સાંકૃત્યાયન, કમલા (. 15 ઑગસ્ટ 1930; કલિમ્પોંગ, જિ. દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી અને હિંદી લેખિકા. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પ્રયાગમાંથી ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવી. તેઓ દાર્જિલિંગમાં લોરેટો કૉલેજના હિંદી વિભાગનાં રીડર રહ્યાં; નવી દિલ્હીમાં લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય કમિશનનાં સભ્ય હતાં.

તેમની માતૃભાષા નેપાળી હોવા છતાં હિંદી તથા અંગ્રેજીમાં મળીને તેમણે કુલ 14 ગ્રંથો આપ્યા છે. નેપાળીમાં : ‘વિચાર તથા વિવેચન’ (1981) વિવેચનગ્રંથ છે. ‘રાહુલ સાંકૃત્યાયન’; ‘લક્ષ્મીનાથ બેઝબરુઆ’ બંને અનૂદિત ચરિત્રો છે. હિંદીમાં : ‘પ્રતિવેશી સાહિત્ય’ (1984) અને ‘આસામ કી લોકકથાયેં’ (1974) લોકકથાસંગ્રહ; ‘જીવનયાત્રા’ ભાગ 6 (1994) (રાહુલ સાંકૃત્યાયનનું ચરિત્ર છે.) ‘ભુતાન’ (1972) સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત નૅશનલ બાયોગ્રાફી ઑવ્ ઇન્ડિયન લિટરેચરનું સંકલન મુખ્ય છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1974માં શિક્ષણ મંત્રાલય દ્વારા નોન-હિંદી સ્પીકિંગ હિંદી રાઇટર તરીકે નૅશનલ ઍવૉર્ડ; 1982માં નેપાલી અકાદમી ઍવૉર્ડ; વેસ્ટ બેંગાલ ગવર્મેન્ટ ઍવૉર્ડ; 1994માં હ્યુમન રિસોર્સિઝ ડેવલપમેન્ટ મંત્રાલયના સેન્ટ્રલ હિંદી ડિરેક્ટોરેટ દ્વારા રાહુલ સાંકૃત્યાયન ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા