કિર્કગાર્ડ (જ. 5 મે 1813, કૉપનહેગન; અ. 11 નવેમ્બર 1855, કૉપનહેગન) : સૉરન કિર્કગાર્ડને ધર્મવિષયક/નૈતિકતાવિષયક અપરાધભાવ (guilt), પસ્તાવો, નિરાશા, વિષાદ, વ્યગ્રતા ચિન્તા વગેરે મનોભાવો તેમના પિતા માઇક્યેલ તરફથી જાણે કે વારસામાં મળ્યા હતા. જીવનના ઊંડા પ્રશ્નો પ્રત્યેના ચિન્તન સાથે સંકળાયેલા આ મનોભાવો કોઈ સાંસારિક/લૌકિક મૂંઝવણો કે વ્યાવહારિક ચિન્તાઓ સાથે જોડાયેલા ન હતા. ‘કિર્ક’ એટલે ચર્ચનો એક ભાગ અને ‘ગાર્ડ’ (guard) એટલે કુટુંબના ઉપયોગમાં આવતું ફાર્મહાઉસ; એટલે ‘કિર્કગાર્ડ’નો એક અર્થ છે – ચર્ચયાર્ડ.

માઇકયેલને દૃઢ પ્રતીતિ હતી કે તેમના કુટુંબ ઉપર કોઈક શાપ (curse) છે એટલે જિસસ ક્રાઇસ્ટના જેટલી વયે 33 વર્ષે બધાં સંતાનો મૃત્યુ પામશે. જોકે સૉરેન અને પીટર એ બે ભાઈઓ વિશે આ આગાહી ખોટી પડી. સૉરેનના પિતા તેમને માટે ધર્મવિષયક અજંપો અને તણાવ ઉપરની સારી એવી સંપત્તિ પણ મૂકતા ગયા હતા, પણ પ્રશ્ન સાંસારિક સલામતીનો ન હતો, અંતિમ તત્ત્વ (ઈશ્વર) સાથેના અનુસંધાનનો હતો અને હતાશા, ચિન્તા વગેરે મનોભાવો તેના અંગેના હતા. કિર્કગાર્ડની કૃતિઓમાં તેમના પિતાના ઊંડા વિષાદ(gloom)નો પ્રભાવ સતત જોવા મળે છે. તેમના પિતાએ ઈશુ ખ્રિસ્તની અપાર યાતનાઓનો સતત ઉલ્લેખ કરેલો અને મનુષ્યના કલ્યાણ માટે ઈશુએ ભોગવેલાં દુ:ખોને સતત સ્મરણમાં રાખવાનું સૂચવ્યું હતું. તેથી સૉરેન કિર્કગાર્ડ સતત ખિન્નતા, ઉદ્વેગ અને ઉત્સાહભંગની ઉદાસ અવસ્થા(melancholy)નો અનુભવ કરતા હતા, કારણ કે ઈશુ ખ્રિસ્તના જીવનથી સમજાય છે કે સત્ય માટે તો લોકોએ ખૂબ ભોગવવું પડશે. કિર્કગાર્ડના વિષાદનું, ખિન્નતા(depression)નું મૂળ ક્રાઇસ્ટની યાતનાઓના સતત સ્મરણમાં છે.

સૉરન કિર્કગાર્ડ

કિર્કગાર્ડના જીવનમાં તેમના પિતાનો પ્રભાવ તો નિર્ણાયક રહ્યો છે, પરન્તુ 1840માં રેગીન ઑલ્સન સાથે તેમનું સગપણ થયું અને તે પછીના વર્ષમાં જ તે સંબંધનો અંત આવ્યો તે ઘટનાઓનો પણ કિર્કગાર્ડની કૃતિઓ ઉપર અને તેમના સમગ્ર ચિન્તન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો છે. રેગીન સાથે સગપણ થયા પછી બીજે જ દિવસે તેમને લાગ્યું કે સતત ઉદાસીનતા, વ્યગ્રતા અને ખિન્નતાનો તેમનો મનોભાવ રેગીનને સુખી કરવામાં બાધક નીવડશે. રેગીન સમક્ષ તેઓ આ તાત્વિક અજંપાનો ખુલાસો પણ કરી શકે તેમ ન હતા અને પોતાના કુટુંબ ઉપરના શાપ (curse) વિશે પણ રેગીનને કશું સમજાવી શકાય તેમ ન હતું. તેમના સમયમાં સગપણ તૂટવાની ઘટના છોકરીની બદનામીમાં પરિણમતી હતી. તે જોતાં કિર્કગાર્ડે જુદી જુદી યુક્તિઓથી બધો દોષ પોતાનો આવે તેવું વર્તન કર્યું હતું. 1841ના નવેમ્બરમાં કિર્કગાર્ડે રેગીન સાથેનું સગપણ તોડી નાખ્યું. ત્યાર બાદ બે અઠવાડિયાં પછી તેઓ બર્લિન ગયા અને લેખનકાર્ય શરૂ કર્યું. તેઓ જીવનભર અપરિણીત રહ્યા હતા.

કોપનહેગન યુનિવર્સિટીમાં તેમણે ઈશ્વરવિચાર, સાહિત્ય અને તત્વજ્ઞાનનો અભ્યાસ તો કર્યો જ હતો અને 1840-41ના ગાળામાં તેમણે ‘ઑન ધ કૉન્સેપ્ટ ઑવ્ આયરની’ – એ ગ્રંથ પ્રકાશિત કર્યો. ત્યાર પછી તેમણે પોતાની કેટલીક કૃતિઓ ઇતર વ્યક્તિના નામે 1846 સુધી છપાવી. વિવેચકોનાં ઊહાપોહને કારણે અને તેમના વ્યક્તિત્વ ઉપરના અંગત પ્રહારોને લીધે કિર્કગાર્ડની ખિન્નતામાં વધારો થયો. ચર્ચની સમીક્ષા અંગેની તેમની પોતાની કૃતિઓના લખાણમાં તેમણે કટાક્ષ, વક્રોક્તિનો અને રમૂજનો પણ ઉપયોગ કર્યો છે. તેમનાં લખાણો નોંધો, જર્નલો, ડાયરી, પત્રો, વગેરે રૂપે છે.

કિર્કગાર્ડની મહત્ત્વની કૃતિઓ છે : ‘આઇધર/ઑર’ (1843); ‘ધ કન્સેપ્ટ ઑફ ડ્રેડ’ (1844) ‘ધ સિકનેસ અન ટુ-ડેથ’ (1849); ‘ફિયર ઍન્ડ ટેમ્બ્લિંગ’ (1843); ‘રિપિટિશન’, ‘સ્ટેજિઝ ઑન લાઇફ્સ વે’ (1845).

આ બધી કૃતિઓમાં જુદાં જુદાં સ્વરૂપોમાં પ્રેમ, બલિદાન, ત્યાગ, સુખવાદ વિરુદ્ધ કર્તવ્યવાદ, શ્રદ્ધા, ખ્રિસ્તી પંથનું હાર્દ, લૈંગિકતા (sexuality), મૂળ પાપ (original sin) એમ અનેક વિચારવિષયો કિર્કગોર્ડે પોતાની આગવી અપરંપરાગત લેખનશૈલીમાં નિરૂપ્યા છે. તેમાં રેગીન સાથેના કિર્કગાર્ડના સંબંધોના કરુણ અંતની ગમગીન છાયા પણ પડેલી જણાય છે. જર્મન ફિલસૂફ હેગેલના વિચારતન્ત્ર(system)નો સંપૂર્ણ ઉગ્ર વિરોધ તેમણે ‘કન્ક્લ્યૂડિંગ અનસાયન્ટિફિક પોસ્ટસ્ક્રિપ્ટ’ (1846) એ કૃતિમાં કર્યો છે. અસ્તિત્વને વિચારતંત્રમાં વિભાવનાઓના સેટમાં બાંધી લેવાની હેગલની તાર્કિક પદ્ધતિ મનુષ્યના અસ્તિત્વલક્ષી મૂર્ત પ્રશ્નોને અવગણે છે. કિર્કગાર્ડ જ્ઞાનમાર્ગના વિરોધી છે અને પરંપરાગત ભક્તિમાર્ગી પણ નથી. ‘સત્કર્મો/દુષ્કૃત્યો’ વગેરે માનવીય મૂલ્યાંકનોની પરિભાષાના શબ્દો છે. ઈશ્વરને વિશે, તેનાં કાર્યો કે વાણીને વિશે આવાં કોઈ મૂલ્યાંકનોનો અર્થ નથી. પ્રશ્ન ઉદ્ધારક અને પ્રેરક ઈશ્વરકૃપા(grace)નો છે. કોણ તેને પાત્ર થશે તે કહી શકાય નહિ. કિર્કગાર્ડ મુક્તિના કોઈ માર્ગો દર્શાવતા નથી; કારણ કે તેવું કશું વસ્તુલક્ષી સત્ય બધાંને માટે સ્થાપી શકાય તેમ નથી. જ્ઞાન, કર્મ કે ભક્તિ એક પણ રીતે ઈશ્વરપ્રાપ્તિ શક્ય નથી.

કિર્કગાર્ડે ‘to exist’ (અસ્તિત્વમાં હોવું) – એ શબ્દોનો કેવળ માનવ-અસ્તિત્વને માટે ઉપયોગ કર્યો છે. વીસમી સદીના હાઇડેગર અને સાર્ત્ર જેવા અસ્તિત્વવાદીઓએ પણ મનુષ્યના અસ્તિત્વને અન્ય તમામ વસ્તુઓથી ભિન્ન રીતે સમજાવ્યું છે. Existenceમાં માત્ર હોવું એવો અર્થ ન લેતાં પોતાની બહાર રહેવું, આગળ જવું, કશુંક થવું એવું કોઈ ભાવિલક્ષી પરિમાણ માનવ-અસ્તિત્વ સાથે કિર્કગાર્ડે, સાર્ત્રે અને હાઇડેગરે જોડ્યું છે. માનવ-અસ્તિત્વને એક બાજુ સ્વાતંત્ર્ય સાથે (સાર્ત્ર) કે બીજી બાજુ મૃત્યુ સાથે (હાઇડેગર) જોડી તેની કાલિકતા(temporality)નો વિચાર કરવામાં આવ્યો છે. જોકે માનવ-અસ્તિત્વથી વિચારનો પ્રારંભ કરનારા કિર્કગાર્ડ અંતે ખ્રિસ્તી શ્રદ્ધા સુધી પહોંચ્યા; ‘ડાઝાઇન’(માનવ-સત્ જર્મન શબ્દ dasein)થી શરૂ કરનાર હાઇડેગરે તેમના પછીના ચિન્તનમાં કેવળ સતને જ કેન્દ્રમાં મૂક્યું; એટલું જ નહિ ઈશ્વર શબ્દનો ઉપયોગ કર્યા વગર, કેવળ Beingને આધારે તેમણે નવો એકેશ્વરવાદ પછીનો ઈશ્વરવાદ (post monotheism) રજૂ કર્યો. હાઇડેગર નાઝીવાદ તરફ પણ ઢળ્યા હતા. આરંભે સાર્ત્ર અસ્તિત્વવાદી હતા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી તેઓ માકર્સવાદ તરફ વળ્યા અને 1960 સુધીમાં તેમણે પશ્ચિમી નવ્ય માર્કસવાદ સ્થાપ્યો. જેનો અસ્તિત્વવાદથી પ્રારંભ થાય છે તે ચિંતન ક્યાં જઈને વિરમે છે તે કહેવું મુશ્કેલ છે.

કિર્કગાર્ડે જીવનના માર્ગના ત્રણ તબક્કાઓ (stages) દર્શાવ્યા છે : પહેલો તબક્કો ઇન્દ્રિયગમ્ય વિષયોના ઉપભોગનો સુખવાદી તબક્કો છે, જેને કિર્કગાર્ડ ‘aesthetic stage’ કહે છે. (અહીં ‘aesthetic’નો અર્થ સૌંદર્યના કે કલાના સંદર્ભમાં સમજવાનો નથી); પરંતુ આ તબક્કો એટલે કે કેવળ આનંદ-ઉપભોગનો તબક્કો અંતે મનુષ્યને સંતોષ આપતો નથી. એક જ પ્રકારની વસ્તુઓ કે ક્રિયાઓમાંથી એક જ પ્રકારનો આનંદ અંતે કંટાળો લાવે છે. વૃત્તિઓના આવેશોના કે લાગણીઓના ગુલામ બનીને જીવવામાં જીવનનું કોઈ કેન્દ્ર સ્થપાતું નથી અને ક્ષણિક આનંદોની ઉત્તરોત્તર અનુભવાતી શૃંખલાઓથી પણ મનને સંતૃપ્તિ થતી નથી. ઇચ્છા, તૃપ્તિ, ફરી ઇચ્છા – આ જાતનો ઉપક્રમ સતત ચાલુ રહે છે. જ્યારે વ્યક્તિ ખૂબ હતાશામાં – despair-માં વૃત્તિઓથી ઉપર ઊઠવાની જીવનશૈલી પસંદ કરે છે ત્યારે તે પોતાની જાત(self)ની નવી પસંદગી કરે છે અને તે બીજા તબક્કામાં – નૈતિક તબક્કા(ethical stage)માં – પ્રવેશે છે. અહીં ખરેખર ‘either-or’નો પ્રશ્ન છે. વ્યક્તિએ નિર્ણય લેવાનો છે કે તે કેવળ ઉપભોગવાદી જીવનશૈલીને અનુસરવાનો છે કે પછી વૃત્તિ ઉપર નૈતિકતાના શાસનવાળી જિંદગી જીવવાનો છે. આ માત્ર વિચારનો પ્રશ્ન નથી સ્વ-સંઘર્ષનો કે મનોમંથનનો પ્રશ્ન છે. નિર્ણયનો, સંકલ્પનો પ્રસંગ છે. પસંદગી, નિર્ણય કે સંકલ્પને કિર્કગાર્ડ કેન્દ્રમાં મૂકે છે સ્વ-પસંદગીના ધ્યેય માટેની નિષ્ઠા (commitment) – એ અહીં મહત્ત્વની છે. ઉપભોગવાદી તબક્કામાંથી નૈતિકતાના તબક્કામાં જવા માટે કૂદકો (leap) મારવો પડે છે. એક નવા સ્વની પસંદગી તેમાં હોય છે.

નૈતિકતાનો બીજો તબક્કો સર્વદેશીય આધારસિદ્ધાન્તોનો તબક્કો છે. દા.ત., જીવનસાથીઓની પરસ્પરની વફાદારી અને નિષ્ઠાના તત્વને લીધે લગ્નજીવનમાં સંવેદનાત્મક શારીરિક આનન્દોને પણ સમાવી લેવામાં આવે છે. સમગ્ર સ્વતત્ત્વ(self)ના સંદર્ભમાં સર્વદેશીય નિયમને અનુસરીને વ્યક્તિઓએ પોતાની ઇચ્છાઓ અને વૃત્તિઓને કાબૂમાં રાખવાની છે વ્યક્તિની પસંદગીની સ્વતન્ત્રતાનો અર્થ બેફામ સ્વેચ્છાચાર – એવો થતો નથી. એક પછી એક લૈંગિક (sexual) સુખનાં પાત્રો બદલનારાં સ્ત્રી-પુરુષો કરતાં પરસ્પરને વફાદાર પતિ-પત્નીનાં રસિક યુગલો નૈતિક દૃષ્ટિએ ચઢિયાતાં છે. જેમ એક વ્યક્તિની અંદર વ્યક્તિના પોતાના હિત માટે પણ તેની વૃત્તિઓ/ઇચ્છાઓ ઉપર નિયન્ત્રણ રાખવું નૈતિક રીતે જરૂરી છે તેમ સમગ્ર સમાજનાં હિતો માટે સમાજની અંદરની વ્યક્તિઓનું પણ નૈતિક નિયન્ત્રણ જરૂરી છે.

ધાર્મિકતાનો ત્રીજો તબક્કો કિર્કગાર્ડની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનો છે. ગમે તેટલું સારું જીવન જીવે તોપણ બધા નૈતિક આદર્શોને કોઈ પણ વ્યક્તિ પૂર્ણ રીતે પાળી શકે જ નહિ. જ્ઞાનના કે નૈતિકતાના ક્ષેત્રે પૂર્ણતા (perfection) શક્ય નથી. અપૂર્ણ માનવી નૈતિક પૂર્ણતાને પામી શકે જ નહિ. તેથી જ આ બાબત સ્વીકારીને ઈશ્વર આગળ વ્યક્તિએ પોતાની અપૂર્ણતાઓ, દોષો અને પાપોનો નમ્રતાથી એકરાર કરવો જોઈએ. પૂર્ણતાને સિદ્ધ કરવાનું નૈતિક કર્તવ્ય કોઈ સિદ્ધ કરી શકે નહિ તેથી તે દિશામાં ગમે તેટલી પ્રગતિ કરી હોય તોપણ તમામ મનુષ્યો અપરાધી કે વિચલિત જ હોય છે. માર્ટિન લ્યૂથરની જેમ કિર્કગાર્ડ ‘મૌલિક પાપ’(original sin)ને સ્વીકારે છે. અસ્તિત્વમાં હોવું એટલે જ મનુષ્ય માટે અપૂર્ણ હોવું, ક્ષતિયુક્ત હોવું, પાપી હોવું, દોષિત હોવું. મૂળ પાપમાંથી કોઈનો છુટકારો નથી. પોતે અત્યારે દોષયુક્ત ન હોય તોપણ માનવજાતનો સભ્ય હોવાથી જ તેને મૂળ પાપ સ્પર્શે છે. એટલે જ, માર્ગદર્શન માટે મનુષ્યોએ ઈશ્વર તરફ અભિમુખ થવું જ પડે. તેમ થાય ત્યારે સમજાય છે કે બીજે નૈતિકતાને તબક્કે જે નૈતિક કર્તવ્યોને તર્કબુદ્ધિ સ્થાપિત નિયમોમાંથી ફલિત થતાં ગણ્યાં હતાં તે જ કર્તવ્યોને હવે ઈશ્વરની આજ્ઞારૂપે સમજવાનાં છે. તેમાં માનવીય ધોરણો ચાલે તેમ નથી.

કિર્કગાર્ડ ધાર્મિકતાના તબક્કાના ધાર્મિકતા A અને ધાર્મિકતા B તેવા વિભાગો પાડે છે : ધાર્મિકતા A તો બિનખ્રિસ્તીઓ પણ પામી શકે છે. તેમાં ઈશ્વરને અંતર્યામી, જગતની અંદર પ્રવર્તતો (immanent) અને કંઈક અંશે બુદ્ધિથી સમજાય એવો સમજવામાં આવે છે. ધાર્મિકતા Bને કિર્કગાર્ડ ખ્રિસ્તીપંથ તરીકે ઘટાવે છે.

બીજા નૈતિક તબક્કામાંથી ધાર્મિકતા A તરફ જવામાં ત્યાગ, દુ:ખ, દોષભાવ (guilt) અને વિનોદ (humour) એ બાબતો સમાયેલી છે.

ત્યાગમાં વ્યક્તિ ઈશ્વર માટે બધું છોડી દે છે, શાંતિથી બધું સહન કરે છે, કશું માગતી નથી અને બધી ઇચ્છાઓ છોડી દે છે (resignation). ઈશ્વરને અનુસરવા માટે જે છોડવું કે ત્યજવું પડે તે છોડવું-ત્યજવું તેવી માનસિક તૈયારી એ ધાર્મિકતાનું લક્ષણ છે.

દુ:ખ કિર્કગાર્ડ માટે ધાર્મિકતાનું હાર્દ છે, સત્તા છે. દુ:ખ વગરની સ્થિતિ એ ધર્મ વગરની સ્થિતિ છે. આ દુ:ખ કોઈ વંચિતતા કે ખોટમાંથી ઉદભવતું સાંસારિક દુ:ખ નથી. સ્વાસ્થ્ય કે સંપત્તિ હોય અને કોઈ બાહ્ય આફતથી દુ:ખ ન પડતું હોય તોપણ જે દુ:ખનો ઈશ્વર આગળની અલ્પતા કે પામરતાને લીધે અનુભવ થાય છે તે જેટલો તીવ્ર તેટલી ધાર્મિકતા વધુ. સંસારનાં ધ્યેયોની વ્યર્થતાનું ભાન થાય અને ઈશ્વર સમક્ષ પોતાની અલ્પતાનું ભાન થાય એ જ દુ:ખ કહેવાય. ત્યાં ઈશ્વરને રાજી કરવાનું મનુષ્યના પાપી સ્વભાવને લીધે શક્ય જ નથી તેવું ભાન થાય છે.

ઈશ્વર મનુષ્ય પાસે પૂર્ણતાની આશા રાખે છે. મનુષ્ય માટે તે શક્ય નથી. તેથી મનુષ્ય અને ઈશ્વર વચ્ચેનું કાયમી અંતર પોતે જ દુ:ખદાયક છે. કિર્કગાર્ડ અહીં લ્યૂથરના ઈશ્વરવિચાર(theology)ને અનુસરે છે.

કિર્કગાર્ડે દુ:ખની જેમ દોષભાવ કે પાપભાનને પણ કેન્દ્રમાં મૂકીને ધર્મની વિચારણા કરી છે. તે જોતાં ધર્મમાં મનુષ્ય નૈતિકતા આચરીને, સ્વ-સુધારણા કરીને ઈશ્વરની નજરમાં યોગ્ય પાત્ર બની શકે છે તેવું પણ તેમણે સ્વીકાર્યું નથી, જે પ્રેમાળ ઈશ્વરના વિચાર સાથે મેળ ખાય તેમ નથી. મનુષ્ય અને ઈશ્વર વચ્ચેની અત્યંત ભિન્નતાને લીધે મનુષ્યના વર્તનનાં સારાં/નરસાં મૂલ્યાંકનો પણ ઈશ્વરની નજરમાં અપ્રસ્તુત બની જાય છે. વ્યક્તિએ પોતે ન કરેલાં પાપો માટે પણ વ્યક્તિ મનુષ્ય તરીકે જન્મી હોવાથી જ દોષભાવયુક્ત છે તેવો કિર્કગાર્ડનો લ્યૂથરવાદી મત ઘણાંને અતિશયોક્તિ ભરેલો જણાય. મનુષ્યની સિદ્ધિઓ મર્યાદિત હોય છે, તે નિષ્ફળ જાય છે, એ બધું સાચું પણ તેથી તેની નૈતિક પ્રગતિ કે ઉન્નતિ પણ ઈશ્વરની નજરમાં નિરર્થક ગણવી તેવો કિર્કગાર્ડનો મત વાજબી નથી તેવું વિવેચકો માને છે.

ત્યાગ, દુ:ખ અને દોષભાવ ઉપરાન્ત કિર્કગાર્ડ વિનોદને પણ ધાર્મિકતા સાથે જોડે છે. હાસ્ય-વિનોદનું મૂળ વિસંગતિ-(incongruence)માં છે. જેણે ત્યાગભાવના કેળવી છે તેમને માટે સંપત્તિ પાછળ આંધળી દોટ મૂકતા માણસોના વ્યર્થ પ્રયાસો વિનોદનું મૂળ બની જાય છે. વ્યર્થ ધ્યેયો પાછળ ભટકતા મનુષ્યો ‘કૉમિક’ પાત્રો જેવા લાગે છે, અને એ એક ‘ટ્રૅજેડી’ પણ છે.

ત્યાગ, દુ:ખ, અપરાધભાવ અને વિનોદ – એ ચાર ધાર્મિકતા Aનાં લક્ષણો છે. કિર્કગાર્ડ ત્યારપછી ખ્રિસ્તીધર્મ – ધાર્મિકતા B – ની રજૂઆત કરે છે. આ બે પ્રકારની ધાર્મિકતાનો ભેદ કિર્કગાર્ડે સંપૂર્ણ રીતે સ્પષ્ટ કર્યો નથી અને A કરતાં B ધાર્મિકતા ઊંચી કેમ છે તેનો પણ ખુલાસો કર્યો નથી. એક વાર તર્કનાં ધોરણો છોડી દો પછી સર્વદેશી મૂલ્યાંકનો પણ રદ થઈ જાય છે.

સાચા અને પૂર્ણ અર્થમાં કોઈ વ્યક્તિ ખ્રિસ્તી બને તે કિર્કગાર્ડની દૃષ્ટિએ નીચેની ત્રણ માન્યતાઓના સ્વીકાર ઉપર આધારિત છે :

  1. વસ્તુપરકતા(objectivity)નો અસ્વીકાર
  2. સ્વનિષ્ઠતા(subjectivity)ની પ્રાપ્તિ
  3. સ્વનિષ્ઠતાને આધારે શ્રદ્ધાનું જોખમ તર્કના પીઠબળ વગર લેવું તે જ ધર્મિષ્ઠા

1. ખ્રિસ્તી સંદર્ભમાં વસ્તુપરક-વસ્તુલક્ષી-વસ્તુનિષ્ઠ (objective) જ્ઞાન શક્ય છે તેવું માનવું એ જ એક ભ્રાન્તિ (illusion) છે. અમૂર્ત વસ્તુલક્ષી વિચાર દ્વારા ક્યારેય સાચું ખ્રિસ્તીતત્વ પામી શકાય નહિ. તર્કબુદ્ધિ હંમેશાં સાર્વત્રિક તત્વો (universals) સાથે જ કામ પાડે છે તેથી કોઈ પણ વિશેષ(particular)ને તર્કબુદ્ધિની અમૂર્ત વિચારક્રિયા પામી શકે જ નહિ. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન અમૂર્ત જ્ઞાનતન્ત્રો (systems) છે; જ્યારે ખ્રિસ્તી સત્યનો અનુભવ તો દેશકાળમાં રહેતી વિશેષ વ્યક્તિનો જીવન્ત અનુભવ છે. કોઈ પણ વિશેષ મૂર્ત અસ્તિત્વ વિચાર કે વિભાવનાઓ (concepts) દ્વારા પૂરી રીતે ગ્રાહ્ય બને જ નહિ. વિચારોને તો સામાન્યવાચક શબ્દો/વિભાવનાઓ સાથે કામ પાડવાનું છે. અસ્તિત્વ તો અનુભવગ્રાહ્ય જ હોય, વિચારગ્રાહ્ય નહિ. વસ્તુલક્ષી વિચાર કદી અસ્તિત્વને પામી શકે નહિ. કિર્કગાર્ડ હેગેલના વિચારતન્ત્રનો આ કારણે વિરોધ કરતા હતા.

વસ્તુલક્ષી જ્ઞાન ન તો અસ્તિત્વને પામી શકે કે ન તો એ ધર્મના ક્ષેત્રમાં નિશ્ચિત જ્ઞાન આપી શકે. તત્ત્વજ્ઞાન, ઇતિહાસ કે વિજ્ઞાન ખ્રિસ્તીધર્મનું વસ્તુલક્ષી અને નિશ્ચિત્ત જ્ઞાન આપી શકે જ નહિ, કારણ કે ખ્રિસ્તી સત્ય વસ્તુલક્ષી તત્ત્વ છે જ નહિ એટલે આ બાબતમાં વૈજ્ઞાનિક તાર્કિક વિચાર કરવામાં ગેરસમજણો જ થશે. શ્રદ્ધાનો વિષય ઍબ્સર્ડ છે અને તેનો જ શ્રદ્ધાથી સ્વીકાર થાય છે.

ઇબ્રાહીમ તેના પુત્ર ઇસહાકને ઈશ્વરની આજ્ઞાથી, તે નિર્દોષ હોવા છતાં મારી નાખવા તૈયાર થાય છે તે ઘટનાનિરૂપણને ધ્યાનમાં લઈને કિર્કગાર્ડ કહે છે કે અહીં નૈતિક તર્કબુદ્ધિથી વિચારો તો નિર્દોષ પુત્રનું બલિદાન આપવા તૈયાર થવું એ વર્તન જ નૈતિક રીતે નિંદનીય છે, પરંતુ ધર્મના સ્તરે આવી absurdityના સ્વીકારમાં જ સાચી શ્રદ્ધા છે. શ્રદ્ધાથી ઇબ્રાહીમને જે દેખાયું તે નૈતિક કક્ષાએ સ્થગિત થઈ ગયેલા વિચારકને નહિ સમજાય. ઈશ્વરની આજ્ઞાનું મૂલ્યાંકન માનવીના નૈતિકતાના માપદંડોથી થઈ શકે. લ્યૂથરની જેમ કિર્કગાર્ડ ધાર્મિકતાના હિતમાં નૈતિકતાની મોકૂફી(teleological suspension of the ethical)નો સ્વીકાર કરે છે. ધાર્મિક શ્રદ્ધાનો અર્થ કિર્કગાર્ડ ઈશ્વરની નજરમાં વ્યક્તિના પોતાના કલ્યાણ તરીકે ઘટાવે છે. સ્નેહ, પ્રેમ, દયા, ક્ષમા, નિ:સ્વાર્થ સેવા વગેરે લોકહિત માટેની રચનાત્મક પ્રવૃત્તિનાં મૂલ્યો પણ આ કહેવાતી ઉચ્ચતર ધાર્મિકતાની દૃષ્ટિએ વ્યર્થ છે. કશું મનુષ્યના હાથમાં જ નથી. તેનો ઉદ્ધાર પણ નહિ.

કિર્કગાર્ડનો મત એ છે કે અબુદ્ધિગમ્ય અને સ્વ-વિસંગત એવી ઍબ્સર્ડ માન્યતાઓને આપણે અત્યંત ઉત્કટતા કે આવેશથી સ્વીકારીએ તો તે સ્વલક્ષી રીતે સત્ય બની જાય છે. તર્કશાસ્ત્ર/નીતિશાસ્ત્રના તાર્કિક આધારો જ પડકારનારો આવો મત બ્લેનશેર્ડની વિસ્તૃત સમીક્ષા મુજબ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. શ્રદ્ધાનું કિર્કગાર્ડનું નિરૂપણ પણ વૈયક્તિક બની જાય છે. તેના વસ્તુલક્ષી સમર્થનની આવશ્યકતા રહેતી નથી. જ્ઞાનના કે નૈતિકતાના ક્ષેત્રે ક્યાંય નિરપેક્ષ વસ્તુલક્ષી સત્ય નથી તેવું જર્મન ફિલસૂફ નિત્શેએ પણ દર્શાવ્યું છે.

કિર્કગાર્ડ મુજબ ખ્રિસ્તી માન્યતાઓ (beliefs) એ વસ્તુલક્ષી વિધાનોના રૂપમાં બૌદ્ધિક રીતે ચકાસી શકાય તેવી બોધાત્મક (cognitive) માન્યતાઓ જ નથી. તેના તાર્કિક સમર્થનની અપેક્ષા જ મિથ્યા છે. તેને સાબિત કે ગેરસાબિત કરવાનો પ્રશ્ન જ નથી. પુરાવાઓના સંદર્ભમાં તેની સંભાવના(probability)નો પણ કોઈ પ્રશ્ન નથી. ખ્રિસ્તી પંથ એ પસંદગીનો, નિષ્ઠાનો, પ્રતિબદ્ધતાનો, શ્રદ્ધાનો, જોખમ લેવાનો, કાર્ય કરવાનો, જીવનશૈલીનો વિષય છે, વિચારનો નહિ, પણ તે નિશ્ચયનો, સંકલ્પનો, નિર્ણયનો વિષય છે. શંકાઓને દૂર કરવા ઇચ્છાશક્તિ/સંકલ્પ (will) આવશ્યક છે, તર્ક નહિ; તર્કથી તો ખ્રિસ્તી માન્યતા મુજબ વ્યવહાર absurd-વિસંગત, અબુદ્ધિગમ્ય, ‘પૅરેડૉક્સિકલ’, વસ્તુલક્ષી દૃષ્ટિએ અનિશ્ચિત (uncertain) લાગે છે; તેથી જ વસ્તુલક્ષી રીતે જે વિસંગત છે તેના પ્રત્યે ઉત્કટ આવેશ(passion)થી સ્વલક્ષી રીતે પ્રતિબદ્ધ થવામાં જ ખ્રિસ્તી નિષ્ઠા રહેલી છે.

2. આમ વસ્તુલક્ષી વિચાર વિશેષગ્રાહી નથી, તે ધર્મની બાબતમાં નિશ્ચિતતા આપી શકે તેમ નથી અને ધર્મ તો જીવવાની રીત છે, અમૂર્ત વિચાર કરવાની રીત નથી; તે જોતાં ધર્મ વિશે સ્વપરકતા, સ્વનિષ્ઠતા (subjectivity) કેળવવી એ જ સાચો માર્ગ છે. સ્વલક્ષિતા (subjective) વિસંગતતાયુક્ત (paradoxical) છે. દરેક વ્યક્તિનો સ્વલક્ષી અનુભવ અનન્ય (unique) છે. તે એક પાસેથી બીજાને સંક્રમિત કરી શકાય નહિ. સ્વલક્ષી જ્ઞાન શ્રદ્ધા જ છે; સ્વલક્ષી જ્ઞાનમાં જુસ્સો છે, આવેશ છે, અને વસ્તુલક્ષી અનિશ્ચિતતા હોય તેનો વધુ ઉત્કટતાથી સ્વીકાર સ્વલક્ષી જ્ઞાનમાં રહેલો છે. સ્વપરકતા, સ્વનિષ્ઠતા એ જ ધર્મનું સત્ય છે.

વસ્તુલક્ષી દૃષ્ટિએ જે વિસંગત લાગે છે તે જ સ્વલક્ષી રીતે (subjectively) સત્ય છે. સ્વલક્ષી સત્યને અસ્તિત્વ ધરાવતી વિશેષ વ્યક્તિ સાથે સંબંધ છે, કોઈ સર્વદેશીય અમૂર્ત નિયમ સાથે નહિ. વિશેષ વ્યક્તિના અનુસંધાન વગરનો વિચાર એ તો અમૂર્ત (abstract) વિચાર છે; તેથી જ મૂર્ત વિશેષ અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ સાથેના સંબંધ વગરનો કોઈ પણ વિચાર અસ્તિત્વને પામી શકે નહિ. વસ્તુલક્ષી રીતે જે absurd કે paradoxical છે તેનો સ્વલક્ષી અસ્તિત્વલક્ષી સત્ય તરીકેનો વ્યક્તિ દ્વારા સ્વીકાર એટલે શ્રદ્ધા.

મનુષ્યને પસંદગીનું સ્વાતંત્ર્ય (freedom) છે. પોતાની આંતરિકતા(inwardness)માં વ્યક્તિ પોતાના સ્વાતંત્ર્યથી ધાર્મિકતા સાથે મનુષ્ય આત્મલક્ષી રીતે સંબદ્ધ થઈ શકે છે. મનુષ્ય સર્જક છે, તે સ્વ-શાસન કરી શકે છે. અમૂર્ત વિચાર દ્વારા અગ્રાહ્ય વિશેષ માનવ-અસ્તિત્વ અને માનવ-સ્વાતંત્ર્ય એ બે વિચારવિષયોનો વીસમી સદીના અસ્તિત્વવાદી ચિન્તકો દ્વારા થયેલો સ્વીકાર એ કિર્કગાર્ડના પ્રભાવને લીધે થયો છે એમ કહી શકાય. જોકે સ્વલક્ષી શ્રદ્ધાને કેન્દ્રસ્થાને મૂકવાનો કિર્કગાર્ડનો અભિગમ સાર્ત્ર કે હાઇડેગરને કે મારલો પોન્તીને માન્ય થયો નથી.

3. ધર્મના સાચા અર્થને વસ્તુલક્ષી રીતે નહિ પણ સ્વલક્ષી બનીને પામી શકાય છે તેવું કિર્કગાર્ડે દર્શાવ્યું છે. તેમના મતે leap of faith એ તો સાચી ખ્રિસ્તી ધાર્મિકતાનું હાર્દ છે. શ્રદ્ધામાં સાહસ અને તેમાં જોખમ છે, તેમાં કૂદી પડવાનું, ઝંપલાવવાનું વર્તન હોય છે. વિશેષ વ્યક્તિ(Jesus)રૂપે ઈશ્વરનું મૂર્ત થવું તે બાબતનો સ્વીકાર શ્રદ્ધાથી જ થાય, તર્કથી નહિ. આ ઘટનાનો સ્વીકાર એ જ નિત્ય સુખનો માર્ગ છે. વસ્તુલક્ષી રીતે જુઓ તો દેશકાળથી મુક્ત નિત્ય એવો ઈશ્વર વ્યક્તિરૂપે સાકાર થાય તેવું બનવું અસંભવ છે.

8 + 4 = 12. આ વિધાન નિશ્ચિત રીતે સત્ય છે. તેમાં શ્રદ્ધાની જરૂર નથી, પરન્તુ ખ્રિસ્તી ‘સત્યો’ વૈયક્તિક રૂપે સ્વીકારવાનાં છે. જ્યારે કોઈ વિચાર વસ્તુલક્ષી રીતે અનિશ્ચિતતા (objective uncertainty) ધરાવતો હોય ત્યારે જ તેને વિશે માન્યતા(belief)નો કે શ્રદ્ધા(faith)નો પ્રશ્ન થાય છે. કિર્કગાર્ડના મતે subjective truth – વસ્તુલક્ષી રીતે અનિશ્ચિત વિચારને દૃઢતાથી વળગી રહેવામાં રહેલું છે. આવાં સ્વવિષયક સત્યનો બિનશરતી સ્વીકાર કરવામાં જોખમ છે, સાહસ છે. વસ્તુલક્ષી રીતે અનિશ્ચિત એવા જે વિચારનો સ્વલક્ષી રીતે બિનશરતી સ્વીકાર થાય છે તે વિચાર સામાન્ય (ordinary) વિચાર હોઈ શકે નહિ. વસ્તુલક્ષી રીતે અનિશ્ચિત એવો વિચાર જ્યારે અનિવાર્ય રીતે (necessarily) અનિશ્ચિત હોય છે એટલે કે જ્યારે કોઈ પણ પુરાવાઓ તેને માટે હંમેશાં અપ્રસ્તુત હોય છે ત્યારે તેવા વિચારનો સ્વીકાર એ જ શ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે તત્ત્વત: જેનું ક્યારેય સમર્થન શક્ય ન હોય તે વિચારનો નિરપેક્ષ, સંપૂર્ણ અને આવેશયુક્ત સ્વીકાર.

તર્કબુદ્ધિને માટે ખ્રિસ્તી સત્ય એક ‘પૅરેડૉક્સ’ છે. કાલાતીત ઈશ્વર કોઈ ઐતિહાસિક કાળે નશ્વર માનવ સ્વરૂપે પ્રવર્તે તે માન્યતા જ પૅરેડૉક્સિકલ (paradoxical) છે, પણ નૉન-સેન્સિકલ (non-sensical) તો નથી જ. જે વિચાર absurd છે તેનો બિનશરતી સ્વીકાર એ જ શ્રદ્ધા. કિર્કગાર્ડ એમ નથી કહેવા માગતા કે વસ્તુલક્ષી સત્ય ધર્મના ક્ષેત્રે છે; પણ માનવબુદ્ધિને તે ગ્રાહ્ય નથી. કિર્કગાર્ડ મુજબ તો આવું કોઈ વસ્તુલક્ષી (objective) સત્ય જ નથી. સાચું ‘કમિટમેન્ટ’ ઍબ્સર્ડમાં જ હોય. શ્રદ્ધાનો ઉચિત વિષય છે – ‘ઍબ્સર્ડ’. કિર્કગાર્ડ ઍબ્સર્ડના સંબંધમાં જ સ્વવિષયક સત્યનો વિચાર રજૂ કરે છે.

પસંદગીના પ્રશ્નો કિર્કગાર્ડ કેવળ નિષ્ઠા અને સચ્ચાઈની દૃષ્ટિએ વિચારે છે. તેથી પસંદગી કરવાનાં વસ્તુલક્ષી ધોરણો(criteria)ની વિચારણા થઈ શકે જ નહિ, લ્યૂથર પ્રમાણે શ્રદ્ધા પણ કોઈ વ્યક્તિની પોતાની સિદ્ધિ નથી. વ્યક્તિને ઈશ્વરે તેનાં તમામ પાપો વિશે માફી બક્ષી છે તેવી માન્યતા એટલે શ્રદ્ધા અને આવી શ્રદ્ધા પણ ઈશ્વરની કૃપાને લીધે જ વ્યક્તિને મળે છે. શ્રદ્ધાને પરિણામે સત્કર્મો થઈ શકે છે, પણ શ્રદ્ધા પોતે તો વ્યક્તિના સત્કર્મોથી આવતી નથી. શ્રદ્ધાથી મનુષ્યો ઊગરી શકે છે, સત્કર્મોથી નહિ. મનુષ્યે ઈશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો છે. તેના મૂળ પાપ(original sin)નો ભાર નવી પેઢીઓ ઉપર પણ છે. ઈશુના બલિદાનથી જે પુણ્યસંચય થયો છે, તેમાંથી કોને ફાળે શું આવશે  ઉદ્ધાર કે નિત્ય દોજખ  તે અંગે કશું કહી શકાય તેમ નથી. સત્કર્મોથી ઈશ્વરની નજરમાં વ્યક્તિની પાત્રતા વધશે તેવું પણ નથી. સારાં-ખરાબ કર્મોની માનવીય પરિભાષા ઈશ્વરનાં કાર્યોને લાગુ પડતી નથી. તેનાં કોઈ ધોરણો મનુષ્યો નક્કી કરી શકે નહિ.

કિર્કગાર્ડ પ્રમાણે પણ શ્રદ્ધા એક સાહસ છે, કૂદકો (leap) છે. જે અબુદ્ધિગમ્ય છે, જે absurd છે તેના પ્રત્યેની તેમાં પ્રતિબદ્ધતા છે. ક્યારેક તો જે દેખીતી રીતે જ અનૈતિક છે (અબ્રાહમનું દૃષ્ટાન્ત) તેનો બિનશરતી સ્વીકાર એ પણ શ્રદ્ધામાં રહેલો છે. આમ સત્ય/અસત્ય અને ઇષ્ટ/અનિષ્ટ બંને સાથે શ્રદ્ધા સંકળાયેલી નથી.

વૈયક્તિકતા, પસંદગી, ચિન્તા, વ્યગ્રતા, સ્વલક્ષી સત્ય વગેરે બાબતોને કેન્દ્રમાં મૂકતા કિર્કગાર્ડના કેટલાક વિચારવિષયો (themes) વીસમી સદીના અસ્તિત્વવાદમાં પણ કેન્દ્રમાં રહ્યા; પરંતુ તર્કબુદ્ધિરહિતની શ્રદ્ધાનો મુદ્દો વીસમી સદીના સાર્ત્ર જેવા અસ્તિત્વવાદીઓ માટે તદ્દન અપ્રસ્તુત બની ગયો તે નોંધવું રહ્યું.

મધુસૂદન બક્ષી