ઍક્રોપોલિસ : દેવ-દેવીઓનાં ભવ્ય સુંદર મંદિરો, રાજાઓનાં મહાલયો અને જાહેર ઇમારતોવાળું, 350 મી. લાંબા, 150 મી. પહોળા અને 45 મી. ઊંચા ખડકવાળી 91 મી. ઊંચી ટેકરી ઉપર આવેલ દુર્ગ સહિતનું પ્રાચીન ગ્રીક પવિત્ર સ્થળ.
ઈ. પૂ. 4000 વર્ષ જેટલા પ્રાચીન આ સ્થળેથી પાષાણયુગના પાછળના સમયનાં માટીનાં વાસણો તથા હથિયારોના અવશેષો મળે છે. ઈ. પૂ. 1250-1200 દરમિયાન ઉત્તર તરફના ભયથી ઍથેન્સનું રક્ષણ કરવા ડુંગર ઉપર ઊંચી જાડી દીવાલવાળા દુર્ગની રચના કરવામાં આવી હતી. ઍક્રોપોલિસ નામ ઍક્રોસ – ઊંચું, અને પોલિસ – નગર એ બે શબ્દોનું બનેલું છે. આ દુર્ગનગરમાં ઍથેન્સની અંગરક્ષક દેવી એથીની તથા અન્ય દેવ-દેવીઓનાં મંદિરો વગેરે આવેલાં છે.
ઈ. પૂ. પાંચમી સદીના મધ્યકાળ દરમિયાન આરસપહાણનાં ચાર મુખ્ય મંદિરો બંધાયાં હતાં. પેરિક્લિસના સુવર્ણકાળ દરમિયાન (ઈ. પૂ. 460-430), પ્રૉપિલિયા દરવાજો ઈ. પૂ. 437-32ના અરસામાં બંધાયો હતો. આ દરવાજાની નૈર્ઋત્યે એથીની નાઇક કે નાઇક અપ્ટેરોસનું નાનું આરસપહાણનું મંદિર બંધાયું હતું. આ મંદિરના નીચેના ભાગમાં પાંખોવાળી વિવિધ સ્વરૂપની વિજયદેવતાઓની મૂર્તિઓ કંડારાયેલી હતી. પ્રૉપિલિયાની વાયવ્યે ઈ. પૂ. 447-438 દરમિયાન બંધાયેલું દેવી એથીનીનું પાર્થેનૉનનું મંદિર આવેલ છે. મહાન શિલ્પી ફિડિયાસે શિરસ્ત્રાણ સહિત દેવી એથીનીની સુંદર મૂર્તિ કંડારી છે. આ દેવીના ભેટ-સ્વરૂપ ઑલિવ વૃક્ષ અહીં છે. પાર્થેનૉનની ઉત્તર દિશાએ એરેકથિયમનું અનેક દેવીઓનાં મંદિરોનું સંકુલ છે. દેવી એથીની, પોસાઇડોન અને તેનો ખારો કૂવો, પ્રકૃતિદેવી પેન્ડોસસનું મંદિર વગેરે પણ અહીં છે. ડેલિયન લીગ ટ્રેઝરીમાં દેવળોને મળેલી ભેટો, રાચરચીલું વગેરેનું સંગ્રહસ્થાન છે.
ઍક્રોપોલિસની દીવાલ બહાર ટેકરીના ઢોળાવો ઉપર ડાયોનાઇસસનું મંદિર તથા ખુલ્લી રંગભૂમિ, દેવી ઍફ્રોડાઇટ તથા તેના પુત્ર ઇરૉસ અને સ્વાસ્થ્યની દેવી હાઇજીનિયા વગેરેનાં મંદિરો છે. દેવાધિદેવ ઝ્યૂસ, સૂર્યદેવ એપૉલો તથા વનદેવતા પાનની ગુફાઓ પણ અહીં છે.
ઈ. પૂ. 480માં ઈરાની સમ્રાટ જર્કસિસે ઍથેન્સ અને ઍક્રોપોલિસનાં સ્થાપત્યોનો નાશ કર્યો હતો અને લૂંટ ચલાવી હતી. પણ ઈ. પૂ. 469માં ‘ડૉરિક’ શૈલીનું પૅલેસ પાર્થેના, આયોનિક શૈલીનું એથીનીદેવીનું મંદિર, ડેલ્ફીનું એપૉલોનું ભવિષ્યવેત્તાઓને કારણે જાણીતું બનેલું દેવળ વગેરે મંદિરો પેરિક્લિસ તથા તેના અનુગામીને કારણે અસ્તિત્વમાં આવ્યાં છે. આ મંદિરો ગ્રીક સ્થાપત્ય અને શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. બ્રિટિશ મ્યૂઝિયમને લૉર્ડ એલ્ગિને ભેટ આપેલા તેમાંના કેટલાક નમૂના લંડનમાં સચવાયેલા છે.
કૃષ્ણવદન જેટલી
રવીન્દ્ર વસાવડા
મહેશચંદ્ર પંડ્યા