કાકડી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis sativus Linn. (સં. કર્કટી, હર્વાસ; હિં. કાકડી, કકડી, ખીરાકકડી; બં. કાંકુડ, વડકાંકુડ; મ. કાંકડી; ક. મુળુસવતિ; તે. દોષકાયા; અં. કકુંબર) છે. તે એક તલસર્પી (trailing) કે આરોહી, એકવર્ષાયુ, રોમિલ વનસ્પતિ છે. તેનાં ફળ વિવિધ કદ અને સ્વરૂપનાં, લાંબાં, જાડાં અને નળાકાર હોય છે. તે સફેદ કે આછાં પીળાં એકલિંગી પુષ્પો ધરાવે છે. તેનું પુંકેસરચક્ર યુક્તપુંકેસરી (syandrous) હોય છે અને પરાગાશયો લહરદાર (sinuous) હોય છે. તેનાં ફળ અલાબુક (pepo) અનષ્ઠિલ પ્રકારનાં, કેટલાંક 25 સેમી.થી 37.5 સેમી. લાંબાં અને 7.5 સેમી.થી 10 સેમી. વ્યાસ ધરાવતાં અને જાડી છાલવાળાં; તો અન્ય નાનાં, અંડાકાર, પાતળી અને લીસી છાલવાળાં હોય છે. ફળનો રંગ આછા સફેદ પડતા લીલાથી ઘેરા લીલા રંગનો કે બદામી પીળો અથવા ગેરુ-બદામી હોય છે. ચેન્નાઈની ‘મુન્ડોસા’ જાત ફળ પર નાના કંટ ધરાવે છે.

તે સંભવત: ઉત્તર ભારતની સ્થાનિક વનસ્પતિ છે. તેનું સમગ્ર ભારતમાં અને વિશ્ર્વના ઉષ્ણ તેમજ અધોષ્ણ પ્રદેશોમાં બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે. તે શાકભાજીના વર્ગનો પાક છે અને તેથી અસંખ્ય જાતો વવાય છે.

કાકડીનો પાક ગરમ ઋતુનો પાક છે. તેનો પાક સાધારણ પ્રમાણમાં પડેલું હિમ પણ સહન કરી શકતો નથી. વધુ વરસાદ તથા ભેજવાળું હવામાન કાકડીના રોગમાં વૃદ્ધિ કરતું હોવાથી માફક નથી. ઓછો ભેજ અને ભરપૂર પ્રકાશવાળા હવામાનવાળો પ્રદેશ કાકડીના ઉત્પાદન માટે ખૂબ અનુકૂળ ગણાય છે.

કાકડી(Cucumis sativus)નો વેલો

જમીન : રેતાળ જમીનથી માંડી ભારે ચીકણી જમીનમાં કાકડીનો પાક ઉગાડી શકાય છે. વહેલો પાક લેવા માટે રેતાળ અથવા ગોરાડુ જમીન પસંદ કરવામાં આવે છે. વધુ ઉત્પાદન માટે કાંપવાળી, ભારે જમીન વધુ અનુકૂળ ગણાય. જમીનનો નિતાર (drainage) સારો હોવો જરૂરી છે.

ભારતભરમાં અનેક પ્રકારની કાકડીની જાતો વવાય છે. તેમાં અથાણાલાયક નાનાં ફળ આપતી જાતોથી માંડીને રાજસ્થાન તથા ગુજરાતમાં વવાતી મોટાં જાડાં ફળવાળી જાતોનો સમાવેશ થાય છે. ઇન્ડિયન ઍગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IARI) તરફથી બે જાતોની ભલામણ થયેલ છે : (1) જાપાનીઝ લૉન્ગ ગ્રીન, જેનાં ફળ 30થી 35 સેમી. લંબાઈનાં લીલી છાલવાળાં હોય છે તે તથા (2) સ્ટ્રેટ એઇટ : લંબાઈમાં મધ્યમ અને સફેદ કાંટાવાળી, મધ્યમ કદનાં લીલાં ફળવાળી જાત. બીજી પ્રચલિત જાતો બાલમખીરા અને પુનાખીરા છે. સંકર (hybrid) જાત પુસા સંયોગ પણ તૈયાર થયેલ છે.

વાવેતર : કાકડીના વાવેતરની બે પ્રચલિત પદ્ધતિઓ છે : (1)  ખામણા-પદ્ધતિ : યોગ્ય અંતરે સારી રીતે સડી ગયેલું છાણિયું ખાતર ઉમેરીને ખામણાં તૈયાર કરી દરેક ખામણામાં થોડાં બી વાવવામાં આવે છે. (2) ચાસ અથવા નીકવાળી (ridges and furrows) પદ્ધતિ : યોગ્ય પહોળાઈના ચાસ પાડી પાળાની એક બાજુ કે બંને બાજુએ બી વાવવામાં આવે છે. પાળાની બંને બાજુ બી વાવવામાં આવે ત્યારે ચાસ વચ્ચેનું અંતર લગભગ બમણું રાખવામાં આવે છે. ચાસમાં થઈને પિયતનું પાણી લઈ જવાય છે. કાકડીનો ઉનાળુ પાક લેવા માટે વાવણી જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં કરવામાં આવે છે અને ચોમાસું પાક માટે વાવણી જૂન-જુલાઈમાં કરવામાં આવે છે. પહાડી પ્રદેશોમાં કાકડી એપ્રિલમાં વવાય છે. કાકડીનું સરેરાશ ઉત્પાદન હેક્ટરદીઠ 8000થી 10,000 કિગ્રા. હોય છે.

કાકડીનો ભૂકી છારો (કાકડીનો છારો) : આ રોગ Sphaerotheca fuliginea તથા Erysiphe cichoracearum નામની ફૂગથી થાય છે.

આકૃતિ 1

આ રોગ લાગતાં પાનની ઉપરની સપાટીએ ભૂકી છારો જોવા મળે છે. રોગની તીવ્રતા અને વિસ્તાર વધતાં નવી ફૂટ તથા થડ ઉપર પણ ભૂકી છારો જોવા મળે છે. રોગ વધતાં પાન સુકાઈ જાય છે, જેથી કાકડીનું કદ તથા તેનો ઉતાર ઘટે છે.

શિયાળાનું ઠંડું વાતાવરણ, પવન અને કીટકો ફૂગના બીજાણુઓને પ્રસરાવવામાં મદદ કરે છે.

300 મેશનો ગંધકનો પાઉડર અથવા 0.2 %ના દરે ગંધકનો છંટકાવ રોગને કાબૂમાં રાખે છે.

કાકડીનો તળછારો (downy mildew) કે કાકડીનો પીંછછારો જેવા રોગ Pseudopernospora cubensis નામની ફૂગથી થાય છે.

રોગ લાગતાં પાનની નીચેની સપાટીએ ફૂગનો આછો ઉગાવો જોવા મળે છે, જે પાછળથી પીળો પડી જાય છે. રોગ પાનમાં નસોથી ઘેરાયેલો રહે છે. રોગની તીવ્રતા વધતાં થડ અને ફળ ઉપર પણ આ ફૂગનો સફેદ ઉગાવો જોવા મળે છે. પાન સુકાઈ જાય છે, જ્યારે વિકસેલું ફળ કોહવાઈ જાય છે.

આકૃતિ : 2

ચોમાસાનું ભેજયુક્ત, વરસાદવાળું, વાદળછાયું વાતાવરણ રોગની તીવ્રતા વધારે છે. 0.5થી 1 %વાળું બોર્ડોમિશ્રણ છાંટવાથી અને રેડોમિલ એમ. ઝેડ. 72 ફળ બેસતાં પહેલાં 0.05 %ના દરે છાંટવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે.

કાકડીનો પંચરંગિયો (કાકડીનો કાબરચીતરો) : આ રોગ એક વિષાણુ(virus)થી થાય છે, જેનો ફેલાવો ચૂસિયા પ્રકારની જીવાતથી થાય છે. આ રોગને કારણે પાનની નસો અને અન્ય ભાગમાં અનિયમિત આકારના ઘેરા લીલા અને આછા લીલા રંગનાં ધાબાં પડી જાય છે. સૂર્યપ્રકાશમાં આવાં ધાબાં સ્પષ્ટ દેખાઈ આવે છે. આ રોગને કારણે છોડ ઠીંગણો અને નિસ્તેજ થાય છે. ફળફૂલ નહિવત્ બેસે છે.

આકૃતિ : 3

રોગ દેખાતાં રોગિષ્ઠ છોડનો નાશ અને જીવાતનું નિયંત્રણ કરવાથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે.

કાકડીનાં પાનનાં ટપકાંનો રોગ : Cercospora spp. અને C. chidammbarensis નામની ફૂગથી આ રોગ થાય છે. રોગ પ્રસરણમાં ભેજ અગત્યનો ભાગ ભજવે છે.

આકૃતિ : 4

રોગ લાગતાં પાનની કિનારીએ પાણીપોચાં ટપકાં પડે છે, જે નસોમાં સીમિત હોય છે. સમય જતાં તે ખૂણિયા આકારનાં ભૂખરાં થઈ જાય છે. રોગ વધતાં ટપકાંની સંખ્યા તથા કદ વધે છે અને તે એકબીજામાં ભળી જાય છે અને પાન સુકાઈ જાય છે. વળી થડ અને ફળ ઉપર પણ આ રોગનાં લક્ષણો જોવા મળે છે. જૂના રોગિષ્ઠ છોડનો નાશ કરવાથી, 2 % બોર્ડોમિશ્રણ છાંટવાથી અથવા 0.05 %ના દરે કાર્બેન્ડાજિમ છાંટીને રોગને કાબૂમાં લઈ શકાય છે.

ઉપર જણાવ્યા ઉપરાંત પાનનાં ટપકાંનો રોગ (Xanthomonas cubensis), થડનો કોહવારો (Sclerotium rolfssi); છોડનો સુકારો (Fusarium spp.), છોડનો કોહવારો (seedling blight by Pythium), પાનનો સુકારો (Cloanephora cucurbitarum Bandr), ફળનો કોહવારો (Rhizopus spp.) તથા ફળનો પોચો કોહવારો (Ericlinia spp.) જેવા રોગો પણ નોંધાયા છે. પણ તેમનાથી નોંધપાત્ર નુકસાન થતું નથી.

મહત્વની જીવાતો લાલ કોળાનું ઢાલિયું (red pumpkin beetle), મશી (aphid), કાતરા (cut worms), ફળમાખી (fruit fly) તથા મૂલગ્રંથિના કરમિયા (root knot nematodes) છે. લાલ કોળાનાં ઢાલિયાંના ઉપદ્રવ માટે કાર્બારિલ 5 % પાઉડરનો છંટકાવ અથવા મિથાઇલ પેરેથિયૉન (0.05 %) એક લિટર પાણીમાં એક મિલી. દવાની માત્રામાં છંટકાવ થઈ શકે. મશી તથા વિષાણુજન્ય રોગનો ઉપદ્રવ અટકાવવા માટે શોષક જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી ગણાય છે. કેવડાના નિયંત્રણ માટે ડાઇથેન ઝેડ-78 (0.2 %) એક લિટર પાણીમાં 2 ગ્રામ દવા અથવા ડાઇથેન એન-45 (0.3 %) એક લિટર પાણીમાં 3 ગ્રામ દવા ઓગાળી છંટકાવ કરવાનું સૂચવાય છે. ભૂકી છારાના નિયંત્રણ માટે કેરેથીન (0.2 %) એક લિટર પાણીમાં એક ગ્રામ દવાનો છંટકાવ કરવો પડે છે.

કાકડીનાં નાનાં ફળો અથાણું બનાવવા માટે અને મોટાં ફળો સલાડ, શાકભાજી, રાયતું, વડી, કઢી વગેરે બનાવવામાં વપરાય છે. કાકડીને છોલી ઊભી ચીરી તેમાં મરીની ભૂકી અને મીઠું નાખી ખાવાથી સારી લાગે છે. વધુ ખાવાથી બાધક છે. ટૂંપેલી કણકમાં કાકડી ઉમેરવાથી ચીકાશ નહિ જેવી રહે છે. તેનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 96.4 %, પ્રોટીન 0.4 %, લિપિડ 0.1 %, કાર્બોદિતો 2.8 %, ખનિજ-દ્રવ્ય 0.3 %, કૅલ્શિયમ 0.01 મિગ્રા., ફૉસ્ફરસ 0.3 મિગ્રા., લોહ 1.5 મિગ્રા./100 ગ્રા.; વિટામિન ‘બી’1 30 આઇ.યુ./100 ગ્રા.; વિટામિન ‘સી’ 7 મિગ્રા./100 ગ્રા. કાકડીમાં પ્રોટિયોલાઇટિક ઉત્સેચકો, ઍસ્કોર્બિક ઑક્સિડેઝ, સક્સિનિક અને મેલિક ડિહાઇડ્રૉજિનેઝની હાજરી નોંધાઈ છે.

બીજ શીતળ, બલ્ય અને મૂત્રલ હોય છે. તેનાં મીંજ ખાદ્ય હોય છે અને મીઠાઈ બનાવવામાં વપરાય છે. તેની ભસ્મમાં ફૉસ્ફેટ પુષ્કળ પ્રમાણ(P2O5, 0.62 %)માં હોય છે. મીંજમાંથી પ્રાપ્ત કરવામાં આવેલું તેલ સ્વચ્છ અને આછું પીળું હોય છે. બીજના ખોળમાં પાણી 8.13 %, પ્રોટીન 72.53 %, ભસ્મ 9.7 %, રેસો 1.0 % અને કાર્બોદિતો 8.64 % ભસ્મમાં ફૉસ્ફેટ P2O5 11.17 % હોય છે.

આયુર્વેદ અનુસાર કાકડી મધુર, શીત, રુચિકર, લઘુ, મૂત્રલ, છાલને ઠેકાણે તીખી, કડવી, પાચક, અગ્નિદીપક, અવૃષ્ય અને ગ્રાહિણી છે. તે મૂત્રરોધ, અશ્મરી, મૂત્રકૃચ્છ્ર, વમન, દાહ અને શ્રમનો નાશ કરે છે. તે પાકવાથી રક્તદોષકર, ઉષ્ણ અને બલકર છે. તેનો ઉપયોગ મૂત્રાઘાત, ગોઠણનું દર્દ અને વાયુનો સોજો થયાં હોય તે ઉપર, દારૂનો મદ ઉતારવા, પથરી, ગલગંડ, શ્વેત પ્રદર, ગરમી, મૂત્રરેચન અને શીતજ્વર પર ઉપયોગી છે. શરદ ઋતુમાં પચવામાં ભારે અને મંદાગ્નિ કરે છે. યુનાની વૈદકમાં કાકડીના બીના તેલને મગજ અને શરીર માટે હિતાવહ ગણવામાં આવે છે.

જ. પુ. ભટ્ટ

પ્રાગજી મો. રાઠોડ

ભીષ્મદેવ કીશાભાઇ પટેલ

બળદેવભાઈ પટેલ