જ્યૉર્જિયો : સોવિયેત સંઘના વિઘટન પછી સ્થપાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન 42° ઉ. અ. અને 44° પૂ. રે. તેણે 1991માં પોતાને સ્વતંત્ર જાહેર કર્યું હતું. તે કાળા સમુદ્રની પૂર્વ તરફ આવેલ છે. આ રાજ્યનું જ્યૉર્જિયા નામ અરબી અને ઈરાની ગુર્જી તેમજ રશિયન ગુર્ઝીઆ કે ગ્રુઝીઆ ઉપરથી બનેલું છે. આરબ અને અન્ય મુસ્લિમ ઇતિહાસકારોએ તેનો ગુર્જ, જુર્જ કે ગુર્જીસ્તાન તરીકે ઉલ્લેખ કર્યો છે. પ્રાચીન ગ્રીકો પશ્ચિમ જ્યૉર્જિયાને કોલચીઝ કે લાઝીકા તરીકે ઓળખતા હતા.
આની ઉત્તરે રશિયન પ્રજાસત્તાક, પૂર્વ દિશાએ અઝરબૈજાન પ્રજાસત્તાક, દક્ષિણે આર્મેનિયન પ્રજાસત્તાક તથા તુર્કસ્તાન, પશ્ચિમે કાળો સમુદ્ર છે. આ પ્રજાસત્તાકના અઝહર, અબકાઝિયા અને ઓસેટિયન એવા સ્વાયત્ત ઘટકો છે. રાજ્યનું ક્ષેત્રફળ 69,700 ચોકિમી. છે.
જ્યૉર્જિયાનો સમગ્ર પ્રદેશ ડુંગરાળ છે. તેના ઉત્તર ભાગમાં કૉકેશસ ગિરિમાળાનો સૌથી ઊંચો પર્વત એલબુર્ઝ અને અન્ય કાઝબેક પર્વત આવેલા છે. તેમની ઊંચાઈ અનુક્રમે 5642 મી. અને 5047 મી. છે. આ પર્વતનાં શિખરો કાયમ હિમાચ્છાદિત રહે છે. તેની દક્ષિણે નાની કૉકેશસ ગિરિમાળા અને આર્મેનિયાનો ઉચ્ચપ્રદેશ છે. આ બંને ગિરિમાળા વચ્ચે આવેલાં મેદાનો અને ખીણો ફળદ્રૂપ છે. રીઓની તેની મુખ્ય નદી છે.
કૉકેશસ ગિરિમાળા આ પ્રદેશનું ઉત્તરના ઠંડા પવનથી રક્ષણ કરે છે, જ્યારે કાળા સમુદ્રને લીધે દરિયાકાંઠાના ભાગમાં ઠંડી અને ગરમીનું પ્રમાણ થોડું ઓછું રહે છે. પશ્ચિમ જ્યૉર્જિયાની આબોહવા ભેજવાળી અને ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ વચ્ચેના પ્રકારની છે, જ્યારે પૂર્વ જ્યૉર્જિયાની સાધારણ ભેજવાળી આબોહવા સ્પેન અને ઇટાલીના ભૂમધ્ય સમુદ્રના આબોહવાવાળા પ્રદેશ જેવી છે. પણ સમુદ્રથી દૂરના અંદરના ભાગની આબોહવા અર્ધવેરાન સૂકા પ્રદેશ જેવી છે. અગાઉ સમુદ્રકાંઠે આવેલ પ્રદેશ મલેરિયાગ્રસ્ત, કળણો અને જંગલોવાળો હતો. જંગલો કપાઈ જતાં જમીનનું ધોવાણ વધ્યું છે. અહીં દરિયાકિનારે તાડનાં વૃક્ષોની ઝાડી છે. 700થી 790 મી. ઊંચા ઉચ્ચપ્રદેશના ઢોળાવો ઉપર પહોળા પાનવાળા ડેસિડ્યુઅસ પ્રકારના (ખરાઉ પાનવાળાં) ઓક, બીચ, ચેસ્ટનટ, હોર્નબિલ, ઑલ્ડર, ઍપલ જેવાં વૃક્ષો જોવા મળે છે. 1200થી 2300 મી.ની ઊંચાઈએ શંકુદ્રુમ પ્રકારનાં ફર, સ્પ્રુસ અને પાઇન વૃક્ષોનાં જંગલો છે. પૂર્વ જ્યૉર્જિયાનાં જંગલોનો માનવવસવાટને કારણે નાશ થયો છે.
પર્વતાળ પ્રદેશમાં આઇબેક્સ અને સેમોઇસ જેવાં બકરાં અને હરણને મળતાં પ્રાણીઓ છે. જંગલોમાં રીંછ, ભુંડ, લાલ હરણ, શિયાળ, લોંકડી, વરુ, રેન્ડિયર, જંગલી બિલાડી અને ક્યાંક દીપડા પણ જોવા મળે છે. પક્ષીઓમાં તિલોર (pheasant) મુખ્ય છે.
અહીં મૅંગેનીઝ, તાંબું, હલકી જાતનો કોલસો, બૅરાઇટ, ખનિજતેલ અને કુદરતી વાયુ, ચૂનાખડકો, અલોહ ધાતુઓ વગેરે ખનિજો છે. કાળા સમુદ્રના કાંઠાના પ્રદેશમાં ચા અને લીંબુનો પાક થાય છે, જ્યારે પૂર્વના સૂકા ભાગમાં તમાકુ, દ્રાક્ષ, અનાજ, શેતૂરનાં વૃક્ષો વગેરે થાય છે. ખેતી માટે જમીન અનુકૂળ નથી.
રીઓની નદી ઉપર (1921)થી મોટું જળવિદ્યુત-મથક છે. આવાં બીજાં 12 જળવિદ્યુત-મથકો છે. લોખંડ અને પોલાદ, રસાયણ, દવા, ખાતર, વીજળી-સંચાલિત રેલવે-એંજિનો, મશીન-ટૂલ્સ, પ્રિસિશન-યંત્રો, સુતરાઉ, ગરમ, રેશમી અને સિન્થેટિક કાપડ, મોટરો, વૅગનો વગેરેના ઉદ્યોગો વિકસ્યા છે.
લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. પર્વતના ઢોળાવો ઉપર ઘાસ ઊગે છે. અહીં ઢોર, ઘેટાં, બકરાં વગેરે ઉછેરાય છે. મરઘાં-ઉછેર તથા મચ્છીમારી જેવા અન્ય ઉદ્યોગો પણ છે.
કૉકેશિયન જાતિના લોકોનો આ પ્રદેશ છે. અહીંથી સ્થળાંતર કરીને પૂર્વમાં ઈરાન, અફઘાનિસ્તાન અને ભારતમાં આર્યો આવ્યા હતા. આ પ્રદેશ તેમનું મૂળ વતન હોવાનો એક મત છે. બીજું જૂથ પશ્ચિમમાં યુરોપમાં ગયું. હાલના કૉકેશિયનો કૉકેશિયન ભૂશિર અને આનાતોલિયાની (તુર્કસ્તાન) પ્રાચીન જાતિના લોકોના વંશજો છે. તેમના વાળ કાળા, શરીરનો બાંધો મજબૂત, માથું ગોળ અને નાક મોટું હોય છે. જ્યૉર્જિયાની કુલ વસ્તી પૈકી 65.7 % લોકો કૉકેશિયન છે. રાજ્યની કુલ 2010 મુજબ અંદાજિત વસ્તી 43 લાખ છે. લોકો જ્યૉર્જિયન ભાષા બોલે છે. ચોથી સદીથી તેઓ ખ્રિસ્તી થયા હતા. બીજા કેટલાક ઇસ્લામધર્મી છે.
અડધા ઉપરાંત વસ્તી શહેરોમાં વસે છે. ટીફલીસ કે ત્બિલિસી તેની રાજધાનીનું શહેર છે. કુરા નદી ઉપર તે આવેલું છે. અહીં ઘણા ઉદ્યોગો પણ છે.
ઇતિહાસ : 1801માં છેલ્લા જ્યૉર્જિયન રાજા જ્યૉર્જ બારમાએ રશિયાનું આધિપત્ય સ્વીકાર્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ (1914–18) જ્યૉર્જિયામાં સમાજવાદી પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી; પરંતુ 1921માં આ રાજ્યને સોવિયેત રશિયાએ ખાલસા કરતાં તે સોવિયેત પ્રજાસત્તાક રાજ્ય બન્યું. 1980 આસપાસ જ્યૉર્જિયામાં સ્વતંત્ર થવાનું આંદોલન શરૂ થયું હતું. 1990ના ઑક્ટોબર અને નવેમ્બરમાં ત્યાં સામાન્ય ચૂંટણી થઈ હતી અને રાજ્યની સંસદમાં સામ્યવાદવિરોધી પ્રતિનિધિઓ બહુમતીથી ચૂંટાયા હતા. નવી પાર્લમેન્ટે જ્યૉર્જિયન સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક રાજ્ય એવું નામ બદલીને જ્યૉર્જિયા પ્રજાસત્તાક રાજ્ય એવું નવું નામાભિધાન સ્વીકાર્યું. ડિસેમ્બર, 1990માં ઓસેતિયન લોકો અને જ્યૉર્જિયા વચ્ચે વિગ્રહ ફાટી નીકળ્યો હતો અને 1991માં પણ તે ચાલુ રહ્યો હતો; પરંતુ અઝહર, અબકાઝીયા અને ઓસેતિયન ઘટકો એકત્ર રહ્યા છે. 1991માં તે સ્વતંત્ર પ્રજાસત્તાક બન્યું છે.
1992ની શરૂઆતમાં જ્યૉર્જિયાના પ્રમુખ ગેમસાખુર્દિયાના ટેકેદારો અને વિરોધીઓ વચ્ચે પાટનગર ત્બિલિસીમાં આંતરવિગ્રહ ચાલતો હતો. 6 જાન્યુઆરી, 1992ના રોજ ગેમસાખુર્દિયા નાસી ગયો અને તેનાં વિરોધી દળોએ કામચલાઉ સરકાર સ્થાપી. 10મી માર્ચ, 1992ના રોજ જ્યૉર્જિયન સામ્યવાદી પક્ષનો નેતા અને અગાઉ સોવિયેત વિદેશમંત્રી શેવરનાદ્ઝે કામચલાઉ સરકારનો વડો બન્યો. તેણે લોકશાહી સુધારા કરવાની અને મુક્તબજારનું અર્થતંત્ર કરવાની જાહેરાત કરી. તેને વિરોધીઓના ગેરીલા હુમલાનો સામનો કરવો પડ્યો અને જાતીય સંઘર્ષો ચાલુ રહ્યા હતા. પશ્ચિમે આવેલ અબખાઝિયાના લોકો સ્વતંત્ર થવા માગતા હોવાથી 1993માં આંતરવિગ્રહ ચાલુ રહ્યો. શેવરનાદ્ઝે અબખાઝિયાના લોકોને સ્વતંત્ર થવા પીઠબળ આપવાનો રશિયાને દોષ દીધો; પરંતુ રશિયાના સત્તાધીશોએ તેનો ઇન્કાર કર્યો. 1994ના વર્ષમાં જ્યૉર્જિયા રાજકીય ર્દષ્ટિએ અસ્થિર અને રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિમાં રહ્યું. ફેબ્રુઆરી 1994માં અબખાઝિયા પ્રદેશે પોતાની સ્વતંત્રતા જાહેર કરી. 5 નવેમ્બર, 1995ના રોજ જ્યોર્જિયાની સંસદનો અધ્યક્ષ એડવર્ડ શેવરનાદ્ઝે પ્રજાસત્તાક દેશનો પ્રમુખ ચૂંટાયો. 24 ઑગસ્ટના દિવસે ત્યાંની સંસદે નવું બંધારણ સ્વીકાર્યું અને તેમાં પ્રમુખની મુદત 5 વર્ષની રાખી હતી. 1996માં કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સે (સોવિયેત પ્રજાસત્તાકોનો અગાઉનો સંઘ) અબખાઝિયા અને સાઉથ ઓસેટિયામાં યુદ્ધબંધી કરાવવા પ્રયાસો કર્યા. જુલાઈમાં યુનાઇટેડ નૅશન્સના એક ઠરાવે જ્યૉર્જિયાના દાવાને ટેકો આપ્યો કે તેની સરહદો વિશે વાટાઘાટો થઈ શકે નહિ. જ્યૉર્જિયા અને સાઉથ ઓસેતિયાના નેતાઓએ એક કરાર કર્યો કે જ્યૉર્જિયાની સરહદોની અખંડિતતા અને ઓસેતિયાના લોકોનો આત્મનિર્ણયનો હક જાળવવો. આ રાજકીય સમાધાન હતું. નવેમ્બર, 1996માં ચૂંટણીઓ યોજીને અબખાઝિયા તેની સંસદ અને સાઉથ ઓસેટિયા તેના પ્રમુખને ચૂંટે એમ નક્કી કરવામાં આવ્યું. 1997માં મૉસ્કોમાં જ્યૉર્જિયા અને અલગ થવા માગતા અબખાઝિયા વચ્ચેના સંઘર્ષની મંત્રણામાં પ્રગતિ થઈ; અને શાંતિમય ઉકેલ શોધવા તેઓ કબૂલ થયા.
9 ફેબ્રુઆરી, 1998ના રોજ પ્રમુખ શેવરનાદ્ઝે પર ઘાતક હુમલો થયો પરંતુ તે બચી ગયો. તેના બે રક્ષકો માર્યા ગયા. ઑક્ટોબર 2001માં રશિયા અને જ્યોર્જિયા વચ્ચે તંગદિલી પ્રવર્તી. જ્યૉર્જિયાની સરકારે માગણી કરી કે રશિયાના શાંતિસ્થાપકોએ અબખાઝિયા પ્રાંત છોડીને ચાલ્યા જવું. વિવાદાસ્પદ પ્રદેશ પર ઊડતા યુનાઇટેડ નૅશન્સના હેલિકૉપ્ટરને ઑક્ટોબર, 2001માં તોડી પાડવામાં આવ્યું, ત્યારે હિંસા ફાટી નીકળી. અજાણ્યાં તત્વો દ્વારા બૉમ્બ ફેંકવાના અને ગેરીલાના હુમલા થયા. રશિયાએ જ્યોર્જિયાની સરકારને ગેરીલાને આશ્રય આપવાનો દોષ દીધો. શેવરનાદ્ઝેએ પણ રશિયા પર આક્ષેપો કર્યા. ઈ. સ. 2002માં જ્યૉર્જિયાના રશિયા સાથેના સંબંધો બગડ્યા અને આતંકવાદીઓ જ્યૉર્જિયામાં છુપાતા હોવાથી રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને હુમલો કરવાની ધમકી આપી. ઈ. સ. 2003માં પ્રમુખ શેવરનાદ્ઝે રાજીનામું આપે એવી લાગણી સાથે વિરોધીઓએ પાટનગરમાં દેખાવો કર્યા. નવેમ્બર, 2003માં આ પ્રકારના દેખાવો ખૂબ વધ્યા. છેવટે, 23 નવેમ્બરના રોજ રશિયાનો વિદેશમંત્રી ઇગોર ઇવાનૉવ પાટનગર બિલિસી ગયો. તે પછી, શેવરનાદ્ઝે તેના રાજીનામાની જાહેરાત કરી. 4 જાન્યુઆરી, 2004ના રોજ યોજાયેલ ચૂંટણીઓમાં વિરોધ પક્ષનો યુવાન નેતા મિખાઈલ સાકશ્વિલીને પ્રમુખપદની ચૂંટણીમાં મોટો વિજય મળ્યો. તેણે નવેમ્બર, 2003માં શરૂ થયેલ ‘‘ધ રોઝ રેવોલ્યુશન’’ જે શાંતિનું પ્રતીક હતું, તે પૂર્ણ કર્યું. 25 જાન્યુઆરી, 2004ના રોજ તેણે પ્રમુખપદના શપથ લીધા. આ વખતે યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા જ્યૉર્જિયામાં પોતાનો રાજકીય અને આર્થિક પ્રભાવ સ્થાપવા તીવ્ર હરીફાઈ કરતા હતા. 28 માર્ચ, 2004ના રોજ થયેલ સંસદની ચૂંટણીમાં સાકશ્વિલીના ગઠબંધન નૅશનલ મૂવમેન્ટ ડેમૉક્રૅટ્સના 150 ઉમેદવારોમાંના 135 જીત્યા. પરંતુ 2005ના વર્ષમાં પ્રમુખ સાકશ્વિલીએ દેશમાં ભ્રષ્ટાચાર અને તોફાનોના આક્ષેપોનો સામનો કરવો પડ્યો. અબખાઝિયા અને સાઉથ ઓસેતિયાના પ્રદેશોના અલગ થવા માટેના સંઘર્ષોનો કોઈ ઉકેલ આવ્યો નહિ. આ બે પ્રદેશો પર પોતાનો અંકુશ સ્થાપવા પ્રમુખ સાકશ્વિલીએ વધારે પ્રયાસો કરવાથી 2006માં જ્યૉર્જિયા અને રશિયાના સંબંધો બગડ્યા. રશિયાએ મૉસ્કોમાં જ્યૉર્જિયાની વેપારી પેઢીઓ પર દરોડા પાડ્યા અને જ્યૉર્જિયાના સેંકડો નાગરિકોને રશિયામાંથી કાઢી મૂક્યા. નવેમ્બર, 2007માં જ્યૉર્જિયાના પાટનગર ત્બિલિસીમાં પ્રમુખ સાકશ્વિલી અને સરકાર વિરુદ્ધના હજારો દેખાવો થયા. વિરોધી નેતાઓએ પ્રમુખ પર ભ્રષ્ટાચાર અને માનવ-અધિકારોના ભંગના આરોપો મૂક્યા. 5 જાન્યુઆરી, 2008ના રોજ જ્યૉર્જિયામાં પ્રમુખપદની ચૂંટણી વહેલી યોજાઈ. તેમાં સાકશ્વિલીને વધુ મત મળ્યા. તેણે ચૂંટણીમાં અયોગ્ય રીતો અજમાવ્યાના આક્ષેપો વિરોધીઓએ કર્યા. ઈ. સ. 2009માં જ્યૉર્જિયામાં રાજકીય તંગદિલીમાં વધારો થયો. વિરોધ પક્ષોએ પ્રમુખ અને સંસદની મુક્ત ચૂંટણી વહેલી કરાવવાની માગણી કરી. તે પછી પ્રમુખ સાકશ્વિલીએ મે, 2010માં એટલે વહેલી ચૂંટણીઓ કરાવવાની દરખાસ્ત મૂકી. વિરોધીઓની બીજી વધુ માગણીઓનો પ્રમુખે અસ્વીકાર કર્યો. 5 મેના રોજ લશ્કર દ્વારા સત્તાપલટો કચડી નાખવા લશ્કરના 40 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી. અબખાઝિયા અને સાઉથ ઓસેતિયાને કારણે તંગદિલી ચાલુ રહી. રશિયાએ અબખાઝિયા તથા સાઉથ ઓસેતિયા સાથે લશ્કરી સહકારના કરાર કર્યા.
રાજકીય : બારમી સદીમાં જ્યૉર્જિયા આર્થિક, સાંસ્કૃતિક અને ભૂમિવિસ્તારની ર્દષ્ટિએ સમૃદ્ધ રાજ્ય હતું. પછી પર્શિયન અને તુર્કી સામ્રાજ્યો વચ્ચે ચાલેલી સત્તાની સાઠમારીને કારણે 1555માં તેનું આ બે રાજ્યો વચ્ચે વિભાજન થયું. ઓગણીસમી સદીના પ્રારંભે રશિયન સામ્રાજ્યે સમગ્ર જ્યૉર્જિયાને તેનામાં સમાવી લીધું. ઑક્ટોબર, 1917ની રશિયન ક્રાંતિ સમયે તે થોડાં વર્ષો સ્વતંત્ર રાજ્ય રહ્યું પણ 1921થી તે સોવિયેત યુનિયનનું ઘટક રાજ્ય બન્યું. રશિયાએ જ્યૉર્જિયા, આર્મેનિયા અને આઝરબૈજાનને ટ્રાન્સકોકેશિયા નામના એક પ્રજાસત્તાક રાજ્યમાં રૂપાંતરિત કર્યું, જે સમવાયતંત્ર હતું. 1936માં આ સમવાયતંત્ર વિસર્જિત થયું અને જ્યૉર્જિયા તરીકે એક અલગ રાજ્ય સોવિયેત પ્રજાસત્તાકનો હિસ્સો બન્યું.
સોવિયેત સંઘના વિઘટન પૂર્વે 1989ના હિંસક દેખાવો થયા પછી અને મે, 1991માં સોવિયેત સંઘના વિઘટન સાથે જ્યૉર્જિયાએ સ્વતંત્રતાની ઘોષણા કરી. 1991ના વર્ષના અંત સુધીમાં પ્રમુખ જામસાખુરડિયાનું એકહથ્થુ શાસન પ્રજામાં બહુ માન ન પામ્યું. એથી રાજધાની બિલિસીમાં આંતરવિગ્રહ શરૂ થઈ ગયો. શેવારડનેઝડે રશિયાની લશ્કરી ટુકડીઓની મદદ માંગી. રશિયાએ તેને ટેકો આપતાં જ્યૉર્જિયા 1993માં કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સમાં જોડાયું અને આતંકવાદનો ભોગ બન્યું. 2002માં અમેરિકાના લશ્કરના સલાહકારો જ્યૉર્જિયા આવ્યા. તેણે ચેચેન અને અલકાયદાના લડાયક જૂથો વિરુદ્ધ વિશેષ દળો તૈયાર કરવામાં મદદ કરી.
તે પછી જ્યૉર્જિયાએ શાંત ક્રાંતિ જેવી ચૂંટણીઓ હલ કરી.
ઑગસ્ટ, 1995માં તેણે નવું બંધારણ સ્વીકાર્યું. જ્યૉર્જિયા સમવાયી તત્વો ધરાવતું પ્રમુખીય પ્રજાસત્તાક છે. પ્રમુખ રાજ્યનો વડો છે. પુખ્તવય મતાધિકારથી પાંચ વર્ષની બે મુદ્દતો માટે તે (વધુમાં વધુ કુલ દસ વર્ષ) ચૂંટાઈ આવે છે. લારી તેનું ચલણ છે. તેની અધિકૃત ભાષા જ્યૉર્જિયન છે.
સુપ્રીમ કાઉન્સિલ તેની ધારાસભા છે, જે 235 સભ્યોની બનેલી હોય છે. નવેમ્બર, 2003માં યોજાયેલી સંસદીય ચૂંટણીઓ રદબાતલ ઠેરવવામાં આવેલી. તે પછી માર્ચ, 2004ની ચૂંટણીઓમાં નૅશનલ ડેમૉક્રૅટ્સને બહુમતી મળી હતી.
1997માં જ્યૉર્જિયામાં ફાંસીની રજા રદ કરી દેવામાં આવી છે. તે વિશ્વ-વિરાસતનાં ત્રણ સ્થળો ધરાવે છે.
શિવપ્રસાદ રાજગોર
જયકુમાર ર. શુક્લ
રક્ષા મ. વ્યાસ