કુરુવંશ : બ્રાહ્મણ સાહિત્યમાં વર્ણવેલી એક મહત્વની પ્રજા. મોટા ભાગના બ્રાહ્મણગ્રંથ ‘કુરુઓ’ની સત્તાના પ્રદેશ કુરુ-પાંચાલમાં રચાયા હતા. ‘કુરુ’ સંજ્ઞા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં હમેશાં ‘કુરુ-પાંચાલ’ એવા જોડિયા નામે પ્રયોજાયેલી છે. ભાષા અને યજ્ઞ પદ્ધતિ પણ આ પ્રદેશમાં ઉત્તમ હતી. અહીં રાજસૂય યજ્ઞોનું પણ યજન થયેલું. ઉપનિષદોમાં કુરુ-પાંચાલના બ્રાહ્મણોની વિશિષ્ટતા જોવા મળે છે.

એ ખરું કે ‘કુરુ’નો પ્રજા તરીકે ઋગ્વેદમાં સીધો ઉલ્લેખ નથી. પરંતુ ‘કુરુ-શ્રવણ’, ‘ત્રસદસ્યુ’ના પુત્ર ‘ત્રાસદસ્યવ’ અને ‘કૌરપાણ’ એવાં વ્યક્તિનામ જોવા મળે છે, જે હકીકતે ‘વંશ’નાં દ્યોતક છે. અથર્વવેદમાં કુરુરાજ તરીકે પરીક્ષિતનું નામ મળે છે, જેના પુત્ર જનમેજયનું નામ શતપથ બ્રાહ્મણમાં મળે છે. આમાંનો ‘કુરુ-શ્રવણ’ એ ‘પુરુ’ પ્રજાનો રાજવી હતો. ‘કુરુ’ઓ, ‘પુરુ’ઓ અને ઋગ્વેદમાંના તૃત્સુ-ભરતો આગળ જતાં એકાત્મક થયા. આ એકાત્મતા શુક્લ યજુર્વેદમાં જોવા મળે છે. આ કુરુ-પાંચાલોનો પ્રદેશ ‘મધ્યદેશ’ તરીકે જાણીતો હતો. આ કુરુઓની એક પાંખ ઉત્તરે હિમાલયની પેલે પાર ઉત્તર-કુરુ પ્રદેશમાં હતી. નીચેના અને ઉત્તરનાં આ કુરુઓની ભાષા એક હતી. બ્રાહ્મણ સંસ્કૃતિ કુરુ-પાંચાલોના પ્રદેશમાં વિકસી અને પછી અન્ય પ્રદેશોમાં એનો પ્રસાર થયો.

અથર્વવેદમાં પરીક્ષિતના રાજ્યમાં ‘કૌરવ્ય’નો નિર્દેશ થયેલો છે અને શતપથ બ્રાહ્મણમાં કોરવ્ય તરીકે ‘બહ્લિક પાતીપીય’ અને ‘આર્ષ્ટિષેણ’ તથા ‘દેવાપિ’ પણ બતાવાયા છે.

વૈદિક સાહિત્યમાં આ પરિસ્થિતિ છે, ત્યારે મહાભારત તેમજ મત્સ્ય-વાયુ-વિષ્ણુ-ભાગવત વગેરે પુરાણોની વંશાવલી કુરુવંશને ‘ચંદ્રવંશ’નો કહે છે. રાજા યયાતિના ‘કુરુ’, ‘પુરુ’, ‘અનુ’, ‘તુર્વસુ’ અને ‘દ્રુહ્યુ’ એ નામના જે પાંચ પુત્ર હતા તેમાંના ‘કુરુ’નો વંશ હસ્તિનાપુરમાં વિકસ્યો; જેમાં આર્ષ્ટિષેણ, દેવાપિ, વિચિત્રવીર્ય, ધૃતરાષ્ટ્ર, પરીક્ષિત, જનમેજય વગેરે રાજવી થયા. ધૃતરાષ્ટ્રના પુત્રોને ‘કૌરવો’ અને નાના ભાઈ પાંડુના પુત્રો તે ‘પાંડવો’ જેઓની વચ્ચે મહાભારત યુદ્ધ ખેલાયું. ચંદ્રવંશી અજમીઢ રાજાના સંવરણ નામના પૌત્રને તપતી નામની પત્નીથી થયેલો યદુરાજા આ વંશમાં થયો અને એના વંશજો ‘યાદવો’ કહેવાયા. પાંડવો-કૌરવોને પૌરાણિક સાહિત્યમાં દુષ્યંતના પુત્ર ભરતના વંશજો તરીકે ‘ભારત’ કહ્યા છે.

કે. કા. શાસ્ત્રી