જ્વર (આયુર્વિજ્ઞાન)

January, 2014

જ્વર (આયુર્વિજ્ઞાન) : તાવ આવવો તે શરીરના રોજના સામાન્ય તાપમાનમાં થતા ફેરફારોથી તાપમાનના પ્રમાણમાં વધારો થવો તે. દર્દીઓની સૌથી વધુ તકલીફોમાંની તે એક છે. મોટા ભાગના દર્દીઓમાં તે કોઈ ચેપ(infection)ને કારણે હોય છે અને તેમાં પણ વિષાણુજન્ય (viral) ચેપ સૌથી મોખરે હોય છે અને તેથી ઘણા કિસ્સાઓમાં તે જાતે શમી જતી તકલીફ હોય છે. તેવા કિસ્સામાં નિદાન કે સારવારમાં કોઈ વિશેષતાઓ હોતી નથી; પરંતુ થોડાક દિવસોથી વધુ રહેતા તાવના કિસ્સામાં નિદાન અને સારવારનાં વિશ્લેષણો જરૂરી બને છે. મોટા ભાગના કિસ્સાઓમાં તાવ ઉપરાંત અન્ય તકલીફો પણ હોય છે જે નિદાન તરફ દોરી જાય છે. કેટલીક અન્ય શારીરિક તકલીફો તાવને લીધે જ હોય છે; દા. ત. સ્નાયુઓ કળવા, શરીર દુખવું, માથું દુખવું વગેરે. બહુ જ થોડા પ્રકારનાં દર્દોમાં તાવનો પ્રકાર જાણવાથી નિદાન થાય છે; જેમ કે, મલેરિયામાં એકાંતરે દિવસે તાવ આવે છે; પરંતુ હોજકિનના રોગમાં આવતો પેલ-એબ્સીન પ્રકારનો તાવ નિદાનસૂચક નથી. કેટલાક વિષાણુજન્ય તાવમાં ટાઢ વાય છે. તે જીવાણુ કે ફૂગનો ચેપ લોહી દ્વારા શરીરમાં બધે પ્રસરે ત્યારે થતી પ્રક્રિયા જેવી પ્રક્રિયા છે. તેથી તાવના કારણના નિદાનમાં તકલીફો અને તેમના કાળક્રમની  ઝીણવટથી મેળવેલી માહિતી, શારીરિક ચિહનોની નોંધ તથા વિગતો પરંતુ ઇરાદાપૂર્વક કરેલી કસોટીઓનાં પરિણામોનું અર્થઘટન અગત્યનાં બની રહે છે.

અજ્ઞાતમૂલ જ્વર (pyrexia of unknown originPUO): કેટલાક દર્દીઓમાં 2 અઠવાડિયાંથી વધુ રહેતો તાવ હોય છતાં તકલીફોની નોંધ અને વિવિધ કસોટીઓનું પરિણામ કોઈ ચોક્કસ નિદાન તરફ દોરી જતાં નથી. તેને અજ્ઞાતમૂલ જ્વર કહે છે. હાલના ઝડપી નિદાનકસોટીઓના યુગમાં 3 દિવસના તાવવાળો દર્દી જો હૉસ્પિટલમાં દાખલ થયો હોય અને તેને માટે બધી જ મહત્વની કસોટીઓ નકારાત્મક પરિણામ આપતી હોય તો તેને પણ PUO કહેવાનું સૂચન કરાયેલું છે. આવા તાવમાં વ્યક્તિની ઉંમર, સામાજિક અને આર્થિક પરિબળો, સ્થાનિક ભૌગોલિક સ્થિતિ, પ્રવાસ, ચેપી રોગના દર્દીનો સંસર્ગ વગેરે વિવિધ ઘટકોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. મોટી ઉંમરે થતા આ પ્રકારના તાવમાં ચેપીરોગ હોવાની સંભાવના ઘણી વખતે ઓછી હોય છે. અજ્ઞાતમૂલ જ્વરનાં મુખ્ય કારણજૂથોમાં ચેપીરોગો, કૅન્સર, ઍલર્જી, સ્વકોષઘ્ની (autoimmune) રોગો, ચિરશોથગડ (granuloma) ધરાવતા રોગો, વારસાગત રોગો તથા છેતરપિંડી રૂપે તાવ હોવાનો દેખાવ કરવો વગેરેનો સમાવેશ થાય છે. પશ્ચિમી દેશોમાં લગભગ ત્રીજા ભાગના PUOમાં ચેપ કારણરૂપ હોય છે. આપણા દેશમાં તેનું પ્રમાણ વધુ હોવાનું મનાય છે; પરંતુ તે વિષાણુ હોવાની શક્યતા ઘણી ઓછી છે. કેટલાંક ચોક્કસ અંગ કે શારીરિક ભાગમાં ચેપ હોવાની શક્યતા પણ રહે છે; દા. ત., હાડકાં, દાંત, કાકડા, નાકની આસપાસનાં હાડકાંનાં પોલાણો (પરિનાસાવિવરશોથ, sinusitis), હૃદયના વાલ્વ, પિત્તમાર્ગ, મૂત્રમાર્ગ વગેરે. ઘણી વખત તેમના ચેપનાં સ્થાનસૂચક ચિહનો હોતાં નથી. જીવાણુજન્ય રોગોમાં ક્ષય મહત્વનો રોગ છે જે ઘણી વખત અજ્ઞાતમૂલ જ્વર તરીકે જોવા મળે છે. 25 %થી 30 % POUના દર્દીમાં કૅન્સર હોય છે. દા. ત., હોજકિનનો રોગ, લસિકાર્બુદ (lymphoma), મૂત્રપિંડનું કૅન્સર, પૂર્વરુધિર કૅન્સર (pre leukaemia), રુધિર કૅન્સર, હૃદયમાં થતી શ્લેષ્માર્બુદ (myxoma) નામની ગાંઠ વગેરે. વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythamatosus – SLE), સ્ટીલનો રોગ, વિવિધ પ્રકારના પેશીનાશકારી વાહિનીશોથ (necrotizing vasculitides) વગેરે સ્વકોષઘ્ની રોગોમાં PUO થાય છે. તેમાં ફક્ત ત્વકીય કાઠિન્ય (scleroderma) નામના રોગોમાં ભાગ્યે જ તાવ જોવા મળે છે. ફેફસાંની બહાર અસર કરતી સાર્કોઇડતા (sarcoidosis), ક્ષય, વ્યાપક ફૂગનો ચેપ વગેરે રોગોમાં લાંબા ગાળાની ચેપજન્ય ગાંઠ અથવા ગડ થાય છે. તેને ચિરશોથગડ કહે છે. તેમાં પણ તાવ આવે. કૌટુંબિક ભૂમધ્યકીય જ્વર (familial mediterranean fever), પ્રથમ પ્રકારની અતિમેદ – રુધિરતા(hyperlipidaemia)વાળો વારસાગત રોગ, ફેબ્રિનો રોગ, ચક્રીય તટસ્થ શ્વેતકોષી અલ્પતા (cyclic neutropenia) વગેરે કૌટુંબિક કે વારસાગત રોગોમાં પણ ઘણી વખત લાંબા ગાળાનો ચિહનો વગરનો તાવ આવે છે. સ્વસર્જિત (self-induced) અથવા છલનાકૃત (factitious) તાવ છેતરામણી કરતા રોગ રૂપે પણ ક્યારેક  લાવવામાં આવે છે.

વિવિધ પ્રકારના રોગોમાં લાંબા સમયનો ચિહનો વગરનો તાવ આવતો હોવાથી અજ્ઞાતમૂલ જ્વરના નિદાનમાં ધ્યાનપૂર્વક તકલીફોની નોંધ, ચીવટવાળી શારીરિક તપાસ તથા યોગ્ય અને તાર્કિક નિદાનસૂચક કસોટી માટેનું સૂચન મહત્વનાં બને છે. ક્યારેક વારંવાર શારીરિક તપાસ અને એક્સ-રે કે અન્ય ચિત્રણો તથા પ્રયોગશાળાકીય કસોટીઓની જરૂર પડે છે; છતાં 10 % દર્દીમાં કોઈ જ નિદાન નિશ્ચિત કરી શકાતું નથી. જો તાવ ઘણા લાંબા સમયનો હોય તો તે ચેપ કે કૅન્સરને લીધે હોવાની સંભાવના ઘટે છે. ક્યારેક નિદાન માટે નિદાનલક્ષી ચિકિત્સા-પ્રયોગ (therapeutic trial) પણ કરાય છે; દા. ત., ક્ષય. PUOની સારવાર લક્ષણલક્ષી તથા મૂળ કારણ જડે તો તેને અનુરૂપ હોય છે.

તાવ અંગેની દેહધાર્મિક વિદ્યા (physiology) અને રુગ્ણવિદ્યા (pathology) : શરીરનું સામાન્ય તાપમાન 37° સે. (98.6°F) ગણવામાં આવે છે. સામાન્ય રીતે ઊંચું ગયેલું તાપમાન તાવ ગણાય છે પરંતુ તે અતિઉષ્ણતાજન્યતા(hyper thermia)નો વિકાર પણ હોય છે. મગજ અને અન્ય કેન્દ્રીય ચેતાતંત્રના વિકારો, લૂ લાગવી, કેટલાક ચયાપચયી રોગો, કેટલાંક ઔષધોનો ઉપયોગ વગેરેમાં શરીરનું તાપમાન-નિયમનકારી તંત્ર (thermo-regulatory system) જેમનું તેમ રહે છે; પરંતુ ઉષ્માના ઉત્પાદન અને વ્યયની પ્રક્રિયાઓ અસંતુલિત થાય છે. તેવે સમયે શરીરનું તાપમાન વધે છે અને તેને અતિઉષ્ણતાજન્યતા કહે છે. આવા વિકારમાં એસ્પિરિન, પૅરાસિટેમોલ જેવી દવાઓ પરસેવો કરીને તાપમાન ઘટાડી શકતી નથી ત્યારે શરીર પર ઠંડા પાણીનાં પોતાં મૂકવાથી જ તાપમાન ઘટે છે.

શરીરમાં કેન્દ્રીય ચેતાતંત્રના ભાગ રૂપે અધશ્ચેતક (hypothalamus) નામનું અંગ આવેલું છે. તેમાં તાપમાનનિયમન કરતું ચેતાકેન્દ્ર આવેલું છે. તે ઘરમાં વપરાતા સાદા ઉષ્ણતાનિયામક (thermostat) જેવું જ એક શારીરિક ઉષ્ણતાનિયામક અથવા તાપમાનનિયમનકારક યંત્ર છે. જ્યારે તાવ આવે ત્યારે શરીરનું આ ઉષ્ણતાનિયામક યંત્ર ઊંચા સ્તરે કામ કરતું હોય છે. તેને કારણે શરીરમાં ઉષ્ણતાનું ઉત્પાદન વધે છે અને તેનું શરીરની સપાટી પરથી થતું બાહ્ય વહન ઘટે છે. ગરમી ઉત્પન્ન કરવા સ્નાયુઓનું સંકોચન વધારાય છે અને તેથી ધ્રુજારી આવે છે તથા ચામડીમાંથી ગરમી બહાર વહી ન જાય માટે ત્યાંની નસો સંકોચાય છે. અતિઉષ્ણતાજન્યતાના વિકારમાં ગરમી ગુમાવવાની પ્રક્રિયા ઘટતી નથી પરંતુ શરીરમાં એટલા પ્રમાણમાં ગરમી (ઉષ્ણતા) ઉત્પન્ન થાય છે કે જે ગરમી ગુમાવવાના દર કરતાં ઘણી વધારે હોય છે. તાવ ઉતારવા પરસેવો કરતી યાને પ્રસ્વેદજનક (diaphoretic) દવાઓ; દા. ત., એસ્પિરિન, પૅરાસિટેમોલ વગેરે વપરાય છે; જ્યારે અતિઉષ્ણતાજન્યતામાં તે અસરકારક નથી. અતિઉષ્ણતાજન્યતાનો વિકાર ક્યારેક મૃત્યુ નિપજાવે છે.

ચેપ લાગે ત્યારે શોથ(inflammation)ની સ્થિતિ સર્જાય છે. તેને કારણે તાપમાન વધે છે. કેટલાક જીવાણુઓ અંત:વિષ (endotoxin) ધરાવે છે. કેટલીક દવાઓ સીધેસીધી કે ઍલર્જી કરીને અમુક દ્રવ્યો ઉત્પન્ન કરે છે. તે પણ તાપમાન વધારે છે. આવી રીતે તાપમાન વધારતા પદાર્થોને જ્વરજનક (pyrogens) કહે છે. તે આંતરિક અને બાહ્ય – એમ બંને પ્રકારના હોય છે. શરીરમાં લોહીના શ્વેતકોષો તથા કેટલાક પેશીમાંના મહાભક્ષી કોષોમાંથી જ્વરજનક દ્રવ્યો નીકળે છે જે ચેપ લાગ્યો હોય ત્યારે તાવ લાવે છે.

આ જ્વરજનક પદાર્થો મગજમાંના પ્રોસ્ટાગ્લેન્ડીન્સ (PGs) નામનાં રસાયણોનું કાર્ય વધારીને તાવ લાવે છે. PGs ચક્રીય AMP (cyclic adenosine monophosphate) દ્વારા મગજમાં આવેલા અધશ્ચેતકના પૂર્વર્દષ્ટિપથ-વિસ્તાર(preoptic area)ના ચેતાકોષોનું ઉત્તેજન કરે છે. મગજ ઉપરાંત ચામડી, સ્નાયુ અને લોહીની નસોમાં પણ E પ્રકારોનાં પ્રોસ્ટાગ્લેન્ડીન(PGE)નું ઉત્પાદન વધે છે અને તેથી સ્નાયુ, સાંધા અને માથાનો દુખાવો થાય છે. અંત:જન્ય જ્વરજનક દ્રવ્યો લોહીના શ્વેતકોષો, યકૃતનાં પ્રોટીન અને કેટલાક અંત:સ્રાવોનું પ્રમાણ પણ વધારે છે. આ પ્રકારના ફેરફારોને ઉગ્રકાલીય પરિવર્તનો (acute phase changes) કહે છે. એસ્પિરિન અને પૅરાસિટેમોલ તાવ ઉતારવા માટે વપરાય છે. તે જ્વરજનક પદાર્થો પર કોઈ અસર કરતા નથી; પરંતુ તે PGsનું ઉત્પાદન ઘટાડીને તાવ ઉતારે છે. તેથી તે સામાન્ય તાપમાનમાં કોઈ ઘટાડો કરતી નથી. કોર્ટિકોસ્ટિરોઇડ્સ જ્વરજનક પદાર્થોના ઉત્પાદનનો ઘટાડો કરીને તાવ આવતો રોકે છે. આમ એસ્પિરિન અને પૅરાસિટેમોલની અસર કેન્દ્રીય છે જ્યારે કોર્ટિકોસ્ટિરોઇડની અસર પરિઘવર્તી (peripheral) છે.

અગાઉ ટાઇફૉઇડની રસી, સલ્ફર અને બાહ્ય પ્રોટીન(દા. ત., દૂધ)નાં ઇન્જેક્શન વડે કૃત્રિમ રીતે તાવ ઉત્પન્ન કરવાની ચિકિત્સા થતી હતી. કૃત્રિમ રીતે તાવ ઉત્પન્ન કરીને ઉપદંશ(syphilis)ની સારવાર કરવાની એક સમયે ચિકિત્સાપદ્ધતિ હતી. હાલ તે પ્રચલિત નથી. તેવી જ રીતે ટાઇફૉઇડની રસી વડે કૃત્રિમજ્વર ઉત્પન્ન કરીને પરમિયા (gonorrhoea)ની પણ સારવાર કરાતી હતી.

નિદાન અને સારવાર : સામાન્ય રીતે શરીરનું તાપમાન વહેલી સવારે ઓછું અને સાંજે 4થી 6 વાગ્યે 0.6°સે. (1°F) જેટલું વધુ હોય છે. તાવના દર્દીમાં પણ આ પ્રકારનો તફાવત જોવા મળે છે, જે અતિઉષ્ણતાજન્યતાના વિકારમાં જોવા મળતો નથી. સામાન્ય રીતે અધશ્ચેતકના રોગ, વિકાર કે ઈજામાં શરીરનું તાપમાન ઘટે છે. ક્યારેક જો તે વધે તો તેને અધશ્ચેતકીય જ્વર (hypothalamic fever) કહે છે. તાવના દર્દીમાં ગરમી કે ઠંડી લાગવી, માથું કે શરીર દુ:ખવું, સાંધા દુ:ખવા, શરીરે કળતર થવું, શરીરનું તાપમાન વધવું, હૃદય અને નાડીના ધબકારા વધવા, લોહીના ઉપલા અને નીચલા દબાણ વચ્ચેનો તફાવત વધવો, લોહીના રક્તકોષોનો ઠારણદર (erythrocyte sedimentation rate – ESR) વધવો, લોહીમાં હેપ્ટોગ્લોબીન, સી-રીઍક્ટિવ પ્રોટીન, સેરુલોપ્લાઝમિન, કેટલાક પ્રતિચેતાપૂરકો (complements), ફાઇબ્રીનોજન, પ્રોથોમ્બિન અને અન્ય રુધિરગઠન ઘટકો, પ્લાઝમિનોજન, ફેરિટિન, લાયપ્રોટીન વગેરે લોહીના વિવિધ ઘટકોનું વધવું જેવાં વિવિધ ચિહનો, લક્ષણો અને પ્રતિક્રિયાઓ થાય છે. લોહીનો ચયાપચયી દર વધે છે અને તેથી ઑક્સિજનનો વપરાશ અને પેશીનો વ્યય (tissue breakdown) વધે છે. ચેપ, ઝેર કે પ્રતિરક્ષાલક્ષી વિકારમાં તાપમાન ભાગ્યે જ 106°F (41.4°સે.)થી વધે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં લોહી વહે તો ક્યારેક અતિજ્વરજન્યતા (hyperpyrexia) થાય છે. મધ્યમ સ્તરના તાવવાળી વ્યક્તિને જો કેન્દ્રીય ચેતાતંત્રનો રોગ હોય, હૃદય કે નસોનો વિકાર હોય, અગાઉ તાવને કારણે ખેંચ (આંચકી, convulsion) આવી હોય કે સગર્ભાવસ્થા હોય તો તે જોખમી ગણાય છે. તાવને કારણે ગર્ભમાં ગર્ભપેશી-અર્બુદતા (teratogenicity) થાય છે.

સારવાર : તાવની સારવારમાં મૂળ રોગની સારવાર મુખ્ય છે. શરીરનું તાપમાન તાત્કાલિક ઘટાડવાની જરૂરિયાત, ઉપર જણાવેલા રોગો કે વિકારો અથવા અતિજ્વરજન્યતા કે અતિઉષ્ણતાજન્યતાનો વિકાર થયો હોય તો જ ગણાય છે. જોકે તાવ લાભકારક છે એવું સાબિત થયેલું નથી અને તેથી તકલીફ થતી હોય તો તાપમાન ઘટાડવાનું સૂચવાય છે. શરીર પર સામાન્ય તાપમાનવાળાં પાણીનાં પોતાં મૂકીને કે પૅરાસિટેમોલ કે એસ્પિરિનની મદદથી તાવ ઘટાડાય છે. લૂ લાગી હોય કે મગજમાં લોહી વહેવાથી તાપમાન વધ્યું હોય તો ઉપર જણાવેલ દવાઓ અસરકારક થતી નથી અને તેથી પાણીનાં પોતાં જ ઉપયોગી ગણાય છે. અતિઉષ્ણતાજન્યતાના વિકારમાં માથા સિવાયનું આખું શરીર પાણીના હોજમાં ઝબોળી દેવાનું પણ સૂચવાય છે. હીમોફિલિયા, ફોલ-વિલેબ્રન્ડરનો રોગ, લોહી ગંઠાવાનો વિકાર, મુખમાર્ગી રુધિરગઠન-ઘટકોનો ચાલુ ઉપયોગ, દમ, પેપ્ટિકવ્રણ (ulcer) કે બાળકોને ફ્લૂ થયો હોય તો એસ્પિરિનને બદલે પૅરાસિટેમોલ (એસેટોએમિનોફેન) વપરાય છે. બાળકોમાં એસ્પિરિન ક્યારેક રેયનો સંલક્ષણ નામનો વિકાર કરે છે.

શિલીન નં. શુક્લ