્રીનલૅન્ડથી ઍટલાન્ટિકના ખુલ્લા સમુદ્ર સુધીના 330 કિમી. સુધી તે ફેલાયેલી છે.

પૂર્વ ગ્રીનલૅન્ડનો ઠંડો પ્રવાહ દક્ષિણ બાજુએ વહીને તેની પશ્ચિમ બાજુએ વહે છે. આ પ્રવાહ પોતાની સાથે આર્ક્ટિક સર્કલમાં હિમશિલાઓને ખેંચી જાય છે. બીજો ગરમ ઇરમિંગર પ્રવાહ ઉત્તર બાજુએ આઇસલૅન્ડના કિનારે વહે છે.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) વખતે 1941માં  જર્મનીની ‘બિસ્માર્ક’ નામની યુદ્ધનૌકા દ્વારા હૂડ નામક બ્રિટિશ લડાયક યુદ્ધનૌકા આ સામુદ્રધુનીમાં ડુબાડી દેવામાં આવેલી.

ગિરીશ ભટ્ટ