કૌણિક અંતર યા મંદકેન્દ્ર

કૌણિક અંતર યા મંદકેન્દ્ર : કક્ષીય ગતિ દર્શાવવા માટે વપરાતી કોણીય અંકસંખ્યા. મંદકેન્દ્ર ત્રણ પ્રકારનાં છે : (1) સ્પષ્ટ, (2) મધ્યમ  અને (3) ઉત્કેન્દ્રક.

સ્પષ્ટ મંદકેન્દ્ર : કક્ષામાં ગતિ કરતા વાસ્તવિક ગ્રહ દ્વારા સૂર્ય અને નીચબિંદુ સાથે મપાતો ગ્રહની કક્ષા દિશામાંનો કોણ. આકૃતિમાં તે PSB છે અને S આગળ તેને V વડે દર્શાવેલો છે.

મધ્યમ મંદકેન્દ્ર : કેપ્લરના નિયમ અનુસાર કક્ષામાં ગતિ કરતા ગ્રહનો વેગ તે ઉચ્ચ બિંદુએ હોય તેના કરતાં નીચ બિંદુએ વધુ હોય છે. મૂળ ગ્રહની સાથે એકસાથે નીકળી સમગ્ર કક્ષા દરમિયાન સરખા વેગથી ઘૂમતા કાલ્પનિક ગ્રહને મધ્યમ ગ્રહ કહે છે. મધ્યમ ગ્રહ દ્વારા સૂર્ય આગળ બનતા કોણને મધ્યમ મંદકેન્દ્ર કહે છે.

કૌણિક અંતર : P સૂર્યની આસપાસ દીર્ઘવૃત્તમાં ફરતો ગ્રહ. A, B અને M દીર્ઘવૃત્તનાં અનુક્રમે ઉચ્ચબિંદુ, નીચબિંદુ અને મધ્યબિંદુ છે. S દીર્ઘવૃત્તના અક્ષ પરની એક નાભિમાં રહેલા સૂર્યનું સ્થાન છે. P¢ દીર્ઘવૃત્તના AB વ્યાસ પર દોરેલા અર્ધવર્તુળ પર આવેલું બિંદુ છે. Pમાંથી અક્ષ પર દોરેલા લંબને ઉપરની તરફ લંબાવતાં તે મળે છે.

ઉત્કેન્દ્રક મંદકેન્દ્ર : આકૃતિમાં દર્શાવેલ કક્ષાકેન્દ્ર આગળનો ખૂણો P¢MB જેને E દ્વારા દર્શાવેલો છે, તેને ઉત્કેન્દ્રક મંદકેન્દ્ર કહે છે.

છોટુભાઈ સુથાર