કુરુ-પાંચાલો : પ્રાચીન ભારતની શક્તિશાળી ચંદ્રવંશી જાતિઓ. તે એકબીજાની મિત્ર અને મદદગાર હતી. વૈદિક સમયમાં કુરુ વંશ અને ભરત વંશના લોકો એક બનીને કુરુ તરીકે ઓળખાયા, જ્યારે તુર્વસુ અને ક્રિવી વંશના લોકો સંયુક્ત બનીને પાંચાલો તરીકે ઓળખાયા. એ પછી કુરુ અને પાંચાલ એક બનીને કુરુ-પાંચાલો તરીકે ઓળખાયા. બ્રાહ્મણો રચાયાં તે સમયમાં કુરુ-પાંચાલોનું ઘણું પ્રભુત્વ હતું. કુરુ-પાંચાલોની વાણી અને યજ્ઞ કરવાની રીત શ્રેષ્ઠ ગણાતી હતી. કુરુ-પાંચાલ રાજાઓ ઘણા પરાક્રમી અને અન્ય રાજાઓ માટે આદર્શ સમાન હતા. તે રાજસૂય યજ્ઞ કરતા, વર્ષા ઋતુ પછી પ્રદેશો જીતવા વિજયકૂચ શરૂ કરતા અને ગ્રીષ્મ ઋતુમાં પોતાના રાજ્યમાં પાછા ફરતા. સંહિતાઓ ને બ્રાહ્મણોને છેવટનું સ્વરૂપ આપવામાં કુરુ-પાંચાલ રાજાઓનો મહત્વનો ફાળો હોવાનું મનાય છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી