મુનશી, કનૈયાલાલ માણેકલાલ

February, 2002

મુનશી, કનૈયાલાલ માણેકલાલ (જ. 30 ડિસેમ્બર 1887, ભરૂચ; અ. 8 ફેબ્રુઆરી 1971, મુંબઈ) : યુગસર્જક ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ ‘ઘનશ્યામ વ્યાસ’. પરંપરાપ્રાપ્ત કુલાભિમાન અને ભક્તિસંસ્કાર; સ્વાભિમાની, પુરુષાર્થી, રસિક પ્રકૃતિના પિતા તથા પ્રભાવશાળી, વ્યવહારકુશળ, વહીવટમાં કાબેલ અને પદ્યકર્તા માતા તાપીબાનો વારસો; પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોનું, નારાયણ હેમચંદ્ર અને જેહાંગીર તાલેયારખાંની કથાઓનું આકર્ષણ. નોકરી અર્થે પિતાની બદલીઓને કારણે વિવિધ સ્થળોનો પરિચય. પિતાના અવસાનથી પ્રમાણમાં નાની વયે કૌટુંબિક જવાબદારી અને આપત્તિનો અનુભવ. કિશોરાવસ્થામાં થયેલી પ્રણયની ઊર્મિલ અનુભૂતિ. 1900માં અતિલક્ષ્મી સાથે લગ્ન; અસંતોષ. 1902માં વડોદરા કૉલેજમાં પ્રવેશ. અરવિંદ ઘોષ, જગદીશ શાહ જેવા અધ્યાપકો અને વિદ્યાવ્યાસંગી વાતાવરણનો પ્રભાવ. દેશભક્તિની ભાવના અને રાષ્ટ્રોન્નતિના વિચારોની ખિલવણી. ર્દઢ ધાર્મિક સંસ્કારો અને વિકસતું સુધારક વલણ. 1905માં ઇન્ટરમાં ‘અંબાલાલ સાકરલાલ પારિતોષિક’ સાથે પ્રથમ વર્ગ. 1907માં અંગ્રેજીમાં મહત્તમ ગુણ મળવાથી ‘એલિયટ પ્રાઇઝ’ સાથે બી. એ.ની પદવી. 1910માં મુંબઈમાં એલએલ.બી.ની પદવી અને હાઈકૉર્ટમાં વકીલ તરીકે નોંધણી.

મુંબઈના માળામાં માંડેલા ઘરસંસારે કરાવેલો કઠોર વાસ્તવિક જીવનનો અનુભવ. સાક્ષરોનો સંસર્ગ. ‘ગુર્જર સભા’ના મંત્રી. પાશ્ચાત્ય સાહિત્યનો પરિચય. સુધારાવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય. 1914માં આર્યસમાજ તરફ ઝોક. 1915માં હોમરૂલ લીગના મંત્રી. 1920માં અમદાવાદ કૉંગ્રેસ અધિવેશનમાં હાજરી. એના પ્રમુખ સુરેન્દ્રનાથ બૅનરજીનો ગાઢ પ્રભાવ. 1919માં થયેલો લીલાવતી શેઠનો પરિચય ઉત્તરોત્તર ઘનિષ્ઠ થતાં 1924માં અતિલક્ષ્મીના અવસાન પછી 1926માં લીલાવતી સાથે પુનર્લગ્ન. 1928માં બારડોલી સત્યાગ્રહથી રાજકીય ક્ષેત્રે પ્રવૃત્તિ અને કૉંગ્રેસપ્રવેશ. 1930 અને ’32માં સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાઈને જેલવાસ. 1937માં મુંબઈ રાજ્યના ગૃહમંત્રી. 1940 અને ’41માં વ્યક્તિગત સત્યાગ્રહ અને જેલવાસ. 1942–45માં ‘અખંડ હિંદુસ્તાન’ના મુદ્દા પર કૉંગ્રેસત્યાગ અને ’46માં પુન:પ્રવેશ. 1948માં ભારતની બંધારણસભાના સભ્ય. સોમનાથ મંદિરના ર્જીણોદ્ધારના પ્રણેતા. 1947માં હૈદરાબાદના એજન્ટ-જનરલ. દેશી રાજ્યોના વિલીનીકરણમાં તેમનું મહત્વનું યોગદાન. 1950માં કેન્દ્રમાં કૃષિ અને અન્નમંત્રી. 1952માં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ. 1957માં સ્વતંત્ર પક્ષના ઉપપ્રમુખ.

પત્રકારત્વક્ષેત્રે 1912માં ‘ભાર્ગવ’ માસિક, 1915માં ઇંદુલાલ યાજ્ઞિકના સહકારથી ‘નવજીવન અને સત્ય’ તથા ‘યંગ ઇંડિયા’, 1922માં સાહિત્યસંસદની સ્થાપના અને ‘ગુજરાત’ માસિકનો આરંભ. 1926માં સમાજના પ્રશ્ર્નોને લક્ષતું ‘સોશ્યલ વેલફૅર’ સાપ્તાહિક શરૂ કર્યું. 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ. 1937, 1949, 1955માં તેના પ્રમુખ. 1944માં ભારતીય ઇતિહાસ સમિતિની રચના. 1954માં વિશ્વ સંસ્કૃત પરિષદના અધ્યક્ષ. 1938માં તેમના જીવંત સ્મારક સમા ભારતીય વિદ્યા ભવનનું નિર્માણ. સમાન્તરે બનતી રહેલી વિભિન્ન ક્ષેત્રની આ ઘટનાઓએ મુનશીની બહુપરિમાણી વ્યક્તિચેતનાને વિકસાવવામાં ફાળો આપ્યો છે. એમના વિપુલ અને વૈવિધ્યવંતા સાહિત્યરાશિમાં ક્યાંક ને ક્યાંક એનો અનુબંધ કળાય છે.

કનૈયાલાલ માણેકલાલ મુનશી

નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, વિવેચક મુનશીની સાહિત્યિક કારકિર્દીનો અસાધારણ સફળ પ્રારંભ 1912માં ‘મારી કમલા’ વાર્તાથી. ‘મારી કમલા અને બીજી વાતો’માં, ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ અને ‘ખાનગી કારભારી’માં રમૂજ તથા ‘શામળશાનો વિવાહ’માં મોટી ઉંમરે નાની બાળકી સાથે લગ્ન કરતા ધનિક શેઠની હાંસીમજાક ઉડાવી છે. તેમની આ સંગ્રહમાંની વાર્તાઓમાં કરુણ પરિસ્થિતિ નિષ્પન્ન થઈ છે. બીજે જ વરસે અર્થોપાર્જનના હેતુથી લખેલી ‘વેરની વસૂલાત’(1913)થી નવલકથાક્ષેત્રે પદાર્પણ. એને મળેલી અતીવ ચાહનાથી પ્રોત્સાહિત થઈને સતત એ જ ક્ષેત્રે ગતિશીલ. ‘પાટણની પ્રભુતા’ (1916), ‘ગુજરાતનો નાથ’ (1918), ‘રાજાધિરાજ’ (1924) – સોલંકીયુગની આ સુકીર્તિત ઐતિહાસિક નવલત્રયીથી ગુજરાતી નવલકથાક્ષેત્રે વળાંક. એમાં આર્યાવર્તની એકતા અને ગુજરાતની અસ્મિતાની ભાવના વ્યક્ત થઈ છે. ઘટનાનું પ્રાધાન્ય અને નાટ્યાત્મક નિરૂપણ, એથી સધાતો કાર્યવેગ, સજીવ વર્ણનો, ઘટનાઓ અને સંવાદોમાં ઓળખાતાં પાત્રોથી આ કથાઓ રોચક નીવડી છે. આ કથાઓની જેમ જ પ્રેમશૌર્ય-અંકિત કથા ‘જય સોમનાથ’ (1940) પણ એકાગ્ર ભાવનાત્મક ર્દષ્ટિ અને વર્ણનછટાને લઈને વિશિષ્ટ બની છે. ‘પૃથિવીવલ્લભ’(1920)માં મુનશીની જીવનના ઉલ્લાસની અને સરસતાની ભાવના વ્યક્ત થઈ છે. મુંજાલ, મીનળદેવી, કીર્તિદેવ, મંજરી, મુંજ, મૃણાલ, ચૌલા – આ બધાં પાત્રો સહેજે ભુલાય એવાં નથી. પ્રાણવાન ગદ્ય પણ એનું નોંધપાત્ર અંગ છે. ફ્રેંચ કથાકાર ઍલેક્ઝાંડર ડૂમાનો પ્રભાવ અને ઐતિહાસિક તથ્યોની જાળવણી, એ મુનશીની કથાઓના સંદર્ભમાં વિવાદાસ્પદ મુદ્દાઓ રહ્યા છે.  ડૂમાનો સીધો પ્રભાવ એમાં અનેક જગાએ વરતાઈ આવે છે, જે લેખકે પોતે પણ સ્વીકારેલો છે. ઐતિહાસિક તથ્યોની બાબતમાં ઔચિત્ય અને વિવેક સચવાયાં નથી એમ પુરવાર થયેલું છે. એ માટે લેખકનો ઐતિહાસિક નવલકથા વિશેનો આગવો ખયાલ પણ જવાબદાર છે. ‘ભગ્નપાદુકા’ (1955) ગુજરાતમાં અસ્ત પામતા રાજપૂત-યુગની કથા છે. પાત્રમુખે કહેવાયેલી આ કથામાં પ્રથમ પુરુષ નિરૂપણરીતિનો પ્રયોગ ધ્યાન ખેંચે છે. ‘ભગવાન કૌટિલ્ય’(1924)માં મુનશીની આર્યત્વની ભાવના ર્દઢમૂલ કરતી નંદના ઉચ્છેદ અને મૌર્ય શાસનની પ્રતિષ્ઠાની ઇતિહાસપ્રસિદ્ધ ઘટના નિરૂપાઈ છે. મુનશીની પૌરાણિક કથાઓમાં ‘લોપામુદ્રા’(1933)નો પહેલો ખંડ કથાસ્વરૂપે અને બાકીના 3 નાટ્યસ્વરૂપે છે. એમણે ‘લોમહર્ષિણી’ (1945) અને ‘ભગવાન પરશુરામ’ (1946) નામની કથાઓ પણ આપી છે. અંતિમ (અપૂર્ણ) કથા ‘કૃષ્ણાવતાર’ (ખંડ 1થી 8) (1963–1970) વેદપુરાણકાળની મહાકથા રચવાની એમની મહત્વાકાંક્ષાનું ફળ છે.

સામાજિક નવલકથાઓમાં પ્રથમ ‘વેરની વસૂલાત’ પર ‘સરસ્વતી-ચંદ્ર’નો પ્રભાવ પાધરો છે. તેમ તેમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ દેખીતો છે. આ રંગદર્શી કથાકાર એમાં પૂરેપૂરા ઓળખાઈ આવે છે. ‘કોનો વાંક ?’ (1915) સમાજલક્ષી વિદ્રોહી અભિગમથી લખાયેલી છે તો ‘સ્વપ્નદ્રષ્ટા’ (1924) નજીકના ઇતિહાસની ભૂમિકા પર નવયુવકોના મનોજગતનો ચિતાર રજૂ કરે છે. ‘તપસ્વિની’(1957–58)માં પણ તત્કાલીન રાજકીય પ્રવૃત્તિની ભૂમિકા છે અને સ્નેહસંબંધ તથા દામ્પત્યનું આલેખન છે.

નાટકોમાં ‘ધ્રુવસ્વામિનીદેવી’ (1929) જેવા ઐતિહાસિક, ‘લોપામુદ્રા’ (ખંડ 2-3-4) (1933–34), ‘પૌરાણિક નાટકો’ અને ‘સામાજિક નાટકો’ નામના નાટ્યસંચયો, ‘કાકાની શશી’ (1928), ‘બ્રહ્મચર્યાશ્રમ’ (1931), ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ (1933), ‘ડૉ. મધુરિકા’ (1936), ‘છીએ તે જ ઠીક’ (1948), ‘વાહ રે મૈં વાહ’ (1949) જેવાં અન્ય સામાજિક નાટકોનો સમાવેશ થાય છે. ‘ધ્રુવસ્વામિનીદેવી’ 4 અંકમાં વીસેક વર્ષના સમયફલક પર વિસ્તરેલું વિશાખદત્તના ‘દેવી-ચંદ્રગુપ્તમ્’ને આધારે લખાયેલું અભિનયક્ષમ નાટક છે. આર્ય સંસ્કૃતિના ઉદયકાળનું કથાવસ્તુ લઈને આર્ય સંસ્કૃતિની સ્થાપનાનો મૂલ્યબોધ કરતાં પૌરાણિક નાટકો તથ્યવિવેકની ચિંતા કરતાં નથી. એેમાંના પરિવેશને અનુરૂપ સંવાદો અને ભાષાપ્રયોગ નાટ્યતત્વને પોષક નીવડે છે. સામાજિક નાટકોમાં જોવા મળતી મુનશીની ઉપહાસર્દષ્ટિ અને વ્યંગાત્મક શૈલી એમનું પ્રણાલિકાભંજક વલણ પ્રગટ કરે છે અને કૃતિને પ્રહસનનું રૂપ આપે છે. ભદ્રવર્ગની દાંભિકતા, સ્વભાવગત નબળાઈ, સ્ત્રીની સમાનતા અંગેના તેના પોકળ ખયાલો, આદર્શઘેલછાનું મિથ્યાત્વ – આ બધું પાત્રોને વિલક્ષણ પરિસ્થિતિમાં મૂકીને નિર્મમતાથી ખુલ્લું પાડવામાં આવ્યું છે. રંગમંચક્ષમતા પણ તેનું ગુણપાસું છે.

‘અડધે રસ્તે’ (1942), ‘સીધાં ચઢાણ’ (1943) અને ‘સ્વપ્ન-સિદ્ધિની શોધમાં’ (1953), એવા 3 ખંડમાં લખાયેલી આત્મકથાનાં શીર્ષક મુનશીના જીવનની પરિસ્થિતિ અને તેમની મન:સ્થિતિનાં દ્યોતક છે. જન્મજાત પ્રતિભાના ખયાલથી આદરેલા અથાગ પુરુષાર્થ અને સંઘર્ષો તથા અનુભવેલાં મંથનો એમાં પ્રભાવક રીતે નિરૂપાયાં છે. તે કુળકથાથી આરંભાઈને 1926 સુધીની અનુભવકથા કહે છે. રસદાયકતાની નેમ સાથે નવલકથાની નજીક જઈને એ ગુજરાતી આત્મકથાસાહિત્યમાં નવી આબોહવા સરજે છે. આત્મસ્થાપનનો સભાન પ્રયાસ એમાં અનેક જગાએ દેખાઈ આવે છે.

‘શિશુ અને સખી’ (1932) મુગ્ધાવસ્થાની આત્મલક્ષી ઊર્મિકથા છે; તો ‘મારી બિનજવાબદાર કહાણી’ (1943) યુરોપયાત્રાની અરૂઢ કથા છે. ‘નરસૈંયો – ભક્ત હરિનો’ (1933) અને ‘નર્મદ – અર્વાચીનોમાં આદ્ય’ (1939) ચરિત્રવિષયનું સુરેખ અને સજીવ આલેખન કરતી કૃતિઓ છે. વિગતો કરતાં રસપ્રદ નિરૂપણ પર એમાં સવિશેષ ધ્યાન અપાયું છે. ‘કેટલાક લેખો’ (1924) પુસ્તકમાં પણ ‘ગુજરાતના જ્યોતિર્ધરો’ (1925) જેવા ગુજરાતના સંસ્કારવિધાયકોનાં ચરિત્રાંકનો કરતો લેખ છે. ‘ચક્રવર્તી ગુર્જરો’ આ પ્રકારનું અન્ય પુસ્તક છે. ‘ગુજરાતની અસ્મિતા’ (1936), ‘ગુજરાતની કીર્તિગાથા’, ‘અખંડ હિન્દુસ્તાન’માં ગુજરાતની અસ્મિતા અને દેશની એકતાની ભાવના પ્રબળ છે. ‘કેટલાક લેખો ભાગ 1–2’, ‘થોડાંક રસદર્શનો’, ‘આત્મશિલ્પની કેળવણી’, ‘પરિષદને પ્રમુખપદેથી’ (1955), સાહિત્ય, શિક્ષણ, ઇતિહાસ, રાજનીતિ, સમાજસુધારણા, સંસ્કૃતિ આદિ વિષયો પરનો એમનો અભ્યાસ, ર્દષ્ટિકોણ અને ચિંતન ઉદબોધનાત્મક શૈલીમાં રજૂ કરે છે. એમાંનાં અમુક મૂળ અંગ્રેજીનાં ભાષાંતરો છે. અખો, પ્રેમાનંદ, દયારામ જેવા કવિઓ વિશેનાં મુનશીનાં આગવાં નિરીક્ષણો અને ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’ (1935) ગ્રંથ એમની વિવેચક તરીકેની શક્તિમતિનો પરિચય કરાવે છે. ઇતિહાસ, રાજનીતિ, ફિલસૂફી, ધર્મ, શિક્ષણ, સંસ્કૃતિ, કાનૂન, પત્રકારત્વ એમ વિવિધ વિષયોને લક્ષતા એમના અંગ્રેજી ગ્રંથોની સંખ્યા ચાળીસેક જેટલી છે, જેમાં ‘આઇ ફૉલો ધ મહાત્મા’ (1940), ‘ધી અર્લી આર્યન ઇન ગુજરાત’ (1938), ‘ધ ગ્લૉરી ધૅટ વૉઝ ગુર્જર દેશ’ (1944), ‘ભગવદ્ગીતા ઍન્ડ મૉડર્ન લાઇફ’ (1948), ‘કુલપતિઝ લેટર્સ (1954–56), ‘ધ સાગા ઑવ્ ઇન્ડિયન કલ્ચર’ ઉલ્લેખનીય છે. મુનશીની ગુજરાતી કૃતિઓના અંગ્રેજી ઉપરાંત હિંદી, મરાઠી, કન્નડ, તમિળ અને સંસ્કૃત ભાષાઓમાં પણ અનુવાદ થયા છે.

વડોદરામાં તેમના પ્રોફેસર અરવિંદ ઘોષથી આકર્ષાઈને ક્રાંતિકારી જૂથ તરફ ઢળ્યા અને બૉમ્બ બનાવવામાં રસ લીધો; પરંતુ 1915માં મુંબઈ ગયા પછી હોમરૂલ લીગની પ્રવૃત્તિમાં જોડાઈ તેમાં મંત્રી (સેક્રેટરી) બન્યા. 1917માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની વિષયવિચારિણી સમિતિના સભ્યપદે ચૂંટાયા. તે જ વર્ષે બૉમ્બે પ્રેસિડન્સી ઍસોસિયેશનના મંત્રી બન્યા. 1927માં મુંબઈની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્યપદે યુનિવર્સિટી મતદારમંડળમાંથી ચૂંટાયા. આ દરમિયાન ગાંધીજીથી આકર્ષાઈને 1928માં બારડોલી સત્યાગ્રહના પ્રશ્ને વિધાનસભા(લેજિ. કાઉન્સિલ)માંથી રાજીનામું આપી દીધું. તે પછી કૉંગ્રેસમાં જોડાઈને 1930માં સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવાથી તેમની ધરપકડ થઈ અને છ માસની કેદની સજા ભોગવી. 1932માં બીજા તબક્કાની ચળવળમાં તેમણે બે વર્ષની જેલની સજા ભોગવી. 1937માં મુંબઈ રાજ્યમાં કૉંગ્રેસની સરકારમાં ગૃહમંત્રી તરીકે કોમી હુલ્લડો કડક હાથે દાબી દીધાં. 1940માં વ્યક્તિગત સત્યાગ્રહ કરીને જેલની સજા ભોગવી. 1941માં અખંડ ભારતનો પ્રચાર કરવા માટે દેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો. 1943થી 1945 દરમિયાન ‘હિંદ છોડો’ ચળવળ અંગેના કેટલાક મહત્વના કેસોમાં સત્યાગ્રહીઓના વકીલ તરીકે સેવા આપી.

તેમણે 1933માં કૉંગ્રેસની સંસદીય પાંખ માટેની લડતનો આરંભ કર્યો અને 1934માં સંસદીય બૉર્ડના મંત્રી નિમાયા. 1937માં મુંબઈ ઇલાકાના બાળાસાહેબ ખેર પ્રધાનમંડળમાં તેઓ ગૃહપ્રધાન નિમાયા. 1941માં ‘અખંડ હિંદુસ્તાન’ની લડત નિમિત્તે દેશનો પ્રવાસ ખેડ્યો. સ્વ-રક્ષણમાં હિંસાના ઉપયોગ બાબતે તેમને કૉંગ્રેસ પક્ષ સાથે મતભેદો સર્જાતાં 1941માં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. ગાંધીજીની સલાહને કારણે 1946માં ફરી તેઓ કૉંગ્રેસમાં જોડાયા. તે પછી બંધારણસભામાં ચૂંટાયા અને તેના સભ્ય નિમાયા. બંધારણના ઘડતરમાં તેમની મેધાવી પ્રતિભા, કાયદાકીય જ્ઞાન અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાનો લાભ મળ્યો. 1948માં હૈદરાબાદ રાજ્યનું ભારતીય સંઘ સાથેનું જોડાણ અનિશ્ચિત હતું ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે તેમને ભારત સરકારના એજન્ટ-જનરલ નીમવામાં આવ્યા. તેમણે અત્યંત કુનેહપૂર્વક પરિસ્થિતિ સંભાળી, પરિણામે હૈદરાબાદ ભારતીય સંઘમાં જોડાયું. 1952માં ભારત સરકારના ખાદ્યમંત્રી અને 1953થી 1958 ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેની તેમની સેવાઓનો લાભ પ્રાપ્ત થયો હતો.

કૉંગ્રેસ પક્ષે 1958–59માં જમીનમાલિકીની ટોચમર્યાદા બાંધવાના અને સમાજવાદના અમલીકરણના પ્રયાસો આરંભ્યા ત્યારે આ પગલાં અંગેના વૈચારિક મતભેદોના કારણે તેમણે રાજીનામું આપ્યું. 1959માં ચક્રવર્તી રાજગોપાલાચારી, મીનુ મસાણી, પ્રો. રંગા અને મુનશીએ સક્રિય વિચારણા બાદ સ્વતંત્ર પક્ષની રચના કરી અને તેનું વૈચારિક માળખું ઘડ્યું. એ સમયે અન્ય રાજકીય પક્ષો ‘ઉદ્દામવાદી’ તરીકે પોતાની ઓળખ ઊભી કરવાની મથામણ કરતા હતા ત્યારે સ્વતંત્ર પક્ષને ‘રૂઢિચુસ્ત’ પક્ષ તરીકેની ઓળખ આપવામાં આ નેતાગણે ગૌરવ અનુભવ્યું હતું.

ધીરેન્દ્ર મહેતા

જયકુમાર ર. શુક્લ

રક્ષા મ. વ્યાસ