કૌચ (કૌવચ, ભેરવશિંગ)

January, 2008

કૌચ (કૌવચ, ભેરવશિંગ) : વનસ્પતિજ ઔષધિ. તેનાં વિવિધભાષી નામો આ પ્રમાણે છે : સંસ્કૃત : મર્કટી, આત્મગુપ્તા, સ્વયંગુપ્તા, કપિકચ્છુ; હિન્દી : કિંવાચ, કૌચ; મરાઠી : ખાજકુહિરી, ખાજકુહીલી; કોંકણી : ખાજકોલતી; બંગાળી : આલ્કુશી, ધુનારગુંડ, દયા, શુયાશિંબી; અંગ્રેજી : Cowhage, Cowitch; લૅટિન : Mucuna Prurita; Mucuna Pruriens.

કૌચના છોડ – વેલા વગડામાં વરસાદ થયા પછી ચારે તરફ આપમેળે ઊગી નીકળે છે. વળી હવે તેની ખેતી પણ થાય છે. તેના વેલા મોટા થઈ વાડ કે ઝાડ પર વર્તુલાકારે ચડે છે. આ વેલા એકવર્ષાયુ, અનેક શાખાવાળા અને રુવાંટીવાળા હોય છે. તેનાં પાન 15-22.5 સેમી. લાંબાં ડીંટા પર; આમલીનાં પાન જેવાં સમાન – સંયુક્ત અને ત્રિપત્રક હોય છે. પાન 7.5 – 15 સેમી. લાંબાં અને 6-7 સ્પષ્ટ પાર્શ્વ શિરાઓવાળાં હોય છે. તેની પર 15-30 સેમી. લાંબી પુષ્પમંજરી આવે છે. તેના પર ભૂરા કે રીંગણી રંગના 2.5-3.3 સેમી. લાંબાં ફૂલ થાય છે. તેની પર 5-10 સેમી. લાંબી અને 1.25 સેમી. પહોળી શિંગ (ફળી) થાય છે. તે શિંગ બહારથી આમલીના પાકા કાતરા જેવી દેખાય છે; પણ તેની બહારની સપાટી ઉપર બારીક વાળ જેવા કાંટા હોય છે. આ બારીક વાળ માનવત્વચાને અડી જાય તો તીવ્ર ખૂજલી આવે છે અને તે ભાગ સૂજી જાય છે ને ત્યાં દાહ થાય છે. માટે તેને ‘ખાજવણી’ પણ કહે છે. દરેક શિંગમાં 5થી 6 ચમકતાં, સ્નિગ્ધ, ઈંડાકાર (લંબગોળ), નાનાં-ચપટાં એરંડીનાં બી જેવાં, લાલ-સફેદ-કાળાં મિશ્ર રંગનાં બી આવે છે. આ બીની ઉપલી ત્વચા (ફોતરી) કાગળથી પણ પાતળી હોય છે. તે કાઢી નાંખતાં નીચેથી સફેદ રંગનાં મીંજ નીકળે છે. શિંગના આ બીજ જ ‘કૌચ’ નામે ઓળખાય છે અને તે શક્તિ અને વીર્યવર્ધક આયુર્વેદિક દવાઓમાં ખાસ ઔષધિ તરીકે બહુ જ વપરાય છે.

કૌચ

જાતિભેદ (પ્રકારો) : કૌચની (1) વન્ય – જંગલી; (2) બાગી કે મીઠી તથા (3) રુવાંટી રહિત – એમ 3 જાતો થાય છે. તેમાંની વન્ય જાતિની શિંગ પરના વાળ (રુવાંટા) ખૂબ તીક્ષ્ણ ખૂજલીકર્તા હોય છે ને તેનાં બીજ નાનાં અને તપખીરી રંગનાં હોય છે. ઔષધિકામમાં આ કૌચ જ વધુ વપરાય છે. બીજા બાગી જાતના કૌચની શિંગ પર ખૂબ આછા વાળ કે રુવાંટી હોય છે. તેમાં ચળ પેદા કરવાનો ગુણ અલ્પ હોય છે; જ્યારે ત્રીજી જાત એવી થાય છે કે તેની શિંગ પર જરાય વાળ કે રુવાંટા હોતા નથી. બાગી કૌચનાં બીનાં છોડાં કાઢી તેનું શાક કે અથાણું બનાવાય છે.

ગુણધર્મો : કૌચનાં બીજ મધુર, જરા કડવાં, પચવામાં ભારે અને ગુણમાં પુષ્ટિકર, શીતળ, વૃષ્ય, વીર્યવર્ધક, બલકર, વાતહર, પરમ વાજીકર અને વાયુના રોગો, દુષ્ટ વ્રણ (જખમ), રક્તપિત્ત, કૃશતા, અશક્તિ વગેરેનો નાશ કરે છે. તેના બીજા ગુણો અડદ જેવા છે. કૌચ-બીજ વાતવ્યાધિનાશક અને નાડીસંસ્થાન માટે ઉત્તમ બળદાયક છે. તે મૂત્રકૃચ્છ્ર, મૂત્રપિંડ(કિડની)ના રોગ, વીર્યની નબળાઈ, નપુંસકતા (નામર્દાઈ), શીઘ્રપતન તથા શ્વાસની નબળાઈ ઉપર પણ લાભપ્રદ, જ્ઞાનતંતુ-ઉત્તેજક અને સર્વધાતુવર્ધક છે. કૌચ-વેલનાં મૂળ ઉત્તેજક, વાજીકર, મૂત્રલ, ઋતુસ્રાવ-નિયામક અને નાડીની નબળાઈ, વાતવ્યાધિઓ તથા ઝાડાના રોગને મટાડે છે. મૂળની ધુમાડી પ્રસૂતિકષ્ટ દૂર કરે છે. કૌચ-વેલનાં પાન કાળાં મરી સાથે કૃમિનાશક છે. પાનનો રસ શિર:શૂલહર, રક્તશુદ્ધિકર તથા ઉપદંશ(ચાંદી – syphilis)નાશક છે. કૌચની શિંગ બહારના આછા પીળા કે કેસરી રંગના વાળ (રોમ-કાંટા) ઔષધરૂપે લેવાથી ગંડૂપદ (Round Worms : ગોળ કરમિયા) તથા આંતરડાંના કૃમિનો નાશ થાય છે.

કૌચબીજનું ચૂર્ણ 3થી 6 ગ્રામ, મૂળનો ઉકાળો 50થી 100 મિલી. અને શિંગનાં રોમ 125 મિગ્રા. જેટલી માત્રામાં લેવાય છે. કૌચબીજ બે વર્ષ સુધી ઉત્તમ ગુણકારી રહે છે. કૌચ કદાચ ન મળે તો તેની જગ્યાએ સેમળ-મૂસળી કે ઉટીગણ બી લેવાય છે. આ ઔષધિનો અતિરેક થાય તો હરસ મસાની તકલીફ થાય છે. તેના અતિ સેવનથી થયેલ ઉપદ્રવનો નાશ બાવળનો ગુંદ કે રોગન મસ્તંગી કે ગુલરોગન(ગુલાબનું તેલ)થી થાય છે. કૌચનાં બીને દૂધમાં ઉકાળી, તેનાં ફોતરાં દૂર કરી, પછી સૂકવીને તેનું ચૂર્ણ કરી વપરાય છે. કૌચ આ રીતે શુદ્ધ કર્યા સિવાય ખવાતાં નથી.

ઔષધિપ્રયોગો : (1) વાજીકર પ્રયોગો : કૌચબીજ, ગોખરુ, સફેદ મૂસળી, ગળોસત્વ, સેમલ-મૂસળી, આમળાં અને સાકર સમભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ દૂધ કે ઘી સાથે સેવન કરાય છે. અથવા કૌચબીજ, શતાવરી, ગોખરુ, ગંગેરન (ગંગેટી) બી, વરિયાળી તથા એખરાનાં બી સમ ભાગે લઈ, તેનું ચૂર્ણ બનાવી સાકરવાળા દૂધ સાથે રોજ બે વાર લેવાય છે. (2) કૃમિરોગ : કૌચનાં પાન તથા કાળાં મરીનું ચૂર્ણ રોજ પાણીમાં લેવાય છે. (3) શ્વાસ : કૌચબીજનું ચૂર્ણ મધ તથા આદુના રસમાં મેળવી રોજ લેવાય છે. (4) મૂત્રકષ્ટ (અલ્પ મૂત્ર) : કૌચબીજનું ચૂર્ણ પાણી સાથે લેવાય છે. (5) શ્વેત પ્રદર : કૌચબીજનું ચૂર્ણ દૂધ અથવા મધ સાથે રોજ લેવાય છે. (6) પ્રલાપક જ્વર (તાવમાં લવરી) : કૌચમૂળનો ઉકાળો કરી દર્દીને વારંવાર પાવામાં આવે છે. (7) લાલા મેહ : કૌચબીજ, સફેદ મૂસળી, આમળાં, શતાવરી, કઠ અને કાચી હળદરનું સમભાગ ચૂર્ણ કરી, તેમાં સરખા ભાગે સાકર મેળવી, રોજ સવાર-સાંજ 5-5 ગ્રામ દવા દૂધ સાથે લેવાય છે. (8) અડદિયો (ચહેરાનો) લકવો (વા) : કૌચબીજની ખીર કરી રોજ લેવાય છે. (9) પક્ષાઘાત (લકવા) : કૌચબીજ, અડદ, એરંડમૂળની છાલ, ખરેટી(બલા)નો ઉકાળો કરી, તેમાં 100 મિગ્રા. ઘીમાં શેકેલી હિંગ તથા 1 ગ્રામ સિંધાલૂણ નાખી દર્દીને રોજ પાવામાં આવે છે.

 બળદેવપ્રસાદ પનારા