કિર્કહૉફ ગુસ્તાવ રૉબર્ટ

January, 2008

કિર્કહૉફ, ગુસ્તાવ રૉબર્ટ (જ. 12 માર્ચ 1824, કોનિસબર્ગ, જર્મની; અ. 17 ઑક્ટોબર 1887, બર્લિન) : જર્મન ભૌતિકશાસ્ત્રી. કોનિસબર્ગની યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, પ્રથમ અવૈતનિક માનાર્હ પ્રાધ્યાપક (privat dozent) તરીકે અને ત્યારબાદ બ્રેસલાઉમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1854માં હાઇડલબર્ગની યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. અહીં 1859માં તાપદીપ્ત (incandescent) વાયુઓ ઉપર સંશોધન કરતાં, તેમણે વર્ણપટ-વિશ્લેષણ(spectrum analysis)ના સિદ્ધાંતોની શોધ  કરી. કિર્કહૉફનો પહેલો નિયમ એ છે કે તાપદીપ્ત ઘન કે પ્રવાહી (અથવા અતિ ઊંચા દબાણે આવેલો વાયુ) અવિરત વર્ણપટ કે રંગીન પ્રકાશનો એક પટ્ટો ઉપજાવે છે. સ્રોતનું તાપમાન જેમ વધારે તેમ વર્ણપટમાં મહત્તમ પ્રમાણ વધુ ઊંચે આવેલું હોય છે. બીજા નિયમો, તાપદીપ્ત વાયુઓ અને કેટલીક નિહારિકાઓ(nabulae)માં જોવા મળે છે તેવી પ્રકાશિત રેખા કે ઉત્સર્જન વર્ણપટ (emission spectrum) અને સૂર્ય તેમજ અન્ય તારાઓ વડે મળતી અપ્રકાશિત રેખા કે શોષણ વર્ણપટ(absorption spectrum)નું નિરૂપણ કરે છે.

ગુસ્તાવ રૉબર્ટ કિર્કહૉફ

કિર્કહૉફે પ્રતિપાદિત કર્યું કે પૃથ્વીની સપાટી પર આવેલાં ઘણાં બધાં તત્ત્વો સૂર્યમાં પણ રહેલાં છે. તેમની આ શોધે સર વિલિયમ હગીન્સ, ગીઓવાની દોનાતી અને પિયેત્રો સેક્કી જેવા અગ્રણી વિજ્ઞાનીઓ માટે માર્ગ મોકળો કરી આપ્યો.

આ ક્ષેત્રે આપેલા તેમના બે નિયમોને આધુનિક ભૌતિકશાસ્ત્રીઓએ સ્વીકૃત ગણેલા છે : (1) કોઈ બિંદુ આગળ એકત્રિત થતા બધા જ વિદ્યુતપ્રવાહોનો બૈજિક (algebraic sum) સરવાળો શૂન્ય હોય છે; (2) બંધ વિદ્યુતપરિપથમાં વિભવાન્તર(potential difference)નો સરવાળો તે પરિપથમાંનાં વિદ્યુતચાલક બળો(electromotive forces)ના બૈજિક સરવાળા જેટલો હોય છે. ઉષ્માના અભ્યાસમાં પણ કિર્કહૉફે અન્ય નિયમ આપેલો છે. એકસરખા તાપમાને આવેલા બધા જ પદાર્થો માટે ઉત્સર્જક શક્તિ (emissive power) અને તેની અવશોષકતા(absorptivity)નો ગુણોત્તર એકસરખો હોય છે. જોકે ઉત્સર્જન હંમેશાં ઉત્સર્જિત કિરણોના સ્રોતના તાપમાન ઉપર આધારિત હોય છે. જે પદાર્થો સારા અવશોષક હોય છે તે સારા ઉત્સર્જકો (radiators) પણ હોય છે; તે જ પ્રમાણે મંદ શોષકો મંદ ઉત્સર્જકો હોય છે.

એરચ મા. બલસારા