કરણસિંગ, ડૉક્ટર (જ. 9 માર્ચ 1931, કેન્સ, ફ્રાન્સ) : જમ્મુ અને કાશ્મીર રિયાસતના રાજપુત્ર, પૂર્વ રીજેન્ટ, પૂર્વ સદર-ઇ-રિયાસત, તે રાજ્યના પૂર્વ રાજ્યપાલ, દેશના અગ્રણી ચિંતક અને રાજપુરુષ. જમ્મુ અને કાશ્મીર રિયાસતના પૂર્વ રાજા હરિસિંગના તેઓ પુત્ર છે. માતાનું નામ તારાદેવી. તેઓ જમ્મુ અને કાશ્મીર રિયાસતનાં મહારાણી હતાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દહેરાદૂન ખાતેની દૂન સ્કૂલમાં લીધું. ત્યારબાદ દિલ્લી યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમ સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી અને તે પરીક્ષામાં એવો વિક્રમ નોંધ્યો જે આજદિન સુધી (2005) કોઈ વટાવી શક્યું નથી. ત્યારબાદ રાજ્યશાસ્ત્ર વિષયમાં મહર્ષિ શ્રી અરવિંદના તત્ત્વચિંતન અને રાજકીય વિચારસરણી પર પ્રબંધ લખી તે જ યુનિવર્સિટીની ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી.

1949માં માત્ર અઢાર વર્ષની વયે મહારાજા હરિસિંગે પંડિત જવાહરલાલ નેહરુની સલાહથી તેમની નિમણૂક રિયાસતના રીજેન્ટ તરીકે કરી અને આ રીતે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. રીજેન્ટ, સદર-ઇ-રિયાસત અને ત્યારબાદ ક્રમશ: રાજ્યના રાજ્યપાલ તરીકે તેમણે સળંગ અઢાર વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સત્તાસ્થાન ભોગવ્યું હતું. રાજાશાહી પરંપરામાં ઊછરેલી, રાજાશાહી જેવી સત્તા ભોગવી ચૂકેલી અને છતાં ત્યારબાદ અપાર લોકચાહનાને કારણે ચૂંટણીમાં જનપ્રતિનિધિત્વ પ્રાપ્ત કરી શકેલી વિચક્ષણ વ્યક્તિઓમાં ડૉક્ટર કરણસિંગનું નામ મોખરે મૂકી શકાય તેવું છે. 1967માં જમ્મુ અને કાશ્મીર રાજ્યના ઉધમપુર મતવિસ્તારમાંથી કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે તેઓ સૌપ્રથમ વાર લોકસભાના સભ્ય ચૂંટાયા અને ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળમાં માત્ર છત્રીસ વર્ષની ઉંમરે પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રીપદે જોડાયા (1967-73). દરમિયાન 1971ની લોકસભાની ચૂંટણીમાં ફરી એક વાર તે જ મતવિસ્તારમાંથી તેઓ લોકસભા માટે ચૂંટાયા. 1973માં તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્વાસ્થ્ય અને પરિવાર નિયોજન વિભાગ સોંપવામાં આવ્યો. 1977ની સામાન્ય ચૂંટણીમાં ત્રીજી વાર તેઓ લોકસભા માટે ચૂંટાયા, પરંતુ ઇન્દિરા ગાંધી સાથેના કેટલાક મતભેદોને કારણે રાષ્ટ્રીય કૉંગ્રેસમાંથી અલગ પડેલા દેવરાજ અર્સના નેતૃત્વ હેઠળના અલાયદા જૂથમાં જોડાયા. 1979માં તેઓ પાછા મૂળ કૉંગ્રેસમાં જોડાયા અને કેન્દ્ર સરકારમાં શિક્ષણ અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી બન્યા. 1979માં ચૌધરી ચરણસિંગના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં જે સરકાર બની તેમાં પણ તેમને મંત્રીપદ બહાલ કરવામાં આવ્યું હતું. મંત્રી તરીકેના આ સમગ્ર ગાળા (1967-79) દરમિયાન તેમણે કોઈ પગાર કે ભથ્થાના રૂપમાં વળતર સ્વીકાર્યું ન હતું; એટલું જ નહિ, પરંતુ કેન્દ્રીય મંત્રીઓ માટેના આવાસનો પણ તેમણે લાભ લીધો ન હતો.

કરણસિંગ (ડૉ.)

ભારતના આશરે – 562 જેટલાં રજવાડાંઓમાં ડૉ. કરણસિંગ એકલા જ એવા રાજવી હતા, જેમણે સ્વેચ્છાથી પોતાના સાલિયાણા(privy purse)ની રકમ અંગત લાભમાંથી જતી કરી હતી. તેમને મળતા માસિક સાલિયાણાની સમગ્ર રકમ તેમણે દર મહિને ‘હરિ-તારા’ નામના સખાવતી ટ્રસ્ટમાં જમા કરાવી હતી અને તેમાંના દરેક રૂપિયાનો ઉપયોગ બહોળા લોકકલ્યાણ માટે થાય તેની તકેદારી રાખી હતી. ઉપરાંત, તેમનો ‘અમર મહેલ’ પ્રાસાદ તેમણે સંગ્રહાલય તથા ગ્રંથાલયમાં ફેરવી નાંખ્યો હતો અને તેમાં અત્યંત કીમતી ગણાય તેવાં પહુરી લઘુચિત્રો, આધુનિક કલાના નમૂનાઓ તથા વીસ હજાર જેટલાં પુસ્તકોનું સંગ્રહસ્થાન બનાવ્યું હતું. પોતાના માતા-પિતાની સ્મૃતિમાં ઊભા કરવામાં આવેલ ‘હરિ-તારા’ ટ્રસ્ટ ઉપરાંત અન્ય ઘણાં સખાવતી ટ્રસ્ટોના પાલક કે સંરક્ષક તરીકે તેઓ પોતાની સેવાઓ વર્ષોથી વિના મૂલ્યે આપી રહ્યા છે.

ડૉ. કરણસિંગ દેશવિદેશની ઘણી સાંસ્કૃતિક તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે, જેમાં ‘ક્લબ ઑવ્ રોમ’નો પણ સમાવેશ થાય છે. તેઓ ઘણાં વર્ષોથી ‘ઇન્ડિયન બૉર્ડ ઑવ્ વાઇલ્ડ લાઇફ’(WWB)ના ચૅરમૅનપદે કામ કરી રહ્યા છે. તેવી જ રીતે ‘પ્રૉજેક્ટ ટાઇગર’(વાઘને બચાવો)પ્રકલ્પના પણ તેઓ ઘણાં વર્ષોથી વડા તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમણે બનારસ યુનિવર્સિટી તથા જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીના ચાન્સેલરપદે પણ કામ કર્યું છે.

લેખક તરીકે પણ તેઓ ખ્યાતિ ધરાવે છે. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે; જેમાં તેમની આત્મકથા, સ્ફુટ લેખો, પ્રવાસ-વર્ણનો તથા નિબંધોનો પણ સમાવેશ થાય છે. તેમણે ડોગરી ભાષામાં લખેલા તથા અન્ય ભાષાનાં લોકગીતોનો અનુવાદ કર્યો છે. કવિતા લખવાનો પણ તેમને છંદ છે. તેઓ શાસ્ત્રીય સંગીતના ચાહક તથા કલા અને સૌંદર્યના મર્મજ્ઞ છે. તેઓ સિતાર વગાડી શકે છે.

થોડાક સમય માટે તેઓ રાજ્યસભાના સભ્ય તથા અમેરિકામાં ભારતના એલચી રહી ચૂક્યા છે.

બનારસ હિંદુ યુનિવર્સિટી તથા અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટરેટની પદવીઓ એનાયત કરી છે.

તેઓ વિશ્વ હિંદુ પરિષદના સ્થાપક સભ્યોમાંના એક છે.

તેમના બે પુત્રોમાંથી એક પુત્ર નૅશનલ કૉન્ફરન્સના નેતૃત્વ હેઠળ રચવામાં આવેલ જમ્મુ અને કાશ્મીર રાજ્યના પૂર્વ મંત્રીમંડળમાં મંત્રીપદે રહી ચૂક્યા છે.

તેમણે દેશવિદેશમાં વ્યાપક પ્રમાણમાં પ્રવાસ ખેડ્યો છે. મોટાભાગના પ્રવાસો કાં તો વ્યાખ્યાનો આપવા અથવા તો આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હાજરી આપવા થયા છે. એક ઉત્તમ કક્ષાના વક્તા તરીકે તેઓ ખ્યાતિ ધરાવે છે. તેમણે તત્વચિંતન/ભારતીય દર્શન, ભારતીય સંસ્કૃતિ, પર્યાવરણ-સુરક્ષા તથા રાજકારણનાં જુદાં જુદાં પાસાંઓ પર વિશ્વના પાંચેય ખંડોનાં મહત્વનાં નગરોમાં વ્યાખ્યાનો આપ્યાં છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે