ઇરાવદી નદી : મ્યાનમારની મુખ્ય નદી. છેક ઉત્તરના ઊંચા પર્વતોમાંથી વહેતાં મેખા અને માલેખા નામનાં ઝરણાંના સંગમમાંથી તે ઉદભવે છે. આ નદી આશરે 1,600 કિમી. લાંબી ખીણમાં વહી વિશાળ મુખત્રિકોણ (delta) રચીને છેવટે મર્તબાનના અખાતને મળે છે. આ સંગમથી ભામો સુધીનો 240 કિમી.નો ઉપરવાસનો નદીનો પ્રવાહ ‘ઉપલી ઇરાવદી’ કહેવાય છે. અહીં જળપ્રવાહ વેગીલો છે. ભામો પાસે ઇરાવદી આશરે 19 કિમી. પહોળા કાંપના થાળામાં પ્રવેશે છે. ત્યારબાદ નદી 83 મીટર ઊંડાઈ ધરાવતા ચૂનાખડકના પ્રદેશમાં પ્રવેશે છે અને બહાર નીકળી પશ્ચિમ તરફ અને ત્યારબાદ દક્ષિણ તરફ વહે છે.

કાથાથી માંડલે (મધ્ય મ્યાનમાર) સુધીની નદીખીણની પૂર્વ બાજુએ શાન ઉચ્ચપ્રદેશની ઊભી ભેખડો જોવા મળે છે. અહીંથી એ જ નદીને સમુદ્ર સુધી પહોંચવા માટે ફક્ત 720 કિમી. બાકી રહે છે. આગળ જતાં સાંકડા ભાગમાં ઇરાવદી નદી ઉપર પ્રોમ નામનું બંદર વિકસ્યું છે. આ પ્રોમ નદી બંદરેથી આગળ 144 કિમી. દક્ષિણ તરફ જતાં મ્યાનાઊંગ સ્થળેથી ઇરાવદી નદીનો પહેલો ફાંટો પડે છે.

ઇરાવદી નદીના નીચાણવાસમાં કાંપનો નિક્ષેપ સંચિત થવાથી નદી અનેક શાખા-પ્રશાખાઓમાં વહેંચાઈ જાય છે. આખરે 9 નદીમુખ દ્વારા ઇરાવદી સમુદ્રને ભેટે છે. આમ ઇરાવદી નદી મ્યાનમારમાં આશરે 1,600 કિમી. વહી વિશાળ પંખાકાર મુખત્રિકોણ પ્રદેશ રચી મર્તબાનના અખાતમાં પડે છે. રંગૂન અને બસીન નદીઓ અલગ હોવા છતાં ઇરાવદીની શાખાઓમાં ભળી જાય છે. આ નદીઓના મુખત્રિકોણ પણ મુખ્ય મુખત્રિકોણમાં સમાઈ જાય છે. આમ સમગ્ર પંખાકાર મુખત્રિકોણનો કુલ વિસ્તાર 31,200 ચોકિમી. છે. આ મુખત્રિકોણની લંબાઈ આશરે 288 કિમી. અને સમુદ્રકિનારે સૌથી વધુ પહોળાઈ 240 કિમી. છે. દક્ષિણ બર્માના સૂક્ષ્મ કાંપમાટીના આ રસાળ મુખત્રિકોણ પ્રદેશને સારો વરસાદ મળતો હોવાથી અહીં ડાંગર વધુ પાકે છે. તેથી ‘વિશ્વના ચોખાના કોઠાર’ તરીકે તે પ્રદેશ ખ્યાતિ પામ્યો છે.

મહેન્દ્ર રા. શાહ