સાંકૃત્યાયન, રાહુલ (. 9 એપ્રિલ 1893, પન્દ્રાહા, જિ. આઝમગઢ, ઉત્તર પ્રદેશ; . એપ્રિલ 1963) : સર્વતોમુખી સર્જક પ્રતિભા ધરાવનાર નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રલેખક, ચિંતક તથા વિશ્વયાત્રી. મૂળ નામ કેદારનાથ પાંડેય. બાળપણમાં જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને ગૃહત્યાગ કર્યો. મૂળ નામ બદલીને બિહારમાં રામઉદારદાસ નામ ધારણ કરી વૈષ્ણવ સાધુ બની ગયા. પછી હિન્દુ ધર્મનો અને સાથોસાથ અરબી ભાષા, કુરાન અને ઇસ્લામી રીતરિવાજનો અભ્યાસ કર્યો.

રાહુલ સાંકૃત્યાયન

તેમણે દેશ-વિદેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો. તેમનું જીવન વિવિધ પ્રવૃત્તિઓસભર વીરગાથા જેવું હતું. તેઓ પ્રખર પંડિત અને તત્વજ્ઞાન, ધર્મ, સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્વવિદ્યા અને રાજનીતિમાં નિષ્ણાત હતા. આ વિષયો ઉપરાંત સમાજશાસ્ત્ર, પ્રવાસ, નવલકથા, નાટકો વગેરે મળીને આશરે 200 કૃતિઓ તેમણે આપી છે.

1916માં તેઓ સનાતન ધર્મ છોડી આર્યસમાજી બન્યા. ત્યારબાદ એ પણ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને ‘રાહુલ સાંકૃત્યાયન’ નામ ધારણ કર્યું. સામાજિક કાર્યો ઉપરાંત મજૂર ચળવળ, સત્યાગ્રહ અને આઝાદીની લડતમાં ભાગ લીધો. જલિયાંવાલા બાગના હત્યાકાંડ સામેની લડત આરંભી. બિહારમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ સાથે કામ કર્યું. બે વાર જેલવાસ ભોગવ્યો. બૌદ્ધ ધર્મ પણ છોડી માકર્સવાદી બન્યા અને આખરે માનવધર્મ સ્વીકાર્યો.

સંન્યાસી તરીકે તેઓ હિમાલય ગયા. જ્ઞાનાર્જનની ઉત્કટ ઇચ્છાથી અને પ્રવાસશોખને કારણે યુરોપ તથા એશિયાનો વ્યાપક પ્રવાસ કર્યો. 1929માં બૌદ્ધ પ્રાચીનગ્રંથો શોધવાના ઉદ્દેશથી તેઓ ગુપ્તવેશે તે વખતે અભેદ્ય ગણાતા તિબેટમાં પ્રવેશ્યા. ત્યાં સવા બે વર્ષ રહ્યા. ત્યાંની ભાષા શીખ્યા અને સેંકડો પ્રાચીન બૌદ્ધગ્રંથો લઈ પાછા ફર્યા. આમ 4 વખત તિબેટપ્રવાસ ખેડીને તેમણે અતિમૂલ્યવાન પ્રાચીન બૌદ્ધ ગ્રંથોની આશરે 6,000 જેટલી હસ્તપ્રતો એકઠી કરેલી. તેમણે ચીન, રશિયા અને સિલોન (શ્રીલંકા) તથા મ્યાનમારનો અનેક વાર પ્રવાસ કર્યો હતો. લેનિનગ્રાડ યુનિવર્સિટીમાં પ્રાચ્યવિદ્યાનું સંશોધન કર્યું અને ત્યાં બીજી વાર ગયા ત્યારે લગ્નગ્રંથિથી જોડાયા. મ્યાનમારમાં તેમણે સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી હતી. તે દરમિયાન પાલી ભાષાનો અભ્યાસ કર્યો અને ‘ત્રિપિટકાચાર્ય’નું પદ મેળવ્યું. તેઓ એશિયા અને સ્લાવ દેશોની કેટલીક જૂની બોલીઓ તેમજ માતૃભાષા સહિત વિશ્વની કુલ 36 ભાષાઓના જાણકાર હતા.

1927થી તેમની સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ થયો હતો. અનુવાદ અને શ્રેષ્ઠ કોટિની સંસ્કૃત કૃતિઓ પર ટીકા, શબ્દકોશ અને તિબેટની અને તાડપત્ર પરની હસ્તપ્રતોનું સંપાદન પણ તેમણે સુપેરે કર્યું હતું.

હિંદી ભાષા અને સાહિત્યમાં તેમની ‘અપભ્રંશ કાવ્યસાહિત્ય’, ‘દખ્ખિણી હિંદી સાહિત્ય’, ‘આદિ હિંદી કહાનિયાં’ અને ‘હિંદી કાવ્યધારા’ નામક કૃતિઓ ખાસ નોંધપાત્ર છે. તેઓ તેમની ઐતિહાસિક નવલકથાઓ જેવી કે ‘સિંહ સેનાપતિ’ અને ‘જય યુદ્ધેય’ માટે ખૂબ જાણીતા છે.

તેમની સામાજિક નવલકથાઓમાં ‘વીસમી સદી’ અને ‘જીવન કે લિયે’ મુખ્ય છે. ‘સપ્તમી કે બચ્ચે’ અને ‘ક્ધૌલા કી કથા’ તેમના 2 જાણીતા વાર્તાસંગ્રહો છે. મોટેભાગે સાહિત્ય, અર્વાચીન ઇતિહાસ અને પુરાતત્વને લગતા 2 નિબંધસંગ્રહો છે : ‘સાહિત્ય નિબંધાવલિ’ અને ‘પુરાતત્વ નિબંધાવલિ’. ‘યાત્રા નિબંધાવલિ’, ‘યાત્રા કા પન્ને’, ‘બચપન કી સ્મૃતિયાં’ અને ‘તુમ્હારી છાયા’ દ્વારા તેમણે કુલ 70 નિબંધો આપ્યા છે.

તેમના જેલવાસ (1942) દરમિયાન તેમણે ભોજપુરીમાં 8 નાટકો રચ્યાં હતાં. તેમાં ખાસ કરીને કિસાનોની જાગૃતિ અને કિસાન ચળવળને વેગ આપવાના ઉદ્દેશ સાથે તેમણે ‘ભાગો નહીં, દુનિયા કો બદલો’, ‘માનવસમાજ’ અને ‘વૈજ્ઞાનિક ભૌતિકવાદ’ જેવી કૃતિઓ રચી હતી. તેમની મહત્વની સંશોધનાત્મક કૃતિ ‘મધ્ય એશિયા કા ઇતિહાસ’ને 1958ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.

તેમની અન્ય કૃતિઓમાં – નવલકથા : ‘મધુર સ્વપ્ન’; વાર્તાસંગ્રહ : ‘વૉલ્ગા સે ગંગા તક’; સંસ્મરણો અને ચરિત્ર : ‘રાજસ્થાન રાણીવાસ’, ‘અતીત સે વર્તમાન’, ‘સ્ટેલિન’, ‘કાર્લ માકર્સ’, ‘લેનિન’, ‘ધુમક્કડ સ્વામિ’, ‘જીનકા મૈં કૃતજ્ઞ’; તત્વજ્ઞાન : ‘દર્શન દિગ્દર્શન’, ‘બુદ્ધ દર્શન’; પ્રવાસવર્ણન : ‘મેરી લડાખ યાત્રા’, ‘મેરી યુરોપ યાત્રા’, ‘મેરી તિબેટ યાત્રા’, ‘રુસ મેં પચ્ચીસ માસ’ તથા સંપાદન : ‘દખ્ખિણી હિંદી કાવ્યધારા’ અને ‘સરાહ દોહા કોશ’ ઉલ્લેખનીય છે. ‘મેરી જીવન-યાત્રા’ તેમની આત્મકથા છે.

એમની બહુમુખી પ્રતિભાને ભારત સરકારે ‘પદ્મભૂષણ’નો ખિતાબ આપી સન્માની હતી.

બળદેવભાઈ કનીજિયા