મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ

February, 2002

મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ (જ. 3 જાન્યુઆરી 1836, મથુરા, અ. 1895) : લખનૌની પ્રકાશનસંસ્થા મુનશી નવલકિશોરના સ્થાપક. તેમણે ભારતીય વિદ્યા, કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપ્યું, તથા ઉર્દૂ ભાષા-સાહિત્યના મહાન પ્રણેતા બની રહ્યા. મુનશી નવલકિશોર એક વ્યક્તિ નહિ, પરંતુ એક સંસ્થા સમાન હતા. તેમણે 1858–1895ના 38 વર્ષના ગાળામાં અરબી, ફારસી, ઉર્દૂ તથા હિંદીમાં ભાષા, સાહિત્ય, શબ્દકોશ, ઇતિહાસ, ઔષધશાસ્ત્ર, જીવન-ચરિત્ર, પ્રવાસ-યાત્રાને લગતાં, હિંદીમાંથી અંગ્રેજીમાં અનુવાદો, કાયદાનાં પુસ્તકો તથા પાઠ્યપુસ્તકો વગેરે મળીને આશરે 2,041 પ્રકાશનો બહાર પાડ્યાં હતાં. તેમનાં અરબી-ફારસીનાં પ્રકાશનો ઈરાન અને અરબ દેશો સુધી અને અંગ્રેજી પ્રકાશનો યુરોપ સુધી પહોંચતાં હતાં. તેમણે ધર્મ તથા સાહિત્ય વિશેનાં અરબી-ફારસી તથા ઉર્દૂ પુસ્તકો એટલા વિપુલ પ્રમાણમાં બહાર પાડ્યાં છે કે દેશ-વિદેશની મુસ્લિમ શિક્ષણસંસ્થાઓએ મુનશી નવલકિશોરની સેવાને બિરદાવી છે. તેઓ એક વિદ્યાપ્રેમી કાયસ્થ કુટુંબના નબીરા હતા. તેમના વડવાઓએ મુઘલ રાજ્યમાં ઊંચી વહીવટી પદવીઓ મેળવી હતી. તેમના પિતાનું નામ મુનશી જમનાપ્રસાદ અને માતાનું નામ યશોદાદેવી હતું. ઉર્દૂ તેમની માતૃભાષા હતી અને અરબી તથા ફારસીનું શિક્ષણ તેમણે મદરેસાઓમાં લીધું હતું. તેમણે આગ્રા કૉલેજમાં 5 વર્ષ સુધી ઉચ્ચ આધુનિક શિક્ષણ પણ મેળવ્યું હતું. તેમને વિદ્યાર્થીકાળથી લખવાનો શોખ હતો અને આગ્રાના એક ઉર્દૂ સામયિક ‘સફીરે આગ્રા’માં તેમના લેખો છપાતા હતા, તેમણે થોડાંક વર્ષો સુધી લાહોરના એક અખબાર ‘કોહે નૂર’માં પણ કામ કર્યું હતું. ‘સફીરે આગ્રા’ના તંત્રી તથા માલિક દીવાનચંદ અને ‘કોહે નૂર’ના તંત્રી મુનશી હરસુખરાય ભટનાગરે તેમને સારું પ્રોત્સાહન આપ્યું હતું. મુનશી નવલકિશોરે મુદ્રણ અને પ્રકાશનને લગતો બહોળો અનુભવ લઈને 1858માં લખનૌમાં પોતાનું પ્રેસ સ્થાપ્યું. તેઓ શરૂઆતમાં ઉર્દૂ ભાષામાં ધાર્મિક પુસ્તકો અને સરકારી કાગળો છાપતા હતા. મુનશી નવલકિશોર દરેક કામ જાતે કરતા. છાપેલાં પુસ્તકો દુકાનદારોને ત્યાં અને સરકારી કાગળો દફતરોમાં જાતે ખભે ઊંચકીને પહોંચાડતા હતા. ટૂંક સમયમાં તેમના પ્રેસની ખ્યાતિ એટલી વધી ગઈ કે ભારતીય ઉપખંડ ઉપરાંત તુર્કસ્તાન, અફઘાનિસ્તાન, અરબસ્તાન તથા યુરોપથી પણ મુદ્રણ અને પ્રકાશનનું કામ મળવા લાગ્યું હતું. મુનશી નવલકિશોરે પોતાના પ્રેસને અત્યંત આધુનિક બનાવ્યું હતું. હૅન્ડ-પ્રેસને બદલે મશીનપ્રેસ, આયાતી કાગળ વાપરવાને બદલે કાગળની મિલ નાંખીને કાગળનું ઉત્પાદન કરવાનું કામ, ટાઇપની ફાઉન્ડ્રીની સ્થાપના જેવાં કેટલાંક મહત્વનાં પગલાં તેમણે ભર્યાં હતાં. તેઓ લેખકો તથા અનુવાદકોને, લહિયાઓ તથા પ્રૂફ-રીડરોને કાયમી નોકરીમાં રાખીને ઉત્તમ ગુણવત્તાવાળું કામ કરાવતા હતા. તેમનાં પ્રકાશનોનું ટપાલ દ્વારા વિતરણ એટલું બધું વધી ગયું હતું કે અંગ્રેજ શાસને તેમના પ્રેસ સાથે સંલગ્ન પોસ્ટ ઑફિસ ખોલી આપી હતી ! તેમણે પુસ્તક-પ્રકાશનના ક્ષેત્રમાં દેશને માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમણે લખનૌ ઉપરાંત કાનપુર, લાહોર, પતિયાળા તથા અજમેરમાં પ્રેસ તથા બુક ડેપોની શાખાઓ તથા જબલપુર, દિલ્હી, પટણા, કૉલકાતા, અલ્લાહાબાદ અને લંડનમાં એજન્સીઓ સ્થાપી હતી. મુનશી નવલકિશોરે 1858માં, લખનૌમાં પ્રેસની સ્થાપનાની સાથે ‘અવધ અખબાર’ નામનું દૈનિક સમાચારપત્ર પણ શરૂ કર્યું હતું. આ સમાચારપત્રે સાહિત્ય, કલા, સંસ્કૃતિ તથા સમાજસેવાના ક્ષેત્રે માહિતી-પ્રસારણનાં ઉચ્ચ ધોરણો કાયમ કર્યાં હતાં. તેમણે મુનશી નવલકિશોર પ્રેસ અને ‘અવધ અખબાર’ દ્વારા કવિઓ, લેખકો, સાહિત્યકારો, અનુવાદકો તથા તંત્રીઓ અને સંપાદકોની એક આખી પેઢી ઊભી કરી હતી; જેણે ઉર્દૂ, હિંદી, સંસ્કૃત તથા અંગ્રેજી ભાષાઓના સાહિત્યસંપાદન અને પ્રકાશનના ક્ષેત્રે નવી ભાત પાડી. મુનશી નવલકિશોરે પોતાની વિવિધલક્ષી સેવાઓ દ્વારા વિશ્વવ્યાપી નામના મેળવી હતી. ઉત્તર ભારતના બધા સમકાલીન મહાનુભાવો, અંગ્રેજી શાસકો અને ભારતના પ્રવાસે આવનાર વિદેશી રાજવીઓ-અફઘાનિસ્તાન તથા ઈરાનના તે સમયના શાહો મુનશી નવલકિશોરની મુલાકાત લેવામાં ગર્વ અનુભવતા હતા. મુનશી નવલકિશોરે 1857ના નિષ્ફળ વિપ્લવ તથા તેના પરિણામસ્વરૂપ ઊભી થયેલી નિરાશાની પરિસ્થિતિમાં, એક તરફ વિદેશી શાસકો સાથે સારા સંબંધો સ્થાપીને અને બીજી તરફ લોકોની સાચી સેવા બજાવીને, રાજ્ય અને પ્રજા વચ્ચે સેતુનું કામ કર્યું હતું. તેમણે કોમી એકતા તથા એખલાસ કાયમ કરવા અને જુદી જુદી સભ્યતાઓના મિશ્રણ દ્વારા ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કર્યું હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી