ઇરાક
મધ્યપૂર્વનો લોકશાહી આરબ દેશ. તે 29o 20´ થી 37o 33´ ઉ. અ. અને 38o 53´ થી 48o 16´ પૂ. રે. વચ્ચેનો 4,38,446 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘મોસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા આ પ્રદેશમાં ઉચ્ચ કોટિની વિશ્વસંસ્કૃતિ વિકસી હતી. બંને નદીઓ વચ્ચેનો આ પ્રદેશ ‘ફળદ્રૂપ ચંદ્રલેખાના પ્રદેશ તરીકે પણ ઓળખાતો. તે ઈરાનના અખાતની વાયવ્યમાં આવેલો છે. ઉત્તરે તુર્કી, ઈશાન અને પૂર્વમાં ઈરાન, અગ્નિકોણમાં ઈરાનનો અખાત, દક્ષિણમાં કુવૈત અને સાઉદી અરેબિયા, પશ્ચિમમાં સીરિયા અને જૉર્ડન આવેલા છે. 2010 મુજબ તેની વસ્તી 3,14,67,000 છે. તેનું પાટનગર બગદાદ છે. અરબી ભાષામાં ‘ઇરાક’નો અર્થ ‘ઊંડા મૂળવાળો દેશ’ (the well-rooted country) એવો થાય છે. મૂળે આ દેશ ખેતીપ્રધાન છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે વિશ્વના ખનિજતેલના મહત્વના ઉત્પાદક દેશ તરીકે જાણીતો છે. ખનિજતેલથી સમૃદ્ધ બનતાં તેનો આર્થિક વિકાસ થયો છે.
પ્રાકૃતિક રચના : ઇરાકને ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે : (1) કુર્દિસ્તાનનો ઈશાની પહાડી પ્રદેશ; (2) મેસોપોટેમિયાનો નદીખીણનો પ્રદેશ; (3) નૈર્ઋત્યનો રણપ્રદેશ.
કુર્દિસ્તાનનો પહાડી પ્રદેશ : આ પ્રદેશ કુર્દ પ્રજાનું વતન ગણાય છે. આ પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ 1,500 મીટર છે. ઈરાન પાસેની પર્વતમાળાનું શિખર લગભગ 3,600 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતમાળા પૂર્વમાં ઈરાનની ઝેગ્રોસ પર્વતમાળા તેમજ વાયવ્ય છેડા તરફ તુર્કીની આર્મેનિયન પર્વતમાળા સાથે જોડાયેલી છે.
મેસોપોટેમિયાનો નદીખીણનો પ્રદેશ : ઇરાકનો આ ઘણો જ મહત્વનો પ્રદેશ છે.
મેસોપોટેમિયાના બે વિભાગો પડે છે : (1) ઉપરવાસની ખીણ (અપર વેલી), (2) હેઠવાસની ખીણ (લોઅર વેલી).
ઉપરવાસની ખીણ : ઉત્તરમાં આવેલી ઉપરવાસની ખીણનું ભૂપૃષ્ઠ સમતલ છે. એમાં નાનાં મેદાનો અને કાદવવાળી ઘાસભૂમિ છે. યુફ્રેટિસે અહીં પહોળી સપાટ ખીણ બનાવી છે અને સમતલ પ્રદેશમાં ધીમી ગતિએ સર્પાકારે તે વહે છે. ટાઇગ્રિસની સામે પૂર્વમાં તુર્કી સરહદ અને પહોળી ડાયાતા ખીણ વચ્ચે ઊંચી ભૂમિ છે, જેનો આકાર ચતુષ્કોણ જેવો છે અને તે નદીની સપાટીથી પૂર્વમાં પગથિયાં આકારે ઊંચે જાય છે. આ પ્રદેશ છેવટે ઝેગ્રોસ પર્વતમાળાને મળી જાય છે. નીચેનો ભાગ મોટી અને નાની ઝેબ નદીની ખીણનો છે. આ ભાગ એસીરિયાનો પ્રાચીન પ્રદેશ છે. પૂર્વમાં દૂર પર્વતીય પ્રદેશ છે. ત્યાં વાયવ્યથી અગ્નિ તરફ ડુંગરધારો આવેલી છે, જે નદીના પાત્રથી અલગ થાય છે. આ પ્રદેશને ઇરાકી કુર્દિસ્તાન કહેવામાં આવે છે. આ ભાગમાં વચ્ચે નદીઓએ ધોવાણ કરી બનાવેલી અસમતળ ખીણ આવેલ છે. અહીંથી ઝરણાં દક્ષિણ અને અગ્નિ દિશામાં સર્પાકારે વહે છે. તે પ્રદેશના નીચાણવાળા ભાગમાં ખેતી થાય છે.
હેઠવાસની ખીણ : રામડી અને બગદાદ વચ્ચેની ડુંગરધાર પાસેથી આ ખીણ શરૂ થાય છે અને દક્ષિણ તરફ લગભગ 560 કિમી. ઈરાનના અખાત સુધી વિસ્તરેલી છે. બગદાદની દક્ષિણ તરફ ટાઇગ્રિસ પૂર્વમાં અને યુફ્રેટિસ પશ્ચિમમાં વહેણ બદલે છે. તેથી બગદાદ નીચી ભૂમિની સાંકડી પટ્ટીમાં આવેલું છે. ટાઇગ્રિસ સર્પાકારે વહે છે અને નાળાકાર સરોવરો રચે છે. અહીં કુદરતી પાળા અને નદીઓની શાખાઓને કારણે દલદલ ભૂમિની રચના થઈ છે. અલ રામડીથી દક્ષિણમાં યુફ્રેટિસ સુવ્યવસ્થિત નહેરમાં વહે છે. ટાઇગ્રિસની જેમ અહીં પણ કુદરતી પાળા અને સરોવરો રચાયાં છે. અલમુસાઈબ અને સમાવાહ વચ્ચે વિવિધ શાખાઓમાં અને સમાવાહથી નસીરિયા સુધી તે સુવ્યવસ્થિત નહેરમાં વહે છે અને છેવટે હામર સરોવરમાં સમાઈ જાય છે. અલકુર્નાથી હામર સરોવર અને ટાઇગ્રિસના સંગમસ્થાનથી આ નદી શત્-અલ-અરબ તરીકે ઓળખાય છે.
પશ્ચિમનો રણપ્રદેશ : સાઉદી અરેબિયા, જૉર્ડન અને સીરિયા સાથેનું સરહદીય ક્ષેત્ર એ તેનો રણવિસ્તાર છે. પૂર્વથી ક્રમમાં આવતાં પહેલાં પહાડી પ્રદેશો આવે છે. ત્યારબાદ મધ્યનું મેસોપોટેમિયાનું મેદાન આવે છે અને તે પછી આ રણપ્રદેશ છે. આ દેશ ભૂકંપ-પટ્ટામાં આવેલો હોવાથી ત્યાં અવારનવાર ભૂકંપ થતા રહે છે.
નદીઓ : ઇરાકની મુખ્ય બે નદીઓ યુફ્રેટિસ અને ટાઇગ્રિસ છે. આ નદીઓ કુર્દિસ્તાનના પહાડી વિસ્તારમાંથી આવી ઇરાકમાં વહે છે. તેમનાં સ્થાનિક નામ દઝલા અને ફરાદ છે. મૂળ તુર્કીમાંથી નીકળતી આ નદીઓ સીરિયામાંથી પસાર થઈને ઇરાકમાં આવે છે. આ નદીઓનો સૌથી વધારે લાભ ઇરાકને મળે છે. આ નદીઓ એકબીજીને સમાંતર વહી ઈરાનના અખાતની ઉપરવાસે લગભગ 192 કિમી. દૂર બસરા પાસે એકબીજીને મળે છે. ટાઇગ્રિસ નદી લગભગ 1,840 કિમી. અને યુફ્રેટિસ નદી લગભગ 1,890 કિમી. જેટલી લાંબી છે. તેના પ્રવાહમાર્ગમાં કરાસુ અને મુરાદ નામની નદીઓ તેને મળે છે. આગળ વધતાં તે શત્-અલ-અરબ તરીકે ઓળખાય છે.
જમીનો : ઇરાકની જમીનો વિરોધાભાસી વિભાગમાં વહેંચાયેલી છે. કેટલીક જમીનો અત્યંત ફળદ્રૂપ કસદાર કાંપની બનેલી છે. આ જમીનમાં ભેજ અને માટી છે. અહીં સારા પ્રમાણમાં ખેતી થાય છે. બાકીની કેટલીક જમીનો રણપ્રકારની છે.
આબોહવા : આબોહવાની ર્દષ્ટિએ ઇરાકમાં મુખ્યત્વે બે ઋતુઓ છે. મેથી ઑક્ટોબર સુધી સૂકો અને સખત ગરમ ઉનાળો હોય છે, જ્યારે ડિસેમ્બરથી માર્ચ સુધીમાં સૂકો અને ઠંડો શિયાળો હોય છે. ઉનાળામાં ઈરાની અખાત અને વાયવ્ય ભારત ઉપર હળવા દબાણનાં કેન્દ્રો ઉદભવે છે. આને લીધે ઇરાક પર વાયવ્ય દિશાના પવનો વાય છે. આ પવનો ‘શામલ’ તરીકે ઓળખાય છે, જે સતત વાતા રહે છે. આ પવનો ધૂળનાં પ્રચંડ તોફાનો સર્જે છે. ઉનાળામાં તાપમાન 35o સે.થી 47o સે. જેટલું રહે છે. રાત્રિ અને દિવસના તાપમાનમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. શિયાળામાં પૂર્વ અને ઈશાનની પર્વતમાળાઓ ઇરાકના હવામાન પર નોંધપાત્ર અસર કરે છે. પર્વતમાળાઓ કાયમ હિમાચ્છાદિત રહે છે. શિયાળાનું તાપમાન નીચું રહે છે. શિયાળામાં ભૂમધ્ય સમુદ્ર તરફથી અગ્નિકોણી પવનો વાય છે; જે ઠંડક, ભેજ અને વરસાદ લાવે છે. મધ્ય એશિયામાંથી ઠંડા પવનો વાય છે અને તાપમાન નીચું લાવે છે. અહીં જાન્યુઆરીનું તાપમાન 27o સે. જેટલું રહે છે અને ધુમ્મસ જોવા મળે છે. દેશના મોટાભાગમાં આશરે 150 મિમી. વરસાદ પડે છે.
અર્થતંત્ર : ઇરાક ખેતીપ્રધાન દેશ છે. તેની 13 ટકા જમીન ખેતીના ઉત્પાદનમાં રોકાયેલી છે; તેમ છતાં ખેતી ઇરાકની પ્રજાનો મુખ્ય વ્યવસાય ગણાય છે.
ખેતીના પાકમાં મુખ્યત્વે જવ ઉગાડવામાં આવે છે. અહીં ઘઉંની ખેતી પણ થાય છે. અહીંની ઠંડી સૂકી આબોહવા અને ક્ષારવાળી જમીનમાં ઘઉં કરતાં જવ પુષ્કળ પાકે છે. ઇરાકનો ઉનાળુ પાક ડાંગર છે. નીચલી ખીણમાં ડાંગરનું ઉત્પાદન વધારે છે. ડાંગરની ખેતી સઘન સિંચાઈથી કરવામાં આવે છે. આ ઉપરાંત બાજરી પણ સિંચાઈથી પકવવામાં આવે છે. કેટલેક સ્થળે મકાઈની ખેતી પણ થાય છે.
રોકડિયા પાકમાં કપાસની ખેતી નદીની ખીણના પ્રદેશમાં નીચાણવાળાં મેદાનોમાં થાય છે. પર્વતીય ક્ષેત્રોની તળેટીમાં તમાકુનું વાવેતર થાય છે. વળી આ જ વિસ્તારમાં દ્રાક્ષના બગીચા ઉપરાંત અંજીર, શેતૂર, સફરજન, મોસંબી, નારંગી જેવાં ફળફળાદિની બાગાયતી ખેતી થાય છે.
ખજૂર એ ઇરાકનો સૌથી મહત્વનો પાક છે. ખજૂરના ઉત્પાદનમાં ઇરાક વિશ્વમાં પ્રથમ નંબરે છે. વિશ્વના ખજૂરના ઉત્પાદનના 80 % જેટલો હિસ્સો ઇરાકનો છે. ખજૂરનાં ઝાડ મુખ્યત્વે દક્ષિણમાં આવેલા શત-અલ્-અરબ પ્રદેશમાં છે. આ પ્રદેશમાં ખજૂરની લગભગ 130 જેટલી જાત ઉગાડવામાં આવે છે. ખજૂરની સૌથી ઉત્તમ જાત ‘હાલાવી’ ગણાય છે. તેનું ઉત્પાદન દરેક વૃક્ષદીઠ લગભગ 20 કિગ્રા. થાય છે.
ખનિજતેલ ઇરાકનું મુખ્ય ખનિજ છે. પૂર્વમાં આવેલા કિરકુકમાં ઇરાકનાં વિશાળ તેલક્ષેત્રો છે. 2005 મુજબ અહીંનું ખનિજતેલનું ઉત્પાદન 89.5 મિલિયન ટન જેટલું હતું, પરંતુ તેના વેચાણ પર યુ.એસ. તરફથી પ્રતિબંધ લદાયો છે. આ સિવાય અન્ય ખનિજોમાં કોલસો, ક્રોમાઇટ, તાંબું, લોખંડ, સીસું, જસત, ગંધક તેમજ ફૉસ્ફેટનો સમાવેશ થાય છે.
ઇરાકનો ઔદ્યોગિક વિકાસ ખનિજતેલને આભારી છે. ઇરાકનાં તેલ-ક્ષેત્રોને પાઇપલાઇન દ્વારા બગદાદ સાથે જોડી દેવામાં આવ્યાં છે. ખનિજતેલનું ઉત્પાદન મોટેભાગે ઇરાક પેટ્રોલિયમ કંપની (IPC) તથા તેની શાખા બસરા પેટ્રોલિયમ કંપની અને મોસુલ પેટ્રોલિયમ કંપની કરે છે.
બગદાદ અને તેની આજુબાજુના પ્રદેશમાં તેલ-રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ અને રાસાયણિક ખાતરના ઉદ્યોગો વિકસ્યા છે. આ ઉદ્યોગોમાં સંચાલનશક્તિ માટે તાપવિદ્યુતમથકો પણ આવેલાં છે. ઉત્તરમાં બગદાદ તેમજ દક્ષિણમાં બસરા ઔદ્યોગિક ક્ષેત્રો તરીકે જાણીતાં છે. ખાસ કરીને પાયાના અને ભારે ઉદ્યોગો સરકારી નિયંત્રણ નીચે છે. નાના ઉદ્યોગો ખાનગી ક્ષેત્રોમાં ચાલે છે. ઇરાકમાં સુતરાઉ કાપડ, રેશમ, રેયૉન, ખાંડ, ખેતીનાં ઓજારો, મોટાં યંત્રો, તૈયાર કપડાં, પગરખાં, કાગળ, ચર્મઉદ્યોગ, ઈંટ, સિમેન્ટ, સિગારેટ, કેમિકલ્સ, ધાતુકામ અને ફર્નિચર બનાવવાના ઉદ્યોગો ચાલે છે. બાગાયતી ખેતીના પ્રદેશમાં ફળ તથા ખજૂર પૅક કરવાના ઉદ્યોગો પણ ચાલે છે.
આયાત–નિકાસ : 2002 મુજબ 9,817 મિલિયન યુ.એસ. ડૉલરની આયાત અને 9,990 મિલિયન યુ.એસ. ડૉલરની નિકાસ હતી. તે પૈકી મોટો ફાળો પેટ્રોલિયમ અને તેની પેદાશોનો હતો. આ ઉપરાંત ખજૂર અને શાકભાજીની નિકાસ કરાતી હતી. ફ્રાન્સ, ઇટાલી અને બ્રાઝિલ મુખ્યત્વે આયાતકારો હતા. આયાતો પૈકી વીજળીનાં સાધનો, યંત્રો, વાહનવ્યવહારનાં સાધનો અને અનાજ હતાં. પશ્ચિમ જર્મની, યુ.એસ., ફ્રાન્સ અને જાપાનમાંથી તેની આયાત થતી હતી.
વાહનવ્યવહારનો વિકાસ પ્રમાણમાં ઓછો છે. બંને નદીઓ વાટેનો જળમાર્ગ સરળ અને સસ્તો પડે છે. બગદાદથી દક્ષિણ સમુદ્ર સુધી મધ્યમ કદની સ્ટીમ-બોટો ચાલે છે. ટાઇગ્રિસ નદીમાં હલકા વજનનાં વહાણો બસરાથી બગદાદ સુધી ફરે છે. યુફ્રેટિસ નદી થોડા અંતરના જળમાર્ગ તરીકે જ ઉપયોગી છે. બસરા બંદર જળમાર્ગની ચાવીરૂપ છે.
ઇરાકમાં સૌપ્રથમ બગદાદ અને સમારા વચ્ચે ટૂંકા અંતરનો રેલમાર્ગ શરૂ થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશરોએ અહીં ઘણા રેલમાર્ગો શરૂ કર્યા હતા. આ રેલમાર્ગ બગદાદ, બસરા, હિલ્લા, સમારા અને નસીરિયા સાથે જોડાયેલા છે. પશ્ચિમમાં યુફ્રેટિસની ખીણમાં રેલમાર્ગ તૈયાર કરવામાં આવ્યો છે.
બસરા અને બગદાદ બંને આધુનિક હવાઈ મથકો ધરાવે છે.
લોકો : ઇરાકની મોટાભાગની વસ્તી યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીઓનાં મેદાનોમાં જોવા મળે છે. દક્ષિણ, નૈર્ઋત્ય અને પશ્ચિમી ક્ષેત્રો લગભગ વસવાટ વગરનાં છે. આ વિસ્તારોમાં ભટકતી પ્રજાઓની વસ્તી છે. ઉત્તરમાં તેમજ મધ્યમાં સઘન વસ્તીનાં કેન્દ્રો આવેલાં છે. ઇરાકનું વસ્તીવિતરણ ઘણું જ અસમાન છે. તે પ્રાકૃતિક સ્થિતિ પ્રમાણે દોરવાય છે. આરબ લોકોની બહુમતી છે. આ સિવાય મધ્ય એશિયામાંથી મુગલો, તુર્ક, તુર્કમૅન્સ, કુર્દુ વગેરે પ્રજાઓ પણ અહીં આવીને વસી છે. કુર્દુ પ્રજા પર્વતીય પ્રદેશમાં રહે છે. તેમણે પોતાની સંસ્કૃતિ જાળવી છે. તેઓ પોતાની કુર્દિશ ભાષા બોલે છે. વસ્તીના 75 % આરબ, 16 % પર્શિયન, 2 % તુર્ક અને અન્ય લોકો છે. ઇરાકની સરકારમાન્ય ભાષા અરબી છે, છતાં અંગ્રેજી ભાષા સારા પ્રમાણમાં બોલાય છે. અંગ્રેજી ભાષા વેપારધંધામાં અને સરકારી કાર્યવહીમાં બોલાય છે. ઇરાકમાં 90 %થી વધારે લોકો ઇસ્લામ ધર્મ પાળે છે, જેમાં 34 % સુન્ની, 63 % શિયા મુસ્લિમો અને 3 % ખ્રિસ્તીઓ છે.
ઇરાકમાં લશ્કરી સેવા ફરજિયાત છે. પુરુષો માટે 12 માસથી 2 વર્ષની હોય છે. લશ્કરની ત્રણ પાંખો છે : હવાઈ, પાયદળ અને નૌકાદળ.
ઇરાકમાં પ્રાથમિક કેળવણી મફત છે. યુનિવર્સિટીની કેળવણી માટે પૂરતી સગવડ નથી. ઇરાકની સરકાર 25 % બજેટ કેળવણી માટે ફાળવે છે. કન્યાઓ માટે અલગ કેળવણી-વિભાગ છે, જેમાં બાળઉછેર અને ગૃહવિજ્ઞાન જેવા વિષયોના અભ્યાસક્રમો છે. 1956માં બગદાદ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. ક્વિન અલિયાહ કૉલેજ કન્યાઓ માટે છે. આ સિવાય બગદાદમાં બીજી યુનિવર્સિટી છે તેનું નામ અલ હિકમાહ છે. 1992 મુજબ અહીંનું સાક્ષરતાનું પ્રમાણ 62.5 % જેટલું હતું.
ઇતિહાસ
સરકાર : 1958 પહેલાં ઇરાકમાં બંધારણીય રાજાશાહ હતી. ત્યારબાદ દેશમાં માર્શલ લૉ આવ્યો. છેવટે દેશનો વહીવટ પ્રજાના હાથમાં આવ્યો અને પ્રજાએ ત્રણ સભ્યોની બનેલી કામચલાઉ કાઉન્સિલના હાથમાં સર્વ સત્તા સોંપી. આ કાઉન્સિલના પ્રધાનના હાથમાં કાયદા ઘડવાની અને તેનું પાલન કરાવવાની સત્તા આપવામાં આવી. આ સત્તાએ ઇરાકને ઇસ્લામી રાજ્ય જાહેર કરી ધાર્મિક સ્વાતંત્ર્ય, ખાનગી મિલકત રાખવાનો અધિકાર તેમજ સ્વતંત્ર ન્યાયતંત્ર આપ્યાં.
ઇરાક દેશ 14 લિવાઝમાં વહેંચાયેલો છે. પ્રધાનો, ગવર્નર, મુસ્તા શરીફને જવાબદાર છે. દરેક લિવાઝ સંખ્યાબંધ જિલ્લાઓમાં વહેંચાયેલ છે. ન્યાય માટે વિવિધ કક્ષાની અદાલતો છે. સિવિલ, ક્રિમિનલ અને વ્યાપારી કેસો માટે અદાલતો છે. વળી ધાર્મિક અદાલતો પણ છે; જે લગ્ન, છૂટાછેડા અને વારસાગત દત્તકના કેસો ચલાવે છે.
બગદાદ : તે ટાઇગ્રિસ નદી પર આવેલું ઇરાકનું પાટનગર છે, તે ઇરાકનું પ્રથમ કક્ષાનું ઔદ્યોગિક શહેર છે. અહીં પાયાના ઉદ્યોગો તેમજ સામાન્ય વપરાશની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં છે. અહીં કાપડની મિલો, ધાતુ-ઉદ્યોગ, હળવા વિદ્યુત અને ઇજનેરી ઉદ્યોગો તેમજ વાહનો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. બગદાદ ઐતિહાસિક શહેર છે. 762માં તે ખલિફા અલ્ મન્સૂરની રાજધાનીનું શહેર હતું.
મોસુલ : ઇરાકનું બીજા નંબરનું મહત્વનું શહેર છે. બગદાદની જેમ તે પણ ઐતિહાસિક શહેર છે. જૂના મોસુલના સ્થાનની નજીક જ અત્યારનું નવું શહેર તૈયાર થયું છે. વેપારની ર્દષ્ટિએ તેનું સ્થાન અતિ મહત્વનું છે. તેલક્ષેત્રો તેની નજીકમાં છે. અહીં કાપડ, રેયૉન અને ખેતીનાં સાધનોનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત કાગળ, ઇમારતી લાકડાં વગેરે ઉદ્યોગો માટે પણ તે જાણીતું છે.
બસરા : દક્ષિણ ઇરાકનું પ્રાદેશિક કેન્દ્ર છે. ઈરાનના અખાતથી 110 કિમી. અંદર આવેલા શત-અલ્-અરબ પર વસેલું છે. ઇરાકનો મોટાભાગનો વિદેશ-વેપાર બસરા દ્વારા ચાલે છે. તે આધુનિક નદી-બંદર છે. અહીં ખનિજતેલને લીધે પેટ્રોકેમિકલ્સ અને રસાયણ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો છે. પ્રાચીન કાળથી બસરા ખજૂરના વ્યાપારનું આંતરરાષ્ટ્રીય મથક બન્યું છે.
કરબલા : ખલીફા યઝીદના શાસન દરમિયાન (680–683) મહંમદ પયગંબરના જમાઈ અલીના બીજા પુત્ર હુસેનને કુફાના લોકોએ ખલીફાપદ માટે વચન આપ્યું હતું. મદીનાથી કુફા આવતાં યઝીદ સૂબા દ્વારા કરબલા પાસે તેમને તેમના કબીલા સાથે ઘેરી લેવામાં આવ્યા અને 10 દિવસ બાદ તેમની કતલ કરવામાં આવી. હુસેનની કબર કરબલામાં છે અને આ સ્થળ મુસ્લિમોનું મોટું ધાર્મિક સ્થળ છે.
આજના ઇરાકની રાજધાની બગદાદ પ્રાચીન બૅબિલોન અને એસીરિયાને સીમાડે છે અને ઇરાકમાં આ બંને પ્રદેશોનો સમાવેશ થાય છે. આ પ્રદેશ ટાઇગ્રિસ (સુમેરની ભાષામાં ઇદીન્ના, અક્કડ ભાષામાં ઇદીગ્લાન) અને યુફ્રેટિસ (સુમેરમાં પુરનું અને અક્કડમાં પુશ્તુ) નદીના દોઆબનો પ્રદેશ છે.
પાલિ ભાષામાં લખાયેલ જાતકકથાઓ(ભરૂકચ્છ જાતક અને સુપ્પારક જાતક)માં બૅબિલોનનો ‘બાવેરૂ’ તરીકે ઉલ્લેખ છે. (પ્રાચીન બાબલી = કંઈક વિકૃત અર્થ, બાબ-ઈલી = ઈશ્વરી દ્વાર) તે બગદાદથી દક્ષિણનો પ્રદેશ ઘણાં નગરો તથા નાનાંમોટાં ગામોવાળો હતો. તેનાં મુખ્ય નગરો એરીડુ (અબુશાહરીન), ઉર, ઇમ (તેમ મુકય્યર), લારસા (તેલસંકારા), એરચ અથવા યુરૂક (વાર્કા), લાગશ-ગીરશુ (તેલ્લોહ), ઉમ્મા (જોખાદ), શુરૂપ્પાક (તેલ ફારાદ), અદાબ (બીસ્મયા), નીપુર (નુફફાર), મરદ (વમાત સાદુન), ઇસીન (બહીરીય્યાત), બોરસિપ્પા (બીર્સ નીમરૂદ), બૅબિલોન (હિલ્લાહ), કીશ (ઉહ્યમીર), કુતાદ, કુટુઆ (તેલ ઇબ્રાહિમ), સીપ્પર (અબુહબ્બાહ), ઉપી અક્ષક (અનિશ્ચિત સ્થળ), એશુન્ના ઈશનુ (તેલ અસ્માર), તુતુલ (ખાફજે) અને દેર (બદ્ર) છે. નાનાં ગામો પણ ઘણાં છે.
આ પ્રાચીન સ્થળોની તપાસ કરતાં આ પ્રદેશમાં ખેતી પર નિર્ભર ગામો અને તેની પાર્શ્વભૂમિકામાં વિકસેલાં પુરોથી બનેલા પૌર જાનપદો વગેરેનો ઇતિહાસ લાંબો છે. તેના પ્રાચીનતમ અવશેષો શોધવાના બાકી છે; પરંતુ મરમો, હસુના, મતારા તેલહલાફ, તેપેગ્વારા, અલઉબાયદ જેવાં નાનાં ગામોના અવશેષો મળ્યા છે. તેમાં માટીનાં બાંધેલાં ઘરો, માટીનાં વાસણો, પૂતળીઓ, પ્રાણીઓ આદિ મળે છે. ઉબાયદ યુગના મણકા, સોય, ટાંકણી, છીણી, કુહાડી આદિ તાંબાનો ઉપયોગ સૂચવે છે. આમ ઇરાકના પ્રાગૈતિહાસથી ખેતીપ્રધાન ગામો કેટલીક પૂર્વભૂમિકા પૂરી પાડે છે. તેમાં તેમના ત્રણ ઓરડા કે દ્વારવાળાં દેવસ્થાનોનો પણ સમાવેશ થાય છે. અલ્-ઉબાયદને નામે જાણીતી ભૌતિક સંસ્કૃતિના વિકાસ પછી ઉત્તર તથા દક્ષિણની વિકાસની દિશા બદલાય છે.
એસીરિયા વિસ્તારમાં ગ્વારા અને નિનેવેમાં કેટલોક વિકાસ દેખાય છે. તેની સરખામણીમાં બૅબિલોનનો વિકાસ ઝડપી થવાનાં મુખ્ય કારણો પૈકી લિપિ અને લેખનકળા છે. તેથી આ સમયને આદિ સાક્ષરયુગ કહેવામાં આવે છે. તેમાં એરચ અથવા વાર્કાના જૂના થરો, જેમદેત-નસ્રના થરોની ગણના થાય છે. આ યુગમાં એન્નાના મંદિરના અવશેષોમાંથી માટીની ચકતી પર લખાયેલાં નામોના નમૂના મળ્યા છે. આ લેખોમાંથી ઓળખાયેલી ભાષા સુમેરની છે. સુમેર પ્રજાનું આ પ્રદેશમાં આગમન સાક્ષરતાના ઉદયની સાથે સંકળાયેલું લાગે છે.
આ સાક્ષરતાના ઉદય પછી, સુમેરની પ્રજાના પ્રાચીન રાજવંશની શરૂઆત થાય છે. જુદાં જુદાં નગરોમાં આ સત્તાના અસ્તોદયો દેખાય છે. તેના બે મુખ્ય ભાગ પડે છે. એક જલપ્રલય પહેલાંના રાજવંશો અને બીજા જલપ્રલય પછીના રાજવંશો. પ્રથમ વિભાગના દશ રાજાઓ એરીડુ, બદતીબીર, લારાક, સિપ્પુર અને શરુપ્પાકમાં રાજ્ય કરતા હોવાનું નોંધાયું છે. જલપ્રલયથી થતું વિભાગીકરણ નદીકાંઠાનાં ગામોનો સ્વાભાવિક અનુભવ છે; પરંતુ તેનું જુદાં જુદાં સ્થળોએ સમકાલીનત્વ સિદ્ધ કરવું મુશ્કેલ છે. શુપ્પારકમાં કાંપના થરો મળ્યા છે તે આદિ સાક્ષરયુગ અને ઐતિહાસિક યુગની વચ્ચેના છે. ઉરના કાંપના થરો ઉબાયદ સંસ્કૃતિના છે.
આશરે 5,000 વર્ષ જૂની આદિ સાક્ષરયુગ પછીની રાજવંશોની યાદીઓ જૂના સુમેરના રાજ્યવંશો દર્શાવે છે. તેમાં નાનાં રાજ્યોના જયપરાજયની ગાથાઓ દેખાય છે. આ પ્રજાનાં રાજ્યોનો અક્કડના રાજ્યે નાશ કર્યો. એસીરિયાની આ પ્રજા સંભવત: અરબસ્તાનથી ઇરાક આવી હોય. તેનો પ્રથમ રાજવી શારૂકીન હતો. એ નામના બીજા રાજાના ઉલ્લેખો યહૂદી પરંપરામાં બાઇબલમાં સારગોન તરીકે સચવાયા છે. આ બીજા શારૂકીને પોતાનું રાજ્ય ઈરાનના અખાત સુધી વિસ્તાર્યું અને ઉત્તરે તથા પશ્ચિમે પણ તેણે રાજ્યનો ઘણો વિસ્તાર કર્યો. આ અક્કડના રાજ્યવંશનો ગુતીએ અંત આણ્યો. ગુતી પૂર્વ તરફના પ્રદેશથી આગળ વધ્યા હતા. તેનો સમકાલીન લાગસનો એન્શી ગુડિયા હતો. તેના વખતમાં દક્ષિણની સમૃદ્ધિ સારી હોવાનું તત્કાલીન શિલ્પ-સ્થાપત્ય તથા લેખો સૂચવે છે. ગુતીના રાજ્યનો ઉરૂકના ઉતુખેગલે અંત આણ્યો હોવાનું મનાય છે. તેને ઉરના ઉરનમ્મુએ હરાવ્યો અને ઉરનું રાજ્ય લાંબું ચાલ્યું.
આ રાજ્ય પછી ઇસીન અને લારસાનાં રાજ્યો સમકાલીન હતાં. તેમાં લારસાના રીમસીને ઇસીન જીતીને ઇરાકને એકછત્રે આણ્યું. પરંતુ તેને હમ્મુરાબીએ હરાવ્યો. આ હમ્મુરાબીનાં લખાણો ઉપલબ્ધ છે. આ રાજ્યવંશ દરમિયાન અક્કડ ભાષાનો પ્રચાર વધ્યો. આશરે ચારેક હજાર વર્ષ પહેલાં (ઈ. સ. પૂ. 1900માં) થયેલી પ્રવૃત્તિઓથી ઇરાક 3 રાજ્યોમાં વહેંચાઈ ગયેલું દેખાય છે. હમ્મુરાબીના સમકાલીન અસુરના રાજવીઓની પ્રવૃત્તિઓ શમ્શી અદાદથી વધુ સ્પષ્ટ થાય છે. આ રાજ્યના વેપારીઓ આજના તુર્કસ્તાન પ્રદેશ સુધી પહોંચ્યા હતા.
હમ્મુરાબી પછી આશરે 155 વર્ષે ઇરાકના આ રાજ્યવંશનો પરદેશી હટ્ટી, કેસાઇટ આદિ વંશોએ નાશ કર્યો અને કેસાઇટ સત્તા બૅબિલોનમાં જામી. આ વખતના આંતરરાષ્ટ્રીય સંબંધો અટપટા છે. તેમાં અશુર ઉબાલ્લીત-1 ઈ. સ. પૂ. 1360માં સત્તા જમાવીને એસીરિયાના પ્રથમ સામ્રાજ્યની સ્થાપના કરે છે. તેના ત્રીજા વારસ તુફુલ્તી નીનુર્તાએ એસીરિયામાં મહેલ બાંધ્યો હતો તથા ટાઇગ્રિસને સામે કાંઠે નવું નગર વસાવ્યું હતું.
તેના મરણ બાદ બૅબિલોનની સત્તા વધી; પરંતુ અશુરદાન બીજા, અદાદનીશરી બીજાના અમલ દરમિયાન એસીરિયાનો ઉદય થયો. તેના રાજવી અશુર નાસીર અપલી(અસુરનાસીરપાલ બીજા)ના વખતમાં તેની સત્તા ઘણી વધી. કાલાખ(આજના નીમરૂદ)માં નવું નગર વસાવ્યું. તેનો રાજમહેલ સુંદર શિલ્પોથી વિભૂષિત હતો. તેવાં સુંદર શિલ્પો ખોરસાબાદ (દુર-શારૂકીન), નિનેવે આદિ મહેલોમાંથી મળ્યાં છે.
સુલમાન અશારીદ ત્રીજો (શાલમેનસાર) બળવાન રાજવી હતો. તેના પછી એસીરિયાની સત્તાનાં વળતાં પાણી થયાં; પરંતુ તુદુબ્તી-અપલ-એશ્શાહ ત્રીજાએ (તીધલ થપીલેસરિ) તે સત્તા મજબૂત કરી બૅબિલોનને પોતાની સત્તા નીચે આણ્યું. તેના પુત્રના વખતમાં શારૂકીને સત્તા પચાવી પાડી. આ શારૂકીન અથવા સારગોનનો વંશ એસીરિયાનો છેલ્લો બળવાન વંશ હતો. તેણે ઇજિપ્ત સુધી સત્તા જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે દુર-શારૂકીન અર્થાત્ શારૂકીનનો દુર્ગ બાંધ્યો (હાલનું ખોરસાબાદ). ત્યાંના મહેલના અવશેષો મળ્યા છે. તેના પુત્ર સીન-અખ્ખે-એરીબે (સિન્નેકેરીબ ઈ. પૂ. 705–681) આ સ્થળનો ત્યાગ કર્યો અને તેણે પોતાનો મુકામ અસુર અને નિનેવેમાં રાખ્યો અને ત્યાં પોતાનો મહેલ બાંધ્યો. આ રાજાએ બૅબિલોનનો ધ્વંસ કર્યો અને તેના દેવ મારહુકને પણ તે ઉઠાવી ગયો. તેનાં યહૂદીઓ સાથેનાં યુદ્ધો પણ જાણીતાં છે. તેનો પુત્ર અશુર-અખ-ઇદ્દીના (એશર હેડન) ઇજિપ્તનો વિજેતા હતો. તેણે બૅબિલોનને પાછું વસાવ્યું હતું. તેનો પુત્ર અશુર-બાની-અપલી (અસુરબાનીપાલ) સમર્થ રાજવી હતો. તેણે ઇજિપ્તથી ઈરાનના સુસા સુધી વિજયો મેળવ્યા હતા; પરંતુ તેની ખ્યાતિ તેણે તૈયાર કરેલા ગ્રંથાલયને લીધે પણ છે. તેની પછી તેનું રાજ્ય લાંબું ચાલ્યું નહીં અને ઈ. પૂ. 612માં તેનો નાશ થયો.
એસીરિયા કરતાં બૅબિલોનનું રાજ્ય થોડું લાંબું ચાલ્યું. તેનો છેલ્લો રાજ્યવંશ ખલ્દુ કે ચાલ્ડિયન, ખાલ્દિયન આદિ નામે જાણીતો છે. તેનો સમર્થ રાજવી નબુકુદુરીંઉસુર બીજો (ઈ. પૂ. 605–562) યહૂદી પરંપરામાં બાઇબલમાં નેબુચ દનેઝાર તરીકે જાણીતો છે. તેણે બૅબિલોનને સમૃદ્ધ કર્યું અને તેનાં મંદિર, તેના ઇસ્તરના દરવાજા આદિને ઓપ ચઢાવેલી તકતીઓથી સુશોભિત કર્યાં તથા સાહિત્યને ઉત્તેજન આપ્યું. તેના વારસોએ બૅબિલોનમાં ઈ. સ. પૂ. 539 સુધી રાજ્ય કર્યું અને ત્યારબાદ તે ઈરાનને તાબે થયું.
ઉર : દક્ષિણ ઇરાકમાં નસીરિયાથી પશ્ચિમમાં 10 કિમી. પર ટેલી અલમુકૈયરને નામે જાણીતા અવશેષો પ્રાચીન ઉરના છે. 1854માં જે. ઈ. ટાયલરે ત્યાંના ઝીગુઆર્તના પાયા પરના લેખની તપાસ માટે ઉત્ખનન કર્યું હતું અને તેથી ખાલ્ડિયનોનું ઉર જાણીતું થયું. બાઇબલના અબ્રાહમનું તે વતન હતું. અહીં કુદરતી જમીન પર બરુનાં છાપરાંવાળું નાનું ગામ હતું. તેના પર જળપ્રલયનો કાંપ ફરી વળ્યો હતો અને તે પછી તે પાછું આબાદ થયું હતું. આ જળપ્રલયને બાઇબલમાં અને ગીલગમેશની કથામાં આવતી રેલ સાથે સાંકળવામાં આવે છે (આશરે ઈ. સ. પૂ. 3000).
અહીંની ઝીગુઆર્તની નૈર્ઋત્યમાં આવેલા કબ્રસ્તાનમાંથી શાહી કબર મળી હતી. આ કબરો પૈકી અબરગી અને પૂ-અબી રાણીની કબરોમાંથી 64 દરબારી સ્ત્રીઓ, 1 વીણાવાદક, ઘીસલાં, તેને જોડેલાં ગધેડાં આદિના અવશેષો મળ્યા હતા (આશરે ઈ. સ. પૂ. ત્રીજી સહસ્રાબ્દી).
ત્યારબાદ ઉર-નમ્મુના વંશ દરમિયાન અહીં દુર્ગ ઝીગુઆર્ત શાહી મહેલ આદિ બાંધવામાં આવ્યા. (આશરે ઈ. પૂ. 2110–2015) આ સ્તરોમાંથી મળેલી માટીની તકતી પર વેપારના લેખો છે. તેમાં ભારત સાથેના વેપારની હકીકતો દેખાય છે. આ વંશ પછી પણ ઉર સમૃદ્ધ રહ્યું હતું. તેના ઝીગુઆર્તનો જીર્ણોદ્ધાર થતો રહ્યો હતો અને ત્યાં ઘણાં મકાનો પણ તૈયાર થયાં હતાં.
ઈ. સ. પૂ. 1737માં ઉર ભાંગ્યું અને ત્યારબાદ આશરે ઈ. સ. પૂ. 1400માં કુરીગલઝુ નામના કેસાઇટ વંશના રાજાએ અહીંના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઉરમાં નબૂચડનેઝાર બીજાએ જીર્ણોદ્ધારનું કામ ચાલુ રાખ્યું અને તેના અનુગામી નબોનિડાસે (ઈ. પૂ. 556–539) તે પૂરું કરાવ્યું. આ વંશમાં ઉર ઈ. સ. પૂ. 316 સુધી સારી હાલતમાં હતું. પણ ત્યારબાદ નદીએ વહેણ બદલવાથી તેનો નાશ થઈ ગયો.
હાલ ઉર દરિયાથી દૂર છે પણ તે ઈ. સ. પૂ. 2350થી ઈ. સ. પૂ. 1750 દરમિયાન મેસોપોટેમિયાનું મુખ્ય બંદર હતું. આ કાળ દરમિયાન મેસોપોટેમિયન અને ઉરના ભારતીય વેપારીઓ ઉરમાં સોનું, રૂપું, ત્રાંબું, લાબીઝલી, પથ્થરના મણકા, હાથીદાંતના કાંસકા, ઘરેણાં, કાજળ, સુખડ અને મોતીની આયાત કરતા હતા. મોટાભાગની આ વસ્તુઓ મોહેં-જો-દડો, હડપ્પા અને લોથલની સ્થાનિક વસ્તુઓ હતી. લોથલના મુખ્ય બંદર દ્વારા તાંબું અને હાથીદાંતની ઉરમાં નિકાસ થતી હતી. અક્કડના સારગોનના સમયમાં (ઈ. સ. પૂ. 2350) ઉરનો મકરાણ અને સૌરાષ્ટ્ર સહિત પશ્ચિમ ભારત અને ટેલમુન સાથે સીધો સંબંધ હતો. ભારતના પશ્ચિમ કાંઠાના વેપારીઓનો સુમેરિયન વેપારીઓ સીધો સંબંધ બાંધતા હતા. અથવા ભારતના વેપારીઓ ઉરના વેપારી કેન્દ્રોની મુલાકાત લેતા હતા. બીજા તબક્કામાં ઈ. સ. પૂ. 2100માં પશ્ચિમ ભારતનો ઉર સાથેનો સંબંધ કપાઈ ગયો, પણ ઉરનો મકરાણ અને ટેલમુન સાથેનો સંબંધ ચાલુ હતો. આ તબક્કામાં સુમેર અને ભારતનો વેપાર મકરાણ અને બહેરીન મારફત ચાલુ રહ્યો હતો. ભારતની વસ્તુઓ ઉરના બજારમાં બહેરિનના વેપારીઓ મારફત જતી હતી. ત્રીજા તબક્કામાં ટેલમુનના વેપારીઓનો સુમેર-ભારત વચ્ચેના વેપારનો એકહથ્થુ ઇજારો હતો. (ઈ. સ. પૂ. 1950–1700) સિંધુ સંસ્કૃતિના અંત સાથે ઉરના વેપારી સંબંધો કપાઈ ગયા હતા.
ખોરસાબાદ : ઇરાકમાં મોસુલની પાસે આવેલો સારગોન બીજાનો મહેલ. તેનું જૂનું નામ દુર-શારૂકીન છે. ઈ. સ. પૂ. 717માં તૈયાર થયેલી આશરે 3.2 ચો.કિમી.ના વિસ્તારની અહીંની ઇમારતો તેના બંધાવનારના અવસાન પછી ઈ. સ. પૂ. 705થી વધુ ટકી નથી. ઈ. સ. 1843માં બોત્તાએ ત્યાં ખોદકામ કર્યું હતું અને ત્યાંથી પથ્થરનાં શિલ્પો અને બીજી સામગ્રી મળી હતી. તેને નિનેવે તરીકે પારખવાની ભૂલ થઈ હતી.
નીમરૂદ : પ્રાચીન અસુરની રાજધાની કલ્હુ મોસુલના અગ્નિખૂણામાં આશરે 35 કિમી. દૂર આવેલા ટેકરા. આ જગ્યાને ખોટી રીતે નિનેવે તરીકે ઓળખાવવામાં આવતી હતી; પણ ત્યાંથી મળેલા અવશેષો પરથી એ ભૂલ સુધારવામાં આવી છે.
અહીં અસુર નાસીરપાલ બીજા (ઈ. પૂ. 883–859) અને તેના પુત્ર શાલમાનસાર ત્રીજા (ઈ. સ. પૂ. 859–826), અદાદનીશરી ત્રીજા (આશરે ઈ. પૂ. 810) તેમજ ઍસર હેડન(ઈ. સ. પૂ. 681–669)ના મહેલો મળ્યા હતા. અહીં ઝીગુઆર્ત અને નીનુર્તા તથા ઇસ્તરનાં મંદિરો મળ્યાં હતાં. અસુરના રાજવીઓનાં શિલ્પો, તેમનાં લખાણો આદિ મળ્યાં છે. આ નગરનો ઈ. સ. પૂ. 612માં નાશ થયો હતો.
નિનેવે : ઇરાકમાં મોસુલ અને ખોરસાબાદ પાસે હાલ કુયુન્જિકને નામે ઓળખાતી અસુરના વિખ્યાત રાજવી સેન્નાકરીબ અને અસુરબાનીપાલના મહેલોવાળું સ્થળ.
નિનેવેના કુયુન્જિકનાં ખંડેરોમાં શાહી મહેલો, મંદિરો આદિ છે અને નબી યુનીસના ટેકરામાંથી શાહી ભંડારો મળ્યા છે. વાયવ્યથી અગ્નિ દિશામાં વિસ્તરેલા આ સ્થળનો કુયુન્જિકનો વિસ્તાર ઘણો મોટો છે. તેનાં સંપૂર્ણ ઉત્ખનનો થયાં નથી, તેથી તેની નગરરચના આદિની ઘણી વિગતો ખૂટે છે. આ ટેકરાની ઊંચાઈ આશરે 30 મીટર જેટલી છે.
આ સ્થળની પ્રાચીનતા ઘણી છે. શરૂઆત આશરે ઈ. સ. પૂ. છઠ્ઠી સહસ્રાબ્દીમાં થાય છે અને તેની સંસ્કૃતિ પશ્ચિમ એશિયાની સાથે સરખાવાય એવી છે; પરંતુ તેની જાહોજલાલી શમ્શ-અદાદ પહેલા અને ત્યારબાદ સેન્નાકરીબ (ઈ. સ. પૂ. 705–681) અને અસુરબાનીપાલ(ઈ. સ. પૂ. 668–626)નાં રાજમહેલો, તેનાં શિલ્પો, ગ્રંથાલયો આદિથી જણાઈ છે. ઈ. સ. પૂ. 612માં આ નગરનો નાશ થયો હતો.
વાર્કા : ઉરથી આશરે 53 કિલોમીટર વાયવ્યમાં આવેલું ઉરુક અથવા એરચ નામનું પ્રાચીન સુમેર સંસ્કૃતિનું નગર. અહીંથી પ્રાપ્ત સુમેર સંસ્કૃતિના અવશેષોમાં લખાણો, ઝીગુઆર્ત આદિ છે. આ નગર ઈરાનના પાર્થિયન યુગ સુધી આશરે 4,000 વર્ષ અસ્તિત્વ ધરાવતું હતું.
અહીં સંસ્કૃતિ દાખલ કરનાર લોકો બહારથી આવ્યા હતા. જૂની પરંપરા પ્રમાણે મત્સ્યદેવ ઇઆ કે અંકી કે ઓનીસે ઈરાની અખાત તરીને સંસ્કૃતિની ભેટ સુમેરના લોકોને ધરી હતી. આને પરિણામે સુમેરમાં સંસ્કૃતિ દાખલ કરનાર દેવ ‘અંકી’ ઈરાની અખાતની પેલી મેરના કોઈ સંસ્કૃતિની ટોચે આવેલા દેશોમાંથી આવ્યા હતા એમ માનવામાં આવે છે.
જાતકકથા પ્રમાણે દરિયાઈ માર્ગે બૅબિલોનમાં ભારતીય સાહસિકો પહેલી વાર મોર લઈ ગયા હતા. ચોખા, મોર, ચંદન વગેરેની જાણ ગ્રીક લોકોને બૅબિલોન મારફત થઈ હતી. કૅનેડી જણાવે છે કે ભારત અને બૅબિલોન વચ્ચે ઈ. સ. પૂ. સાતમી અને છઠ્ઠી સદીમાં દરિયાઈ વેપાર ચાલતો હતો. ર્હાઈ ડેવિડ્ઝના મતે ભારતીય દરિયાખેડુઓ અને વેપારીઓ ઈ. સ. પૂ. સાતમી સદીની શરૂઆતમાં કે આઠમી સદીના અંતભાગમાં મોસમી પવનનો લાભ લઈને બૅબિલોનની મુલાકાત લેતા હતા. તેઓ ઓફીર, ભરૂચ અને સોપારાથી અહીં આવતા હતા. જૅક્સન અને બ્યુલર બાવેરૂ જાતકના આધારે જણાવે છે કે પશ્ચિમ ભારતના વણિક વેપારીઓ ઈરાની અખાત અને તેને મળતી નદીઓનો પ્રવાસ કરતા હતા. સુપ્પારક કુમારની કથામાં ઈરાની અખાત, રાતો સમુદ્ર વગેરેનો ઉલ્લેખ છે. આમ, પ્રાચીન સુમેરનો ભારત સાથેનો વેપારી સંબંધ ઈ. સ. પૂ. 4000 વર્ષથી બૅબિલોનના નાશ સુધી ઈ. સ. પૂ. 550 સુધી ચાલુ રહ્યો હતો.
રાજકીય : ઇરાકના અર્વાચીન સમયના ઇતિહાસની શરૂઆત આરબોના સાતમી સદીમાં ઇરાક ઉપર મેળવેલા વિજયથી થાય છે. આ વિજય પછી ઇસ્લામ ધર્મનો પ્રવેશ થયો અને ઇસ્લામ ધર્મના સર્વોચ્ચ વડા ખલીફાનું વડું મથક બગદાદ(જેની સ્થાપના 762માં કરવામાં આવી)માં સ્થાપવામાં આવ્યું.
પહેલા વિશ્વયુદ્ધ (1914–1918) પછી ઑટોમન સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું અને ઇરાકનો પ્રદેશ લીગ ઑવ્ નૅશન્સના ‘મૅન્ડેટ’ તરીકે બ્રિટનને હસ્તક સોંપવામાં આવ્યો. ઇરાક બ્રિટનના કબજા તળે રહ્યું, તે દરમિયાન ઇરાકના રાજવી તરીકે ફૈઝલ રહ્યા; જોકે તેમની સત્તા નામની જ હતી. 1930માં બ્રિટન અને ઇરાક વચ્ચે 25 વર્ષ માટેના કરાર થયા, જેમાં બ્રિટન તરફથી મળતી મદદ સાથે તેનું આધિપત્ય ચાલુ રહ્યું. 1932માં ‘મૅન્ડેટ’નો અંત આવ્યો. પરંતુ બ્રિટનના ઇરાક ઉપરના અધિકારો કમ-સે-કમ 1958 સુધી ચાલુ રહ્યા.
આ સમયગાળા દરમિયાન ઇરાકની રાજકીય પરિસ્થિતિ ખૂબ અસ્થિર રહી. 1936થી 1941ના ટૂંકા ગાળામાં 7 જેટલા બળવા થયા. થોડો લાંબો સમય સત્તા ઉપર રહેનાર નૂર અલ્ સઇદે 1944માં સર્વ આરબ પરિષદ બોલાવી, જેના પરિણામે આરબ લીગનો જન્મ થયો. 1948માં સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવ પ્રમાણે અને મહાન સત્તાઓની શુભેચ્છાઓની સાથે પેલેસ્ટાઇનના પ્રદેશમાં ઇઝરાયલનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આરબ દેશોએ શરૂઆતથી જ ઇઝરાયલનો વિરોધ કર્યો. આરબ દેશોના ઇઝરાયલ સાથેના યુદ્ધમાં ઇરાક પણ ભળ્યું.
પરંતુ તેની વિદેશનીતિમાં ઇરાક પશ્ચિમતરફી નીતિ અખત્યાર કરતું રહ્યું. 1955માં અમેરિકા અને બ્રિટન સાથેના લશ્કરી કરારમાં ઇરાક જોડાયું. આ કરારમાં ઇરાકનું સ્થાન કેન્દ્રવર્તી રહ્યું અને તેથી તેને બગદાદ કરાર કે ‘સેન્ટ્રલ ટ્રીટી ઑર્ગેનાઇઝેશન’ કહેવામાં આવ્યો. આ કરારમાં તુર્કી, પાકિસ્તાન તથા ઈરાન પણ જોડાયાં.
1958માં થયેલા બળવાને કારણે રાજાશાહીનો અંત આવ્યો તથા અબ્દુલ કરીમ કાસિમ સત્તા ઉપર આવ્યા. તેના પરિણામે ઇરાક બગદાદ કરારમાંથી છૂટું થયું. ઇજિપ્ત અને સીરિયાના જોડાણની માફક જૉર્ડન રાજ્ય સાથે સમવાય રચવા ઇરાક તૈયાર થયું અને ઘરઆંગણના પ્રગતિશીલ પક્ષો એટલે કે બાથિસ્ટ પક્ષ અને સામ્યવાદીઓના ટેકાથી રશિયાતરફી નીતિ અખત્યાર કરતું થયું; પરંતુ કાસિમ લાંબો સમય સત્તા ઉપર ટકી શક્યો નહિ. 1963માં ફરીને બળવો થયો જેમાં તેને ઉથલાવવામાં આવ્યો. શરૂઆતમાં અબ્દુલ સલામ આરેફ અને ત્યારબાદ અહેમદ હસન અલ બક્ર સત્તા ઉપર આવ્યા (1968). જુલાઈ, 1970માં કામચલાઉ બંધારણ જાહેર કરવામાં આવ્યું અને રૅવૉલ્યુશનરી કમાન્ડ કાઉન્સિલ(RCC)ને સર્વોચ્ચ રાજકીય સત્તા સોંપાઈ. આ ગાળા દરમિયાન આરબ-ઇઝરાયલ યુદ્ધ થયું (1967), જેમાં ઇરાક પણ આરબ દેશોની સાથે રહ્યું.
1972માં ઇરાકે રશિયા સાથે મૈત્રી અને સહકારના કરાર કર્યા, જેને પરિણામે રશિયા તરફથી મોટા પાયા ઉપર આર્થિક અને લશ્કરી મદદ મળતી થઈ. આ સાથે ઇરાકની સરકારે ઇરાક પેટ્રોલિયમ કંપનીનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. 1973માં ફરીને ઇઝરાયલ સાથે યુદ્ધ થયું. તેમાં પહેલી જ વાર આરબ રાજ્યો મર્યાદિત વિજય હાંસલ કરી શક્યાં. ઇરાકે આ યુદ્ધમાં આગળ પડતો ભાગ ભજવ્યો.
ઇરાકના રશિયાતરફી અને ઇઝરાયલવિરોધી વલણની નીતિ 1979માં સત્તા ઉપર આવેલા સદ્દામ હુસેને ચાલુ રાખી. ઇરાકના વધતા જતા લશ્કરી બળને ઊગતું જ ડામી દેવાના હેતુથી 1981માં ઇઝરાયલે ઇરાકના પરમાણુ રિઍક્ટર ઉપર અગમચેતીપૂર્વક હુમલો કરીને તેનો નાશ કર્યો. ઇઝરાયલ અને ઇરાક વચ્ચેની દુશ્મનાવટ તીવ્ર કક્ષાએ પહોંચી.
1980માં શત-અલ્-અરબના પ્રશ્ન ઉપર ઇરાક અને ઈરાન વચ્ચે વિસંવાદ ઊભો થયો અને તેને પરિણામે બંને દેશો વચ્ચે ભીષણ સંગ્રામ શરૂ થયો. આ લડાઈ 9 વર્ષ સુધી ચાલી. 1988માં સંયુક્ત રાષ્ટ્રસંઘના સતત પ્રયાસો પછી આ યુદ્ધનો અંત આવ્યો. 1981–88ના ઈરાન સાથેના યુદ્ધમાં ઇરાકને અમેરિકાનો ટેકો મળ્યો હતો. 1989માં સદ્દામ વિરુદ્ધ નિષ્ફળ બળવો થયો. ઇરાકે બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. સદ્દામ હુસેને ઇરાકની રાજકીય પ્રથાને એકપક્ષી સમાજવાદી પ્રજાસત્તાક તરીકે ઓળખાવી છે. ઑગસ્ટ, 1991ના કાયદા અનુસાર ધર્મ, જાતિવાદ કે વાંશિકતા પર આધાર ન રાખતા રાજકીય પક્ષોને જ માન્ય રાખવામાં આવે છે. રૅવૉલ્યુશનરી કમાન્ડ કાઉન્સિલ દ્વારા પ્રમુખ તથા ઉપ્રપ્રમુખ ચૂંટાય છે. વહીવટના સંચાલન માટે મંત્રીમંડળ હોય છે, મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રમુખ દ્વારા થાય છે અને પ્રમુખના માર્ગદર્શન હેઠળ તેઓ સૌ કામ કરે છે.
2 ઑગસ્ટ, 1990ના રોજ ઇરાકનાં દળોએ કુવૈત પર આક્રમણ કર્યું અને તે પ્રદેશનો બળજબરીથી કબજો લીધો. આથી યુનોએ ઇરાક દળો પાછાં ન ખેંચે ત્યાં સુધી તેના પર આર્થિક પ્રતિબંધો લાદ્યા. અમેરિકા કુવૈતની કુમકે પહોંચ્યું અને લશ્કરી દળોને કાર્યવહી કરવાની સત્તા આપતો ઠરાવ યુનોએ પસાર કર્યો. તદનુસાર જાન્યુઆરી, 1991માં ઇરાકનાં વ્યૂહાત્મક સ્થાનો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. આથી ઇરાકે તેનાં દળો પાછાં ખેંચવાની શરૂઆત કરી અને 27 ફેબ્રુઆરીના રોજ કુવૈત ઇરાકી આક્રમણથી મુક્ત થયું. તેના પર કામચલાઉ યુદ્ધબંધીની શરતો લાદવામાં આવી અને કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા. ઇરાકના આ આક્રમક વલણને કારણે તેની તમામ ન્યૂક્લિયર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકતો ઠરાવ યુનોની સલામતી સમિતિએ સર્વાનુમતે મંજૂર કર્યો. સાથે આ અંગે ઇરાકમાં યુનોના તપાસનીશો નીમવાની અને તેમને વિશાળ સત્તા આપતી જોગવાઈઓ કરવામાં આવી. 1991–92માં અમેરિકા-પ્રેરિત મિત્રરાજ્યો દ્વારા ઇરાક પર હવાઈ હુમલા કરી તેના આંતરિક વ્યવહારમાળખામાં ભારે મોટું ભંગાણ પાડવામાં આવ્યું. આ દરમિયાનના મહિનાઓમાં ઇરાકે વિવિધ સમયે પ્રતિબંધો વિરુદ્ધનું વલણ દાખવ્યું, જે સામે ઇરાક વિરુદ્ધ અમેરિકા સહિત બ્રિટન અને ફ્રાંસે હવાઈ અને મિસાઇલોના હુમલાઓ કર્યા.
10 નવેમ્બર, 1994ના રોજ ઇરાકે કુવૈતની સરહદો અને સ્વાતંત્ર્યને માન્યતા આપી. તેણે ગુપ્ત રીતે જૈવિક શસ્ત્રો વિકસાવવાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. પરિણામે અમેરિકા સાથેનો અવારનવાર થતો સંઘર્ષ ચાલુ રહ્યો.
15 સપ્ટેમ્બર, 1995ના રોજ ઇરાકમાં રેફરન્ડમ – લોકપૃચ્છા દ્વારા પ્રમુખ સદ્દામને વધુ 7 વર્ષની મુદત માટે હોદ્દા પર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. આ જ વર્ષે યુનોના પ્રતિબંધો લંબાવવામાં આવ્યા, જેના પર 1996માં મર્યાદિત છૂટછાટો મૂકી યુનોએ પોતાનું વલણ જરા નરમ બનાવ્યું.
અમેરિકા અને બ્રિટન આવા નરમ વલણની તરફેણમાં નહોતાં. રશિયા, ચીન, ફ્રાંસ અને અન્ય આરબ દેશોએ સમાધાનકારી પગલાં ભરવાની અપીલ બંને પક્ષોને કરી. અમેરિકા–ઇરાક વચ્ચેના આ અણબનાવના વાતાવરણ વચ્ચે યુનોના મહામંત્રી કૉફી અન્નાને ફેબ્રુઆરી, 1998માં બગદાદમાં એક કરાર કર્યો જે મુજબ ‘તુરત, બિનશરતી અને અમર્યાદિત રીતે’ ઇરાકના શસ્ત્રાગારોના સંગ્રહનાં સ્થાનો પર મુકાયેલો પ્રતિબંધ ઉઠાવી લેવાનું નક્કી કર્યું. આ પછી ઑગસ્ટ, 1998માં સદ્દામે એક વધુ અપેક્ષા વ્યક્ત કરતાં જણાવ્યું કે યુનોના શસ્ત્ર-તપાસનીશો ઘોષણા કરે કે ઇરાક સામૂહિક વિનાશનાં તમામ શસ્ત્રોથી હવે મુક્ત છે. યુનોના મુખ્ય તપાસનીશે આવી ઘોષણા કરવાનો ઇન્કાર કર્યો અને નવેમ્બર 1998માં યુનોના તમામ પ્રતિનિધિ-તપાસનીશોએ ઇરાક છોડ્યું. આ દરમિયાન અમેરિકા–ઇરાક વચ્ચેનો તણાવ ચાલુ રહ્યો. 16 ડિસેમ્બર, 1998ના રોજ અમેરિકા અને બ્રિટને ઇરાકના ન્યૂક્લિયર, રાસાયણિક અને જૈવિક શસ્ત્રાગારો પર હવાઈ અને મિસાઇલ હુમલા કર્યા અને 97 લક્ષ્યાંકોનો નાશ કર્યો. ત્યાર બાદ લશ્કરી થાણાં અને સંચારથાણાં પર હુમલા કર્યા અને વ્યાપારી જહાજોને ઇરાકનાં બારાંઓમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી તેના પરની ભીંસ વધારી દીધી.
ઘટનાઓના આ સિલસિલાને કારણે ફેબ્રુઆરી, 2000માં યુનોએ સ્વીડનના હાન્સ બ્લિકસટો(Hans Blixto)ની નવા મુખ્ય નિરીક્ષક તરીકે ઈરાન ખાતે નિમણૂક કરી, પણ ઇરાકે તેમના પ્રવેશ અંગે મનાઈ જાહેર કરી. ઇરાક વિરુદ્ધ પ્રતિબંધો લાદવાને કારણે તેને ઘણું નુકસાન જરૂર પહોંચ્યું છે, છતાં સદ્દામ હુસેન અણનમ રહ્યા હતા. અલબત્ત, એથી જનજીવનની હાલાકીઓમાં અતિશય વધારો થયો છે. ફેબ્રુઆરી, 2001માં બગદાદ આસપાસના લશ્કરી લક્ષ્યાંકો પર વધુ હવાઈ હુમલા કરીને અમેરિકા અને બ્રિટને પોતાની નીતિનું સાતત્ય જાળવ્યું છે. આમ પગલાં અને પ્રતિપગલાંઓને કારણે પશ્ચિમ એશિયામાં વિસ્ફોટક પરિસ્થિતિ યથાવત્ રહી હતી. (જુઓ કુવૈત.) માર્ચ, 2003માં અમેરિકા અને સાથી રાષ્ટ્રોએ મળી ઇરાક પર આક્રમણ કર્યું. તે પછી સદ્દામ હુસેનના શાસનનો અંત આવ્યો. ઑક્ટોબર, 2005માં સદ્દામ વિરુદ્ધ અમેરિકામાં ખટલો ચલાવવામાં આવ્યો. 30 ડિસેમ્બર 2006ના રોજ તેને ફાંસી આપવામાં આવી. ઇરાક–અમેરિકા વચ્ચેના યુદ્ધમાં એક લાખથી વધુ લોકોનો ભોગ લેવાયો. 2007 પછી પ્રારંભે અમેરિકાએ સત્તા હાથ ધરી જેને અંતે ઇરાકમાં ક્રમશ: સ્થાનિક નેતાઓને સત્તા પ્રાપ્ત થઈ. ત્યારબાદ ત્યાં સમવાયી અને સંસદીય લોકશાહીની સ્થાપના કરવામાં આવી છે. 2010થી બહુપક્ષ પદ્ધતિથી શાસન ચાલે છે. ધારાકીય સત્તા ‘કાઉન્સિલ ઑવ્ રિપ્રેઝન્ટેટીવ’ પાસે છે. કારોબારી કાયદાઓનો અમલ કરાવે છે. 2012માં તેના વડાપ્રધાન નૌરી-અલ-માલિકી છે. જેમની મદદ માટે પ્રધાનમંડળ કાર્ય કરે છે. પ્રમુખ નામના વડા છે.
31 ડિસેમ્બર, 2011થી ઇરાકમાંથી અમેરિકાના લશ્કરે વિદાય લીધી; પરંતુ રાજકીય સત્તાના ફેરબદલાથી ઇરાકનો પ્રજાકીય અજંપો ઘટ્યો નથી.
રમણિકભાઈ ઉ. દવે
ર. ના. મહેતા
દેવવ્રત પાઠક
શિવપ્રસાદ રાજગોર
રક્ષા મ. વ્યાસ