મૅક્સમૂલર (જ. 6 ડિસેમ્બર 1823, ડીસાઉ, જર્મની; અ. 28 ઑક્ટોબર 1900, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : સુપ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ, તત્વચિંતક, ભારોપીય (Indo-European) ભાષાશાસ્ત્રી. પૂરું નામ મૅક્સમૂલર ફ્રેડરિક. પિતા વિલ્હેમ મૂલર કવિ. માતામહ એક નાના રજવાડાના દીવાન. 1836 સુધી વતન ડીસાઉમાં અને ત્યારબાદ 1841 સુધી લિપઝિગમાં રહી શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ લિપઝિગ યુનિવર્સિટીમાં ગ્રીક અને લૅટિન ભાષા-સાહિત્યના અભ્યાસાર્થે જોડાયા પણ તેમાં રસ નહિ પડતાં સંસ્કૃતના અભ્યાસમાં જોડાયા અને એમાં રસ પડતાં પ્રોફેસર બ્રૉર્ખાસના માર્ગદર્શન મુજબ સંસ્કૃતનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો. વીસ વર્ષની વયે હિતોપદેશનો જર્મન અનુવાદ પ્રગટ કર્યો. એ વર્ષે તત્વચિંતનમાં ડૉક્ટરેટની પદવી મેળવી. 1844માં તુલનાત્મક ભાષાવિજ્ઞાન અને તત્વચિંતનના ઊંડા અભ્યાસ અર્થે બર્લિન યુનિવર્સિટીમાં પ્રો. બોપ્પ પાસે ગયા. મૂળમાં સંસ્કૃતના વિદ્યાર્થી મૂલરને તુલનાત્મક ભાષાવિજ્ઞાનમાં રસ પડ્યો અને 1845ના અરસામાં જૂની ઈરાની ભાષામાં લખાયેલ ઝંદ અવસ્તાનો અભ્યાસ શરૂ કર્યો. એમાંથી તેમને ધર્મોના તુલનાત્મક અભ્યાસ કરવાની પ્રેરણા મળી. આ અરસામાં મૅક્સમૂલર સુપ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ અને ઝંદ અવસ્તાના પ્રકાંડ પંડિત પ્રો. યૂજીન બર્નોફના સંસર્ગમાં આવ્યા. બર્નોફે પણ તેમને ઋગ્વેદનો તલસ્પર્શી અભ્યાસ કરવા પ્રોત્સાહન આપ્યું. આ અભ્યાસ અર્થે ઋગ્વેદની પ્રમાણિત સમીક્ષિત આવૃત્તિનું સંપાદન કરવું આવશ્યક હતું. મૅક્સમૂલરે એ માટેની સામગ્રી એકત્ર કરવા માંડી. ઋગ્વેદની સમીક્ષિત આવૃત્તિ તેના પરના સમર્થ ભાષ્યકાર સાયણાચાર્યના ભાષ્ય સાથે પ્રગટ કરવાનો તેમણે નિરધાર કર્યો. 1846માં તેઓ ઋગ્વેદની હસ્તપ્રતો એકત્ર કરવા ઇંગ્લૅન્ડ ગયા. પછી તો તે કાર્ય માટે ઑક્સફર્ડમાં રોકાઈ ગયા (1849–75). ત્યાં તેઓ 1850માં અર્વાચીન ભાષાઓના મદદનીશ પ્રાધ્યાપક તરીકે અને 1868માં તુલનાત્મક ભાષા-વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. આ અધ્યાપનકાળ દરમિયાન તેમણે ભારોપીય ભાષાઓના તુલનાત્મક અભ્યાસને લોકપ્રિય બનાવ્યો. દરમિયાનમાં તેમની ઋગ્વેદની સમીક્ષિત આવૃત્તિ સંપાદિત કરવાનું કાર્ય ચાલુ રહ્યું. તેનો પ્રથમ ખંડ 1849માં અને છેલ્લો છઠ્ઠો ખંડ 1874માં પ્રકાશિત થયો. ભારતના પ્રાચીન ધર્મને સમજવાના ઉદ્દેશથી કરવામાં આવેલા આ પ્રકાશનનો તમામ ખર્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઉઠાવ્યો હતો. ઋગ્વેદના પ્રથમ ખંડના બીજા પાનામાં મૅક્સમૂલરે પોતાના નામનું સંસ્કૃત भट्टमोक्षमूलर કર્યું. પછીના વિદ્વાનોએ મોક્ષમૂલરનો અર્થ મોક્ષનું મૂળ આપનાર એવો કર્યો !

મૅક્સમૂલરે 1859માં ‘એ હિસ્ટરી ઑવ્ એન્શ્યટ સંસ્ક્રિત લિટરેચર – સો ફાર ઍઝ ઇટ ઇલસ્ટ્રેટ્સ ધ પ્રિમિટિવ રિલિજિયન ઑવ્ ધ બ્રાહ્મણઝ’ પ્રકાશિત કર્યું. આમાં ‘પ્રિમિટિવ’ એવા વિશેષણના પ્રયોગથી એ ગ્રંથ સામે ઊહાપોહ જાગેલો. ઋગ્વેદની સમીક્ષિત આવૃત્તિ જેવું જ બીજું મહત્વનું કાર્ય ‘ધ સેક્રેડ બુક્સ ઑવ્ ધી ઈસ્ટ’ની ગ્રંથશ્રેણીના સંપાદનનું હતું. આ શ્રેણીમાં પૂર્વના દેશોના વિવિધ ધર્મગ્રંથો અંગ્રેજી અનુવાદ સહિત સંપાદિત કરવામાં આવ્યા હતા. 51 ભાગ ધરાવતી આ ગ્રંથશ્રેણીના સંપાદન અને અનુવાદના કાર્યમાં તેમના જીવનનાં છેલ્લાં 25 વર્ષ ખર્ચાયાં. અલબત્ત આ શ્રેણી તેમની વિદ્વત્તાની યશકલગી સમાન પુરવાર થઈ. આ શ્રેણીના સંપાદન દરમિયાન સંશોધનાત્મક અને ચિંતનાત્મક લેખન અને વ્યાખ્યાનોનું કાર્ય ચાલુ રહ્યું. ‘ધ સાયન્સ ઑવ્ લૅન્ગ્વેજ’, ‘ધ સાયન્સ ઑવ્ રિલિજિયન’, ‘ઇન્ટ્રૉડક્શન ટૂ ધ સાયન્સ ઑવ્ રિલિજિયન’, ‘હીબર્ટ લેક્ચર્સ’, ‘ધી ઑરિજિન ઍન્ડ ગ્રોથ ઑવ્ રિલિજિયન’, ‘ગીફૉર્ડ લેક્ચર્સ’, ‘નૅચરલ રિલિજિયન’, ‘ફિઝિકલ રિલિજિયન’, ‘ઍન્થ્રોપોલૉજિકલ રિલિજિયન’, ‘થિયૉસૉફી ઍન્ડ સાઇકૉલૉજિકલ રિલિજિયન’, ‘ધ સાયન્સ ઑવ્ થૉટ, કૉન્ટ્રિબ્યૂશન’, ‘ટૂ ધ સાયન્સ ઑવ્ માઇથૉલૉજી’, ‘થ્રી લેક્ચર્સ ઑન ધ વેદાન્ત ફિલૉસૉફી’, ‘સિક્સ સિસ્ટમ્સ ઑવ્ ઇન્ડિયન ફિલૉસૉફી’, ‘ઇન્ડિયા, વૉટ કૅન ઇટ ટીચ અસ ?’, ‘રામકૃષ્ણ પરમહંસ’, ‘લાસ્ટ એસેઝ’ વગેરે એમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે 1890માં વિયેનામાં ભરાયેલી ‘ઑરિયેન્ટલ કૉન્ફરન્સ’માં વેદના રચનાકાળ વિશે પહેલવહેલી મૌલિક વિચારણા કરતો સંશોધનલેખ રજૂ કરેલો; જેનાથી ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ પોતપોતાના મતો રજૂ કરવાની પ્રેરણા મેળવેલી. પાલિ અને સંસ્કૃત ભાષામાં રચાયેલા અનેક ગ્રંથોના અનુવાદ તેમણે કર્યા હતા. યુરોપના લોકોને ધ્યાનમાં રાખી ‘સંસ્કૃત ગ્રામર ફૉર બિગિનર્સ’ આજથી 100 કરતાં વધુ વર્ષો પૂર્વે તેમણે મૌલિક શૈલીએ લખેલું. ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિ તરફ તેમને ખૂબ આદર હતો, એ તેમનાં ‘ઇન્ડિયા, વૉટ કેન ઇટ ટીચ અસ ?’ – જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે. એમની વિદ્વત્તાને પુરસ્કારવા એડિનબરો અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓએ LL.D.ની માનાર્હ પદવી આપેલી. તેમની જ્ઞાનોપાસના તેમના મૃત્યુ સુધી ચાલુ રહી. તેમની જ્ઞાનોપાસનાએ અનેક યુરોપીય વિદ્વાનોને પ્રેરણા આપી હતી.

પ્ર. ઉ. શાસ્ત્રી

પ્રવીણચંદ્ર પરીખ