કૌટિલ્ય : પ્રસિદ્ધ અર્થશાસ્ત્ર-વિષયક ગ્રંથના કર્તા વિષ્ણુગુપ્ત ચાણક્ય. તેઓ તેમની રાજનીતિ આદિ વિષયોની વિદ્વત્તાને કારણે વિખ્યાત છે. ‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ નામનો તેમનો રાજનીતિવિષયક ગ્રંથ વિશ્વના આ વિષયના પ્રાચીન ગ્રંથોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે.

‘ચાણક્ય’ નામ તેમના પિતા ચણકના નામ ઉપરથી પડેલું છે. બુંદેલખંડના નાગૌંદાનગર સમીપના ચણક (આધુનિક નાચના) ગામના નિવાસી હોવાથી તે ચાણક્ય કહેવાયા એવો પણ એક મત છે. તેમનું કૌટિલ્ય નામ વાસ્તવમાં કૌટલ્ય હોવાનો સંભવ વધારે છે. કુટલના ગોત્રમાં થયેલ તે કૌટલ્ય. તે કુટિલ રાજનીતિ ઉપદેશતા કે આચરતા તેથી તે કૌટિલ્ય કહેવાતા એ મત યથાર્થ નથી; કેમ કે વિષ્ણુગુપ્ત ચાણક્યે ઉપદેશેલી રાજનીતિ નૈતિકતાવિહોણી કુટિલ નથી. શુદ્ધ સાધ્યને સિદ્ધ કરવા માટેનો થોડોક વક્રમાર્ગ છે. વળી દ્રામિલ, વાત્સ્યાયન, પક્ષિલસ્વામી, અંગુલ, વરાણક અને કાત્યાયન વિષ્ણુગુપ્ત ચાણક્યનાં જ નામ હતાં એવું સિદ્ધ થયું નથી. પ્રાચીન ભારતીય અનુશ્રુતિમાં તો  તેઓ વિષ્ણુગુપ્ત, ચાણક્ય અને કૌટિલ્ય નામોથી પરિચિત છે.

કૌટિલ્ય

કૌટિલ્ય બ્રાહ્મણ હતા. બાલ્યમાં આરંભિક અધ્યયન પછી તેઓ તક્ષશિલા વિદ્યાપીઠમાં ગયા અને ત્યાં વેદશાસ્ત્રોનું (રાજનીતિશાસ્ત્રનું ખાસ) અધ્યયન પૂર્ણ કર્યા પછી તેઓ માતૃસંસ્થામાં જ અધ્યાપક તરીકે જોડાયા અને ઉત્તમ આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. કૌટિલ્યનો સમય રાજકીય ઊથલપાથલનો હતો. ભારતમાં અનેક સ્વતંત્ર રાજ્યો અને ગણતંત્રો હતાં. સંકુચિત વિચારસરણીને લીધે આ રાજ્યો અને ગણતંત્રો વેરવિખેર હતાં. સંસ્કૃતિની સુરક્ષા અને લોકકલ્યાણ કાજે સંગઠન સાધવાનું કોઈ રાજ્ય કે તંત્ર વિચારતું ન હતું. ભારતની સરહદે ઈરાનનું પ્રબળ સામ્રાજ્ય હતું અને ઈરાનના સામ્રાજ્યને પણ પરાભૂત કરનાર ગ્રીસનો સિકંદર ભારતની સરહદે આવી પહોંચ્યો હતો. તક્ષશિલામાં રહેલા કૌટિલ્યને આ ભયનો અણસાર આવી ગયો હતો. એક કર્તૃત્વશીલ રાષ્ટ્રભક્ત તરીકે ચાણક્યે આ ભય નિવારવા સારુ વિદ્યાર્થીઓ અને જનસામાન્યને જાગ્રત કર્યા, દેશભક્તોનું સંગઠન કર્યું અને સંસ્કૃતિરક્ષણાર્થે સૈન્ય તૈયાર કર્યું. મગધના એક રાજપુત્ર ચન્દ્રગુપ્ત મૌર્ય નામના ક્ષત્રિય કુમારના નેતૃત્વમાં અભિયાન આરંભ્યું. નાનાં રાજ્યો અને ગણરાજ્યોને મનાવીને એકત્ર કર્યાં અને મગધસમ્રાટ છેલ્લા નંદ ધનનંદનો અને તેના નીતિહીન સ્વાર્થી અધિકારીઓનો નાશ કરી મગધના એક વિસ્તૃત બળવાન સામ્રાજ્યનું નિર્માણ કર્યું. આમ કરવામાં તેમણે બળથી અને કૂટનીતિથી કેટલાક રાજાઓ અને રાજપુરુષોના વધ પણ કરવા પડ્યા. આ સંપૂર્ણ અભિયાનમાં કૌટિલ્ય તો અકિંચન બ્રાહ્મણ જ રહ્યા.

ચાણક્ય કે કૌટિલ્યના અભિજન, નિવાસ અને કારકિર્દી વિશે અનેક લોકમાન્યતાઓ પ્રચલિત છે. તેમાંની કેટલીક ઐતિહાસિક તથ્ય પર આધારિત છે. ચાણક્યના પૌરુષભર્યા વ્યક્તિત્વ તેમજ તેમની ગાઢ વિદ્વત્તા અને રાષ્ટ્રપ્રેમ માટે કોઈને શંકા નથી.

દશરથભાઈ વેદિયા

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી