મેક્લૅરન, નૉર્મન (જ. 11 એપ્રિલ 1914, સ્ટર્લિંગ, સ્કૉટલૅન્ડ; અ. 27 જાન્યુઆરી 1987, મોન્ટ્રિયલ, કૅનેડા) : કૅનેડાના ફિલ્મ દિગ્દર્શક. તેમણે સચેતીકૃત (animated) ફિલ્મ-નિર્માણના ક્ષેત્રે યશસ્વી વિકાસ સિદ્ધ કરી બતાવ્યો. સચેતીકરણવાળી ફિલ્મોના ક્ષેત્રે વીસમી સદીના તે એક સૌથી નામાંકિત સર્જક તરીકે નામના પામ્યા. ફિલ્મ-પટ્ટી પર ધ્વનિ તથા છબીચિત્રોનું સીધું જ આલેખન (inscription) કરવા જેવી અનેક મૌલિક ટૅકનિક વિશે અવનવા પ્રયોગો તેમજ સુધારા કર્યા. 1940થી ’50ના દાયકા દરમિયાન, પ્રયોગશીલ મૌલિકતાના આવિષ્કાર રૂપે એક-બે રીલની ફિલ્મ તરીકે ‘ડૉટ્સ’ અને ‘લૂપ્સ’ (બંને 1940), ‘હૉપિલી પૉપ’ (1946) તથા ‘ફિડલ-ડ-ડી’ (1947) તેમજ ત્રિ-પરિમાણી ફિલ્મ તરીકે ‘અરાઉન્ડ ઇઝ અરાઉન્ડ’નું નિર્માણ કર્યું. 1939માં ન્યૂયૉર્ક આવ્યા પછી, ‘ગુગનહાઇમ મ્યુઝિયમ ઑવ્ નૉન-ઑબ્જેક્ટિવ પેન્ટિંગ’ના પ્રોત્સાહનથી તેમણે કેટલીક અમૂર્ત શૈલીની ફિલ્મોનું નિર્માણ કર્યું. બે વર્ષ પછી તેઓ કૅનેડાના નૅશનલ ફિલ્મ બૉર્ડના પ્રયોગશીલ ફિલ્મ માટેના નિર્દેશક તરીકે નિયુક્ત થયા. તેમની ઉત્તરાર્ધની કૃતિઓમાં ‘પૅરલલ્સ’ (1964), ‘મોઝેક’ (1965) અને ‘પાસ દ દ્યૂ’ (1967) જેવી ટૂંકી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મ દ્વારા પ્રત્યાયન માટે તેમણે પ્રયોજેલી મૌલિક શોધો તેમજ જૂની ટૅકનિકનો અભિનવ વિનિયોગ એક અધિકૃત ફિલ્મ-શૈલી બની ગઈ; ટેલિવિઝન માધ્યમના વિકાસના પ્રારંભિક તબક્કામાં ટેલિવિઝન વિજ્ઞાપનક્ષેત્રે પણ તેનો ભારે પ્રભાવ રહ્યો હતો.

મહેશ ચોકસી