ઝિમેલ, જ્યોર્જ (જ. 1 માર્ચ 1858, બર્લિન; અ. 28 સપ્ટેમ્બર 1918) : સમાજશાસ્ત્રના જર્મન સ્થાપક. તેમણે સમાજશાસ્ત્રના અભ્યાસને સંરચનાવાદ (structuralism) નામનું નવું પરિમાણ આપ્યું. માનવસમાજનો અભ્યાસ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. પણ, છેક ઓગણીસમી સદીના પ્રારંભ સુધી તેને શાસ્ત્ર કે વિજ્ઞાન ગણવામાં આવતું નહોતું. આ સમયે ફ્રેન્ચ ચિંતક ઑગુસ્ત કૉમ્તે ‘સમાજશાસ્ત્ર’ (sociology) શબ્દ પ્રયોજ્યો. તેનું ચિંતન પ્રત્યક્ષવાદ(positivism)ના નામે જાણીતું બન્યું. ઓગણીસમી સદીમાં ફ્રીડરિક એન્જલ્સ અને કાર્લ માર્કસના આર્થિક નિયતિવાદ (economic determinism) સહિત વિવિધ એકપરિમાણવાદી ચિંતનપ્રવાહો પ્રસ્તુત થયા. સદીના મધ્ય ભાગે ઉત્ક્રાંતિવાદના ઉદભવે સમાજલક્ષી ચિંતન ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો. હર્બર્ટ સ્પેન્સર, એમિલી ડર્કહાઇમ તથા મૅક્સ વેબર આ સમયના નોંધપાત્ર ચિંતકો તથા સંશોધકો થયા. પ્રકાર્યવાદ(functionalism)ને સમાંતર ત્રીજી શૈલી ઉદભવી અને પ્રભાવશાળી બની જે સંરચનાવાદ નામે જાણીતી થઈ. જ્યૉર્જ ઝિમેલ આ વિચારધારાના અગ્રેસર અને પુરસ્કર્તા થયા.

જ્યૉર્જનો જન્મ જર્મનીના યહૂદી પરિવારમાં થયો, જેણે પાછળથી ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. જ્યૉર્જની બાળવયે પિતાનું મરણ થયું. માતા કડક સ્વભાવની હતી. બાળક માતાપિતાના વાત્સલ્યની હૂંફ વિના ઊછર્યો. પરિણામે તેના સ્વભાવમાં અતડાપણું આવ્યું. વારસામાં સંપત્તિ સારી મળવાથી નિર્વાહની ચિંતા નહોતી. આથી તેમની રુચિના ક્ષેત્ર વાચનલેખનમાં મન પરોવી શક્યા. બર્લિન વિદ્યાપીઠમાં તે સમયના સમર્થ વિદ્વાનો પાસે તેમણે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1881માં પીએચ.ડી.નીઉપાધિ મેળવી. વિવિધ વિષયોમાં રુચિને કારણે તેમની પ્રતિભા બહુમુખી બની. 1885થી બર્લિન વિદ્યાપીઠમાં જ અધ્યાપક તરીકે 15 વર્ષ સેવા આપી. 1901માં પ્રાધ્યાપક (qusserordentlicher) નિમાયા, પણ પદ માનદ હતું. છેક 1914માં અવસાનનાં 4 વર્ષ પૂર્વે સ્ટ્રાસબર્ગ વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક તરીકે સ્વીકૃતિ મળી.

વિવિધ વિષયોની રુચિને કારણે તેઓ કવિ, લેખક, કલાકાર, વિવેચક, ચિંતક – એમ વિવિધ ક્ષેત્રના બૌદ્ધિકોના સતત સંપર્કમાં રહ્યા. જર્મન સમાજશાસ્ત્ર મંડળની સ્થાપનામાં આગળ પડતો ભાગ લીધો. પત્ની ગર્ટ્રુડ પણ તત્વજ્ઞ હોવાથી દંપતીનું ઘર વિદ્યાશાળા બની રહ્યું. પણ 1914માં વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં વિદ્યાકાર્ય ખોરંભે પડ્યું. આ સંજોગોમાં કૅન્સરના રોગથી 60 વર્ષની વયે ઝિમેલનું અવસાન થયું. વિશ્વયુદ્ધે છતી કરેલી માનવીની સંકુચિત વૃત્તિઓના કારણે લાગેલા આઘાતે આ ઉદારવૃત્તિવાળા માનવીનું મરણ વેગીલું બનાવ્યું.

સમાજની સમગ્રતાને સ્વતંત્ર એકમો જેવી વ્યક્તિઓના સમુચ્ચય તરીકે અથવા એક સાવયવી રચના તરીકે નિહાળવાના બદલે ‘ગત્યાત્મક પ્રક્રિયા’ રૂપે નિહાળીને ઝિમેલે વ્યક્તિઓની સહેતુક આંતરક્રિયાઓને સમાજશાસ્ત્રના અભ્યાસના કેન્દ્રમાં સ્થાપી. આંતરક્રિયાઓનાં સર્વસામાન્ય વિભાવનાત્મક સ્વરૂપોને સમાજશાસ્ત્રના વિષયવસ્તુ તરીકે સ્વીકારીને સમાજશાસ્ત્રના અભ્યાસક્ષેત્રની ચોક્કસ સીમા આંકવા પ્રયત્ન કરવામાં આવ્યો. દાર્શનિક કાન્ટની તત્વ અને સ્વરૂપની દાર્શનિક વિભાવનાઓનું નવી ર્દષ્ટિએ અર્થઘટન કરીને સામાજિક વાસ્તવિકતાના વિશ્લેષણ માટે સ્પષ્ટ સૈદ્ધાન્તિક સંદર્ભ પૂરો પડાયો. ભૌતિકશાસ્ત્રની અભ્યાસ-પદ્ધતિથી સ્વતંત્ર અને નિરાળો અભિગમ વિકસાવીને ઝિમેલે સમાજશાસ્ત્રના સ્વતંત્ર વૈજ્ઞાનિક અભ્યાસના વિકાસમાં અગત્યની કેડી પાડી. સંરચનાવાદ નામે જાણીતી બનેલી આ વિચારધારાને જર્મનીના ફેરકાન્ટ, ફૉન વિઝે આદિ સમાજશાસ્ત્રીઓએ વધારે વ્યવસ્થિત પાયા ઉપર મૂકી અને આ રીતે સમાજશાસ્ત્રના અભ્યાસનું શુદ્ધીકરણ કરીને એના સ્વતંત્ર વિકાસમાં અગત્યનું પ્રદાન કર્યું.

ઝિમેલના મત પ્રમાણે સમાજ અનેક નાનીમોટી પ્રક્રિયાઓનું ગઠન છે. કુટુંબ કે રાજ્ય જેવી રચનાઓ નાની નાની અસંખ્ય પારંપરિક આંતરક્રિયાઓનું પ્રમાણમાં સ્થિર થયેલું સાકાર સ્વરૂપ છે. સમાજના અભ્યાસ માટે આ આંતરક્રિયાઓનો અભ્યાસ આવશ્યક છે. આમ, ઝિમેલના મતે સમાજ એક ગતિશીલ પ્રક્રિયા છે. આ ગતિનો ભાવ ભારપૂર્વક દર્શાવવા તે સમાજ(society)ના બદલે સામાજિકતા (socialization) જેવો શબ્દ પ્રયોજે છે. સ્થાપત્યની કોઈ એક શૈલીની બધી લાક્ષણિકતાઓ વ્યક્ત કરતું એક જ સ્થાપત્ય જોવા મળતું નથી. પરંતુ, મોટી સંખ્યામાં નમૂના તપાસીને લક્ષણો તારવતાં પ્રસ્તુત શૈલીની વિશિષ્ટતાઓ જાણી શકાય છે. કેવળ શૈલીનો સીધો અભ્યાસ સર્વસામાન્ય લાક્ષણિકતાઓ આગળ સીમા બાંધી દે છે, જ્યારે અંશોના સ્વતંત્ર અભ્યાસથી સમગ્રનું સ્પષ્ટ દર્શન શક્ય બને છે. સમાજશાસ્ત્રના સંરચનાત્મક સ્વરૂપને સમજવા આ રીતે આંતરક્રિયાઓ સમજવી આવશ્યક છે.

વ્યક્તિઓ દ્વારા થતી વિવિધ પ્રકારની પારસ્પરિક ક્રિયાઓની સર્વસામાન્ય લાક્ષણિકતાઓને વિભાવનામાં આકારીને ઝિમેલે એમને સામાજિકતાનાં સ્વરૂપો (forms of socialization) નામ આપ્યું. પરસ્પર આકર્ષણ અને અપાકર્ષણની પ્રક્રિયાઓમાંથી આવાં સંબંધસ્વરૂપો પ્રગટે છે.

ઝિમેલનાં સમાજશાસ્ત્રવિષયક લખાણોમાં તેણે સંખ્યાબંધ બાબતો પરત્વે વિચારો દર્શાવ્યા છે. તેણે ઐતિહાસિક ઘટનાઓ, રમતગમત, મિલનસમારંભો, જૂથમાં અજાણ્યા જણનો પ્રવેશ, સામાજિક મોભા આદિનાં વિશ્લેષણો દ્વારા નિરૂપાતા વિશિષ્ટ સંબંધપ્રકારો પરત્વે ધ્યાન દોર્યું છે. તેણે સંઘર્ષનાં વિવિધ સ્વરૂપો – આંતરિક, બાહ્ય, વ્યક્તિગત, સૈદ્ધાંતિક, શિથિલજૂથ, સુબદ્ધજૂથ – વિશે પણ ચર્ચા કરી છે. જૂથ વિશેના નિબંધોમાં ઝિમેલે સામૂહિક લાક્ષણિકતાઓ સામાજિક સંબંધો ઉપર કેવી રીતે પ્રભાવ પાડે છે તેનું વિશ્લેષણ કર્યું છે.

ઝિમેલે જીવન અને સંસ્કૃતિ વિશેના વિચારો પણ નિબંધોમાં વ્યક્ત કર્યા છે. વ્યક્તિ, સામાજિકતા અને સંસ્કૃતિ વચ્ચે સંકલન, તેની પ્રક્રિયા, તેનાં પાસાં, તેમાંથી પ્રગટતાં સામંજસ્ય અને વિષમતા – આ બધાંનો વિચાર ઝિમેલે તત્કાલીન યુરોપની પરિસ્થિતિને અનુલક્ષીને કર્યો છે. આ લખાણોમાં તેની સૂક્ષ્મ વિશ્લેષણશક્તિ અને તીવ્ર તર્કશક્તિ ઊપસી આવે છે. તે ધર્મ અને ઈશ્વરના ઉદભવ તથા તેમના માનવી સાથેના સંબંધને તપાસે છે.

સમકાલીનો ડર્કહાઇમ તથા વેબરની જેમ ઝિમેલનાં લખાણો સંશોધનાત્મક અભ્યાસના સ્વરૂપનાં નથી, પરંતુ છૂટાંછવાયાં વક્તવ્યો તથા નિબંધોનાં સંકલનો રૂપે છે. આવશ્યકતા પ્રમાણે તેમણે સમાજ, ઇતિહાસ, નીતિ, દર્શન, તર્ક, માનસ આદિ જ્ઞાનક્ષેત્રોમાં વિહાર કર્યો અને ગંભીર વાતો સરળ સ્વરૂપે પ્રસ્તુત કરી. તેમના લેખો વર્તમાનપત્રો, સામયિકો, વિદ્વત્સભાનાં મુખપત્રો આદિમાં પ્રગટ થયાં. ‘સમાજશાસ્ત્રની સમસ્યાઓ’ આદિ પુસ્તકો પણ પ્રગટ થયાં. 1894માં આ પુસ્તક પ્રગટ થતાં જ તેણે યુરોપના સમાજશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચ્યું. તેના અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં ભાષાંતર થયાં. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના જર્મન અભ્યાસો નિયો સિમ્મેલિયન સોશિયૉલૉજી નામે ઓળખાયા. ચાલીસીના સમયમાં પારસનના કાર્યે ઝિમેલના કાર્યને થોડું ઝાંખું પાડ્યું પણ 1950 આસપાસ ઝિમેલનું નામ ફરી ગાજતું થયું. પરિણામે, ચર્ચાસ્પદ વ્યક્તિત્વ હોવા છતાં ઝિમેલ પ્રત્યેના આકર્ષણમાં વધારો થતો જોવામાં આવે છે.

જ્યૉર્જ ઝિમેલની થોડીક મહત્વની કૃતિઓ : ‘સોશિયૉલૉજી’ (1908), ‘ફિલૉસૉફી ઑવ્ લાઇફ’ (1918), ‘એસેઝ’, (સંપાદક : વુલ્ફ, 1965), ‘ઑન ઇન્ડિવિડ્યુઆલિટી ઍન્ડ સોશિયલ ફૉર્મ્સ’ (1971).

ધૈર્યબાળા પી. વોરા