ઝિમ્બાબ્વે : દક્ષિણ આફ્રિકાની ઉત્તર સરહદે આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 30° પૂ. રે. તેના પર બ્રિટિશ શાસન હતું ત્યારે તે દક્ષિણ રોડેશિયા તરીકે ઓળખાતું હતું. આ પ્રદેશના શોધક સેસિલ રોડ્ઝના નામ ઉપરથી તેનું નામ રોડેશિયા રખાયું હતું. આઝાદી (1980) બાદ આ દેશ ઝિમ્બાબ્વે તરીકે ઓળખાય છે. તે વિષુવવૃત્તની દક્ષિણે દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે. હરારે તેનું પાટનગર છે.
ઉત્તરે ઝામ્બિયા, ઈશાન અને પૂર્વ દિશાએ મોઝામ્બિક, દક્ષિણે દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમે બોત્સવાના આવેલ છે. તેનું ક્ષેત્રફળ 3,90,757 ચોકિમી. તથા તેની વસ્તી 1.60 કરોડ (2023) છે. વસ્તીના 72% ગ્રામ વિસ્તારમાં તથા બાકીના 28% શહેરી વિસ્તારમાં વસે છે. વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. 26 છે. અગ્નિથી ઈશાન ખૂણા સુધી આવેલો મોટાભાગનો ઉચ્ચપ્રદેશ 1220 મી.થી પણ વધુ ઊંચાઈ પર છે, જે તેના કુલ વિસ્તારના 25% જેટલો થાય છે. મોટા બંધ કે પાળા (Great Dyke) તરીકે ઓળખાતો ડુંગરાળ અને ખનિજોથી સમૃદ્ધ પ્રદેશ 483 કિમી. સુધી વિસ્તરેલો છે. નીચાણવાળો વેલ્ડ ઓછી વસ્તીવાળો અને અવિકસિત છે. ઝામ્બેઝી, લિમ્પોપો અને અબીલુંડ નદીઓની ખીણ અને તટપ્રદેશ સપાટ છે. પૂર્વમાં ઇનયાંગાની અને ચીમનીચની પર્વતમાળાનો પ્રદેશ આવેલો છે. ઇનયાંગા પર્વતનું સૌથી ઊંચું શિખર 2593 મી. ઊંચાઈ ધરાવે છે.
હાઇવેલ્ડના ઉચ્ચપ્રદેશનું સરાસરી માસિક તાપમાન ઑક્ટોબરમાં 18° અને જુલાઈમાં 11° સે. રહે છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન શિયાળામાં ઉચ્ચપ્રદેશમાં હિમ પડે છે. ઉત્તરની ઝામ્બેઝી નદીની ખીણમાં ઑક્ટોબરમાં 30° સે. અને જુલાઈમાં 20° સે. તાપમાન રહે છે. દેશમાં સરાસરી વરસાદ 2600 મિમી.થી થોડો વધુ પડે છે. પાટનગર હરારે નજીક સરેરાશ વાર્ષિક વરસાદ 810 મિમી. અને અગ્નિખૂણે આવેલ અર્ધરણ વિસ્તારમાં 455 મિમી.થી થોડો વધુ પડે છે. ઝામ્બેઝી અને લિમ્પોપો નદીઓની ખીણોમાં સરેરાશ વાર્ષિક 250 મિમી. જેટલો ઓછો વરસાદ પડે છે. એકંદરે ઉચ્ચપ્રદેશની આબોહવા ઊંચાઈને લીધે આનંદદાયકને હૂંફાળી રહે છે પણ નદીઓની ખીણોનો ભાગ ગરમ રહે છે. આખું વરસ દેશમાં ભેજનું પ્રમાણ ઓછું રહે છે.
ઉચ્ચપ્રદેશના મોટા ભાગમાં સવાના પ્રકારનું ઊંચું ઘાસ અને નીચાં કાંટાળાં વૃક્ષો (scrubs) જોવા મળે છે. ઝામ્બેઝીના નીચાણવાળા વેલ્ડ પ્રદેશમાં સૂકા પર્ણપાતી પ્રકારના સાગ, બાઓબાબ અને મોપાની વૃક્ષો જોવા મળે છે. દેશના સૂકા પ્રદેશોમાં બાવળ થાય છે.
આ દેશમાં હાથી, હરણ, ઝીબ્રા, સિંહ અને દીપડા જેવાં જંગલી પ્રાણીઓ જોવા મળે છે. ઢોરની સંખ્યા ઓછી છે. આ પ્રદેશમાં ત્સેત્સે માખીનો ઉપદ્રવ શરૂ થયો છે. તે સ્લીપિંગ સિકનેસ નામથી ઓળખાતો રોગ ફેલાવે છે.
આ દેશના ઉચ્ચપ્રદેશમાંથી તાંબું, ક્રોમિયમ, સોનું, ઍસ્બેસ્ટૉસ, બૉક્સાઇટ, રૉક-ફૉસ્ફેટ, પ્લૅટિનમ અને નીચાણવાળા ભાગમાંથી કોલસો મળે છે. પેટ્રોલિયમનો અભાવ છે.
દેશની કેટલીક જમીન રેતાળ અને બિનફળદ્રૂપ છે. જમીનના ધોવાણથી તે નિક્ષેપનવાળી (leached) બની છે. અહીં બાજરી, મકાઈ, જુવાર, ઘઉં, તમાકુ, શેરડી, મગફળી, શિંગો, કપાસ અને ચા થાય છે. કુલ વસ્તીના 35% લોકો ખેતીવાડીમાં રોકાયેલા છે. શ્વેત લોકોનાં મોટાં ખેતરોમાં રોકડિયા અને નિકાસલક્ષી પાકો જેવા કે ચા, કપાસ, મકાઈ, શેરડી, તમાકુ વગેરેનું વાવેતર થાય છે. અશ્વેત લોકો બાજરી, જુવાર વગેરેનું વાવેતર કરે છે, જે ફક્ત તેમની આજીવિકા પૂરતું જ હોય છે. ઝામ્બેઝી નદી ઉપર બાંધવામાં આવેલા બંધથી કરીબુ સરોવરની 4.5 બિલિયન કિ.વોટ વીજળી ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેને મળે છે. આ સરોવર તથા સુબી તથા લુંબી નદીઓના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે.
હરારે અને બુલવાયો નગરોમાં લોખંડ અને પોલાદ, સુતરાઉ કાપડ, રસાયણ, કાગળ, પરિવહનનાં વાહનો, તમાકુ અને ચામડાની વસ્તુઓનો તથા ખાદ્યપ્રક્રમણના ઉદ્યોગો વિકસ્યા છે. સ્વતંત્રતા પછી દેશમાં ઉદ્યોગોનો વધુ વિકાસ થયો છે. કુલ મજૂરો પૈકી 15% ઉદ્યોગોમાં રોકાયેલા છે અને તે દ્વારા 25% રાષ્ટ્રીય આવક મળે છે, જ્યારે ખાણ-ઉદ્યોગોમાં 6% લોકો રોકાયેલા છે.
દેશમાં કુલ 3434 કિમી. લાંબી રેલવે છે. એક માર્ગ બુલવાયોથી બોત્સવાના થઈને દક્ષિણ આફ્રિકા જાય છે. બીજી બે રેલવેલાઇનો પૂર્વ તરફ મોઝામ્બિકના બેઇરા અને માપુટો બંદર સુધી જાય છે. ઝામ્બિયા અને ડેમોક્રૅટિક રિપબ્લિક ઑવ્ ધ કૉંગોનું તાંબું નિકાસ કરવા માટે ચોથી લાઇન છે. દેશમાં 7995 કિમી. લાંબા પાકા રસ્તાઓ છે.
દેશના મોટા ભાગના લોકો પરંપરાગત ધર્મ પાળે છે. બાકીના ખ્રિસ્તીધર્મી છે. એશિયનો પૈકી કેટલાક મુસ્લિમ અને હિંદુ છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. દેશમાં અંગ્રેજી, શોના અને જોડબેલે ભાષાઓ બોલાય છે. ગોરાઓ રાજવહીવટ, વેપાર અને ઉદ્યોગોમાં છે. નાના ખેડૂતો ને મજૂરો અશ્વેત લોકો છે. આ દેશની ક્રિકેટની ટીમ વિશ્વકપ સાથે પણ સંકળાયેલી છે.
ઇતિહાસ : ઝામ્બેઝી નદીની ખીણમાં નિયાન્ડા(ફૉર્ટ વિલિયમ)થી અગ્નિખૂણે 27 કિમી. દૂર લોહયુગનું એક સ્થળ મળ્યું છે. અહીં 24 હેક્ટરમાં ફેલાયેલા પથ્થરના બાંધકામનાં ખંડેરો મળ્યાં છે. પ્રથમ વસવાટવાળું સ્થળ ‘ઍક્રૉક્રૉલિસ’, ‘લોહયુક્ત’ ટેકરી ઉપર હતું.
ઈ. સ. 300ની આસપાસ લોખંડનાં ઓજારો વાપરતા ખેડૂતો, અહીં વસતા હતા તેવા પુરાવા સાંપડ્યા છે. કારંગા જાતિના લોકો ઍક્રૉક્રૉલિસ ટેકરી વિસ્તારમાં ઈ. સ. 950 આસપાસ વસ્યા હતા. તેઓ પથ્થરની ફરતી વાડ કરીને વાડામાં રહેતા હતા.
ઈ. સ. 950–1450 દરમિયાન આ ઍક્રૉક્રૉલિસ અગત્યનું ધાર્મિક અને વેપારી કેન્દ્ર હતું. ઈ. સ. 1200ની આસપાસના જે પુરાવા સાંપડ્યા છે તેના પરથી જણાય છે કે કારંગા જાતિના વાડાના બાંધકામની એક દીવાલ 244 મી. લાંબી અને 9.6 મી. ઊંચી હતી. વાડાની વચ્ચે ઝૂંપડીઓ અને શંકુ આકારનો ટાવર હતો.
તેઓ કાંઠાના લોકો પાસેથી સોના અને તાંબાના બદલામાં અન્ય વસ્તુઓ ખરીદતા હતા. તેમનાં સોનાનાં ઘરેણાં કલાત્મક હતાં. કાચના આયાતી મણકા ભારતમાંથી નિકાસ થતા હતા. ચિનાઈ માટીનાં વાસણો, માતૃકાઓ અને સોપસ્ટોનમાંથી કોતરી કાઢેલાં પક્ષીઓના નમૂના પણ મળ્યા છે.
1450 પછી કેન્દ્રની પડતી થઈ હતી. આ પ્રદેશમાં પાંચમી સદીમાં બાન્ટુ લોકો આવ્યા હતા. યુરોપિયનો અહીં 1809માં આવ્યા હતા. 1923 સુધી અહીં બ્રિટિશ સાઉથ આફ્રિકન કંપનીનું શાસન હતું. ત્યારબાદ તેને સંસ્થાન(colony)નો દરજ્જો મળ્યો. 1953માં દક્ષિણ અને ઉત્તર રોડેશિયા તથા ન્યાસાલૅન્ડ મળીને સમવાયી તંત્ર રચાયું.
રાજકીય : 1961માં પસાર કરવામાં આવેલા બંધારણ પ્રમાણે અશ્વેત લોકો પૈકી થોડાને મતાધિકાર મળ્યો. 1963માં આ સમવાયતંત્રમાંથી ઉત્તર રોડેશિયા અને ન્યાસાલૅન્ડ સ્વતંત્ર થયાં. અશ્વેત લોકોને શાસનમાં ભાગ લેવા બાબત સંમતિ ન સધાતાં 11–11–1965ના રોજ વડાપ્રધાન ઇઆન સ્મિથે એકતરફી સ્વાતંત્ર્યની જાહેરાત કરી. તેને દક્ષિણ આફ્રિકા સિવાય કોઈ રાજ્યે માન્યતા ન આપી અને યુનોએ તેના વેપાર ઉપર પ્રતિબંધ મૂક્યો. 1970ના મધ્ય ભાગથી કાળા ગેરીલાઓએ ગોરા લોકોનાં ખેતરો તથા રેલવે સ્ટેશનો વગેરે ઉપર છાપા મારી આઝાદીની લડત શરૂ કરી. 1976માં દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન બોરસ્ટર અને અમેરિકન પરદેશમંત્રી હેનરી કિસિન્જરની સલાહ મુજબ બે વરસ બાદ અશ્વેત લોકોની બહુમતીવાળું રાજ્ય સ્થાપવા બિશન્રી એબલ મુઝોરાવા વગેરે સાથે સહમતી સધાઈ. 1979માં સાર્વત્રિક મતાધિકારથી દેશમાં ચૂંટણી થઈ અને મુઝોરાવા ઝિમ્બાબ્વેના પ્રથમ આફ્રિકન વડાપ્રધાન થયા. જોશુઆ નકોમો અને રૉબર્ટ મુગાબેએ સાથે મળીને પેટ્રિયૉટિક ફ્રન્ટની રચના કરી હતી. અંતે 1979ના અંતમાં ગોરા લોકોની સહમતીથી ત્યાં આફ્રિકન બહુમતીવાળું શાસન અસ્તિત્વમાં આવ્યું છે.
1980ની ચૂંટણીઓમાં ઝિમ્બાબ્વે આફ્રિકન નૅશનલ યુનિયન(ZANU)ને ઝળકતો વિજય મળ્યો; અને રોબર્ટ મુગાબે વડોપ્રધાન બન્યો. ઈ. સ. 1982માં નકોમોને પ્રધાનમંડળમાંથી બરતરફ કરવામાં આવ્યો. ઈ. સ. 1985માં મુગાબે બહુમતી મેળવીને ફરી વાર ચૂંટાયો. 1987માં ઝિમ્બાબ્વે આફ્રિકન નૅશનલ યુનિયન અને ઝિમ્બાબ્વે આફ્રિકન પીપલ્સ યુનિયન (ZAPU) બંને એક બીજા સાથે જોડાઈ ગયા. મુગાબે વહીવટી પ્રમુખ બન્યો અને વડાપ્રધાનનો હોદ્દો નાબૂદ કરવામાં આવ્યો. 1988માં નકોમો ઉપપ્રમુખ બન્યો. ઝિમ્બાબ્વે યુનિટી મૂવમેન્ટ નામના વિરોધ પક્ષની રચના થઈ, છતાં 1990માં મુગાબે ફરી વાર ચૂંટાયો. 1991માં ઝિમ્બાબ્વે આફ્રિકન નેશનલ યુનિયન પેટ્રિયોટિક ફ્રન્ટે (ZANU–PF) માર્કસવાદનો ત્યાગ કર્યો. 1996માં થયેલ ચૂંટણીમાં રોબર્ટ મુગાબે ચોથી વાર ચૂંટાયો. સરકારી કર્મચારીઓએ હડતાળ પાડી હતી. તેઓને 20 ટકા પગારવધારો આપવામાં આવ્યો. વરસાદ સારો થવાથી અર્થતંત્રમાં સુધારો થયો. ઑગસ્ટ, 1997માં ‘ઝિમ્બાબ્વે ઇન્ટરનેશનલ બુક ફેર’ યોજવામાં આવ્યો. 1998માં પ્રમુખ મુગાબેને સૌથી ખરાબ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તે સમસ્યાઓમાં 50 ટકા બેકારી, 40 ટકા ફુગાવો, ચલણનું થતું અવમૂલ્યન અને સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચારથી લોકોમાં અસંતોષ વધ્યો હતો. તેનાથી લોકોમાં અશાંતિ પ્રવર્તી અને દેશવ્યાપી હડતાળો પડી. મુગાબેના શાસક પક્ષના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ તેના રાજીનામાની માગણી કરી. જાન્યુઆરી, 1998માં, અનાજના ભાવો 45 ટકા જેટલા વધવાથી, પાટનગર હરારેમાં મોટી સંખ્યામાં લોકોએ રસ્તાઓ પર ટોળે વળી, દેખાવો યોજ્યા. તેથી પ્રમુખ મુગાબેએ 30,000નું લશ્કર પાટનગરમાં શાંતિ જાળવવા માટે ગોઠવવું પડ્યું. ત્રણ દિવસના વિરોધમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા. સરકારે તોફાનોના કારણે અનાજના ભાવો પર અંકુશ મૂકવો પડ્યો. ઈ. સ. 2000માં પ્રમુખ મુગાબેની સંમતિથી ગોરાઓની માલિકીનાં અનેક વિશાળ ખેતરો સ્વાતંત્ર્યયુદ્ધના સૈનિકો દ્વારા બળજબરીથી કબજે કરવામાં આવ્યાં. ઈ. સ. 2002માં મતદારોને ધાકધમકી તથા ચૂંટણીમાં ઘાલમેલના આક્ષેપો વચ્ચે મુગાબે ફરી વાર ચૂંટાયો. ઈ. સ. 2002માં ઝિમ્બાબ્વેને રાષ્ટ્રસમૂહના દેશોમાંથી સ્થગિત કરવામાં આવ્યું.
ઈ. સ. 2003માં રાષ્ટ્રસમૂહના દેશો(commonwealth of nations)માંથી ઝિમ્બાબ્વે નીકળી ગયું. 2003માં ઝિમ્બાબ્વે સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થયું. ઈ. સ. 2004માં ઝિમ્બાબ્વેમાં રાજકીય તથા આર્થિક પરિસ્થિતિ વધુ બગડવાની ચાલુ રહી. આ વર્ષ અનાજની તેત્રી પ્રવર્તતી હતી. 18 એપ્રિલ, 2005ના રોજ દેશની સ્વતંત્રતાની રજતજયંતી ઊજવવામાં આવી. આ વર્ષે થયેલી સંસદની ચૂંટણીમાં મુગાબેના પક્ષને બહુમતી મળી. ઈ. સ. 2006માં પ્રમુખ મુગાબેના પક્ષે 2008થી 2010 સુધી પ્રમુખની ચૂંટણી મુલતવી રાખી. આ મુદ્દત પૂરી થાય ત્યારે મુગાબેએ નિવૃત થવાનું વચન આપ્યું. હતું. 2007માં બંધારણીય સુધારા કરવામાં આવ્યાં. આ વર્ષે દેશની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી. 2008માં દેશની રાજકીય, આર્થિક અને સલામતીની સ્થિતિ વધુ ઘેરી બની. તેથી 2008માં ચૂંટણી યોજવામાં આવી. મુવમેન્ટ ફૉર ડેમૉક્રૅટિક ચેન્જના નેતા મૉર્ગન સ્વાન્ગિરાઈ(Tscangirai)ને બહુમતી મળવાથી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી દક્ષિણ આફ્રિકાના પ્રમુખ થાબો મબેકીએ કરાવેલ સમાધાન મુજબ 11મી ફેબ્રુઆરી, 2009ના રોજ સ્વાન્ગિરાઈએ વડા પ્રધાનના નવા હોદ્દાના શપથ ગ્રહણ કર્યાં. પ્રધાનમંડળમાં તેના પક્ષના સભ્યો લેવામાં આવ્યા. પ્રમુખ તરીકે મુગાબે ચાલુ રહ્યા. આ દેશના મતદારોએ પ્રચંડ બહુમતીથી નવું બંધારણ મંજૂર (2013) કર્યું. તદનુસાર હવેથી પ્રમુખ બેથી વધુ મુદ્દત માટે ચૂંટાઈ શકશે નહીં.
ઝિમ્બાબ્વેનું પાટનગર હરારે છે. તેનું નાણું ઝિમ્બાબ્વે ડૉલર તરીકે જાણીતું છે. અંગ્રેજી શોના અને ન્ડેબેલા ત્યાંની મુખ્ય ભાષાઓ છે. ખ્રિસ્તી ધર્મ તેમ જ સ્થાનિક પરંપરાઓ પાળવામાં આવે છે. સ્થાનિક મુસ્લિમ પ્રજા મુસ્લિમ ધર્મ પાળે છે. 91 ટકા પ્રજા અક્ષરજ્ઞાન ધરાવે છે. 18 એપ્રિલ, 1980 તેનો સ્વાતંત્ર્યદિન છે. આ દેશ સંસદીય લોકશાહી ધરાવે છે. રોબર્ટ મુગાબે તેના પ્રમુખ છે અને મૉર્ગન સ્વાન્ગિરાઈ તેના વડાપ્રધાન છે.
રક્ષા મ. વ્યાસ
જયકુમાર ર. શુક્લ
શિવપ્રસાદ રાજગોર