કાકડાશિંગી

January, 2006

કાકડાશિંગી : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pistacia integerimma L. (સં. કર્કટશૃંગી; મ. કાકડાશિંગી; હિં., બં. કાકડાશૃંગી; અં. ક્રો-ક્વીલ) છે. તેની ડાળી પર કીટકના કારણે ઉત્પન્ન થયેલો રસ જામીને તેની શિંગડા આકારની ફલાકાર ગ્રંથિ બને છે. તેથી તેને કાકડાશિંગી કહે છે. તે મધ્યમકદનું પાનખર વૃક્ષ છે અને 18 મી. સુધીની ઊંચાઈ અને 2.7 મી.નો ઘેરાવો ધરાવે છે. થડ ટૂંકું અને મજબૂત હોય છે. તે હિમાલયમાં 350 મી.થી 2400 મી. ઊંચાઈ સુધી થાય છે. પંજાબનાં મેદાનોમાં તેને ઉગાડવામાં આવે છે. તેની છાલ ઘેરી ભૂખરી કે કાળી હોય છે. કાપવામાં આવે ત્યારે તે સ્નિગ્ધ (viscous) અને સુગંધિત (aromatic) બને છે. પર્ણો પિચ્છાકાર (pinnate) સંયુક્ત હોય છે. પર્ણિકાઓ ભાલાકાર (lanceolate) અને 7 સેમી.થી 12 સેમી. લાંબી હોય છે. પુષ્પો નાનાં, રાતાં અને લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળો અષ્ઠિલ (drupe) પ્રકારનાં ખરબચડાં અને ગોળાકાર હોય છે અને આશરે 6 મિમી.નો વ્યાસ ધરાવે છે. તેઓ પાકે ત્યારે ભૂખરાં બને છે. હાલમાં તેનું નવું વૈજ્ઞાનિક નામ P. chinensis Bunge var. integerrima Zohary આપવામાં આવ્યું છે.

પર્ણ અને પુષ્પ સાથેની કાકડાશિંગીની શાખા

કાકડાશિંગી ઉષ્ણ અને શુષ્ક છીછરી મૃદા ધરાવતા ઢોળાવો પર અથવા ખુલ્લી ખડકાળ ભૂમિ પર અને ચૂનાના પથ્થરવાળી મૃદા પર થાય છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં તે Pinus roxburghiiનાં જંગલોમાં સામાન્ય છે અને ઘણી વાર Acacia modesta અને Olea ferruginea સાથે ઊગે છે. તેનો વૃદ્ધિનો દર મધ્યમસરનો હોય છે. તેના ઘેરાવામાં પ્રતિ વર્ષ 1.8 સેમી.થી 2.0 સેમી.નો વધારો થાય છે. તેના પ્રરોહો પર Chaetoptelius vestitus, Estenoborus perrisi અને Pemphigus aedificator નામનાં કીટકો આક્રમણ કરે છે.

વૃક્ષ સુંદર કર્બુરિત (mottled) સજાવટી કાષ્ઠ ઉત્પન્ન કરે છે. રસકાષ્ઠ (sapwood) સફેદ અને વિસ્તૃત હોય છે. અંત:કાષ્ઠ (heartwood) જેતૂન-પીળું(olive yellow)થી પીળાશ પડતું બદામી, વધારે ઘેરા રંગની પટ્ટીઓવાળું, સુરેખ(straight)થી અંતર્ગ્રથિત (interlocked) કણિકામય, મધ્યમ ગઠનવાળું, સખત, મજબૂત અને ભારે (વિ. ગુ. 0.883, વજન 881 કિગ્રા./ઘ.મી.) હોય છે. કાષ્ઠનું સહેલાઈથી સંશોષણ (seasoning) થાય છે; પરંતુ જો પાટડા-સ્વરૂપે રાખવામાં આવે તો તે કેટલીક વાર અરીય રીતે ચિરાય છે. તેના જાડા પાટડાઓની ખીચોખીચ થપ્પીઓ કરી તેને ઢાંકવાની ભલામણ કરવામાં આવે છે. તે ખુલ્લામાં પણ ટકાઉ રહે છે. તેને વહેરવું મુશ્કેલ નથી અને તેને લીસું બનાવી પૉલિશ કરી શકાય છે. સાગના સંદર્ભમાં તેના કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા (suitability) ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 130, પાટડાનું સામર્થ્ય 80, પાટડાની દુર્નમ્યતા (stiffness) 70, થાંભલાની ઉપયુક્તતા 65, આઘાત-અવરોધક્ષમતા (shock-resisting ability) 140, આકારની જાળવણી 70, વિરૂપણ (shear) 145, ર્દઢતા (hardness) 130. કાષ્ઠનો ઉપયોગ મુખ્યત્વે સજાવટ અને કોતરકામ, તકતીઓ (panels), જડાવકામ (inlay work), ચિત્રોનાં ચોકઠાંઓ અને ખરાદીકામ(turnery)માં થાય છે. તે બાંધકામ, રાચરચીલું, હળ, પૈડાં, સાધનોના હાથા, સસ્તા પ્રકારની બંદૂકો વગેરે બનાવવામાં ઉપયોગી છે.

પર્ણો પર પિટિકાઓ ઉત્પન્ન થાય છે. આ પિટિકાઓ આછા લીલાશ પડતા બદામી રંગની, શિંગડા આકારની, સખત, ખરબચડી, પોલી અને 3.8 સેમી.થી 30 સેમી. કે કેટલીક વાર તેનાથી લાંબી હોય છે. તેનો અંદરનો રંગ લાલ હોય છે. પિટિકાઓનું શુષ્ક ચૂર્ણ સંકોચક (astringent), સહેજ કડવા સ્વાદવાળું અને ટર્પેન્ટાઇન જેવી ગંધવાળું હોય છે. પિટિકાઓ સુગંધિત, સંકોચક અને કફઘ્ન (expectorant) હોય છે અને ભારતીય ઔષધવિજ્ઞાનમાં દમ (phthisis) અને શ્વસનમાર્ગના અન્ય રોગોની સારવારમાં વપરાય છે.

પિટિકાઓમાં ટેનિન (20 %થી 75 %), બાષ્પશીલ તેલ અને રાળ (5 %) હોય છે. તેની રાળ Pistacia lentiscusની ગુંદર-રાળ સાથે મળતી આવે છે. પિટિકાઓના પેટ્રોલિયમ ઈથરના નિષ્કર્ષમાંથી આ પ્રમાણેનાં સંયોજનો પ્રાપ્ત થયાં છે : પિસ્ટેસિયેનૉઇક ઍસિડ A (C3H46O3) અને પિસ્ટેસિયેનૉઇક ઍસિડ B (આ બંને સમઘટક ટ્રાઇટર્પિનિક ઍસિડ છે.), ટિરુકેલોલ (ટ્રાઇટર્પિનિક આલ્કોહૉલ, C32H52O2), તેમના બાષ્પનિસ્યંદન દ્વારા બાષ્પશીલ તેલ (1.3 %) ઉત્પન્ન થાય છે. તાજું હોય ત્યારે તે રંગહીન હોય છે, પરંતુ રાખી મૂકતાં તે પીળા રંગનું બને છે.

તેલ વાતહર (carminative) તરીકે વપરાય છે. મધ્યમસરની માત્રામાં તે અનૈચ્છિક (involuntary) સ્નાયુઓ પર ઉદ્વેષ્ટરોધી (antispasmodic) અસર દર્શાવે છે, જેથી આંતરડામાં થતું વધારે પડતું પરિસંકુચક (peristaltic) હલનચલન અવરોધાય છે. ગિનીપિગ અને સફેદ ઉંદરોને અવઘાતક (sublethal) માત્રામાં આપતાં તે મધ્યસ્થ ચેતાતંત્ર પર ઉદાસીન (depressant) અસર દર્શાવે છે. પ્રાણીઓ એક કલાકમાં બેભાન થઈ જાય છે. વિનાશક માત્રા(0.1 ઘ.સેમી./100 ગ્રા. શરીરનું વજન)માં આપતાં તેમને ખૂબ ઘેન ચઢે છે અને થોડાક કલાકમાં મૃત્યુ પામે છે. તેની ત્વચા અને શ્લેષ્મપટલ પર થોડીક ઉત્તેજક અસર હોય છે.

પર્ણો અને છાલમાં અનુક્રમે 16 % અને 8 % ટેનિન હોય છે. ફળના બાષ્પનિસ્યંદનથી 0.9 % બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. પર્ણો ભેંસો અને ઊંટ માટે ચારા તરીકે ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર કાકડાશિંગી કડવી, ઉષ્ણ, તૂરી અને જડ છે. તે વાયુ, ઊચકી અને અતિસારનો નાશ કરનારી, બાળકો માટે હિતકારક અને દમ, ઉધરસ, રક્તદોષ, પિત્ત, જ્વર, કફ, ક્ષય, હિધ્મા, ઊર્ધ્વવાત, કૃમિ, તૃષા, ક્ષતક્ષય અને અરુચિનો નાશ કરે છે. તે સસણી શ્વાસમાં વપરાય છે. વાગ્ભટ્ટે કામોત્તેજના માટે તેના ચૂર્ણના ઉપયોગનો ઉલ્લેખ કરેલો છે. તે બાળરોગમાં ઉત્તમ ઔષધ છે.

સરોજા કોલાપ્પન

પ્રાગજી મો. રાઠોડ

બળદેવભાઈ પટેલ