કરબલા : મુસ્લિમોનું – વિશેષ કરીને શિયા પંથીઓનું પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 32o 36′ ઉ. અ. અને 44o 02′ પૂ. રે. અર્વાચીન ઇરાકમાં બગદાદથી નૈર્ઋત્ય ખૂણે આશરે એકસો કિલોમિટર દૂર સીરિયાના રણને છેડે અને ફુરાત નદીના કાંઠે વસેલું કરબલા નામના પ્રાંતનું મુખ્ય શહેર. ત્યાં હજરત મહંમદ પેગમ્બર સાહેબના દોહિત્ર અને હજરત અલીના પુત્ર ઇમામ હુસેનનો રોજો આવેલો છે.

પુરાતત્વવિદો તેના દોઢેક હજાર વર્ષોના ઇતિહાસ તથા સ્થળ વિશે લખતાં જણાવે છે કે કરબલા પ્રાચીન ‘બાબુલ’ (Babylonia) પ્રાંતનું એક ગામ હતું. એક મત અનુસાર આસુરી ભાષામાં કરબલા નામ ‘કર્બ’ અને ‘ઇલા’ એ બે શબ્દોનું બનેલું છે. તેનો અર્થ ‘હરમુલ્લાહ’ અર્થાત્ ‘અલ્લાહનું પવિત્ર સ્થળ’ છે. બીજી એક માન્યતા પ્રમાણે પૂર્વથી દક્ષિણ સુધીની પથરાળ ટેકરીઓના નામ ઉપરથી તે સ્થળનું નામ કરબલા પડ્યું. કરબલા શબ્દનો એક અર્થ ‘પગની હળવી ચાલ’ છે. અહીંની ધરતી મુલાયમ હોઈ તેને કરબલા નામ આપવામાં આવ્યું તેવો પણ એક મત છે. એક બીજા મત મુજબ ‘કુરિબલુલહિન્તતુ’ એટલે ‘ઘઉં ચળાઈ સાફ થાય’ તે પરથી અહીંની ધરતી કાંકરા વિનાની હોઈ કરબલા કહેવાઈ, તો વળી એક બીજી માન્યતા અનુસાર અહીંના મેદાનમાં કરબલા નામનું કડવું જંગલી ઘાસ ઊગતું હોઈ આ સ્થળ કરબલા નામે જાણીતું થયું. આ બધા મતોમાં આસુરી ભાષાના શબ્દ ઉપરથી કરબલા નામ પડ્યું હોવાનો મત વજનદાર છે; કેમ કે, ઇરાક અને તેની આસપાસના પ્રદેશમાં નામમાં ‘કર’ હોય તેવાં અનેક સ્થળો જોવા મળે છે.

કરબલાનું મહત્વ ઇમામ હુસેન તથા તેમના સાથીઓના મકબરાઓને લઈને છે. હજરત અલીની શહાદત પછી તથા તેમના વડા પુત્ર ઇમામ હસન ઉમવી વંશના ખલીફા અમીર મુઆવિયાની તરફેણમાં ખિલાફતનો હક જતો કરી રાજકારણમાંથી નિવૃત્ત થયા. તેમની સાથે ત્યારે મદીનામાં વસતા તેમના નાના ભાઈ ઇમામ હુસેને અમીર મુઆવિયાના મૃત્યુ (ઈ.સ. 679) પછી તેમણે ખલીફા નીમેલા તેમના પુત્ર યઝીદને ખલીફાપદ માટે લાયક કે અધિકૃત ન ગણ્યા તેથી એક મહાન રાજકીય સંકટ ઊભું થયું. યઝીદે પેગમ્બરસાહેબનાં બીજાં કુટુંબીજનો તથા અગ્રિમ સાથીઓ સાથે યેનકેન પ્રકારેણ ખલીફાપદગ્રહણની સ્વીકૃતિના પ્રતીકરૂપ મૌખિક કૉલ (બૈઅત) લીધો. ઇમામ હુસેને આ બૈઅત લેવાનો ઇન્કાર કરતાં યઝીદે તેમની પાસે કોઈ પણ હિસાબે બૈઅત લેવડાવવાના પ્રયત્નો કર્યા. બીજી તરફ પોતાને ખલીફા તરીકે યઝીદ કરતાં વધુ લાયક અને અધિકૃત ગણતા ઇમામ હુસેનને ઇરાકના કૂફા શહેરના વાસીઓએ ધ્યેયપ્રાપ્તિ માટે પૂરો સહયોગ આપવાની ખાતરી આપી, કૂફા આવવા કહેવડાવ્યું. ઇમામ હુસેન પોતાનાં કુટુંબીજનો અને સાથીઓ સાથે કૂફા જવા રવાના થયા, પણ તેઓ હજુ કરબલા સ્થળથી આગળ વધ્યા ન હતા કે કૂફાવાસીઓએ ઇબ્નેઝિયાદની ભંભેરણીથી તેમજ રાજ્યસત્તાના ભયથી વચનભંગ કરી વિશ્વાસઘાત કર્યો અને ઇમામ હુસેનને આવતા અટકાવવા યઝીદે મોકલેલા લશ્કર સાથે મળી ગયા. અમ્રબિનસઅ્દ; શિમ્ર બિન ઝીલ-જૌશન; હુર્ર બિન યઝીદ તથા બીજા સરદારો હેઠળ યઝીદના ચાર હજાર સૈનિકોએ ઇમામ હુસેનના 72 સ્ત્રીપુરુષોના કાફલાને કરબલામાં ઘેરી લઈ ઇમામ હુસેનને યઝીદની બૈઅત લેવાનું કાં મોતને ભેટવાનું આહ્વાન આપ્યું. ઇમામ હુસેને બૈઅત સિવાય બીજી કોઈ પણ રીતે સુલેહ કરવાનો પ્રયત્ન કર્યો, પણ યઝીદના સરદારોએ બૈઅત નહિ તો લડાઈ એ વલણ લીધું. તેમણે ફુરાત નદી પર પહેરો બેસાડી ઇમામ હુસેનના કાફલાને પાણી સુધ્ધાં લેવાની મનાઈ કરી, જેથી કરીને તેમનાં નાનાં બાળકો પણ તૃષાની તીવ્રતાથી તરફડતાં રહ્યાં. છેવટે લડાઈ થતાં 10 મુહર્રમ હિ. સ. 61(10 ઑક્ટોબર 680)ના દિવસે ઇમામ હુસેન તથા તેમના પુરુષ-સાથીઓ (તેમના એક બીમાર પુત્ર ઝૈનુલઆબિદીન સિવાય) યઝીદના સૈનિકોના હાથે કતલ થયા. કરબલાની આ કરુણ ઘટનાએ આખા ઇસ્લામી જગતમાં શોક અને ધિક્કારની લાગણી ફેલાવી. ઉમવી ખિલાફતનો વહેલો અંત આણવામાં આ ઘટના મહત્ત્વનું નિમિત્ત બની. મુહર્રમની આ દસમી તારીખને અરબી ભાષામાં ‘આશૂરા’ અને ગુજરાતીમાં ‘કતલની રાત’ કહેવામાં આવે છે.

આશૂરાનો દિવસ ઇમામ હુસેનની શહાદતના દિવસ તરીકે સમગ્ર ઇસ્લામી જગતમાં શોકના પ્રતીક તરીકે મનાવવામાં આવે છે. શિયા પંથીઓની સારી એવી વસ્તી ધરાવતા ઈરાન અને ઇરાક જેવા દેશો તેમજ સુન્ની બહુમતી ધરાવતા ભારતમાં પણ આશૂરા તેમજ મુહર્રમ માસના પ્રથમ દસ દિવસના ગાળામાં શોક દર્શાવવા માટે આનંદનાં સાધનોનો ત્યાગ કરી કાળાં વસ્ત્રો પરિધાન કરવામાં આવે છે. ભારતમાં તો ઇમામ હુસેનના મકબરાની પ્રતિકૃતિઓના રૂપમાં વાંસની ખપાટો અને રંગબેરંગી રૂપેરી-સોનેરી કાગળોના બનાવેલા સુશોભિત તાજિયા બનાવી શહેર કે ગામમાં ફેરવી ‘કરબલા’ નામ આપેલી જગ્યાએ ઠંડા કરે છે. નવી દિલ્હીમાં આજે પણ ‘કરબલા’ સ્થાન છે. ત્યાં મુઘલ સમ્રાટો જહાંગીર, શાહજહાંના મહાન સિપહસાલાર નવાબ મહાબતખાન તથા બીજા ઉમરાવોએ દફન થવાનું પસંદ કર્યું હતું.

એહમદહુસેન નૂરમોહમંદ કુરેશી

ઝિયાઉદ્દીન અ. દેસાઈ

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ