ઇરવિંગ, હેન્રી (સર) (જ. 6 ફેબ્રુઆરી 1839; અ. 13 ઑક્ટોબર 1905) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધની પ્રશિષ્ટ અંગ્રેજી રંગભૂમિના પ્રસિદ્ધ અભિનેતા. માતાપિતા સામાન્ય સ્થિતિનાં હતાં. કાકાના સો પાઉન્ડના વારસામાંથી તેમણે નાટક માટે જરૂરી સામાન ખરીદ્યો. 1856માં બુલવાર લીટનના નાટક ‘રિશુલુ’માં કામ કરીને રંગભૂમિક્ષેત્રે પ્રવેશ કર્યો. ઍડિનબર્ગ (1857–59) અને માન્ચેસ્ટર(1860–65)માં અભિનય કરી, 1866માં તેમણે લંડન પહોંચી ‘હંટેડ ટાઉન’ નાટકમાં ખલનાયકની ભૂમિકા ભજવી. આ ગાળાની એમની સૌથી વધુ મહત્વની ભૂમિકા તે લિસિયમ થિયેટરના ‘ધ બેલ્સ’ નાટકના મુખ્ય પાત્રની ગણાઈ છે. એ જ થિયેટરમાં 1878માં તેમણે લિસિયમ થિયેટરનું વ્યવસ્થાકાર્ય સંભાળ્યું અને જાણીતી અભિનેત્રી એલન ટેરી સાથે મળીને નાટકોની કલાત્મક અને વ્યાપારી ધોરણે રજૂઆત કરી.

સર હેન્રી ઇરવિંગ

‘ધ મરચન્ટ ઑવ્ વૅનિસ’ (1879), ‘રોમિયો-જુલિયટ’ (1882), ‘કિંગ લિયર’ (1892) વગેરે નાટકોએ તેમને વિશેષ પ્રસિદ્ધિ આપી. ઇરવિંગે ભજવેલી અન્ય મહત્વની ભૂમિકાઓ અને રજૂઆતોમાં ટેનિસનનાં બે નાટકો છે : ‘ધ કપ’ (1881) અને ‘બૅકેટ’ (1893). શ્રેષ્ઠ અભિનય માટે બ્રિટિશ સરકારે 1895માં તેમને ‘સર’નો ઇલકાબ એનાયત કર્યો હતો. ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ, કમનીય દેહલાલિત્ય, સુમધુર અવાજના આરોહ-અવરોહ વગેરેથી ઇરવિંગ પ્રેક્ષકોનું દિલ જીતી લેતા. રંગભૂમિના વ્યવસ્થાપક તરીકે તખ્તા પરના પ્રકાશ અને સંનિવેશમાં પણ તેમણે અનેક પરિવર્તનો કર્યાં હતાં. જોકે તત્કાલીન નવી સર્જાતી રંગભૂમિથી ઘણે અંશે અલિપ્ત રહ્યા હતા.

હસમુખ બારાડી