કિરૂના : ઉત્તર સ્વીડનના નોરબોટન પ્રદેશનું લોખંડની સમૃદ્ધ ખાણોથી પ્રસિદ્ધ થયેલ શહેર. ઉત્તર ધ્રુવવૃત્તની ઉત્તરે 67o 51′ ઉ. અ. અને 20o 16′ પૂ. રે. ઉપર આવેલું છે. આ શહેર લુઓસ્સાવારા સરોવરના પૂર્વ કિનારે વસ્યું છે. નજીકના કિરૂનાવારા અને લુઓસ્સાવારા પર્વતોમાંની ખાણ લોખંડનું અયસ્ક 60 %થી 70 % લોખંડ ધરાવે છે. આ ધાતુની ઇંગ્લૅંડમાં નિકાસ થાય છે. 1899માં સ્થપાયેલ આ શહેર 1902માં નૉર્વિક બંદર સાથે રેલવે દ્વારા જોડાતાં તેનો વધુ વિકાસ થયો છે. રેન્ડિયર પાળતા વિચરતી જાતિના થોડા લેપ લોકો પણ વસે છે. 1912માં બંધાયેલ દેવળનો આકાર લેપ લોકોની મોટી ઝૂંપડી જેવો છે. બારે માસ ખૂબ ઠંડી પડે છે. એપ્રિલ અને ઑક્ટોબરમાં સખત ઠંડા પવનો વાય છે. 1908માં અહીં નગરપાલિકા સ્થપાઈ છે. મોટાભાગના લોકો ખાણઉદ્યોગ સાથે સંકળાયેલા છે. વસ્તી 22,906 (2019).

વિમલા રંગાસ્વામી