કુરુષ : પાર્સ(ઈરાન)ના હખામની વંશના સ્થાપક. કુરુષે (જેને ગ્રીક ભાષામાં Cyrus – કિરુસ – કહ્યો છે ને જેનો રાજ્યકાલ લગભગ ઈ. પૂ. 558-530 હતો) ગેડ્રોસિયા (મકરાણ) થઈ સિંધુ દેશ (સિંધ) જીતવા કોશિશ કરી, પણ તેમાં તે નિષ્ફળ ગયો. પરંતુ એ ગંધાર દેશનો ઘણો ભાગ જીતી લેવામાં સફળ થયો. ત્યારે સિંધુ અને કાબુલની વચ્ચે આષ્ટકો અને અશ્વકો રહેતા હતા. કુરુષે સિંધુની પશ્ચિમના ગંધાર પ્રદેશ પર પોતાની સત્તા પ્રસારી ત્યાં હખામની સામ્રાજ્યની સાતમી સત્રપી (સૂબાગીરી) સ્થાપી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી