કર, બિમલ (જ. 19 સપ્ટેમ્બર 1921; અ. 26 ઑગસ્ટ, 2003, બિધાનનગર, કોલકાતા, વેસ્ટ બેંગાલ) : વિખ્યાત બંગાળી નવલિકા-લેખક અને નવલકથાકાર. બંગાળના ચોવીશ પરગણાં જિલ્લાના ટાંકી ગામમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક તથા કૉલેજ શિક્ષણ કોલકાતામાં. બી.એસસી. થયા પછી કેટલોક સમય સૈન્યમાં અને કેટલોક સમય રેલવેમાં નોકરી કર્યા પછી પત્રકારત્વનો વ્યવસાય લીધો. ‘આનંદબજાર પત્રિકા’ જૂથના બંગાળી સાપ્તાહિક ‘દેશ’ના તંત્રીમંડળમાં હતા. એમણે સ્વાતંત્ર્યોત્તર કાળની સમસ્યાઓ નિરૂપીને આધુનિક માનવીની અતલ નિરાશા, એકલતા અને એનું વિચ્છિન્ન વ્યક્તિત્વ પોતાની કથાઓમાં પ્રતિબિંબિત કર્યું છે. એમણે કથાલેખનની શરૂઆત ચાર ખંડોમાં પથરાયેલી બૃહદ નવલ ‘દેઓ યાબ’થી કરી; એમાં બીજા વિશ્વયુદ્ધના પરિવેશમાં ઉપસ્થિત થયેલી માનવની વિવિધ સમસ્યાઓનું નિરૂપણ થયેલું છે. એમની એ નવલકથા અત્યંત લોકપ્રિય થઈ અને બંગાળ સરકાર તરફથી શ્રેષ્ઠ નવલકથાનો પુરસ્કાર એને મળ્યો. તે પછી તો એમણે સ્વાતંત્ર્યોત્તરકાલીન અનેક સામાજિક, રાજનૈતિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે સમસ્યાઓ એમની નવલકથાઓમાં નિરૂપી છે; જેમ કે, ‘ખંડકુટો’, ‘પૂર્ણઅપૂર્ણ’, ‘ગ્રહણ’, ‘પરિચય’ ઇત્યાદિ. એમની કૃતિ ‘અસમય’ને 1975ની શ્રેષ્ઠ બંગાળી નવલકથા તરીકે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સાંપ્રતકાલીન માનવચેતનાનાં વિવિધ રૂપો તથા વિવિધ સ્તરોનું તેમણે કથાસાહિત્યમાં પ્રભાવક રીતે નિરૂપણ કર્યું છે. એમની એક નવલકથા ‘બાલિકાવધૂ’માં નાની ઉંમરની છોકરી સાસરે જાય છે, ત્યાં સાસરામાં એ કેવી રીતે પોતાના કિશોર પતિ સાથે અને સાસરિયાં સાથે સંવાદિતા સાધે છે, તેનું વિનોદપૂર્ણ શૈલીમાં નિરૂપણ થયું છે. એના પરથી એ જ નામનું ચલચિત્ર પણ તૈયાર કરવામાં આવ્યું હતું. એમની અત્યંત લોકપ્રિય નવલકથા ‘મલ્લિકા’માં મધ્યમવર્ગનો બંગાળી સમાજ કેવું અર્થસંકટ ભોગવે છે અને કેવી ભ્રમણામાં જીવ્યા કરે છે તેનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ થયું છે.

નવલકથાની જેમ નવલિકાના ક્ષેત્રે પણ બિમલબાબુએ સારી પ્રતિષ્ઠા મેળવી છે. એમની સિદ્ધિ મનોવૈજ્ઞાનિક વાર્તાઓમાં છે. માનવમનની અંદર જોવાનું જાણે એમની પાસે ત્રીજું નેત્ર છે. એમાં એમણે બાહ્યસૃષ્ટિ અને આંતરમન વચ્ચેના મેળ-કુમેળ એકસરખી આસાનીથી નિરૂપ્યાં છે. એમના નવલિકાસંગ્રહોમાં ‘આત્મજા’, ‘દરજા’, ‘સુધામય’, ‘નિષાદ’, ‘પિતૃઘ્ન’, ‘પલાશ’ તથા ‘ઉદભિદ’ યશોદાયી છે. ગુજરાતીમાં તેમની ‘પ્રચ્છન્ન’, ‘બાલિકાવધૂ’ અને ‘અસમય’ના અનુવાદ પ્રગટ થયા છે.

નિવેદિતા બસુ